દરેક વાતે હા કહેવી જરૂરી નથી, પણ ના કહેવામાં ‘કળા’ હોવી જોઇએ

- રોહિત વઢવાણા Tuesday 12th November 2024 12:09 EST
 
 

વ્યક્તિના સ્વભાવની સાચી ઓળખ ત્યારે થાય છે જયારે તેને ના કહેવી પડે. કોઈ પ્રસ્તાવ મૂકે, કે કામ માટે વિનંતી કરે અને જો તે ન થઇ શકે તેમ હોય કે ન કરવું હોય ત્યારે વ્યક્તિ કેવી રીતે અસ્વીકાર રજુ કરે છે તે દર્શાવે છે કે વ્યક્તિ કેટલી ઠરેલી છે, કેટલી પરિપક્વ છે.

ના કહેવી જીવનમાં બહુ આવશ્યક છે. દરેક વખતે હા કહીને તમે કોઈનું ભલું કરો કે ન કરો પરંતુ પોતાનું નુકશાન તો જરૂર કરો છો. ઘણી વાર તો લોકો એવી નકામી વિનંતી કરતા હોય કે આપણી પાસે ના કહેવા સિવાય છૂટકો જ હોતો નથી. ‘મારે ફરવા જવું છે તો તમે મારા કૂતરાને સાચવશો?’ એ વિનંતી સામાન્ય દિવસમાં તો ચાલે પરંતુ જો વેકેશનનો સમય હોય અને તમારે પણ ક્યાંક બહાર જવાનું આયોજન હોય તો તમે શરમ ન રાખી શકો. આવા સમયે સ્પષ્ટ ના કહેવી જ સારી. આ વખતે સામેવાળાને ખોટું ન લાગે તે જોવાની ફરજ આપણી નથી. જોકે ના કેવી રીતે કહેવી તે એક કળા છે અને તે અખત્યાર કરવી આવશ્યક છે.
યુવતી સામે કોઈ પ્રેમનો પ્રસ્તાવ મૂકે ત્યારે તેની સામે બે વિકલ્પ હોય છે: એક તો તેનો સ્વીકાર કરે અથવા તો તેને નકારી કાઢે. પરંતુ નકારી કાઢવાની કઈ રીત તે યુવતી અપનાવે છે તે મહત્ત્વનું છે. શું તેની સામે જેટલી વિનમ્રતાથી અને પ્રેમથી પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તેનો આદર કરીને તે ધીરજપૂર્વક કહેશે કે ‘હું તમારા પ્રસ્તાવનો આદર કરું છું પરંતુ હું તેનો સ્વીકાર નહિ કરી શકું. હું આશા રાખું છું કે તમે મારા નિર્ણયનો પણ આદર કરશો.’ પરંતુ એવું પણ બને કે યુવતી ગુસ્સે થઇ જાય અને અનાદરપૂર્વક પ્રસ્તાવ મુકનારની બેઇજ્જતી કરતા કહે કે, ‘તારી હિમ્મત કેમ થઇ મને પ્રપોઝ કરવાની? મોઢું જોયું છે તારું અરીસામાં...?’ વગેરે વગેરે રીતે જો તે યુવકને તરછોડીને તેની હાંસી ઉડાવે તો ન માત્ર તેણે પોતાને ચાહનાર વ્યક્તિને હંમેશા માટે દુશ્મન બનાવી લીધો, પરંતુ જેને તે એક દોસ્તમાં પરિવર્તિત કરી શકતી હતી તેણે પણ ગુમાવી દીધો. કારણ માત્ર એટલું જ કે ના કેવી રીતે કહેવી તે ન આવડ્યું.
કોઈ તમારી સાથે નોકરી કરતું હોય અને તેણે છોડવાનો સમય આવ્યો હોય ત્યારે તેનું રાજીનામું કેવી રીતે સ્વીકારો છો તે પણ આ પ્રકારની જ સ્થિતિ છે. કોઈને ક્યાંય સારી તક મળી અથવા તો તમારી સાથે ન ફાવ્યું અને જવા ઈચ્છે છે તો જવા દો. નાહકના કડવાં વચનો બોલીને તમારી જીભ ખરાબ ન કરો. શક્ય છે કે ક્યારેક કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરે. તમને દગો કરે. તમે કરેલા અહેસાન ભૂલી જાય. પરંતુ આ સ્થિતિમાં પણ તમારી પાસે બીજો વિકલ્પ શું છે? જો તમે બીજું કંઈ જ કરી શકવાના ન હો અને માત્ર બોલીને જ બગાડવાનું થતું હોય તો કોશિશ કરવી કે મૌન રહેવું. ખરાબ વચનો બોલીને પોતાની જીભ અને મૂડ ખરાબ કરવા કરતાં, પોતાનું ગૌરવ ઓછું કરવા કરતાં સમયને પોતાનું કામ કરવા દેવું સારું.
કોઈ મદદ માંગવા આવે. તમને ખબર હોય કે તેને આપેલા પૈસા પાછા આવવાના નથી. તેવા સમયે તમે કેવી રીતે સંબંધ બગાડ્યા વિના જ મદદ કરવાની ના પાડી શકો છો તે બહુ અગત્યની આવડત છે. સામેવાળી વ્યક્તિના મનનું ધાર્યું ન થાય તો તે નારાજ થાય તે તો સ્વાભાવિક છે પરંતુ તે સંપૂર્ણ વાર્તાલાપમાં તમારા શબ્દો અને બોલવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે નિયંત્રિત હોય, ક્યાંય ગુસ્સો કે તિરસ્કાર ન છલકાતો હોય તો તે તમારી સાચી ઉપલબ્ધિ.
તમારે કોઈને ના કહેવાની હોય તો કેવી રીતે કહો છો? શું તમે એવા શબ્દ પ્રયોગ કરો છો જે વ્યાજબી ન હોય અથવા જેનાથી સામેવાળી વ્યક્તિને અપમાન જેવું લાગે? કે પછી આદરપૂર્વક પોતાની વાત મૂકીને બચાવ કરો છો? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus