તમારા ફોનમાં કેટલીક વાર નોટિફિકેશન આવતું હશે કે સ્ટોરેજ ફૂલ થઇ ગયું છે. આ વખતે તમને સ્ટોરેજ મેનેજ કરવાનું, અગત્યનો ન હોય તેવો ડેટા ડિલીટ કરવાનું સૂચન ફોન કરે છે. તેવું જ સૂચન સમયે સમયે ગુગલ ડ્રાઈવ કે એપલ સ્ટોરેજ પણ કરે છે. જયારે ફોનનું સ્ટોરેજ બહુ ભરાય જાય ત્યારે નવા ફોટો, વીડિયો કે માહિતી સ્ટોર કરવાની જગ્યા બચતી નથી. માટે પહેલાથી જે સ્ટોર કરેલો હોય તે ડેટા ડિલીટ કરવો પડે છે. જો તેવું ન કરીએ તો નવો કોઈ ડેટા ઉમેરી શકાતો નથી. તેવું જ આપણા મગજના સ્ટોરેજનું પણ છે તે વાતથી આપણે ભાગ્યે જ જાગૃત હોઈએ છીએ. મગજના સ્ટોરેજમાં આપણે બિનજરૂરી વિચારો, લાગણીઓ, માહિતી વગેરે ભરી ભરીને એટલો ફૂલ કરી દઈએ છીએ કે તેના કારણે નવા વિચારો, લાગણી કે માહિતી સ્ટોર કરવાની જગ્યા બચતી નથી. જે રીતે લબાચો ખચાખચ ભર્યો હોય તેવા સ્ટોર રૂમમાં નવો સામાન મુકવાની જગ્યા મળતી નથી, તેવી રીતે નકામી બાબતોથી જો મન ભરચક બનાવી દીધું હોય તો કઈ સારું અને ઉપયોગી ઉમેરવાનો અવકાશ બચતો નથી.
સમયે સમયે જે રીતે આપણે પોતાના સ્ટોર રૂમને, મોબાઈલના સ્ટોરેજને મેનેજ કરતાં રહીએ છીએ, નકામું હોય તે બધું ડિલીટ કરતા રહીએ છીએ તેવી જ રીતે શું આપણે પોતાના મગજમાંથી પણ નકામું ભર્યું હોય તે બધું સમયે સમયે હટાવીએ છીએ ખરા? એ વાત તો સર્વવિદિત છે કે આપણું મગજ મોબાઈલના સ્ટોરેજ કરતા ઘણું વધારે મહત્ત્વનું છે. તો પછી તેમાં શા માટે આપણે નકામું હોય, નુકશાનકારક હોય તેવું બધું ભરીયે છીએ? એક કારણ એ છે કે જેમ મોબાઈલમાં પણ ઘણા ફોટો અને ડોક્યુમેન્ટ ઓટો ડાઉનલોડ થઇ જતા હોય છે તેવી જ રીતે આપણું મગજ પણ ઘણું બધું આપણને પૂછ્યા વિના જ ડાઉનલોડ કરીને સંગ્રહી લે છે. તે આપણા પર્યાવરણમાંથી ઘણી એવી માહિતી ઉઠાવી લે છે જે આપણા માટે કામની ન હોય. જે રીતે બાળક અનાયાસે બીજા કોઈને ગાળો બોલતાં સાંભળીને પોતે પણ ગાળો શીખે છે તેવું જ આપણા મગજનું છે. એટલા માટે સમયે સમયે પોતાના મગજના સ્ટોરેજને ચકાસવું જરૂરી છે. તેમાં કેટલા જીબી ડેટા કામનો છે અને કેટલો નકામો છે તે તપાસી લેવું જોઈએ. શું તેમાં પોતાને પરેશાન કરે તેવી લાગણીઓ કે વિચારો તો સંગ્રહાયા નથીને? તેમાં સમાજવિરોધી આદતો તો ભરાઈ નથીને? તેમાં કોઈનું અહિત થાય તેવા વિચારોનો જથ્થો તો એકઠો થયો નથીને? શા માટે આવું બધું ભરી ભરીને આપણે મગજની ઉપયોગી જગ્યાને વેડફીએ? શા માટે મગજને આવો કચરો પ્રોસેસ કરવાની તકલીફ આપીએ?
એટલું તો ખરુંને કે જેટલી ઉર્જા આપણે બિનજરૂરી બાબતોનો સંગ્રહ કરવામાં અને તેમને પ્રોસેસ કરવામાં ખર્ચીએ તેટલી બચાવી લઈએ તો પણ સકારાત્મક કાર્યો માટે ઘણી વધારાની ઉર્જા ઉપલબ્ધ થઇ રહે. સફળ લોકોમાં અને અન્ય સામાન્ય લોકોમાં એકમાત્ર તફાવત પોતાની ઉર્જા, સમય અને ઇમોશન્સના મેનેજમેન્ટનો હોય છે. પોતાના ક્ષેત્રમાં ઊંચા ઉઠનારા લોકો પોતાની આ ત્રણેય મહત્ત્વની શક્તિઓને વેડફતા નથી. બિનજરૂરી બાબતોમાં તેમનો ઉપયોગ કરવાને બદલે આવશ્યક હોય, જીવન માટે જરૂરી અને મહત્ત્વપૂર્ણ હોય તે દિશામાં તેમને વાળે છે. જો તમે પણ આ રીતે પોતાની ઉર્જા, સમય અને ઇમોશન્સનું મેનેજમેન્ટ શીખી જાઓ તો તમને પણ સફળ થતા કોઈ ન રોકી શકે. અને તેમને મેનેજ કરવાનો સૌથી પાયાનો સિદ્ધાંત છે કે તેમનો ઉપયોગ ક્યાં થઇ રહ્યો છે તેના પર નિયંત્રણ રાખવું. એટલા માટે જ મગજમાં ભરેલી નકામી બાબતોને હટાવો જેથી તે તમારા સમય, ઉર્જા કે ઈમોશન્સ પણ હક ન જમાવે.
પોતાના મગજને સમયે સમયે રિબુટ કરવું જરૂરી છે. તેમાં રહેલી બિનજરૂરી માહિતી અને ઈમોશન્સને ડિલીટ કરીને વધારાની સ્પેસ તૈયાર કરવી આવશ્યક છે. જેથી કરીને તેમાં જીવનને સફળ બનાવવા માટે આવશ્યક હોય તેવી માહિતી, સંબંધો અને જ્ઞાન સંગ્રહી શકાય. આ માટે તમારા મગજનું સ્ટોરેજ મેનેજ કરતા શીખો અને સમયે સમયે તેનો રિવ્યુ કરતા રહો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)