નાઈરોબીઃ કેન્યા સરકારે દેશને હચમચાવી નાખનારા ડૂમ્સડે સંપ્રદાયના 429 મૃતદેહ સગાંને સોંપવાની કામગીરીનો આરંભ કર્યો છે. પાદરી પૌલ મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જિસસ ક્રાઈસ્ટ સાથે સ્વર્ગમાં મિલનની ખાતરી આપવા સાથે બધાને અન્નજળનો ત્યાગ કરાવ્યો હતો. કેન્યાના અંતરિયાળ શાકાહોલા જંગલ વિસ્તારમાંથી સંખ્યાબંધ કબરો મળી આવી હતી જેમાંથી પોલીસે ખોદકામમાં બાળકો અને સ્ત્રીઓ સહિતના મૃતદેહ બહાર કાઢ્યાં હતાં.
સત્તાવાળાઓ દ્વારા મૃતદેહો અને પરિવારોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણો કરાયા છે. મંગળવાર 26 માર્ચે સૌપ્રથમ મૃતદેહો સગાંસંબંધીને સુપરત કરાયા ત્યારે માલિન્ડી મોર્ગરી ખાતે ગમગીન વાતાવરણ સર્જાયું હતું. ફેબ્રુઆરીમાં પાદરી પૌલ મેકેન્ઝી અને તેના ડઝનબંધ સહાયકો સામે 191 બાળકો પર અત્યાચાર અને હત્યાના આરોપ લગાવાયા છે જેની ટ્રાયલ 23 એપ્રિલથી શરૂ કરાશે. કેન્યા સરકારે મેકેન્ઝીના ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝને ક્રિમિનલ સંગઠિત ગ્રૂપ જાહેર કર્યું છે. મેકેન્ઝી લાયસન્સ વિના ફિલ્મોના પ્રોડક્શનના અન્ય ગુનાસર એક વર્ષની સજા કાપી રહ્યો છે.