સુખી હોવામાં અને ખુશ હોવામાં ફરક છે

- રોહિત વઢવાણા Wednesday 28th August 2024 05:34 EDT
 
 

ક્યારેક આપણે એ વાત ભૂલી જતાં હોઈએ છીએ કે સુખી હોવું અને ખુશ હોવું બંને અલગ અલગ વાત છે. સુખ-સંપત્તિના સાધનો આપણને ખુશ કરવાની ખાતરી આપી શકતા નથી તો તેમનો અભાવ આપણી ખુશી છીનવી લેવા સક્ષમ નથી. સુખ અને ખુશીના ઉદગમસ્થાન જુદા છે અને માટે મહદઅંશે તેમનાં માટે અલગ અલગ પરિબળો જવાબદાર હોય છે.

સુખી હોવાનો અર્થ એ છે કે તમારી પાસે સગવડભર્યું જીવન જીવવા માટે આવશ્યક સાધનો છે. ઘર છે. કપડાં છે. ભોજન છે. વાહનવ્યવહારની સુવિધા છે. તેમજ બીજી આવશ્યક્તાઓનો પણ અભાવ નથી. આવી સ્થિતિને તમે સુખ કહી શકો. શારીરિક તકલીફ ન હોવી, કોઈ બીમારી ન હોવી વગેરે પણ સુખાકારીમાં વધારો કરે છે. ધનવાન લોકો કે જેમની પાસે આ બધું હોય તેઓ સુખમાં જીવે છે એવું કહી શકાય. પરંતુ ખુશ થવા માટે આ કોઈ જ પરિબળ અનિવાર્ય નથી. વ્યક્તિ વગર પૈસે, વગર મકાને, વગર કપડે પણ ખુશ હોઈ શકે. રસ્તામાં ભીખ માંગતો બાળક પણ ઘણીવાર કેટલો ખુશ દેખાતો હોય છે? જોકે તેની પાસે સુખના સાધનોનો અભાવ છે પણ છતાંયે તેની ખુશી તો જાહેર થાય છે કારણ કે તે ગાડી-બંગલા કે નવા મોબાઈલ પર આધાર રાખતી નથી.
માણસના જીવનનો અંતિમ ધ્યેય શું હોઈ શકે? આનંદને ઋષિમુનિઓએ પરમ સાધ્ય ગણાવ્યો છે. સુખી હોવું, સમૃદ્ધ હોવું વગેરે જીવનને આરામદાયક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેનાથી જીવન આનંદપ્રદ, ખુશ બને તે આવશ્યક નથી. ખુશી માટે કદાચ સુખ એક પરિબળ હોઈ શકે પરંતુ તે પર્યાપ્ત બની રહે તેવું કહી શકાય નહિ. બંનેને એકબીજાથી સ્વતંત્ર ગણીએ તો પણ કઈ ખોટું નથી કેમ કે સુખી ન હોય તેવા લોકો પણ ખુશ હોઈ શકે અને ખુશ ન હોય તેવા લોકો સુખી હોઈ શકે છે. જેમ કે, એક વકીલની પ્રેક્ટિસ ખુબ સારી ચાલતી હતી અને તેની પાસે સારું મકાન, મોટી ગાડી, અઢળક પૈસા વગેરે બધું જ હતું જેનાથી તેનું અને પરિવારનું જીવન સુખેથી ચાલતું પરંતુ તે કામનો એટલો તણાવ લે કે તેમના ચહેરા પર ક્યારેય ખુશી જોવા મળતી નહિ. તેની સામે એ જ વકીલની ગાડી ચલાવતો જુવાન ડ્રાઈવર પ્રમાણમાં ઓછું કમાતો. જૂની મોટરસાઇકલ લઈને કામે આવતો. ભાડાના ઘરમાં રહેતો અને મુશ્કેલીથી ગુજરાન ચલાવતો. તેના લગ્નને બે વર્ષ થયેલા અને છ મહિના પહેલા તેના ઘરે દીકરો આવેલો. નવી પત્ની અને બાળકથી તેનું જીવન એટલું તો ખુશખુશહાલ હતું કે તેને સુખનો અભાવ ભાગ્યે જ પજવતો.
વ્યક્તિના જીવનમાં ખુશી અને સુખ બંને હોય તો તો સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાઈ કહેવાય પરંતુ બંને હંમેશા સાથે આવે તેવું જરૂરી નથી. વાસ્તવમાં બંનેનું સાથે હોવું આવશ્યક પણ નથી. આ તથ્ય આપણને એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરે છે અને તે એ છે કે જીવનમાં વધારે મહત્ત્વપૂર્ણ શું છે: સુખી થવું કે ખુશ થવું?
આજના સમાજ પર નજર કરશો તો તમને જણાશે કે લોકો સુખ પ્રાપ્ત કરવા માટે, સમૃદ્ધિ અને સગવડ હાંસલ કરવા માટેની દોડમાં ભાગ્યા કરે છે અને તેને કારણે પોતાની ખુશીનું બલિદાન આપી દેતા હોય છે. જે પરિબળોથી આનંદ મળે તેને અવગણીને, જે પરિબળોથી સુખ મળે તેને પામવા માટે આજનો વ્યક્તિ વધારે સમય અને ધ્યાન આપે છે. આનંદ આપનાર પરિવાર, મિત્રો, સરળતા અને શોખ પર ધ્યાન આપવા માટે તેની પાસે સમય જ નથી. તેને તો સુખી કરનાર ગાડી, બંગલા, નોકર-ચાકર જોઈએ છે. આ બધાને પ્રાપ્ત કર્યા પછી તે આનંદ-ખુશી પ્રાપ્ત કરી શકશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી હોતી અને તેની પરવા પણ આજનો માણસ કરતો નથી તે આશ્ચર્યની વાત છે. અને તેની સામે અમુક લોકો આજે પણ એવા મળી આવે છે કે જેઓ ખુશ રહેવા માટે સુખના સાધનોને જતા કરી દે છે.
તમે જીવનમાં શું ઈચ્છો છો? સુખી થવું અને ખુશ રહેવું તે બંને તમારા જીવનના લક્ષ્ય છે? શું બેમાંથી એક હાંસલ કરવા માટે તમે બીજાને ત્યજવા તૈયાર છો? કે પછી બંનેમાં સમતોલન જળવાઈ રહે તેવો પ્રયત્ન કરતા રહો છો? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus