માણસનો સ્વભાવ અજીબ છે અને તેમાં સમુદ્રની માફક મોજા આવ્યા કરે છે પરંતુ આ તરંગોને જો નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે જીવનને હિલ્લોળે ચડાવી શકે છે. ક્યારેક ખુબ સારી રીતે વર્તન કરે તો ક્યારેક કોઈને ગણકારે જ નહિ, ક્યારેક ખુશમિજાજ રહે તો ક્યારેક સોગિયું મોઢું કરીને પડ્યા રહે તેવા અંતરાલોને આપણે મૂડ સ્વિન્ગ કહીએ છીએ અને તે આપણા સૌની સાથે બની શકે. મૂડ સ્વિન્ગ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે અને તે વ્યક્તિ પોતે જ વધારે સારી રીતે સમજી શકે. ઓફિસમાં બોસનો મૂડ ખરાબ હોય તો લોકો કહે છે કે ઘરે ઝગડો થયો હશે તેની અસર અહીં દેખાય છે. બાળપણમાં આપણે શાળામાં શિક્ષકના મૂડ અંગે પણ આવી જ ટીકા કરતા. વાત સાચી છે. કોઈ એક જગ્યાએ વ્યક્તિ સાથે ખરાબ વર્તન થયું હોય તો તેની અસર મૂડ પર ઘણો સમય રહે છે અને તેનાથી એ વ્યક્તિનું વર્તન બીજી જગ્યાએ પણ અસરગ્રસ્ત રહે છે. આ જ કારણ છે કે ઘરે થયેલો ઝગડો વ્યક્તિની ઓફિસ સુધી પહોંચી શકે છે અને ઓફિસના મૂડની અસર ઘરે પણ પહોંચે છે.
આ કારણે માણસે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેનું વર્તન એવું ન હોય કે એક ઘટનાની અસર બીજી જગ્યાએ પહોંચે. કેમ કે ઘરે શું થયું તે ઓફિસમાં કોઈને ખબર ન હોય અને ઓફિસમાં શું થયું તેની ખબર ઘરમાં કોઈને ન હોય. અમસ્તા જ ઓફિસના લોકો અંટાય જાય કે ઘરના લોકોનો મૂડ ખરાબ થાય તેવું ન કરવું જોઈએ. પરંતુ આ પ્રકારે ઓફિસ અને ઘરની વચ્ચે દીવાલ કેવી રીતે ચણવી તે અઘરો પ્રશ્ન છે. માણસના મગજમાં કંઈ એવા કમ્પાર્ટમેન્ટ હોતા નથી કે તે ઓફિસની વાત ઓફિસમાં રાખે અને ઘરની વાત ઘરમાં રાખીને આવે. પરંતુ માણસ પાસે એવી ક્ષમતા જરૂર છે કે તે એક સ્થળેથી બીજી સ્થળે જતાં પહેલા, એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જતાં પહેલાં પોતાના મૂડને નિયંત્રિત કરી લે. એવું કરવા માટે તેણે સચેત રીતે પોતાના જૂના અનુભવને એક બાજુ કરી દેવો જોઈએ અને નવેસરથી પોતાના મનને રિફ્રેશ કરી દેવું જોઈએ. આ રીતે પોતાની જાતને રિ-સ્ટાર્ટ કરતાં શીખી જઈએ તો જૂના ઝગડાને કારણે તમે નવા ઝગડા નહિ કરો. નહીંતર સવારથી લોકો સાથે બાઝવાનું શરૂ કરશો તે સાંજ સુધી પૂરું નહિ થાય અને પરિણામે એક દિવસમાં તો કેટલીય જગ્યાએ બાવળીયા વાવીને આવી જશો. દિવસ પૂરો થઇ જશે, મૂડ તો બદલાઈ જશે, પરંતુ એક વાર ખરાબ થયેલા સંબંધ ક્યારેય નહિ સુધરી શકે.
આ આવડત કેળવવી આવશ્યક છે અને પોતાના મૂડ સ્વિન્ગને નિયંત્રણમાં રાખતા શીખવું જરૂરી છે. જે વ્યક્તિ પોતાના મૂડ સ્વિન્ગને નિયંત્રિત ન કરી શકે તે માણસ પોતે તો ઘણી વાર સમસ્યાનો ભોગ બને જ છે પરંતુ બીજા માટે પણ મુસીબત રાંધી નાખે છે. આવા રસોઈયા ન બનવું હોય તો થોડું નિયંત્રણ રાખતા શીખી જજો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)