થોડા સમય પહેલા હાઈસ્કૂલમાં ભણતી તેર વર્ષની એક વિદ્યાર્થિનીએ પોતાની જાતને પુલિંગ હોવાનું જાહેર કર્યું. તેણે કહ્યું કે હવે મારા સર્વનામ SHE નહિ પરંતુ HE તરીકે વાપરવા. આ માત્ર સર્વનામ બદલવાની વાત નથી. તેનો અર્થ એવો છે કે હવે તેણે પોતાની જાતને સ્ત્રી નહિ, પુરુષ તરીકે જોવાનું શરૂ કર્યું છે. કેટલાક સમયથી અમેરિકા અને યુરોપમાં આ ઝુંબેશ વધારે જોરશોરથી ચાલી રહી છે જ્યાં દરેક વ્યક્તિએ પોતાના સર્વનામ જાતે નક્કી કરવાનું શરૂ કર્યું છે. પુરુષ તરીકે જન્મેલી વ્યક્તિ પોતાનું જીવન પુલિંગ સર્વનામો સાથે જીવે તેવું શા માટે ફરજીયાત બનાવવું જોઈએ અથવા તો સ્ત્રી તરીકે જન્મેલી વ્યક્તિ શા માટે પુરુષવાચક સર્વનામોનો ઉપયોગ ન કરી શકે? પોતાનું શરીર એક લિંગનું હોવાથી શું તેણે તે લિંગની સાથે સંકળાયેલા રહેવું આવશ્યક છે કે શરીર અને વિચાર જુદા હોઈ શકે?
આ પ્રકારની અનેક વિચારસરણીઓ અત્યારે પ્રચલનમાં આવી છે અને દરેક વ્યક્તિએ પોતાની લૈંગિક પ્રાથમિકતા જાતે નક્કી કરવાનો અધિકાર છે તેવી સંકલ્પના સાથે કેટલાય લોકો પોતે પુરુષ શરીર લઈને જન્મ્યા હોવા છતાંય સ્ત્રી તરીકે જીવન જીવવાનું કે તેનાથી વિરુદ્ધ સ્ત્રી શરીર સાથે જન્મેલી વ્યક્તિએ પુરુષ તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું છે. સમલૈંગિક લગ્ન તરીકે અથવા તો સમલૈંગિક શારીરિક સંબંધ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે વાસ્તવમાં બે સમાન લિંગ ધરાવતા શરીર છે, પરંતુ તેની અંદરનું વૈચારિક અસ્તિત્વ વિજાતીય જ હોય છે તેવું આ વાતથી સાબિત થાય છે. એટલે કે ગેય કે લેસ્બિયન તરીકે પોતાની જાતને ઓળખાવતા યુગલ પૈકી એક વ્યક્તિ એવી હોય છે જેની અંદરનો ભાવ પોતાના શરીર સાથે બંધબેસતો હોતો નથી. અને તે યુગલની બીજી વ્યક્તિને વિરુદ્ધ લિંગની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવામાં રસ હોતો નથી.
આ પ્રકારની ઘટનાને આપણે કેવી રીતે જોઈએ છીએ, તેમના અંગે આપણા વિચારો કેવી રીતે ઘડાયેલા છે તે સામાન્ય રીતે તો આપણા ઉછેર અને સમાજ પર આધાર રાખે છે. અમુક સમય પહેલા આ પ્રકારના સંબંધોને કે અભિગમને માનસિક વિકૃતિ કે પાગલપન કહીને અવગણી દેવામાં આવતું હતું. જે લોકો પોતાને જન્મથી જે શરીર મળ્યું હોય તે લિંગ સાથે તાલમેલ ન સાધી શકે તેમને માટે નપુસંક લિંગ એકમાત્ર ઉપાય જણાતો હતો. પરંતુ હવે લિંગ પરિવર્તનથી માંડીને માત્ર સર્વનામ બદલીને બીજી લિંગ સાથે સંલગ્નતા કેળવવા જેવા કિસ્સાઓ જોવા મળે છે. ધીમે ધીમે આ પ્રકારની સ્વતંત્રતા વધતી જાય છે અને આપણને આશ્ચર્ય થાય એટલા મોટા પ્રમાણમાં લોકો પોતાની લૈંગિક સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરવા લાગ્યા છે.
કેટલીક વખત વાદવિવાદ કરનારા લોકો એવો પણ પ્રશ્ન કરે છે કે શું આ માત્ર એક પ્રકારે વૈચારિક વિચલન નથી? ઇતિહાસમાં તો આ પ્રકારનું વલણ ધિક્કારને પાત્ર ગણાતું અને સજાપાત્ર પણ બનતું. પરંતુ હવે કેટલાય દેશોમાં તેમને સુરક્ષાના અને સ્વતંત્રતાના અધિકાર અપાયા છે અને તેની સાથે સાથે તેને આધુનિક ટ્રેન્ડ પણ ગણવામાં આવી રહ્યો છે. કેટલાય લોકો આ પ્રકારના વલણને કે નિર્ણયને એક ફેશન તરીકે પણ જુએ છે. પરંતુ વાસ્તવમાં જે વ્યક્તિ પોતાના જીવન માટે નિર્ણય કરે, શારીરિક વાસ્તવિકતાથી તદ્દન વિરુદ્ધ વૈચારિક અસ્તિત્વ અખત્યાર કરે તેને વધારે ખબર હોય કે તે શા માટે એવું કરી રહી છે.
સમાજ માટે આ નવો વિષય છે અને તેને સમજતા, સ્વીકારતા તથા સ્થિર થતા સમય લાગશે. આ ટ્રેન્ડ કઈ દિશામાં જશે તેના વિષે પણ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય નહિ પરંતુ આ નવી વાસ્તવિકતા છે તે વાતથી કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. આ માત્ર સામાજિક વલણમાં અને પ્રચલનમાં જ નહિ પરંતુ કાયદાઓમાં પણ આવવા લાગ્યું છે અને તેનો અમલ પણ ઘણી જગ્યાએ થવા લાગ્યો છે. હજુ આ વિષય કેટલાય લોકો માટે વિવાદાસ્પદ છે માટે કોઈ પ્રકારની દલીલમાં પડ્યા વિના એટલું સ્વીકારીએ કે આ નવી સામાજિક હકીકત છે. (અભિવ્યકત મંતવ્યો લેખકના અંગત છે.)