આપણા શબ્દોમાં સફળતાનાં બીજ છુપાયેલા હોય છે. આપણી ભાષાથી જ નિર્ધારિત થાય છે કે આપણું ભવિષ્ય શું હશે. સકારાત્મક શબ્દ અને વાક્યપ્રયોગ કરનારા લોકોની માનસિકતા પણ સકારાત્મક જ બને છે. તેમની વાણી, વિચાર અને વર્તન પણ એક સિદ્ધ વ્યક્તિને છાજે તેવું બનતું જાય છે. જેમ કોઈ પાત્રના અવકાશને આપણે ઇચ્છીયે તેનાથી ભરી શકીએ છીએ તેવી જ રીતે આપણા મગજને પણ આપણે ચાહિયે તેનાથી ભરી શકીએ તેવી ક્ષમતા આપણને મળી છે. ‘ધ પાવર ઓફ પોઝિટિવ થિન્કીંગ’ નામના પુસ્તકમાં લેખક નોર્મન વિન્સેન્ટ પીલ આ વાત પર ખુબ ભાર મૂકે છે અને 1952માં તેનું પ્રકાશન થયું ત્યારથી આજ સુધી આ પુસ્તક લોકોને સકારાત્મક વિચારોનું મહત્ત્વ સમજાવતું આવ્યું છે.
‘ધ સિક્રેટ’ નામના પુસ્તકમાં રહોન્ડા બૈરન પણ એવું જ કથન કરે છે કે આપણા શબ્દો, આપણા વિચારો આપણા ભવિષ્યના ઘડવૈયા છે. જયારે આપણે સકારાત્મક તરંગો સૃષ્ટિમાં છોડીયે છીએ ત્યારે તેનાથી સકારાત્મકતા જ આપણા તરફ આકર્ષિત થાય છે. તેનાથી વિરુદ્ધ કરનારા લોકો નકારાત્મકતાનો ભોગ બને છે તે પણ હકીકત છે. આપણા શબ્દો કેવી ગહન અસર કરી શકે તેના ઉદાહરણ રૂપે મહાત્મા ગાંધી અને હિટલર જેવા સમકાલીન રાજકારણીઓનું ઉદાહરણ લઇ શકાય.
વિશ્વના એક ભાગમાં જયારે ગાંધી લોકોને નિઃશસ્ત્ર સત્યાગ્રહ માટે પ્રેરિત કરીને અહિંસાનું જનઆંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે બીજા ભાગમાં હિટલર જેવા નેતા લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર બની રહ્યા હતા. તેમના શબ્દોમાં શક્તિ હતી. જેમણે સકારાત્મક શબ્દો વાપરીને લોકોને આશા આપી તેઓએ સંહાર અટકાવ્યો પરંતુ જેમણે નકારાત્મક શબ્દો દ્વારા ભયનું વાતાવરણ સર્જ્યું તેઓ જનસંહાર માટે કારણભૂત બન્યા.
રોજિંદા જીવનમાં પણ કેવા શબ્દો અને વાક્યો દ્વારા આપણો દિવસ પસાર કરીએ છીએ તેના આધારે નક્કી થાય છે કે આપણું વર્તમાન કેવું હશે. સારું બોલનારા લોકોના મિત્રો ઘણા હોય છે એ વાત તો આપણે જાણીએ જ છીએ પરંતુ તેમની એ વાણીનો પ્રભાવ તેમના ભવિષ્ય પર પણ પડતો હોય છે એ વાત ઓછા લોકો જાણતા હોય છે.
સારી વાત એ છે કે કોઈપણ બાબત કે સ્થિતિને વ્યક્ત કરવા માટે આપણી પાસે નેગેટિવ અને પોઝિટિવ પ્રકારના શબ્દો વાપરવાનો વિકલ્પ હોય છે. એ આપણા પર આધાર રાખે છે કે આપણે ક્યાં પ્રકારના શબ્દોનો પ્રયોગ કરીશું. જેમ કે, કોઈ તમને આમંત્રણ આપે અને તમારે ન જવું હોય તો જવાબ આપવા માટે આ પ્રકારના બે વિકલ્પો હોઈ શકે: ‘હું તે દિવસે વ્યસ્ત છું. હું નહિ આવી શકું.’ અથવા તો ‘તમારું આમંત્રણ સ્વીકારવું તો કોને ન ગમે? આ વખતની વ્યસ્તતાને કારણે શું હું તમને વિનંતી કરી શકું કે ફરીથી જયારે તક મળે ત્યારે મને જરૂર યાદ કરજો.’ ક્યારેક બે શબ્દો વધારે વાપરવા પડે, થોડી વાતને લંબાવી પડે, પરંતુ તેનાથી આપણે નકારાત્મકતા ફેલાવતા અટકી જઈએ છીએ.
ડિપ્લોમસીમાં - રાજદ્વારિતામાં તો શબ્દો અને ભાષાનું ખુબ જ મહત્ત્વ છે. એટલા માટે જ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જયારે કોઈ વાતચીત થાય છે તેમાં શબ્દોને બરાબર જોખી જોખીને બોલવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સમાં જયારે કોઈ ડિપ્લોમેટ બોલે છે ત્યારે તેના સ્ટેટમેન્ટ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવતા હોય છે. તેવું જ મોટા સત્તાધારીઓના ભાષણોનું પણ હોય છે. તેઓ સામાન્ય રીતે ખુબ તૈયારી કર્યા બાદ જ પોતાના ભાષણો આપતા હોય છે કેમ કે તેમનું બોલેલું ઘણીવાર મુસીબત બની શકે છે.
આપણી પાસે વિકલ્પ હોય છે કે આપણે પોતાની ભાષા અને શબ્દો જાતે જ નક્કી કરીએ. એટલા માટે સકારાત્મકતાને જ પોતાના જીવનનો ભાગ બનાવવી જોઈએ. જેટલું સારું પ્રભુત્વ તમારું ભાષા પર આવશે, જેટલી સારી પકડ તમારી શબ્દો પર આવશે તેટલું જ પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ બનશે. તમારા શબ્દોની પસંદગીમાં જ એટલું વજન હશે કે તમારે ક્યારેય ઊંચા અવાજે બોલવું નહિ પડે. તમારે ક્યારેય કોઈની સાથે ઝગડો કરવો નહિ પડે. માત્ર તમારા બોલવાનો લય અને ભાષા પોતાનું કામ સચોટ રીતે કરશે. તમારા શબ્દોથી ન માત્ર તમે તમારા જીવનમાં સકારાત્મકતા અને સફળતા લાવી શકશો પરંતુ બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરીને સફળતાનાં માર્ગે દોરી શકશો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)