એક પ્રયાસ તો કરી જૂઓ આત્માનો પરમાત્મા સાથે યોગ સાધવાનો

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 25th June 2024 10:23 EDT
 
 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કેટલાય કાર્યક્રમો થયા. આખું વર્ષ શરીરને હલાવવાની તકલીફ ન લેતા હોય તેવા લોકો પણ આ દિવસે કેટલાય કાર્યક્રમોમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા અને થઇ શક્યા તેટલા યોગાસનો કર્યા. યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહરને અમર બનાવી દીધી છે. પરંતુ જે લોકો વર્ષોથી યોગ વિશે જાણતા આવ્યા છે તેમના માટે આજે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વાત કરવી છે. યોગ શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત મૂળના શબ્દ યુજ પરથી થયો છે જેનો અર્થ થાય છે જોડવું, સંયોજન સાધવું. શરીર અને મનનું જોડાણ, આત્મા અને પરમાત્માનું જોડાણ એટલે યોગ તે આપણે જાણીએ છીએ.

યોગના માધ્યમથી શું આપણે અસાધ્ય એવું પરમ આત્મા સાથેનું જોડાણ સાધી શકીએ છીએ? ક્યારેક એ પ્રશ્ન થાય કે જેને જોયા નથી, જેનાથી અગણિત એકમ સુધીનું અંતર ધરાવીએ છીએ તેની સાથે સંયોજન કેવી રીતે સાધવું? જો કોઈ વ્યક્તિ બીજા દેશમાં વસતી હોય તો આપણે વિમાનયાત્રા દ્વારા તેના સુધી પહોંચવા માટેનું અંતર કાપી શકીએ છીએ. આ તો થઇ ભૌતિક અંતરની વાત. પરંતુ પરમાત્મા અને આપણી વચ્ચેનું અંતર આ પ્રકારનું ભૌતિક નથી. તેના તો એકમ અને પરિમાણ જ અલગ છે. માટે તેના સુધી પહોંચવા માટે, તેની સાથે સમાયોજન સાધવા માટે કોઈ વાહનવ્યવહાર કામ ન આવે. તેની સાથે સંપર્ક સાધવા માટે કોઈ પત્રવ્યવહાર કે દુરસંચાર કામ આવવાના નથી. તો પછી તેની સાથે સંપર્ક અને સમાયોજન કેવી રીતે સાધવું?

તમે ક્યારેય ટેલીપથી વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? કોઈ એક વ્યક્તિ વિશે વિચારો અને તે તમને ફોન કરે તેવું થાય તેને ટેલિપથી કહેવાય. આપણા મનની વાત કોઈ પ્રકારના સંદેશવાહન વિના જ તેના મનમાં પ્રવેશે અને જાણે આપણે તેને અવાજ દઈને બોલાવ્યા હોય તે રીતે કોઈ પ્રકારે તે આપણો સંપર્ક સાધે. આ ટેલિપથી માટેનું માધ્યમ શું? કોઈ પ્રકારના ભૌતિક માધ્યમનો ઉપયોગ કર્યા વિના જ આ સંદેશો આંતરિક રીતે પહોંચતો હોય છે. જો આવી આંતરિક પદ્ધતિથી આપણે એક આત્માથી બીજા આત્મા સુધી, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડી શકતા હોઈએ તો પછી આપણે આત્માથી પરમાત્મા સુધી પણ સંદેશો કેમ ન પહોંચાડી શકીએ તે પ્રશ્ન પણ મહત્ત્વનો છે.

સામાન્ય રીતે સંદેશો પહોંચાડવા માટે બંને તરફથી સંકેત - સિગ્નલ સાફ હોવા જોઈએ. એવું કહેવાય છે કે આપણું મન, આત્મા તો અનેક પ્રકારની વ્યાધિ-ઉપાધિથી પજવાયેલો હોવાથી તેની આવી સંકેત ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. આપણે અંતઃમનનો બહુ ઉપયોગ કરતા નથી. તેને અવગણીને બાહ્ય પદ્ધતિઓ અને પુરાવાઓ પર વધારે નિર્ધારિત બન્યા છીએ. રસોડામાં પણ જે પાત્રનો ઉપયોગ લાંબા સમય સુધી ન થાય તેના પર કાટ લાગવાની શક્યતા વધી જાય છે તો પછી આપણા અંતઃમનનું પણ એવું જ થયું હોવું જોઈએ. ઉપયોગમાં ન આવવાને કારણે તેની તીક્ષ્ણતા ઘટી ગઈ હોવી જોઈએ. પરંતુ તેમ છતાંય આપણે આવા બે અંતઃમન વચ્ચે સંપર્ક સ્થાપિત કરી શકીએ છીએ, અલબત્ત ક્યારેક ક્યારેક. તો પછી જે સર્વોચ્ચ આત્મા છે, પરમાત્મા છે તેની સંકેત ગ્રહણશક્તિ તો ખૂબ જ તીક્ષ્ણ અને સમર્થ હોવી જોઈએ. કેમ કે તેને તો આ દુનિયાદારીના કોઈ નિયમો કે અનુભવો મલિન કરતા નથી.

પરમાત્મા જેવા રિસીવર અને આપણા જેવા સેન્ડર વચ્ચેનો સંવાદ સાધવો મુશ્કેલ હોય તો તેનું કારણ તાર્કિક રીતે તો એક જ જણાય છે: સેન્ડરની ક્ષમતાનો અભાવ. પરંતુ જેમ આગળ કહ્યું તેમ જો રિસીવર ખૂબ શક્તિશાળી હોય તો તે નબળા સંકેત પણ ગ્રહણ કરી શકે. તો પછી શું આપણે તેને સંકેત - સિગ્નલ મોકલવાનો પ્રયત્ન જ નથી કરતા? ક્યાંક એવું તો નથી ને કે ક્યારેય તેની સાથે સંવાદ સ્થાપિત ન થયો હોવાને કારણે તેની ઉપસ્થિતિ અંગે જ શંકા સેવીને આપણે ક્યારેય તેને સંદેશ મોકલવાનો પ્રયત્ન જ ન કરતા હોઈએ? શક્ય છે કે એકવાર પ્રયત્ન આદરીયે તો આ સંપર્ક સ્થાપિત થઇ જાય. આપણા નબળા સંકેતોને પણ તે રિસીવ કરી લે અને તેની ગ્રહણશક્તિ વડે આપણા મનની વાત ટેલિપથીની માફક સમજી જાય. એકવાર પ્રયત્ન કરવામાં કઈ ખોટું નથી. શક્ય છે આ આત્માનો પરમાત્મા સાથે યોગ બાહ્ય સંવાદ પદ્ધતિથી નહિ પરંતુ આંતરિક સંચાર દ્વારા સ્થાપિત થઇ જાય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus