દર વખતે ટાપસી પુરાવવી જ એ જરૂરી નથી... ક્યારેક ન બોલવામાં પણ નવગુણ હોય છે

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 10th August 2022 05:24 EDT
 

ભીડથી અલગ દેખાવાની ઈચ્છા, પોતાની નોંધ લેવાય તેવું કંઈક કરવાની તાલાવેલી કેટલાક લોકોને એટલા અધીરા કરી દે છે કે તેઓ એવા પગલાં ભરે છે કે પછી શરમાવું પડે. કોઈ ભીડમાં પોતે અલગ દેખાવા માટે અજીબ કપડાં પહેરે છે, તો કોઈ પચીસ લોકો બેઠા હોય તેમની વચ્ચે મોટે મોટેથી વાતો કરીને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે છે. ક્યારેક આ ઘેલછા એટલી તીવ્ર બની જાય છે કે લોકો તેના પર હસતા હોય છે તે પણ સમજાતું નથી.

એક યુવાન ક્યાંય પણ પાંચ-દસ લોકોને જુએ ત્યાં પોતાનું જ્ઞાન પીરસવા માંડે, લોકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન શરૂ કરી દે. એક વાર તે તબીબી અધિકારીઓની વચ્ચે ઉભા ઉભા તેમની વાતો સાંભળતો હતો અને થોડી વાર પછી પોતાની આદત મુજબ વચ્ચે બોલવાનું શરૂ કર્યું અને જે વિષય પર કોઈ જ જાણકારી નહોતી તેમાં પણ પોતાના અભિપ્રાયો આપવા માંડ્યો. ત્યાં હાજર લોકો માંડ માંડ હસવું રોકીને ઉભા રહ્યા. થોડી વાર પછી કોઈ શાણા માણસે તેને અટકાવીને હળવેથી પૂછ્યું કે તમે કઈ કોલેજમાંથી મેડિકલ ભણ્યા છો? તે યુવાન પાસે જવાબ નહોતો, તે ભોંઠો પડ્યો અને ચૂપ થઇ ગયો. આવું કેટલાય લોકો સાથે થતું હોય છે. પોતાનો વિષય ન હોય અને નિષ્ણાતો ચર્ચા કરતા હોય તેમની વચ્ચે ટાપસી પૂરાવવાની આદત ક્યારેક મોંઘી પડી શકે, ક્યારેક આપણને શરમજનક સ્થિતિમાં મૂકી શકે.
પરંતુ આ વાતની સમજ આપણને જેટલી જલ્દી આવી જાય એટલું સારું. નાહકના અનેક જગ્યાએ પોતાની બેઇજ્જતી કરાવતા રહીએ, કોઈને ચીડવતા રહીએ અને સૌનો સમય વ્યય કરતા રહીએ તેના કરતાં એ વાત સમજી લેવી સારી કે જ્યાં જરૂર ન હોય ત્યાં ન બોલવું, જે રીતે બધાને કામ કરવાનું કહેવામાં આવ્યું હોય તે રીતે પોતાનું કામ કરતા રહેવું. જ્યાં પ્રક્રિયા નિશ્ચિત હોય અને સૌનું કામ પણ નક્કી હોય ત્યાં શા માટે વગર કારણે અલગ તરવાની કોશિશ કરવી? સૌને 9 વાગ્યે ઓફિસ જવાનું કહેવામાં આવ્યું હોય ત્યારે આપણે 11 વાગ્યે જવાનો પ્રસ્તાવ મૂકીએ કે પછી 8 વાગ્યે નીકળીને વગર કામે ત્યાં બેસી જઈએ અને પછી સૌની સામે ઢંઢેરો પીટીયે કે હું તો આવું કરું છું અને તેવું કરું છું તેનો કોઈ જ અર્થ સરતો નથી. આવા વેવલાવેળા કરવા કરતા સીધી રીતે કામ કરતાં રહેવું સૌ માટે ફાયદાકારક છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જુનિયર ઓફિસરને બોલાવીને એક કેસ આપ્યો તો એક બીજા અધિકારી નારાજ થઇ ગયા અને બોસ પાસે આવીને કહેવા લાગ્યા કે હું તેનાથી સિનિયર છું તો મને આ કેસ શા માટે ન આપ્યો? વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ હાઈપ્રોફાઈલ અને કોન્ફિડેન્સિયલ કેસ છે. તમારી આદત સૌની નજરમાં રહેવાની છે, હું નથી ઈચ્છતો કે લોકોને આ કેસ વિષે જાણ થાય. તમારાથી દેખાયા વિના, વગર પ્રદર્શને કામ નહિ થાય એટલા માટે મેં આ કેસ તમારાથી જુનિયરને આપ્યો છે જેના વિષે હું જાણું છું કે તે ચૂપચાપ પોતાનું કામ કર્યા કરશે. બધા બોસ પોતાના જુનિયરમાં જોતા હોય છે કે કોનામાં કઈ ખૂબી છે.
જોકે આ વાત માત્ર રોજિંદા જીવનમાં વિનાકારણે પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવાના ઉદેશ્યથી પોતાની જાતને અલગ બતાવનારા લોકો માટે છે. કંઈક વિશેષ કાર્ય કરનારા, નવું સંશોધન કરનારા કે પછી વિશિષ્ટ રીતે યોગદાન આપનારા માટે નથી. કેમ કે તેઓ કોઈ જ કામ લોકોનું ધ્યાન ખેંચવા માટે કરતા હોતા નથી. તેઓ તો ચૂપચાપ પોતાની સ્ટાઈલથી કામ કર્યે જાય છે અને નવો ચીલો પાડીને લોકોને પ્રેરિત કરે છે. તેઓ તો એક પ્રકારે સમાજના કોઈ વર્ગને લીડરશીપ પુરી પડે છે.
પરંતુ જે લોકો કોઈ જ વિશેષ પ્રવૃત્તિ કે યોગદાન વિના માત્ર પોતાની જાતની નોંધ લેવડાવવા માટે આવી જતા હોય છે, મિટિંગ ચાલતી હોય ત્યારે પોતે કંઈ જ કામ ન કર્યું હોવા છતાં મોટી મોટી ડંફાસો ઠોકતાં હોય છે તેઓએ થોડા સંયમથી વર્તવાની જરૂર છે. તેઓએ એ વાત સમજવી ઘટે કે આસપાસના લોકો બેવકૂફ નથી, તેમને બધું જ સમજમાં આવે છે અને ખરેખર આવું વર્તન કોઈનેય ગમતું હોતું નથી. ક્યારેક સિનિયર અને સારા લોકો ચલાવી પણ લે, કંઈ બોલે નહિ, ટોકે નહિ પરંતુ તેઓ આવા વર્તનથી પરેશાન તો થતા જ હોય છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus