એક પ્રયોગ કરવામાં આવ્યો. કોલેજના પ્રાધ્યાપકે તેના વર્ગના વિદ્યાર્થીઓને માટે એક ટેબલ પર અલગ અલગ પાત્રમાં કોફી મૂકી. એકાદ પ્યાલો ચળકતો સુંદર દેખાય તેવો હતો, કોઈ આકર્ષક રંગવાળો હતો, કોઈ કાચનો હતો, કોઈ કાગળનો હતો તો કોઈ ગોબાવાળો કપ હતો. પરંતુ પ્રોફેસરે દરેક પ્યાલામાં એક જ જગમાંથી તેમની સાથે કોફી ભરી. પછી કહ્યું, ‘તમે સૌ પોતપોતાના માટે કોફીનો એક એક પ્યાલો લઇ લો પછી આપણે આજનું કામ શરૂ કરીએ.’
દરેક વિદ્યાર્થીઓ પોતાને ગમતો, સારો દેખાતો પ્યાલો ઉઠાવ્યો. ગોબાવાળા, કાગળના, ઓછા આકર્ષક દેખાતા બે-ત્રણ પ્યાલા બચી ગયા. જયારે સૌ પોતપોતાના સ્થાને પાછા ફર્યા ત્યારે પ્રોફેસરે પ્રશ્ન કર્યો: શું તમે એ વાતની નોંધ લીધી કે દરેક પ્યાલામાં કોફી સમાન હોવા છતાં સૌએ સુંદર લાગે તેવો પ્યાલો ઉઠાવવાને પ્રાથમિકતા આપી? શા માટે?’ પ્રોફેસરનો પ્રશ્ન સાંભળીને દરેક વિદ્યાર્થીએ પોતપોતાના હાથમાં રહેલા પ્યાલા સામે નજર કરી અને અચેતન રીતે તેઓએ જે નિર્ણય કરેલો તેના અંગે વિચાર કર્યો.
પ્રોફેસરે આગળ સમજાવ્યું કે આપણે હંમેશા સુંદર દેખાય તેવી વસ્તુઓ, વ્યક્તિઓ કે સ્થળોથી આકર્ષિત થઈએ છીએ. આ સુંદરતા તેના કદ, રંગ કે કારણે કારણે હોઈ શકે. આ સુંદરતા તેના દેખાવની છે. જયારે પસંદગીની વાત અંતે ત્યારે સુંદરતા અને દેખાવડાપણું પ્રાથમિકતા ધરાવે છે. આ અનાયાસ રીતે જ થઇ જતું હોય છે. તેના માટે આપનો ઉછેર અને સમાજમાંથી મળેલા સંસ્કાર જવાબદાર છે. ભાગ્યે જ આપણે આટલું બધું વિચારીએ છીએ કે કયો કપ વધારે સારો દેખાય છે અને કયો ઓછો, પરંતુ આપણો હાથ નિશ્ચિતપણે જ સૌથી વધારે આકર્ષક દેખાતા કોફીના કપ તરફ જાય તે સ્વાભાવિક છે.
આ પ્રકારનો આપણો સુંદરતા તરફનું પક્ષપાતી વલણ ઘણી વખત આપણને પદાર્થના ગુણધર્મથી, વ્યક્તિના સંસ્કારો અને સ્વભાવથી તેમજ સ્થળની અન્ય લાક્ષણિકતાઓથી અંધ કરી દે છે. આ બધી બાબતો પ્રત્યે આપણું મગજ ધ્યાન આપવાને બદલે માત્ર તેના દેખાવ પર કેન્દ્રિત થાય છે. જયારે આપણે સંબંધોમાં પણ આ પ્રકારના દેખાવને પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે ઘણી વાર આપણા સંબંધો કમજોર પડે છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં તો આ વાત બહુ વધારે સાચી છે. કેમ કે દરેક વ્યક્તિ ફિલ્ટર લગાવીને પોતાને આકર્ષક બતાવી શકે છે. લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકે છે. આ દેખાવ વાસ્તવમાં તેના સ્વભાવ, તેના વ્યક્તિત્વને દર્શાવતો નથી. એટલા માટે જ ઘણા લોકો સોશિયલ મીડિયા પર થયેલી મુલાકાત, તેમાંથી પાંગરેલા આકર્ષણને પ્રેમ માની લેવાની ભૂલ કરી લેતા હોય છે. વ્યક્તિના સ્વભાવને સમજ્યા વિના જ જયારે આ પ્રકારના આકર્ષણના આધારે સંબંધો બાંધી લેવાય છે ત્યારે તેના તૂટવાની શક્યતા વધારે હોય છે.
વાતનો મર્મ દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને સમજી પણ રહ્યો હતો. તેમના મગજમાં એ સ્પષ્ટતા થઇ રહી હતી કે માત્ર આંખોના ધોખામાં આવીને નિર્ણય કરવાથી આપણે ચમકતી ગાડી ખરીદી લઈએ પરંતુ તેનું એન્જીન ચેક કરવાનું ભૂલી જઈએ તેવું થઇ શકે. તેમને હકારમાં માથું હલાવતા જોઈને પ્રોફેસરે વાત આગળ ચલાવી: જયારે આપણે કોઇ વાતનો નિર્ણય કરવો હોય ત્યારે દરેક પાસાને ધ્યાનમાં લેવા જોઈએ. ખાસ કરીને જે બાબત આપણા માટે સૌથી હાર્દરૂપ હોય તેના પર જ વધારે ભાર મુકવો જોઈએ. જેમ કે, કોફી પીવાની બાબતમાં સૌથી વધારે હાર્દરૂપ બાબત છે કોફી. પ્યાલો તો તેને ભરવાનું માધ્યમ જ છે. સ્વાદ તો કોફીમાં છે. પ્યાલો તેના સ્વાદને વધારી કે ઘટાડી શકે તેમ નથી. માટે જયારે કોફી લેવાની હોય ત્યારે આપણું ફોકસ પ્યાલા પર નહિ પરંતુ તેની અંદર રહેલી કોફી પર હોવું જોઈએ. પરિણામે કોઈ પણ પ્યાલો હાથમાં આવે તેમાં કોઈ જ ફરક ન પડે કેમ કે દરેકની અંદર રહેલી કોફી તો સમાન જ હતી.
આ પ્રમાણે જીવનમાં પણ ક્યારેય નિર્ણય કરવાનો થાય તો સૌથી વધારે પ્રાધાન્ય હાર્દરૂપ બાબતને અપાતા શીખજો - એવું કહીને પ્રોફેસરે પોતાના વિષયને ભણાવવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓએ આજે શીખેલા આ પાઠને જીવનમાં ડગલેને પગલે અમલમાં મુકવાનો મક્કમ નિર્ણય કર્યો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)