જન્માષ્ટમી આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ‘નંદ ઘેર આનંદ ભયો’નો ઉત્સવ આખા દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો રહેતા હશે ત્યાં ત્યાં ખૂબ ધામધૂમથી ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણને આપણે અનેક સ્વરૂપે પૂજીએ છીએ. એક મોટો વર્ગ એવો છે કે જે શ્રીકૃષ્ણનાં માત્ર બાળ સ્વરૂપની એટલે કે બાળ ગોપાલની જ પૂજા કરે છે અને તેને પોતાના આરાધ્યદેવ માને છે. લાખો કરોડોની સંખ્યામાં ભક્તો એવા છે જે રાધાકૃષ્ણને પૂજી પ્રેમ અને ભક્તિના માધ્યમથી પોતાનું જીવન તારવાની અભિલાષા સેવે છે. ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને રાજા તરીકે, રણછોડ તરીકે કે શ્રીનાથજી તરીકેના સ્વરૂપોને પૂજનારા લોકો પણ અસંખ્ય છે.
એક રીતે જોઈએ તો માત્ર ભગવાન શ્રીકૃષ્ણ જ આબાલવૃદ્ધ દરેક વયોવસ્થામાં તેમજ સ્ત્રી-પુરુષ બધામાં સમાન રીતે અતિ-લોકપ્રિય દેવ છે. તેમની વિશેષતા એવી છે કે તેમના જીવનમાંથી સૌને કોઈને કોઈ રીતે પ્રેરણા મળી રહે છે તેમજ સૌ તાદાત્મ્યની લાગણી અનુભવી શકે છે. અન્ય કોઈ પણ દેવતામાં એક કે બે ગુણો પ્રધાન હોય પરંતુ આ નટખટ ગોપાલમાં તો સર્વગુણોનો ભંડાર સમાયેલો છે. એક કુશળ રાજનીતિજ્ઞ, એક ચંચળ પ્રેમી, એક નટખટ બાળક ઉપરાંત એક મહાન ફિલોસોફર તરીકેના તેમના ગુણો તો સૌ જાણે જ છે પરંતુ સાથે સાથે એક ઉત્તમ મિત્ર, ઉત્તમ બંધુ અને અતિ ઉચ્ચ ભાવના ધરાવતા મહિલા ઉદ્ધારક તરીકે પણ તેમની ગણના થાય તેમ છે.
જે લોકો અન્ય ધર્મમાં માને છે અને શ્રીકૃષ્ણ પ્રત્યે ભક્તિભાવથી નથી જોતા તેવા લોકો પણ તેમને એક દાર્શનિક એટલે કે ફિલોસોફર તરીકે તો સ્વીકારે જ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને લાદેલા વિષાદયોગને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણએ કહેલી ગીતા સંપૂર્ણ છે. વિશ્વના ચિંતનમાં અન્યત્ર મળે પરંતુ ગીતામાં ન મળે એવું કશું જ બાકી રહેતું નથી. આ એવી ગાગર છે કે જેમાં પૂરેપૂરો સાગર સમાઈ ગયેલો છે.
શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદની આઠમના મધ્યરાત્રિએ (આ વર્ષે 19 ઓગસ્ટે) થયેલો અને તે પણ એક જેલમાં. બાળપણથી જ તેમણે પ્રેમ અને પરાક્રમના એવા તો કિસ્સા કર્યા કે સૌ તેમને ચાહતા થઈ ગયા. વળી જીવનમાં અનાશક્તિ અને સ્થિતપ્રજ્ઞતા તો એવી કે હંમેશા વર્તમાનમાં રહે અને ભવિષ્યને જુએ. મથુરા છોડીને વૃંદાવન, વૃંદાવન છોડીને દ્વારકા અને ત્યાંથી પછી હસ્તિનાપુર કુરુક્ષેત્ર આવતા તેમણે દરેક સ્થળે પોતાનું કર્મ એવી સચોટ રીતે કર્યું કે તેનો જોટો ઇતિહાસ કે ધર્મગ્રંથોમાં ક્યાંય મળી શકે નહીં. એટલા માટે જ તેમના પર જેટલી કવિતાઓ, પદો અને ગીતો લખાયા છે તેટલા ભાગ્યે જ બીજા કોઈના પર લખાયા હશે. તેમની સમકાલીનતા તો એટલી વધારે કે આજે પણ બોલિવૂડની ફિલ્મોમાં કૃષ્ણ પર ગીતો સામેલ થાય છે.
મનમોહક, ચંચળ, દયાળુ અને ઉદાર એવા શ્રીકૃષ્ણની કૃપા સૌના પર થાય અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે શુભ જન્માષ્ટમી. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)