ફિલ્મની સફળતા - નિષ્ફળતાનો બોધપાઠ છેઃ પરિવર્તન સંસારનો નિયમ છે

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 25th July 2023 11:27 EDT
 
 

વીતેલા સપ્તાહે ગ્રેટા ગેર્વિગની ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહેઇમર’ જેવી બહુ-અપેક્ષિત ફિલ્મો રિલીઝ થઇ. તે પહેલા ‘મિશન ઇમ્પોસિબલ - ડેડ રિકોનીન્ગ’ પાર્ટ-1 આવેલી. આ ત્રણેય ફિલ્મોની સફળતા આપણી સામે ફિલ્મ જગતના કેટલાક તથ્યો સામે લાવે છે. જેમાં અહીં સૌથી મોટી વાત છે લોકોના વિશ્વાસની. ‘બાર્બી’ એવી કહાની છે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ અને તેનો રમકડાં તરીકે ઉપયોગ કરતા આવ્યા છીએ. ક્રિસ્ટોફર નોલાનનું નામ હોલીવુડમાં સફળ દિગ્દર્શક તરીકે વિશ્વસનીય છે. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝ હંમેશા સક્સેસફુલ રહી છે અને આ વખતે પણ તેણે લાખો દર્શકોને થિએટરમાં ખેંચ્યા છે. આ ત્રણેય ફિલ્મોની પાછળ રહેલી બ્રાન્ડ અને વિશ્વસનીયતા તેમને સફળ બનાવવા માટે કારણભૂત છે.

‘બાર્બી’ ફિલ્મ બાળકોના રમકડાની વાર્તા કહે છે, જ્યારે ‘ઓપેનહાઇમર’નું કથાનક પ્રથમ અણુ બોમ્બના વિકાસ પર કેન્દ્રિત છે. બંને ફિલ્મોની આસપાસ પ્રચાર અને વિવેચકોની જબરજસ્ત હકારાત્મક સમીક્ષાઓને લીધે ગયું સપ્તાહ આ વર્ષનો સૌથી મોટો બોક્સ ઓફિસ સપ્તાહાંત રહ્યો. યુકેમાં VUE સિનેમાઘરોએ આપેલા અહેવાલ અનુસાર, આ સપ્તાહાંત તેમના માટે રોગચાળા પછીનો સૌથી સફળ સપ્તાહાંત હતો. યુકે સિનેમા એસોસિએશને પણ પુષ્ટિ કરી છે કે 2019 પછી યુકે સિનેમા માટે તે સૌથી સફળ સપ્તાહાંત છે.

ભારતીય બોલીવુડ ફિલ્મોમાં છેલ્લા ઘણા સમયથી વળતા પાણી આવી રહ્યા છે અને હિન્દી ઓરિજિનલ ફિલ્મો કરતાં વધારે દક્ષિણ ભારતની ડબિંગ વાળી ફિલ્મો ચાલી છે. છેલ્લા વર્ષમાં બોલીવુડની ઘણી ફિલ્મો ફ્લોપ ગયેલી અને આ ટ્રેન્ડ મુશ્કેલીથી શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ તોડેલો. ત્યારબાદ થોડી નાની ફિલ્મો ચાલી છે, પરંતુ ફરીથી આટલી મોટી સફળતા કોઈ ફિલ્મને તાજેતરમાં મળી નથી. શાહરુખ ખાનની એક વધારે ફિલ્મ આવવાની છે, જે સારી ચાલે તેવી શક્યતા છે. આજકાલ બોલીવુડમાં પણ 25-50 કરોડની ફિલ્મો ખાસ ધ્યાનમાં આવતી નથી. મોટા સ્ટાર વાળી અને 200-300 કરોડની ફિલ્મો જ લોકોના ધ્યાને આવે છે. તકનિક અને આધુનિક્તાનો દાવો કરીને બનાવાયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ખુબ મોટા બજેટમાં બનેલી અને તે પણ ફ્લોપ થઇ ગઈ. ત્યારબાદ ‘આદિપુરુષ’ પણ કઈ ખાસ પ્રદર્શન કરી શકી નહિ. ‘આદિપુરુષ’ને તો કેટલીય ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું. તે પહેલા સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ તદ્દન પીટાઈ ગઈ હતી. થોડા પાછળ જઈએ તો આમિર ખાનની ‘લાલસીંઘ ચઢ્ઢા’ પણ જબરી ફ્લોપ ગયેલી. હોલીવુડની 1994ની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ કે જેમાં ટોમ હાન્સક મુખ્ય કલાકાર હતો તેના પરથી આ ફિલ્મ બનેલી તેવું કહેવાયું હતું, પરંતુ તેમ છતાંય આ ફિલ્મે સારો બિઝનેસ ન કર્યો અને ન તો તેને સારા રિવ્યુ મળ્યા. તેનું કારણ એ કે દર્શકોની અપેક્ષામાં તે ખરી ન ઉતરી.

ફિલ્મોનો આવો નબળો દોર આવવા માટે ભારતમાં એક કારણ એ છે કે જયારે તમારી બ્રાન્ડ બની ગઈ હોય ત્યારે પણ તમારે પ્રેક્ષકોની અપેક્ષામાં ખરા ઉતરવું પડે છે. ભલે ગમેતેટલા મોટા ડિરેક્ટર કે એક્ટરની ફિલ્મ હોય, પરંતુ તેમાં વાર્તામાં અને એક્ટિંગમાં કંઈ દમ ન હોય તો શું કામનું? ફિલ્મોનો એક નવો ટ્રેન્ડ એ પણ શરૂ થયો છે. જે ત્રણ - ચાર મોટા હીરો હતા તેના સિવાયના લોકો હવે આગળ આવવા લાગ્યા છે અને તે જરૂરી પણ છે. દરેકનો દસકો હોય છે, પરંતુ અમુકના બે કે ત્રણ દસકા પણ હોય છે. ત્યારબાદ બીજા કોઈએ પણ આવવું પડે છે. આ રીતે આગળ આવનારા નવા કલાકારોને તક મળે, લોકો ઓળખાતા થાય તે આવશ્યક છે. તેનાથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વૈવિધ્ય જળવાઈ રહેશે. હીરોઇનોમાં, સ્ત્રી કલાકારોમાં જેટલા નવા ચહેરા સામે આવ્યા છે એટલા પુરુષ કલાકારોમાં આવ્યા નથી તે પણ આશ્ચર્યની વાત છે. અને જો આવ્યા છે તો ચાલ્યા નથી એ પણ સત્ય છે.

હોલીવુડ હોય કે બોલીવુડ, નવી સ્ટોરી, નવી તકનિક અને નવા કલાકારો દ્વારા તેમાં વૈવિધ્ય આવે છે અને સ્થપાયેલા કલાકારો અને નિર્દેશકો દ્વારા તેની સ્થિરતા જળવાઈ રહે છે. નવી ફિલ્મો કે જે ચાલી રહી છે અને પીટાઈ રહી છે તેમાંથી આપણે ઘણું શીખવા જેવું છે.


comments powered by Disqus