દૃષ્ટિકોણઃ સામેવાળાની અનુકૂળતા સમજવાનો પ્રયાસ

- રોહિત વઢવાણા Wednesday 11th December 2024 05:00 EST
 
 

પોઇન્ટ ઓફ વ્યૂ - દૃષ્ટિકોણ અંગે આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ. આપણો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ, કેવી રીતે આપણે બીજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરવી જોઈએ વગેરે વગેરે. પરંતુ શું વાસ્તવમાં આપણે ક્યારેય નવો દૃષ્ટિકોણ અપનાવીએ છીએ ખરાં? જેમ કે, કોઈ વિકલાંગ વ્યક્તિને મળીએ કે જોઈએ ત્યારે તેના અંગે આપણા મનમાં અલગ અલગ લાગણી ઉદ્ભવતી હોય છે. કોઈ માટે દયા, તો કોઈ માટે કરુણા, અને કોઈ માટે સહાનુભૂતિ જેવી લાગણી લઈને આપણે તે વ્યક્તિને નિહાળતા હોઈએ છીએ. પરંતુ તેનો દૃષ્ટિકોણ અપનાવીએ તો જ આપણને સમજાય કે તેઓ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે.

એક બોસ પોતાના કર્મચારીને કેવી રીતે જુએ છે, એક પ્રેમી પોતાની પ્રેમિકા પાસેથી શું અપેક્ષા રાખે છે અને પતિ-પત્ની વચ્ચે શા માટે ઝગડા થાય છે તે બધું જ સમજવા આપણે સામેવાળી વ્યક્તિનો પોઇન્ટ ઓફ વ્યૂ સમજવો પડે અને પછી જ તેના અંગે કોઈ તારણ પર આવી શકીએ. બોસ કોઈ કામ સોંપે અને પછી તે કામ સમયસર થઇ જશે તેવી અપેક્ષા રાખીને બેઠા હોય, પરંતુ કર્મચારી પાછા આવે જ નહિ તો શું થાય? બોસ શું વિચારે? શું આપેલું કામ થયું કે નહિ અને કેટલે પહોંચ્યું તે વારેવારે ચેક કરવાની જવાબદારી બોસની છે? કર્મચારીને સોંપવામાં આવેલ કામ માટે ઉપલબ્ધ સંસાધનો ન હોય તો તેને માંગવાની જવાબદારી બોસની કે કર્મચારીની? આવા પ્રશ્નો ઘણી વાર આપણા મનમાં થઇ શકે. પરંતુ અહીં એકબીજાનો દૃષ્ટિકોણ સમજવાથી કદાચ સાથે કામ કરવું આસાન બને. જો બોસ કામ સોંપે ત્યારે જ પૂછી લે કે તમારે કંઈ કહેવાનું છે? આ કામ કરવા માટે તમારે કોઈ આવશ્યકતા છે? અથવા જો બોસ પૂછવાનું ચુકી જાય, પરંતુ કર્મચારી પોતે સામેથી બોસને કહે કે આપે કહેલા સમય સુધીમાં કામ પતાવવું તો મુશ્કેલ પડશે કારણ કે... અને પછી તેના માટે વાજબી કારણો આપી દે તો બોસ ચોક્કસ તેની વાત સમજી શકે.
પતિ ઓફિસેથી સાંજે ઘરે પાછો આવે ત્યારે પત્ની તેની પાસે અપેક્ષા રાખે છે કે પોતે આખો દિવસ ઘરમાં એકલી હતી તો શું કર્યું અને તેનો દિવસ કેવો વીત્યો તેના અંગે વાત કરે. તેની સામે પતિ એવું વિચારે છે કે હું આખા દિવસનો થાકેલો ઘરે આવ્યો છું તો થોડીવાર શાંતિથી બેસું, આરામ કરું. આખો દિવસ કામમાં ધ્યાન આપીને હવે તેને બીજી કોઇ વાત પર એટેન્શન આપવાની ઈચ્છા ન હોય તેવું બનતું હોય છે. આ સમયે એકબીજાનો દૃષ્ટિકોણ ન જાણવાને કારણે જ મોટાભાગના પરિવારોમાં મનદુઃખ થતા હોય છે. પરંતુ જો શરૂઆતનો અડધો કલાક કાઢી નાખીએ તો પછી બધું સારું થઇ જતું હોય છે. આ સમસ્યાને માટે સંવાદના અભાવને પણ જવાબદાર ઠરાવી શકાય છે.
પરંતુ વાત અહીં માત્ર એટલી છે કે બીજાની નજરે પરિસ્થિતિને એક વાર જોઈ લઈએ તો આપણને સમજાય કે તેઓ શું વિચારતા હશે અને આપણી પાસે તેમની અપેક્ષા કેટલી છે. આ સમજ આવી જાય તો આપણે કેવી રીતે વર્તન કરવું તે સમજવું આસાન થઇ જાય છે. પરંતુ ત્યાર પછી પણ જો આપણે એવો ઈગો લઈને બેઠા રહીએ કે હું જ શા માટે તેમના પોઇન્ટ ઓફ વ્યૂથી જોઉં, તે શા માટે ન જુએ તો વાત અલગ છે. આપણી ઈચ્છા જ ન હોય સમસ્યાને ઉકેલવાની, પરિસ્થિતિને સાંભળવાની તો પછી તો કોઈ સોલ્યુશન કામ જ ન આવે. માટે, બીજી વ્યક્તિનો પોઇન્ટ ઓફ વ્યૂ સમજતી વખતે એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે તેમની અનુકૂળતા સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમને અનુરૂપ થવાનો થોડો પ્રયત્ન આપણે કરી લઈશું તો પછી મુશ્કેલી નહિ પડે.

આવી સમજ કેળવવા માટે વધારે કંઈ જ કરવાની જરૂર નથી. માત્ર સામેવાળી વ્યક્તિનો દૃષ્ટિકોણ અપનાવીને જોઈ લેવાનું કે અત્યારે તેઓ શું વિચારતા હશે અને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus