ક્યારેક દિવસની શરૂઆતથી જ આપણને કોઈક બેચેની લાગ્યા કરતી હોય છે. એવું લાગે છે કે જીવનમાં કંઈ જ સારું નથી થઇ રહ્યું, ક્યાંકને ક્યાંક કોઈ સમસ્યા આવી રહી છે પરંતુ ખરેખર શું બાબત છે જે મનમાં ખૂંચી રહી છે તેની ખબર ન પડે. એવી લાગણી મનમાં આવવાનું કારણ ખરેખર શું છે તે આપણને ખબર ન હોય અને ખરેખર આપણે સવારે ઉઠ્યા હોઈએ ત્યારે એવું કઈ જ ન બન્યું હોય કે જેના કારણે આવી અજૂગતી ચિંતા મનમાં ઘુસી જાય. પરંતુ તેમ છતાંય આવું ઘણી વાર થાય છે, આપણે કોઈક પ્રકારની ફિકરથી પરેશાન થઇએ છીએ. આવી મન કચવાવાની લાગણીને કેટલાક લોકો અલૌકિક સંકેત માને છે, કહે છે કે કૈંક ખરાબ થવાની નિશાની છે. કેટલાક લોકો આવા વિચારને ફગાવી દે છે અને બીજી પ્રવૃત્તિમાં મન પરોવવાની કોશિશ કરે છે.
શું આપણે બ્રહ્માંડમાંથી ક્યારેક કંઈ સારું કે ખરાબ થવાના સંકેત મેળવીએ છીએ? જેને આપણે ઈન્ટ્યુશન - અંતર્જ્ઞાન કહીએ છીએ તે વાસ્તવમાં કોઈ તાર્કિક અસ્તિત્વ ધરાવે છે કે પછી માત્ર મનમાં પેસી જતો અજાણ્યો વિચાર કે ભય છે જે આપણને કોઈક રીતે હેરાન કર્યા કરે છે. ખરેખર તો આવી લાગણી મનમાં ઉભી થાય અને પછી જે કંઈ બને તેને આપણે તે સંકેત સાથે સાંકળીને જોઈએ છીએ. એક રીતે કહીએ તો આપણે ભયના ચશ્મા પહેરીને જ દિવસ વિતાવીએ છીએ, ક્યારેક તો અઠવાડિયા અને મહિના પણ આવી ભયની લાગણીમાં વીતી જાય છે. પ્રશ્ન એ છે કે આવા ભયને ગંભીરતાથી લેવો કે અવગણી નાંખવો? જો ગંભીરતાથી લઈએ તો પણ જયારે આ વિચારનું, ચિંતાનું, ભયનું કારણ ખબર જ નથી તો શું કરી શકાય? કઈ ખરાબ થતું અટકાવવા માટે એ ખબર તો હોવી જોઈએને કે શું ખરાબ થવા જઈ રહ્યું છે. માત્ર આશંકાના આધારે આકાશમાં કિલ્લા કેવી રીતે બાંધવા?
કોઈ મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે કે મનમાં ઉઠતા આવા ભયનું કોઈ કારણ હોય છે કે કેમ. જે રીતે સિગ્મન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આપણા આજના વર્તનને બાળપણમાં બનેલી ઘટનાઓ સાથે સાંકળવાની કોશિશ કરી છે, જે રીતે આપણા સપનાઓનું મનોવૈજ્ઞાનિકો અલગ અલગ રીતે વિશ્લેષણ કરવાની કોશિશ કરે છે તેવી જ રીતે જો આવા બિનઆમંત્રિત આવી જતા ચિંતાજનક વિચારનું કારણ અને તેના પરિણામ અંગે જો કોઈ અભ્યાસ થાય, માહિતી મળે તો કેટલાય લોકોના ચહેરા જે નાહકના આખો દિવસ ચિંતિત દેખાય છે તેના પર સ્મિત લાવી શકાય.
ખેર, પરંતુ જ્યાં સુધી આવો સચોટ અભ્યાસ ન થાય, કોઈ કારણ અને પરિણામ અંગે જાણકારી ન મળે ત્યાં સુધી તો સૌથી ઉત્તમ ઉપાય એ જ છે કે દિવસ દરમિયાન સાવચેત રહીએ પરંતુ તેવા વિચારને બાજુ પર રાખીને કઈંક પોઝિટિવ, સકારાત્મક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. દિવસ દરમિયાન કેમેય કરીને આપણે આ ભયની લાગણી સામે જીતી જવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે તેનાથી રાતની ઊંઘ ખરાબ ન થાય તે આવશ્યક છે. નહીંતર ફરી રાતભર ચિંતા અને બીજા દિવસે થાક, ચિંતા અને ચિડચિડાપણું થયા કરે. આમ ચાલે તો થોડા દિવસમાં આપણી સ્થિતિ એવી થઇ જાય કે આપણે કોઈ સાથે વાત કરવાનુંયે મન ન થાય અને આપનો ચિડચિડો સ્વભાવ જોઈને બીજા લોકો પણ આપણને ન વતાવે! પોતાની જાતને આવી ઝેરીલા ચક્રવ્યૂહમાં ફસાવવા કરતા વધારે સારું એ છે કે કેમેય કરીને એ વિચારને ડામી દેવો - જે થશે તે જોયું જશે અને સાવચેતી રાખીને આવનારી સમસ્યા સામે લડી લઈશું - એવો અભિગમ અપનાવવો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)