મિસ્ટેકન આઇડેન્ટિટીઃ ક્યારેક કોમેડી તો ક્યારેક ટ્રેજેડી સર્જે છે સંજોગ

- રોહિત વઢવાણા Tuesday 03rd September 2024 07:33 EDT
 
 

ક્યારેય એવું થયું છે કે તમે ઉબર કે બોલ્ટ ટેક્સી ઓર્ડર કરી હોય અને તમારે જે ટેક્સીમાં બેસવાનું હોય તેને બદલે કોઈ બીજી ગાડીમાં સવાર થઈ ગયા હોય? ત્રણ-ચાર કિલોમીટર આગળ ગયા પછી જ તમને અને ડ્રાઇવરને સમજાય કે તમારે જોઈતો હતો એ ડ્રાઇવર નથી અને તેને જોઈતા હતા એ મુસાફર તમે નથી. હવે શું થશે? કેવી રીતે આ પરિસ્થિતિ નિરાકરણ આવશે?
આ રીતની મિસ્ટેકન આઈડેન્ટિટી એટલે કે ભૂલામણી ઓળખના કિસ્સા પણ હાસ્યસ્પદ પરિસ્થિતિ ઊભી કરતા હોય છે. આવી મિસ્ટેકન આઇડેન્ટિટી પર ઘણી ફિલ્મો પણ બની છે અને ઘણા નાટકો પણ લખાયા છે. કોમેડીનો આ એક લોકપ્રિય પ્રકાર હતો જેનું ખેડાણ સાહિત્યમાં ઘણું થયું છે. આવા હાસ્યસ્પદ કિસ્સા બનવા ઉપરાંત ઘણી વખત ખોટી ટેક્સી લેવાથી પરિસ્થિતિ મુશ્કેલભરી દિશામાં પણ જઈ શકે છે. તમે જે ટેક્સી લઈ લીધી તેના માટે રાહ જોતા મુસાફરને ઉતાવળ હોય પણ તેને તે ટેક્સી ઉપલબ્ધ ન થાય કારણ કે તમે તેમાં સવાર થઈ ગયા છો તો વિચારો કે તે મુસાફર કેવી દુવિધામાં મુકાય. તેવી જ રીતે તમારે પણ જ્યાં જવાનું હોય તેના કરતાં અલગ દિશામાં ટેક્સી તમને હાંકી રહી હોય અને બે-ત્રણ કિલોમીટર બાદ તમને સમજાયું હોય કે આ તો ભૂલામણી ઓળખનો કિસ્સો બન્યો છે ત્યારે ફરીથી ખરી દિશામાં જવા માટે તમારે પણ નવેસરથી પ્રયત્નો કરવા પડે અને કદાચ તમને પણ સમયનો અભાવ હોય તેવું બની શકે.
આ ઉપરાંત ભાડા અંગેનો પ્રશ્ન તો અલગથી ઊભો થવાનો જ. શું તમે ટેક્સીવાળાનો વાંક કાઢીને કહેશો કે હું તને ભાડું નહીં આપું કેમ કે મારે તો બીજા કોઈની સાથે જવાનું હતું અને તું મને ખોટો લઈ આવ્યો છે; કે પછી એ ટેક્સી વાળો તમને કહેશે કે મારા મુસાફરને બદલે તમે બેસી ગયા છો અને તમારા કારણે મને નુકસાન થયું છે તો તમારે તેની ભરપાઈ કરવી પડશે. શક્ય છે કે આ સમયે તમે બંને સારા મૂડમાં હોય તો નિરાકરણ સુખદ અને બિન-તકરારી આવી શકે. પરંતુ જો બેમાંથી એકેયનો મૂડ ખરાબ હોય તો તો ઝઘડો જ થવાનો. આર્થિક નુકસાન કોને ભોગવવાનું તે પણ મુશ્કેલ પ્રશ્ન કહેવાય. જેના માટે તમારી આર્થિક સ્થિતિ પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. જો તમારા માટે 200-300 રૂપિયા બહુ મોટી રકમ ન હોય તો તમે એ ગરીબ ટેક્સીવાળાને આપવામાં રકઝક નહીં કરો પરંતુ જો તમે પોતે પણ ખર્ચામાં ડૂબેલા હશો તો તમને આ રકમ ખૂબ મોટી જણાશે અને તકરાર જરૂર થશે.
ટેક્સી આવે ત્યારે તેનો નંબર અને ડ્રાઇવરનું નામ નિશ્ચિત કરીને બેસવાનો સામાન્ય આપણો નિત્યક્રમ જો ક્યારેક આવી ભૂલભરી પરિસ્થિતિમાં પરિણમે તો આપણે અને ટેક્સી ડ્રાઈવર બંને પોતપોતાને મૂરખ ગણીએ તે તો સાચું પરંતુ સામે આવી ચડેલી પરિસ્થિતિનું નિરાકરણ કેટલું સરળતાથી આપણે લાવી શકીએ છીએ તે નક્કી કરશે કે આપણે વાસ્તવમાં મૂર્ખ છીએ કે તે એકમાત્ર ભૂલામણી ઓળખનો કિસ્સો બન્યો છે. શું તમારા જીવનમાં પણ ક્યારેય આવા ભૂલામણી ઓળખના હાસ્યસ્પદ કે દુઃખદ બનાવ બન્યા છે? તો તમે તેમાંથી કેવી રીતે ઉગર્યા છો તેને યાદ કરીને મિત્રો સાથે વહેંચશો તો ખૂબ મજા આવશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus