શક્તિ, સામર્થ્ય અને સાર્થકતા

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 01st August 2023 12:55 EDT
 
 

આપણે ઘણી વાર શક્તિ, સામર્થ્ય અને સાર્થકતાને એકબીજાના પર્યાય તરીકે અને અદલાબદલી કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ પરંતુ તેમના અર્થ અલગ છે અને તેમાં ઘણો તફાવત છે. શક્તિ તમારી કંઇક કરી શકવાની તાકાત સૂચવે છે. સામર્થ્ય એ વાતનું સૂચક છે કે તમે જે કામ કરો છો તેનાથી તમને કોઈ નુકશાન થતું નથી. અને સાર્થકતા ત્યારે છે જયારે તમે તમારી શક્તિ અને સામર્થ્યનો સદુપયોગ કરો. તમારા હાથમાં શક્તિ છે કે તમે કોઈને પણ તમાચો મારી શકો. પરંતુ તમારું એટલું સામર્થ્ય છે કે તમે ટ્રાફિકમાં તમારી ગાડી રોકે તે પોલીસ અધિકારીને તમાચો મારી દો? અને સાર્થકતા એમાં નથી કે તમારા હાથમાં રહેલી શક્તિનો ઉપયોગ કરીને અથવા તો તમારી પોઝિશનનો ફાયદો ઉઠાવીને કોઈને તમાચા મારતાં ફરો. સાર્થકતા તો ત્યારે કહેવાય જયારે તમે તમારી શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કોઈ સારા કાર્ય માટે કરો. કોઈને મદદરૂપ થવા માટે કરો.

પગમાં દશ કિલોમીટર ચાલવાની શક્તિ હોય પરંતુ તેવું કરવાથી તમારી નોકરીમાં મોડું થાય તેમ હોય તો એ શક્તિ સામર્થ્ય સાથે સંકલિત નથી. આવી શક્તિનું પ્રદર્શન નરી મૂર્ખતા છે. શક્તિના મદમાં આવીને લોકો જયારે પોતાની મર્યાદા ભૂલી જાય ત્યારે કંસ કે રાવણ બની જાય છે. તેમની પાસે શક્તિ તો હોય છે કે તેઓ પૃથ્વી પર શાસન કરી શકે પરંતુ તેટલું સામર્થ્ય તેમને સાંપડ્યું હોતું નથી. તેમનામાં શક્તિ સાથે હોવા જોઈએ તેવા અન્ય ગુણો - કરુણા, દયા, માનવપ્રેમ, પરોપકારવૃત્તિ વગેરે ન હોવાથી તેઓ સમર્થ શાસક બની શકતા નથી. પરિણામે તેમનું શાસન દુરાચારી બને છે. તેઓ લોકોની મદદ કરવાને બદલે તેમનું નુકશાન કરે છે. પોતાના અભિમાનમાં મસ્ત થઈને તેઓ પાપ કરે છે. આવા શક્તિશાળી પરંતુ અસમર્થ શાસકો પોતાની ક્ષમતાનો સાર્થક ઉપયોગ કરી શકતા નથી. તેની સામે રામ કે કૃષ્ણે જે રીતે પોતાના જીવનને સાર્થક બનાવ્યા, પોતાની શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરીને લોકોનો ઉદ્ધાર કર્યો તેનાથી તેમનું જ નહિ અન્યનું જીવન પણ સાર્થક થયું.
આપણા જીવનની સાર્થકતા શેમાં છે તે આપણે જાતે જ જાણી શકીએ છીએ. શ્રીકૃષ્ણ જીવનની સાર્થકતા ગીતોપદેશમાં રહેલી ગણી શકાય અને રામના જીવનની સાર્થકતા તો તેના મર્યાદાપુરુષોત્તમ હોવામાં જ છે. દરેક વ્યક્તિનું જીવન કોઈને કોઈ ઉદેશ્ય માટે હોય છે. આપણા કર્મો અને આપણા જીવનની દિશા નક્કી કરે છે કે આપણું જીવન સાર્થક થયું કે નહિ. મહાન પુરુષોના ઉદાહરણ લો, તેમના જીવન ચરિત્ર વાંચો તો સમજાય છે કે તેઓએ ક્યારેક જીવનને શક્તિ અનુસાર જીવ્યું નથી. તેમને હંમેશા પોતાના સામર્થ્યને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. એ શક્તિ અને સામર્થ્યને સાચી દિશામાં ઉપયોગમાં લઈને જ તેઓ પોતાનું જીવન સાર્થક કરી શક્યા છે. શક્તિના આધારે તેમણે સામર્થ્ય વધાર્યું છે અને તે બંને તો માત્ર જીવનને સાર્થક કરવા માટેના નિમિત્ત જ બન્યા છે. તેમનું લક્ષ્ય ક્યારેય શક્તિ પામવાનું કે સમર્થ બનવાનું નહોતું. એ બંને તો તેઓ જીવન સાર્થક કરવા માટે ઉપયોગમાં લેતા હતા.
જે લોકો જીવનના આ ગહન સત્યને ચુકી જાય છે તેઓ શક્તિની પાછળ દોડ્યા કરે છે. પોતાની જાતને કોઈ એકાદ કાર્ય માટે સમર્થ બનાવવા મથી રહે છે. પરંતુ તેઓ ક્યારેય જીવન સાર્થક કેવી રીતે બનશે તેનો વિચાર માત્ર પણ કરતા નથી. તેઓ જીવનને સાચી દિશામાં વાળી શકતા નથી. સાર્થક જીવન જ સફળ જીવન છે એ વાત સમજાય ત્યારે આપણે શક્તિ અને સામર્થ્યને માત્ર ઓજાર તરીકે, સફળતાનાં પાયા તરીકે જોતા થઈશું. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus