સમયની માગ છે સમાજને હરીફાઈ - ઈર્ષ્યા - અભિમાન જેવી બદીઓની ગુલામીમાંથી મુક્તિ અપાવવાની

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 18th August 2020 08:08 EDT
 

ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે વિશ્વભરમાં ઉજવાયો. વિશ્વભરમાં એટલે કેમ કે લગભગ દરેક દેશમાં ભારતીય મૂળના લોકો વસે છે અને તેઓ શાનથી ભારતની આઝાદીના આ મહાન પર્વને ઉજવે છે. ધ્વજવંદન કરીને, જન, ગન, મન... ગાઈને અને દેશભક્તિ ગીતો લલકારીને લોકો ૧૫મી ઓગસ્ટ મનાવે છે. આ દિવસ આપણા માટે સ્વતંત્રતાનો સૂચક છે. ૭૩ વર્ષની સ્વતંત્રતા બાદ ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. 

૧૫મી ઓગસ્ટના નિમિતે આપણે સ્વતંત્રતાનો શું અર્થ કરીએ છીએ અને આપણા જીવનમાં તેનું શું મહત્ત્વ આંકીએ છીએ તે વિચારવા જેવું છે. જીવનમાં આરોહણ કરવા માટે, પ્રગતિ કરવા માટે, સફળતા તરફ હરણફાળ ભરવા માટે અંતરદૃષ્ટિ કરવી જરૂરી છે. તેના પ્રયત્નરૂપે સ્વતંત્રતાને આપણા જીવનના કેટલા તબક્કાઓમાં ઉતારી શકાય તે વિચારવા જેવું છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, વેપાર-વાણિજ્યનું સ્વાતંત્ર્ય, રાજકીય અને સામાજિક સ્વાતંત્ર્ય આપણને બંધારણ દ્વારા આપવામાં આવ્યા પરંતુ માનવજાત સદીઓથી કેટલીય બાબતોમાં માનસિક ગુલામી વેઠી રહી છે.
ભય, ભૂખ, કામ અને નિંદ્રા તો દરેક જીવને પોતાને આધીન રાખે છે. કોઈ તેમાંથી બાકાત નથી. પરંતુ માનવ માત્ર ભૂખ સંતોષવા જેટલું જીવન આધીન બનાવી રાખતો નથી. તેનાથી વધારે કેટલીય જરૂરિયાતો કે ઈચ્છાઓ તે પોતાના માટે જન્માવે છે અને તેની ગુલામી વેઠે છે. ઇચ્છાઓની ગુલામીને કારણે તેનામાં મોહ, માયા, ક્રોધ, લાલચ, લોભ જેવા દુર્ગુણો પણ આવી જાય છે. તેમાંથી જન્મે છે હરીફાઈ અને સ્પર્ધાની ભાવના. આ માત્ર રમતગમતના મેદાનમાં રહે તો સારું લાગે પરંતુ તેનો પગપેસારો જયારે અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં થાય ત્યારે તેમાંથી ઈર્ષ્યા અને મેદવૃત્તિ જન્મે છે.
આવી હરીફાઈ, ઈર્ષ્યા અને મદને કારણે જ કેટલાય સંબંધો ખરાબ થાય છે. અમિતાભ બચ્ચનની એક ફિલ્મ હતી - ‘અભિમાન’. તેમાં આવી જ સ્થિતિ દર્શાવી છે. પતિ-પત્ની વચ્ચે પણ આવી હરીફાઈ, ઈર્ષ્યા અને અભિમાન પેસી જાય છે અને તેનાથી તેમનું લગ્નજીવન ખતરામાં આવી જાય છે. પ્રોફેશનલ લાઈફમાં બીજા કરતા આગળ વધવાની ઈચ્છા અને તેના માટે જરૂર પડે તો કોઈના પગ ખેંચવાની તૈયારી ધીમે ધીમે સહકર્મચારીઓ વચ્ચે તણાવ પેદા કરે છે. જે કાર્યક્ષેત્રનું વાતાવરણ તો બગાડે જ છે પરંતુ તેનાથી લોકોની પર્સનલ લાઈફ પર પણ અસર થાય છે. ધીમે ધીમે આ ગુલામીની સાંકળો એટલી મજબૂત બનતી જાય છે કે તેમાંથી આપણે ક્યારેય બહાર નીકળી શકતા નથી.
બે ભાઈઓ વચ્ચે પણ માતા-પિતા હરીફાઈ કરાવી દે છે કે એક ભણવામાં હોશિયાર છે અને બીજાનું જરાય ધ્યાન જ નથી. તેમનો ઈરાદો તો એવો હોય છે કે બંને બાળકો સારી રીતે અભ્યાસ કરે પરંતુ તેનાથી બંને બાળકોમાં જે હરીફાઈ, ઈર્ષ્યા અને નકારાત્મકતા જાગે છે તે આપણે જોઈ શકતા નથી. એક જ પરિવારમાં રહેતા હોવાથી, લોહીના સંબંધે બંધાયેલા હોવાથી તેઓ ભલે એક બીજાનો આદરભાવ જાળવી રાખે પરંતુ મનમાં ક્યાંકને ક્યાંક તો ‘અભિમાન’ ફિલ્મ જેવી સ્થિતિ આવી જાય છે. આવી સ્થિતિ ઉભી કરતા મા-બાપને પણ ચેતી જવાની જરૂર છે. કેટલાય ઉદાહરણ લઇ શકાય જ્યાં જાણતા-અજાણતા આપણે એવી પરિસ્થિતિની ગુલામીમાં આવી જઈએ છીએ કે તેમાંથી બહાર નીકળવું અશક્ય હોય છે.
દીવાથી દીવો પ્રગટે તે તો સાચું પરંતુ એક દીવાસળી જંગલને બાળે એ વાત પણ ખોટી નહિ. આવી દીવાસળી એક પછી એક વ્યક્તિઓમાં આગ લગાવતી જાય અને આખરે સમાજ માટે તે આગ સાથે જીવવું એક મજબૂરી બની જાય. જે લોકો આવી હરીફાઈમાં સામેલ ન થાય અને જે લોકો શાંત અને સ્વસ્થ રહેવા ઈચ્છે તેમને અયોગ્ય ગણવામાં આવે અને તેમનામાં આવડત નથી તેવું માનીને અવગણના કરવામાં આવે છે. આ રીતે જયારે આખો સમાજ દુષિત થઇ જાય ત્યારે ગુલામી જ સમાજ વ્યવસ્થા બની જાય અને તેમાંથી આપણે ક્યારેય બહાર ન નીકળી શકીએ.
આજે પ્રશ્ન એ છે કે શું હજીય કોઈ તક છે કે આપણે સમાજ આખાને આવી ગુલામીમાં સપડાતો અટકાવી શકીયે? કે પછી આવી ગુલામી જ મુખ્ય સમાજ વ્યવસ્થા બની ચુકી છે? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus