એવું કહેવાય છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મસ્તિષ્કને વિચારશૂન્ય બનાવવું જોઈએ, પરંતુ મોટાભાગના લોકો માટે એ વાત શક્ય નથી. વિચારો તો આવતા-જતા રહે છે. તેના પર ભાગ્યે જ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો શું બીજો કોઈ ઉપાય હોઈ શકે મનને કેન્દ્રિત કરવા માટે? જો મસ્તિષ્કને વિચારશૂન્ય ન બનાવી શકાય તો એક વિચારને પકડીને તેની પાછળ પાછળ દોડાવી શકાય ખરું? વિચારોને તદ્દન છોડવાનું શક્ય ન હોય તો વિચારને પકડીને એકાગ્રતા કેળવવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ તો?
શું તમે કોઈ એક કાર્ય, વસ્તુ, વ્યક્તિ કે ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખ્યા છો? આ પદ્ધતિ ટ્રાઈ કરી જુઓ. કોઈ એક કાર્ય પર કોન્સન્ટ્રેશન કરવું ખરેખર ઉપયોગી થઈ શકે. જે રીતે વરસાદમાં પાણીના છાંટા પડે તો તેની અસરથી જમીન ધોવાતી નથી પરંતુ મુશળધાર વરસાદ પડે તો જમીન ધોવાવા લાગે છે. કંઇક આવું જ આપણા પ્રયત્નોનું અને આપણા વિચારોનું છે. જો આપણે બધા પ્રયત્નો અને વિચારોને એક કાર્ય માટે કેન્દ્રિત કરી શકીએ તો તેની તીવ્રતા કેટલી વધી જાય? તમે જ વિચારોને કે તમે અલગ અલગ જગ્યાએ સમય આપતા હો અને દિવસના આઠ કલાક દરમિયાન આઠ અલગ અલગ કાર્યો કરવાની કોશિશ કરતા હો તેની સામે જો આઠેઆઠ કલાક માત્ર એક જ કામ કરવા માટે આપો તો તે કામનું પરિણામ કેટલું ઉત્તમ અને કેટલું સચોટ આવે? કારણ કે અહીં તમારા બધા જ પ્રયત્નો કેન્દ્રિત થઈને એક જ કાર્ય પર ફોકસ્ડ છે. ન માત્ર ધ્યાન કરવા માટે પરંતુ કોર્પોરેટ જીવનમાં પણ આ ફોકસ્ડ ઇન્ટેન્સિટીનો કન્સેપ્ટ લાવીને વધારે સારું પરિણામ મેળવવાનો પ્રયત્ન કરી શકીએ.
દિવસનું આયોજન એવી રીતે કરીએ કે જેથી આપણે બધા જ પ્રયત્નોને વરસાદના છાંટાની જેમ છુટા-છુટા વેરવાને બદલે ધોધની જેમ એકસાથે પડે તો કેટલું સારું? પ્રયત્નોની તીવ્રતા અને વિચારોની એકાગ્રતા વધારવાથી પરિણામ વધારે સારું આવી શકે. આપણું ધ્યાન સારી રીતે કેન્દ્રિત થઇ શકે અને નિપુણતા વધી શકે. આવું કરવાથી કામમાં ભૂલો થવાની શક્યતા ઓછી થઇ જાય અને યથાર્થતા વધી જાય.
મનને વિચારશૂન્ય બનાવવાને બદલે વિચારમગ્ન બનાવી લેવામાં ખોટું નથી જો એ વિચાર આપણે જાતે જ મનમાં રોપેલો હોય અને તેના પર આપનો કબજો હોય તો. એ વિચાર પર મન કેન્દ્રિત હોય ત્યારે અન્ય કોઈ વિચાર ન આવે અને આપણું ધ્યાન બીજે ક્યાંય ન ભટકે તો એ રીતે વિચારમગ્નતા પણ ધ્યાનનું જ કાર્ય કરે છે. અભ્યાસ દરમિયાન પુસ્તક વાંચતા હોઈએ ત્યારે આપણે ખરેખર તો આ રીતે એકમાત્ર વાંચન પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ ને? કોઈ મહત્ત્વની મિટિંગમાં બેઠા હોઈએ ત્યારે આપણું ફોકસ મિટિંગના ડિસ્કશન પર જ હોય છે. ફિલ્મ જોતી વખતે, જો ફિલ્મ સારી હોય તો (!), આપણું ધ્યાન ફિલ્મથી હટતું નથી. આ એક પદ્ધતિ છે જેને આપણે મેડિટેશન સાથે સરખાવી શકીએ. વાસ્તવમાં મેડિટેશન - ધ્યાનને લગતા અનેક નિયમો હોઈ શકે પરંતુ રોજબરોજના જીવનમાં આપણે એટલા ચુસ્ત પ્રકારના ધ્યાનનું અનુસરણ ન પણ કરી શકીયે તો આ પ્રકારનું કાર્ય-ધ્યાન કેળવવાની કોશિશ કરવી જોઈએ.
કાર્ય-ધ્યાન એટલે કે કોઈ નક્કી કરેલા કાર્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવાથી ધીમે ધીમે ધ્યાન કરતાં પણ શીખી જઈએ. વળી જો સારી રીતે અમલમાં મૂકીએ તો કાર્ય-ધ્યાનના ફાયદા આપણને વ્યક્તિગત રીતે અને કારકિર્દી ક્ષેત્રે જલ્દી જ જોવા મળી શકે છે. આ રીતની નવી, આધુનિક યુગના વ્યસ્ત અને વિચારશીલ માનવીને પરવડે તેવી નવી ધ્યાનની પદ્ધતિનું અનુસરણ કરી જુઓ, શક્ય છે એ તમારું જીવન બદલી નાખે. કહેવાય છે ને કે જયારે આખો ન મળે ત્યારે અડધાથી કામ ચલાવી લેવું જોઈએ તેવી જ રીતે જો આપણે સંપૂર્ણ એકાગ્રતા અને વિચારશૂન્યતા ન કેળવી શકીએ ત્યારે આ પ્રકારનું ધ્યાન શીખવાની શરૂઆત કરી શકાય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)