સૌરાષ્ટ્રની, ગુજરાતની સંતવાણી એ આપણી લોકસંસ્કૃતિનું એક ખુબ મોટું જમા પાસું હતું, જેનાથી તે સમયની અજ્ઞાન, નિરક્ષર પ્રજાને જ્ઞાન મળતું. સૌરાષ્ટ્રમાં કેટલાય સંત શિરોમણી થઇ ગયા જેમના ભજન જીવન માટે અમૂલ્ય અને આવશ્યક જ્ઞાન લોકોને પીરસતા. આ સંતો ગામેગામ ફરતા અને દિવસ આથમે મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરતા. ગામના લોકો રાત્રી ભોજનથી પરવારીને તેમને સાંભળવા આવતા. આ રીતે જીવનબોધની શાળા ચાલતી અને લોકોને દુન્યવી બાબતોનું, ધર્મનું તેમજ દાર્શનિક જ્ઞાન મળતું રહેતું. તેમાં વધારો કર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના કીર્તનોએ. આવું જ એક પ્રખ્યાત કીર્તન છે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત શ્રી બ્રહ્માનંદ સ્વામીનું કે જે ઘણા વાંચકોએ સાંભળ્યું હશે. (ન સાંભળ્યું હોય તો યુટ્યુબ પર પણ સાંભળી શકશો.) આ એક પ્રકારનું ચેતવણી ભજન છે જે સામાન્ય રીતે સંતવાણી સ્વરૂપે પ્રજાને જાગૃત કરવા, પાપકર્મોથી બચાવવા માટે ગાવામાં આવતા. તેના શબ્દ છે:
જગત મેં જીવના થોરા, મ ભૂલે દેખી તન ગોરા;
ખડા શિર કાલ સા વેરી, કરેગા ખાખકી ઢેરી;
આ સંસારમાં માનવદેહ લઈને આપણે આવીએ છીએ, પરંતુ આપણું જીવન મર્યાદિત છે, ટૂંકું છે. આ જીવનનો ઉદેશ્ય સારા કર્મોનું ભાથું બાંધવાનો છે અને આખરે મોક્ષપ્રાપ્તિ જ અંતિમ લક્ષ્ય છે. તો આ ટૂંકા જીવનમાં સારા કર્મો કરવા પર ધ્યાન આપવું જોઈએ. ઘણી વાર આપણે સુંદર શરીર જોઈને શારીરિક સુખના પ્રલોભનમાં વહી જતા હોઈએ છીએ અને જીવનનો મુખ્ય ઉદેશ્ય ભૂલી જઈએ છીએ. અહીં ચેતવણી છે કે જીવનને દિવસે દિવસે કાળ એટલે કે સમય નામનો વેરી ખાઈ રહ્યો છે અને તે જલ્દી જ પૂરું થઇ જશે. આખરે આયખું પૂરું થઇ જશે ત્યારે સમય આ શરીરને રાખની ઢગલીમાં પરિવર્તિત કરી દેશે. મૃત્યુ પછી શરીરને અગ્નિદાહ આપવાથી શેષરૂપે રાખની ઢગલી સિવાય બીજું કશું જ રહેતું નથી તેની વાત છે.
કરમ કું સમજ કે કરના, શિરે નિજ ભાર ના ભરના;
કાગદ નિકસતહી જબ હી, કઠિન હૈ બોલના તબહી;
એટલા માટે માણસે આ આયખામાં દરેક કર્મ સમજી વિચારીને કરવું જોઈએ. કર્મોનો, પાપનો ભાર માથે ન બાંધવો કેમ કે જયારે ઉપરવાળાનો કાગળ આવશે, સંદેશ આવશે, અને હિસાબ થશે ત્યારે કંઈ જ બોલવા જેવું નહિ બચે. તે સમયે કોઈ ખુલાસો કરવાની તક નહિ મળે. માત્ર આપણે કરેલા કરમ જ બોલશે.
નહીં તહાં સગા કોઉ અપના, અગ્નિકી ઝાલમેં તપના;
લેખાં જમરાજ જબ કરહી, કિયે કૃત ભોગને પરહી;
વળી, આ સંસારમાં તો આપણા સગાસંબંધીઓ હોઈ શકે પરંતુ જયારે ઉપર જવાનું થાય છે, આખરી દરબારમાં હાજરી લગાવીએ છીએ, કર્મના લેખાજોખાં થાય છે ત્યારે ત્યાં કોઈ આપણું સગુંસંબંધી હોતું નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓમાં તપવું પડે છે. યમરાજ જયારે આપણા કરેલા કર્મોનો હિસાબ કરે છે ત્યારે આપણે કરેલા કર્મો ભોગવવા જ પડે છે, તેના વિના છૂટકો નથી.
બ્રહ્માનંદ કહત હૈ તુમકું, ન દીજો દોષ અબ હમકું;
પુકારે પીટકે તાલી, જાયેગા હાથ લે ખાલી;
સંસારીઓને સલાહ આપતા આ કીર્તનના રચયિતા બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મેં આપવાની હતી તે સલાહ આપી દીધી છે, શિખામણ આપી દીધી છે, માટે હવે મને દોષ ન દેશો. મેં તો તાળીઓ પીટી પીટીને પોકાર્યું છે, જાહેરમાં કહ્યું છે કે આ સંસારમાંથી ખાલી હાથ જ જવાનું છે. સાથે કઈ જશે તો તે છે તમારા કર્મો.
આટલું અદભુત, સુંદર કીર્તન જીવનનો મહિમા કેટલી સરળ ભાષામાં, ટૂંકમાં કહી દે છે. આ આપણા સંતવાણીના વારસાનું, સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનરૂપી ખજાનાનું અમૂલ્ય રત્ન છે. આપણે જીવનની નશ્વરતા અંગે જાણતા હોવા છતાંય આ ગૂંચવણમાં એવા ફસાઇયે છીએ કે જીવનના મુખ્ય ઉદેશ્યને ભૂલી જ જઈએ છીએ. આ કીર્તન એક ટકોર છે આપણા સૌ માટે, એક ચેતવણી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)