સંસ્કૃતમાં એક શબ્દ છે ભવ, જેનો અર્થ થાય છે બનવું - બીકમીંગ. આ શબ્દ જ આપણે વારંવાર ગુજરાતી ભાષામાં એવી રીતે વાપરતા હોઈએ છીએ કે જેનો અર્થ જન્મ સાથે, જીવન સાથે સરખાવવામાં આવે છે. આ ભવસાગર તરી જવો, ભવ ભવના બંધન હોવા વગેરે વગેરે. આ રીતે જોઈએ તો ભવને આપણે થોડા વિસ્તૃત અર્થમાં સમજીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો તે એક પ્રક્રિયા દર્શાવે છે, પ્રક્રિયા કંઇક બનવાની, ઘટવાની, સાતત્યની. આ જીવન પણ વાસ્તવિકતામાં સદાકાળ કંઇકને કંઇક બનતી પ્રકિયા છે. આપણે જે જન્મેલા તે હવે નથી, ત્યારના બધા જ કોષો અત્યાર સુધીમાં તો કેટલીયવાર નાશ પામી ચુક્યા છે અને આપણે અનેકવાર કોષીય રીતે પુનઃજન્મ લઇ ચૂક્યા છીએ તેવું કહી શકાય.
આ હકીકતને વિપશ્યના દર્શનમાં ખુબ સારી રીતે સમજાવવામાં આવી છે. પળ પળ બનતી ઘટના સૂક્ષ્મ અને સ્થૂળ સ્તરે વિશ્વમાં કંઇકને કંઇક પરિવર્તન લાવ્યા કરે છે. એ પરિવર્તન અને સર્જનની પ્રક્રિયા જ અવિરત છે અને આપણે તેનો એકમાત્ર હિસ્સો જ છીએ. આ વાસ્તવિકતા જે વ્યક્તિ સમજી જાય તે ક્યારેય સુખ અને દુઃખના ભેદભાવમાં ન પડે, ક્યારેય ગમો-અણગમો પણ ન રહે. પરંતુ આપણું મન ખરેખર આવી સૂક્ષ્મતા અને સ્થિતપ્રજ્ઞતા સમજતું નથી, કેમ કે તેને એવી તાલીમ જ આપવામાં આવી નથી. જો મનને આવી તાલીમ આપીએ તો કદાચ જલ્દીથી આ સંસારના સુખ-દુઃખમાંથી બહાર આવી શકીએ.
ભગવાન બુદ્ધનું દર્શન અને તેના આધારે શ્રી સત્યનારાયણ ગોએન્કા સાહેબે વિકસાવેલી વિપશ્યના પદ્ધતિ આ પ્રકારનો અનુભવ કરાવે છે. જે લોકો ભગવાન બુદ્ધના ઉપદેશને માત્ર એ સ્તરે જ સમજે છે કે ઈચ્છા દરેક દુઃખનું મૂળ છે તેઓ આ ફિલોસોફીને અન્યાય કરી રહ્યા છે. બુદ્ધદર્શન આ એક વાક્ય કરતા ઘણું ગહન છે અને તેને સમજવું પણ ખુબ હિતકારક છે. ભારતના છ પારંપરિક દાર્શનિક પ્રવાહો કે જેમાં ન્યાય, સંખ્યા, યોગ, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા (વેદાંત)નો સમાવેશ થાય છે તેવી જ રીતે બુદ્ધ દર્શન પણ આગળ જતા તેમાં ઉમેરાય છે. આ દર્શન માત્ર બૌદ્ધિક કક્ષાએ નહિ, પરંતુ અનુભવના સ્તરે કાર્ય કરવાનું સૂચવે છે.
જયારે વ્યક્તિ બહાર થતા અનુભવોને ઓળખે, પરંતુ તેનાથી વિચલિત ન થાય, વ્યાકુળ ન થાય ત્યારે સમતાનો ભાવ પ્રગટે છે. સમતા એટલે વિચલિત થયા વિના દરેક ભાવને, સંવેદનને સ્વીકારવું અને દ્રષ્ટાભાવે તેનો અનુભવ કરવો. કોઈ સંવેદનથી દૂર જ રહેવું એવી વાત અહીં નથી. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિય હંમેશા આપણને કોઈને કોઈ સંવેદન, સંકેત આપ્યા કરે છે અને આપણું માનસ તેનું અર્થઘટન કરીને પછી તેને અનુરૂપ પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપે છે. આવા પ્રતિભાવ અને પ્રતિક્રિયા શું હશે તે વ્યક્તિની મનસ્થિતિ પર આધાર રાખે છે. જો વ્યક્તિ વધારે અધીરો હોય તો તેને નાના નાના સંવેદનોથી વ્યાકુળતા જન્મે છે - પછી ભલે તે સુખદ હોય કે દુઃખદ. તેને પરિણામે તે ઈચ્છાઓ અને પ્રતિક્રિયાઓમાં એવો રચ્યોપચ્યો રહે છે કે જીવનભર કોઈ રેસમાં પડ્યો રહે છે અને ક્યારેય સ્થિરતાને પામતો નથી.
પરંતુ જે વ્યક્તિ આવી સંવેદનાઓને સ્વીકારીને તેને સમતાભાવે દ્રષ્ટા બનીને, નહિ કે ભોક્તા બનીને અનુભવે છે તેમજ વિચલિત થયા વિના જીવન જીવે છે તે ધીમે ધીમે સુખ દુઃખથી પર થતો જાય છે, પોતાના જીવન અને મન પર નિયંત્રણ કેળવાતો જાય છે, પરંતુ તે સહેલું નથી. તેના માટે ખુબ કઠિન તપસ્યા કરવી પડે છે. ભગવાન બુદ્ધે તો ઘરસંસાર છોડીને જંગલમાં જઈને તપસ્યા કરેલી પરંતુ સાંસારિક લોકો, જવાબદારીથી લદાયેલા લોકો પણ ધીમે ધીમે આ સાધના કરીને પોતાની ઇન્દ્રિયોને નહિ પરંતુ તેની સામે થતા પ્રતિભાવોને વશમાં કરીને સમતાપૂર્ણ જીવન જીવી શકે છે. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિ કહી છે તે અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે.
કોઈને આ પદ્ધતિ અને ફિલોસોફી અંગે વધારે વાંચવું હોય અને સમજવું હોય તો તેઓ ધમ્મ-વિપશ્યના અંગે થોડું સર્ચ કરી જુએ તો ઘણી માહિતી મળી જશે, ખાસ કરીને સત્યનારાયણ ગોએન્કાના પુસ્તકો અને વીડિયો પણ મદદરૂપ થશે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)