રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે?

આરોહણ

રોહિત વઢવાણા Monday 14th November 2022 06:30 EST
 
 

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે?

મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી વધારે સાચું એ છે કે જો સવાર ખરાબ જાય તો દિવસ નિશ્ચિત જ ખરાબ જાય. કેમ કે સવાર સારી તો દિવસ સારો એની ગેરંટી તો ઓછી છે. પરંતુ સવાર ખરાબ તો દિવસ ખરાબ તેની સંભાવના વધારે હોય છે. તેનું કારણ છે?
આપણે સૌ મૂડ એટલે કે મિજાજના આધારે જીવનારા લોકો છીએ. જો આપનો મૂડ ખરાબ હોય તો ચાંદનીની શીતળતા પણ દઝાડે છે અને મનોસ્થિતિ સારી હોય તો ચોંટેલી ખીચડી પણ સ્વાદિષ્ટ લાગે છે. આ વાત સર્વ સ્વીકાર્ય છે અને સર્વ સામાન્ય પણ છે. ભાગ્યે જ કોઈ એવી સમજદાર વ્યક્તિ હોય છે જે દરેક પરિસ્થિતિનું ક્ષણે ક્ષણ વિશ્લેષણ ખુબ જ નિસ્પક્ષ રહીને કરી શકે છે. મોટાભાગે તો સવારમાં પહેરેલા ચશ્માના રંગે જ આખો દિવસ દુનિયા જોવાય છે.
તો જયારે એ વાત વિદિત છે કે મોર્નિંગ મૂડ મેક્સ ધ ડે - તો પછીનો પ્રશ્ન એ છે કે રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? શું તમને ખબર છે કે તમારો મૂડ સારો કેવી રીતે રહી શકે અને મિજાજ બગડે કેવી રીતે? કોઈ મિત્રને સવારની ચા સારી ન મળે તો ખીજાય જાય. ક્યારેક તો કપ રકાબી ફેંકી દે. બીજા કોઈ મિત્રની એવી આદત કે તેને સવારમાં સમાચારપત્ર વાંચવાની આદત. ક્યારેક સવારે નાસ્તા સાથે જો છાપું હાથમાં ન આવે કે કોઈ કારણથી વહેલુંમોડું થાય તો તેનો પિતો છટકે. કોઈ કોઈ માણસ સવારમાં સંગીત સાંભળે તો કોઈ ધૂન-ભજન કરે. કોઈને મંદિરે જવાની આદત હોય તો કોઈ વ્યાયામમાં સમય પસાર કરે. ટૂંકમાં પહેલી પ્રવૃત્તિ જ આપણા દિવસભરની દિનચર્યા અંગે અને આપણી મનોસ્થિતિ અંગે નિર્ણાયક બની રહેતી હોય છે.
દિવસનો પહેલો કલાક અને તેમાં પણ પહેલી પંદરેક મિનિટ સારી જાય અને મન પ્રફુલ્લિત રહે તો દિવસ સારો જવાની અને મિજાજ ખુશ રહેવાની શક્યતાઓ વધી જાય છે. મન આનંદિત હોય તો ક્યારેક આપણે પ્રતિકૂળતા પણ સહી લઈએ છીએ અને કોઈની ભૂલ પણ જતી કરીએ છીએ. નહીંતર તો કોઈએ કરેલી નાની મોટી ભુલોમાં પણ આપણે ગુસ્સે થઇ જઈએ અને નાહકના ચિડાઈ જઈએ તેવું સામાન્ય રીતે બનતું હોય છે. એક અધિકારીની ઓફિસમાં બધા સ્ટાફના લોકો અંદર અંદર એવી વાત કરે કે આજે સાહેબનો મૂડ સારો નથી એટલે દરેક વાતમાં નકારો જ ભણશે અને જે કોઈ અંદર જશે તેનો તો વારો જ આવી ચડ્યો. પરંતુ જયારે તેમનો મૂડ સારો હોય ત્યારે બધા લોકો પોતાની રજા પણ મંજુર કરાવી લે અને અગત્યની ફાઈલો પર નિર્ણય પણ ત્યારે જ લેવડાવી લે. શાળામાં બાળકો પણ શિક્ષક ચિડચિડ કરે ત્યારે બોલતા હોય છે કે આજે સાહેબને સવારની ચા સારી નથી મળી લગતી. ક્યારેક એવું પણ સાંભળવા મળે છે કે સાહેબનો આજે પત્ની સાથે સવાર સવારમાં ઝગડો થયો લાગે છે!
નિશ્ચિત રીતે સવારના મિજાજની આપણી દિનચર્યા અને કાર્યક્ષમતા પર ઊંડી અસર થતી હોય તો તેના પર આપણું નિયંત્રણ હોવું જરૂરી છે. જો દિવસને સારો બનાવવો હોય અને કોઈ નુકસાન ન થવા દેવું હોય તો સવારને સાચવી લેવી જરૂરી છે. એટલા માટે પોતાની રીતે બનતી કોઈ પણ ઘટનાથી આપણા મૂડને સુધારવા કે બગાડવા કરતા તેનું નિયંત્રણ પોતાના હાથમાં રાખવું આવશ્યક છે. બાહ્ય અને બિનમહત્ત્વના પરિબળો આપણી અગત્યની કામગીરીને નિયંત્રિત કરે તે તો બરાબર ન જ કહેવાય. એટલા માટે કોઈને કોઈ રીતે પોતાના મૂડને સારો બનાવતા શીખવું જરૂરી છે અને તે પણ તમારા પોતાના હાથમાં હોય તે આવશ્યક છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus