નકારાત્મકતાને નકારીએ ને સકારાત્મકતા સ્વીકારીએ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 28th June 2022 09:18 EDT
 

ક્યારેક આપણે નાની-નાની વાતોને બહુ ગંભીરતાથી લેતા હોઈએ છીએ જેના કારણે જીવનમાં કેટલાય વમળો અને વિચારના વાવાઝોડા આવી જાય છે. જેમ કે કોઈને પગમાં સ્નાયુની ગાંઠ થઈ હોય અને ક્યારેક આંગળી વડે તેને અનુભવી લે તો મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય. થોડી વાર પછી તો તે ગૂગલ પર ગાંઠ વિશે સર્ચ કરવા લાગે અને ત્યારબાદ ત્રીસેક મિનિટમાં તો કદાચ એવા નિર્ણય પર પણ આવી જઈ શકે કે તેને થઇ છે એ તો કેન્સરની ગાંઠ જ છે. અને માત્ર એટલું જ નહીં, પરંતુ અસાધ્ય કેન્સરની ગાંઠ જેવા લક્ષણો પણ તેને દેખાવા માંડે છે. પછી પરેશાન થઈને તે ઉતાવળે ઉતાવળે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લે. જ્યારે ડોક્ટર ચેક કરીને એવું સમજાવે કે એ તો સામાન્ય ચરબીની ગાંઠ છે અને એકાદ મહિનામાં ચરબી ઓછી થતાં આપોઆપ જતી રહેશે ત્યારે જ એને મનમાં રાહત થાય. કોઈ કોઈ વ્યક્તિ તો સેકન્ડ ઓપિનિયન લેવા બીજા ડોક્ટર પાસે પણ જાય. કેટલાક લોકો તો ઓળખીતા-પાળખીતા દસ-પંદર જણાને ફોન કરી કરીને ગાંઠ અંગે ચર્ચા પણ કરી લે છે અને કોઈ વધારે અધીરો વ્યક્તિ હોય તો કદાચ પોતાના વારસદારો માટે વિલ પણ બનાવડાવી દે!

જયારે કોઈના મનમાં આવી ભયની લાગણી ઉદભવે ત્યારે અમુક સમય સુધી તો તે વ્યક્તિને બેચેન કરી મૂકે છે અને અનેક નકારાત્મક વિચારો જન્માવે છે. આવું થવાનું કારણ માત્ર એટલું જ છે કે આપણા સ્વભાવ અનુસાર સકારાત્મક કરતા નકારાત્મક વાતો ઝડપથી પ્રભાવ ઉત્પન્ન કરે છે. કોઈ આપણને સારી સુચના કે શિખામણ આપે તો તે જલ્દીથી માનવામાં આવતી નથી, પરંતુ જો ભય કે નકારાત્મકતાની વાત કરવામાં આવે તો આપણું મન તરત જ માની લે છે. એ જ તો કારણ છે કે મોટાભાગની ટીવી ચેનલ પણ નેગેટિવ ન્યૂઝ વધારે બતાવે છે અને બ્રેકિંગ ન્યૂઝમાં પણ ક્યાય ભૂકંપને કારણે ૫૦ લોકોનાં મૃત્યુ થાય તો તે આપણું ધ્યાન જલ્દી ખેંચે છે, પરંતુ કોઈ નવી દવાની શોધ થાય અને તેનાથી હજારો લોકોના જીવ બચી રહ્યા હોય તો તે કદાચ આપણા ધ્યાનમાં પણ ન આવે. આપણને પૂરમાં તણાઈને મરવાનો ડર વધારે લાગે છે પરંતુ આંકડા દર્શાવે છે કે વધારે લોકો શાંત પાણીમાં તરત ડૂબે છે, નહિ કે પૂરમાં તણાઈને.
નકારાત્મકતાથી ભયભીત થનારા આપણે લોકો હંમેશા બૂરું થતું અટકાવવાના પ્રયત્નોમાં લાગ્યા રહીએ છીએ અને તેના પરિણામે સારું કરવાના વિચારોનું સ્થાન બૂરું થતું રોકવાના વિચારો લઈ લે છે. સિક્યુરિટી પર આપણે વધારે ખર્ચ કરીએ છીએ અને એટલે જ મોટા ભાગે તેના સુરક્ષાબળની શક્તિથી કોઈ પણ દેશના નાગરિક વધારે પ્રભાવિત થાય છે નહિ કે વૈજ્ઞાનિકો અને શિક્ષકોની સંખ્યાથી. આમ તો આપણે ‘પાણી પહેલા પાળ બાંધવી’ અને ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ જેવી કહેવાતો વાગોળીએ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં તે આપણને એક સારી આદત તરીકે નહિ, પરંતુ બૂરું થવાના ભયને કારણે વધારે વ્યાજબી લાગે છે. જ્યાં સુધી આપણને મનમાં કોઈ ડર ન હોય ત્યાં સુધી કોઈ કામ આપણને અપીલ કરતું નથી. ઇન્સ્યોરન્સ આપણે ત્યારે જ લઈએ છીએ જયારે એકાદવાર નુકશાન ભોગવીએ અથવા તો કોઈ નજીકના વ્યક્તિને આવું નુકશાન ભોગવતા જોઈએ છીએ. કાયદાઓનું પાલન આપણે તેની સાથે સંકળાયેલી સજા કે દંડને કારણે કરીએ છીએ નહિ કે તેના અમલથી મળનારા લાભ માટે. હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરવાની આપણી આદત સકારાત્મક કરતા વધારે દંડના ભયનું પરિણામ છે. આવી આપણી માનસિકતા અને મનઃસ્થિતિને કારણે જ કોઈ ધુતારા આપણા ડરનો ફાયદો ઉઠાવીને ગુમરાહ કર્યા કરતા હોય છે અને આપણે તેમની વાતોથી ભરમાયા કરીએ છીએ.

રાત્રે આપણને દોરડામાં સાપ દેખાય છે તેનું કારણ પણ એવો ભય છે. પરંતુ મનને ટ્રેઈન કરી શકાય છે અને નકારાત્મકતાને નકારીને સકારાત્મકતાને સ્વીકારતા શીખવાડી શકાય છે. તેના માટે માત્ર એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે કે જયારે પણ કોઈ નિર્ણય લઈએ ત્યારે તેની પાછળની સકારાત્મકતાને જોવાનો પ્રયત્ન કરવો અને નકારાત્મકતાથી ભયભીત થવું નહિ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus