ગાંધીજીના જીવનનો એક કિસ્સો છે. એક દિવસ સવારે તેમને મળવા કોઈ આવ્યું. આગંતુકે તેમને પૂછ્યું કે બાપુ આ ખાટલા નીચે પાણીનો લોટો રાખ્યો છે એ શા માટે? ગાંધીજી એ કહ્યું કે એ સવારે દાતણ-પાણી કરવા માટે વાપરું છું. મુલાકાતી નવાઈ પામ્યા અને પૂછ્યું કે આટલી મોટી સાબરમતી વહે છે તો પછી પાણીમાં લોભ શા માટે? ગાંધીજીએ હસીને સામે પ્રશ્ન કર્યો કે શું તમને મારું મોં સાફ થયેલું નથી લાગતું? ભાઈ થોડા શરમાયા અને કહ્યું કે મારો કહેવાનો અર્થ એવો નહોતો પરંતુ મારી જિજ્ઞાસા માત્ર આપના વિચાર જાણવા પૂરતી હતી. બાપુએ તેમને સમજાવતા કહ્યું: આ સાબરમતી વહે છે તે સાચું પરંતુ તેમનું બધું જ પાણી હું વાપરું કે દુષિત કરું તે યોગ્ય નથી. તેના પર તો કેટલાય ખેડૂતો, પશુ-પક્ષીઓ અને લોકો નભે છે. મારી જરૂરિયાત સંતોષાય તેટલું પાણી લેવું મારો હક કહેવાય, પરંતુ તેનાથી વધારે જો હું વેડફું તો હું કુદરતનો ગુનેગાર ઠરું.
કેવી સરસ કરકસર અને ખપ પૂરતું વાપરવાની વિભાવના બાપુએ પોતાના જીવનમાં પાળેલી. આ જ બાબતને આજે આપણે મિનિમાલિઝ્મ તરીકે ઓળખીએ છીએ અને કેટલાય લોકો ઉપભોક્તાવાદ એટલે કે વસ્તુઓ ખરીદવાની અને ભેગા કર્યે જવાની માનસિકતામાંથી બહાર આવીને અતિ આવશ્યક હોય એટલી જ વસ્તુઓ રાખવાનો નિયમ અપનાવી રહ્યા છે. આ ન્યૂનત્તમવાદ - ખબર નહિ મિનિમાલિઝ્મ માટે કોઈ બીજો ગુજરાતી શબ્દ પણ હોઈ શકે - અપનાવનારા લોકો હવે પોતાના ઘરમાં ઢગલા કરેલા કપડાઓ, સુશોભનની વસ્તુઓ અને સાધનસામગ્રીને ઉપયોગીતા નહિ, પરંતુ અવશ્યકતાની નજરે જોતા થયા છે. ઉપયોગી તો કોઈ પણ વસ્તુ હોઈ શકે પરંતુ શું તે મારા માટે આવશ્યક છે? જો હોય તો રાખો અને જો તેના વિના ચાલી જાય તેમ હોય તો જવા દો. આ રીતે ધીમે ધીમે લોકો પોતાની સંપત્તિ, કબ્જામાં રહેલી વસ્તુઓ ઘટાડીને ઘર, ઓફિસ વગેરે ખાલી કરી રહ્યા છે. તેવું કરવાથી અનાવશ્યક એકઠી થયેલી વસ્તુઓથી આપણને મુક્તિ મળે છે.
વસ્તુઓ ઓછી થવાથી આપણને વધારે અવકાશ પ્રાપ્ત થાય છે. આ અવકાશ માત્ર ઘર કે ઓફિસ જ નહિ પરંતુ આપણાં મગજને પણ ખાલી કરે છે. કેમ કે આપણી નજર સામે રહેલી કોઈ પણ વસ્તુ આપણાં મગજને પોતાના તરફ આકર્ષવા, કામે લગાડવા સક્ષમ છે. તેને કારણે આપણું મગજ વિચારોથી, ભાવોથી કે પ્રતિક્રિયાથી વ્યસ્ત બને છે. તમે પણ અનુભવ્યું હશે કે ઘરમાં રહેલ કોઈ ચિત્ર તમારા મનમાં શાંતિ તો કોઈ ઉત્સાહની લાગણી પ્રેરે છે. કોઈ વસ્તુથી આપણે ડઘાઈએ છીએ તો કોઈથી વિચલિત થઈએ છીએ. આ બધું આપણને વ્યસ્ત કરે છે, એન્ગેજ કરે છે. તેનાથી આપણી વિચારવાની, સક્ષમ રીતે કાર્ય કરવાની ક્ષમતા ઘટાડે છે.
ઉપરાંત એક વાત તો સ્પષ્ટ જ છે કે જેટલી વધારે વસ્તુઓ ભેગી કરો તેટલું જ વધારે તેને સાફ કરવાનું અને સાચવવાનું ટેન્શન રહે. તેમના રખરખાવમાં ઘણો ખર્ચો પણ થાય છે અને સમય પણ આપવો પડે છે. આ ટેન્શનમાંથી બહાર આવવા, નકામો સ્ટ્રેસ ન લેવા માટે જ કેટલાય લોકોએ આજે ન્યૂનત્તમવાદ એટલે કે મિનિમાલિઝ્મ અપનાવ્યું છે. તેનાથી લોકોએ મનની શાંતિ વધી હોવાનું, કાર્યક્ષમતા વધી હોવાનું નોંધ્યું છે. જે રીતે ફોનમાં રહેલા વધારાના એપ ડિલીટ કરવાથી, ફોટો કે વીડિયો ડિલીટ કરવાથી મેમરી ફ્રી થાય તો તેની કામ કરવાની ઝડપ વધી જાય, વધારે એફિશિઅન્ટ થાય તેવું જ આપણે બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરીને અવકાશ ખાલી કરીએ તો થતું હોય છે.
તમે પણ આ તરકીબ અજમાવી શકો છો. જે રીતે કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલા એક પાઇલોટ પ્રોજેક્ટ કરવામાં આવે છે તેવી જ રીતે તમે એક રૂમ પૂરતો આ અનુભવ કરી જુઓ અને જો પરિણામ તમને માફક આવે તો પછી તેને આગળ વધારજો. જયારે પણ વસ્તુઓ નો ત્યાગ કરવાનો સમય આવે ત્યારે પ્રશ્ન એ કરવાનો કે શું તે આપણાં માટે આવશ્યક છે? જો ન હોય, તેના વિના જીવન ચાલી શકે તેમ હોય તો તેનો ત્યાગ કરી શકાય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)