આયોજન અને અમલમાં છુપાયું છે સફળતાનું રહસ્ય

- રોહિત વઢવાણા Wednesday 27th November 2024 06:25 EST
 
 

જો વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં આયોજન કરતા અને તેનો અમલ કરતા શીખી જાય તો તેને સફળ થતા કોઈ ન રોકી શકે. વ્યક્તિને સફળ થવા માટે ટેલેન્ટ નહિ, સંસાધનો નહિ પરંતુ નિયમિત રીતે નિર્ધારિત આયોજન પર કામ કરવાની જરૂર છે. ભલે પછી તે આયોજનમાં 12 કલાકનું હાર્ડવર્ક ન હોય, ભલે વ્યક્તિ પોતાની રાતની ઊંઘ હરામ ન કરતો હોય, ભલેને તે માત્ર ત્રણ જ કલાક કામ કરે અને બાકીના 21 કલાક પોતાના માટે સાચવે, પરંતુ જો તે ત્રણ કલાક નિયમિત રીતે તે નિર્ધારિત સમયે, નિર્ધારિત કામ કરે અને તે આયોજનને વળગી રહે તો ત્રણ વર્ષમાં તો તે કેટલો સફળ થઇ જાય તેનો અંદાજ આપણે ન લગાવી શકીએ.

માનો કે તમારે 12 કિલો વજન ઘટાડવું છે. રોજિંદા આયોજનમાં 45 મિનિટ કસરત કરવાનું નક્કી કરી લો. અને કોઈપણ બહાના વિના રોજની 45 મિનિટ કસરત વગર ચૂક્યે કરતા રહો તો તમારું વજન કેમ ઓછું ન થાય? તમારે તરતાં શીખવું હોય, મેરેથોન દોડવાની પ્રેક્ટિસ કરવી હોય, પેઇન્ટિંગ શીખવી હોય કે ગાતા શીખવું હોય - લગભગ બધાં જ કામ અમુક સમય નિર્ધારિત કરીને નિયમિત રીતે કરવાથી સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. કોઈને પુસ્તક લખવું હોય કે પીએચ.ડી. કરવું હોય, કોઈ ઓનલાઇન કોર્સ કરવો હોય કે પછી બીજું કૈંક શીખવું કે કરવું હોય તે ચાર-છ મહિના સુધી નિયમિત મહેનત કરવાથી ન થાય તેવું બની જ ન શકે.
માત્ર અને માત્ર એક જ વાત પર તમારે ફોકસ કરવાનું છે: આયોજન બનાવીને તેને વળગી રહો. જે સમય જે કામ માટે નિર્ધારિત કર્યો હોય તેને કોઈ જ સંજોગોમાં ન બદલવાનું વલણ બનાવી લો તો શક્ય છે કે આવનારા પાંચ વર્ષમાં તમે નક્કી કરેલા ક્ષેત્રમાં સૌથી આગળ પડતા લોકો પૈકી એક હોઈ શકો. આ સાતત્ય અને નિયમિતતાનું મૂલ્ય આપણને સામાન્ય જીવનમાં સમજાઈ તેમ નથી પરંતુ પૂરા ધ્યાનથી આયોજનબદ્ધ કામ નિયમિત રીતે કરવાથી અપ્રતિમ પરિણામ આવી શકે છે.
એક બીજી આવશ્યક શરત એ છે કે માત્ર કરવા ખાતર તે કામ આયોજન પ્રમાણે કરવાથી નહિ પરંતુ તેને વિના અડચણે, ધ્યાન કેન્દ્રિત કરીને કરવું આવશ્યક છે. જો રોજ બે કલાક વાંચવાનું આયોજન બનાવ્યું હોય પરંતુ તે બે કલાક દરમિયાન 20 વખત મોબાઈલ ચેક કરીએ તો આપણું ફોકસ ક્યાં રહ્યું? આપણું ધ્યાન કેન્દ્રિત ન થયું હોવાથી આપણે ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. આપણી એ બે કલાકની મહેનતમાં જે રિઝલ્ટ આપવાની ક્ષમતા છે તે પાર પડતી નથી અને પરિણામે ઈષ્ટતમ ફળ પ્રાપ્ત થતું નથી. આજના સમયમાં લોકોને એ કહેવું કે પૂર્વનિર્ધારિત સમય સુધી તમારે એક જ કામમાં ધ્યાન પરોવી રાખવાનું છે, મોબાઈલ જોવાનો નથી, કોઈની સાથે ચેટ કરવાની નથી, સોશિયલ મીડિયા ચેક કરવાના નથી વગેરે વગેરે તો તે આપણને ગાંડા માને. અને વળી કોઈ એવું કરવા ઈચ્છે તો પણ એ કામ એટલું કપરું છે કે ઘણીવખત તે અધૂરામાં જ આ સંકલ્પ છોડી દે.
તમે પણ જો કોઈ સફળતા મનમાં ધરીને બેઠા હોય, કોઈ મુકામ હાંસિલ કરવા ઇચ્છતા હો, કોઈ કલા કે આવડત, કોઈ ડિગ્રી કે શિક્ષણ વગેરે માટે પ્રયત્ન કરવા ઇચ્છતા હો તો આજે જ એક આયોજન બનાવો. તેમાં તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે જે મહેનત કે તૈયારી કરવાની હોય તે નોંધી લો અને પછી તેના માટે નિશ્ચિત સમયની ફાળવણી કરો. આ સમય અને દિવસ ફેલાતા આસાન નથી. ઘણા લોકો તેનો અમલ કરી શકતા નથી અને ગીવ અપ કરી દે છે. પરંતુ જો હિમ્મત રાખીને, ધગશ અને ધીરજથી એ આયોજન પ્રમાણે કામ કરતા રહે તો તેઓ સફળતાની એક જીવતીજાગતી મિસાલ બની જાય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus