સફળતા અને ઝડપને કોઈ લેવાદેવા નથી

- રોહિત વઢવાણા Tuesday 25th March 2025 04:38 EDT
 
 

વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય કે ઝડપથી ઊંચા હોદા પર પહોંચી જાય. પરંતુ અહીં સફળતાનું પરિમાણ જો ધનવાન થવાનું હોય કે ઊંચા હોદા પર પહોંચવાનું હોય તો તેમાં ઝડપ જરાય અગત્યની નથી. ધારેલું ધ્યેય હાંસલ થાય તે જોવાનું છે, કેટલી ત્વરાથી થાય તે આપણા હાથમાં નથી. ઝડપથી તો સસલું પણ ભાગતું હતું, પરંતુ જયારે વાત વિજયરેખા આંબવાની આવી ત્યારે તે ગતિશીલ સસલું નહિ પરંતુ ધીમી ગતિએ ચાલતો કાચબો જ જીતેલો.

જીવનમાં ક્યારેક આપણે એકસાથે અનેક પરિમાણોને અમલમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરંતુ એ ભૂલી જઈએ છીએ કે સૌથી અગત્યનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવા પર ધ્યાન આપવું જોઈએ અને તેના સિવાયના બધા પરિમાણો માત્ર તેના માટે સહાયરૂપ બનવા જોઈએ, ના કે બાધારૂપ. માનો કે તમારે મોટું ઘર લેવું હોય તો તેના માટે પૈસા ખર્ચવાની તૈયારી હોવી જોઈએ. ઓછા પૈસાથી મોટું ઘર આવે તેવું ધારો તો ઓછા પૈસા અને મોટું ઘર એવા બે પરિમાણો તમે પોતાના પર લાદો છો. આ બંને એકસાથે કદાચ અસ્તિત્વ ન પણ ધરાવે, અને શક્ય છે કે એકબીજાના વિરોધાભાસી પણ હોય. એટલા માટે જો તમારું લક્ષ્ય મોટા ઘરનું હોય તો ઓછા પૈસાને માત્ર પૂરક અને સાપેક્ષ પરિબળ તરીકે જુઓ. અને જો ઓછા પૈસામાં ઘર લેવાનું લક્ષ્ય હોય તો મોટા ઘરને તમે સાપેક્ષ રીતે જુઓ તો જ સફળ થઇ શકશો. બંને એકબીજાને અવરોધીને તમારી સફળતામાં વિઘ્નરૂપ બને તેનો શો ફાયદો?
આ રીતે જીવનના કોઈ જ ક્ષેત્રમાં સફળ થવું અને ઝડપથી સફળ થવું એ બંને બાબતોને એક સાથે ચલાવવા કરતાં સમય અને અનુકૂળતા પ્રમાણે નિર્ધારિત દિશામાં મહેનત કર્યા કરો, તો ધીમે ધીમે અને સમય આવ્યે સફળતા તો અચૂક જ મળશે. બોડી બિલ્ડીંગમાં રસ હોય અને છ મહિનાના ટાર્ગેટમાં મિસ્ટર ઓલમ્પિયા જેવી બોડી બનાવવાની ઈચ્છા રાખે તે વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના તણાવનો શિકાર બનાવે છે. વળી, છ મહિનામાં એટલું સારું શરીર ન ઘડાય તો તેને નિષ્ફળતા માનીને શું બોડી બિલ્ડીંગ છોડી દેવું કે પછી પ્રયત્ન કર્યા કરવા? માનો કે પ્રયત્ન ચાલુ રાખીને બે વર્ષમાં એટલું સારું શરીર બંધાય તો? સફળતા તો ખરી જ ને?
સામે આવતી દરેક તકનો યોગ્ય ઉપયોગ કરીને, સમયના પરિમાણને વિઘ્ન બનાવ્યા વિના એક દિશામાં મહેનત કરનારની સફળતા નિશ્ચિત હોય છે. પરંતુ જે લોકો સમયના પરિમાણને વધારે પડતું મહત્ત્વ આપીને જયારે સમયમર્યાદા પુરી થઇ જાય ત્યાર પછી સફળતા માટે મહેનત કરવાનું છોડી દે છે, નાસીપાસ થાય છે તેઓ ઘણીવાર પોતાના માટે સંભવિત સફળતાને પણ ગુમાવવાની ભૂલ કરતા હોય છે. તમારી ક્ષમતા અનુસાર સફળતા પામવી તમારો અધિકાર છે. તેને સમયના પેરામીટરમાં બાંધીને ગુમાવશો નહિ.
વિશ્વના મોટા ભાગના સફળ લોકોના ઉદાહરણ લેશો તો સમજાશે કે તેઓએ એક નિશ્ચિત દિશા અને લક્ષ્ય પર પ્રતિબદ્ધતાથી મહેનત કરી હોય છે. તેઓએ ક્યારેય સમયના પરિમાણને પોતાના મન પર હાવી થવા દીધું નથી. જે લોકો સફળતાને ડેડલાઈનમાં બાંધવાની કોશિશ કરે છે તેઓ પોતાની સિદ્ધિની મર્યાદા બાંધી દે છે. તમારા પ્રયત્નોને મુક્ત રાખો, સ્વતંત્ર રીતે પોતાનું પરિણામ હાંસલ કરવા દો. પરિણામ આજે મળે કે કાલે તે મહત્ત્વનું નથી, પરંતુ ધાર્યું પરિણામ મળે તે આવશ્યક છે. માટે યાદ રાખો કે સફળતાને ઝડપ સાથે, સમયમર્યાદા સાથે કઈ જ લેવા દેવા નથી. તે માત્ર પ્રયત્નો અને સંજોગોનો સરવાળો છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus