સ્થળાંતરઃ અગવડ તો પડે, પણ લાભ અઢળક

- રોહિત વઢવાણા Wednesday 02nd October 2024 07:36 EDT
 
 

જો તમારે સ્થળ પરિવર્તન કરવાનું થાય તો? ત્યારે આપણા મનમાં કેવા વિચાર આવે છે? તમને એક જગ્યાએ સ્થાયી થઈને રહેવાનું ગમે કે વિશ્વમાં અલગ અલગ સ્થળોએ ફરવાનું - રહેવાનું ગમે? દરેક વ્યક્તિની પોતાની આગવી માનસિકતા હોય છે જે તેના સ્થળ પરિવર્તન અંગેના ગમા-અણગમાને ઘડે છે. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા મારી નિમણૂક ભારતના એમ્બેસેડર તરીકે બોલિવિયામાં કરવાનો નિર્ણય જાહેર થયો ત્યારે કેટલાય મિત્રોએ આ બાબત અંગે ઘણી ચર્ચા મારી સાથે કરી. એક મિત્રએ એવી ચિંતા જતાવી કે ત્રણ વર્ષે એક દેશમાંથી બીજા દેશમાં બદલી થાય તેમાં ઘણી મુશ્કેલી પડતી હશે. સામાન બાંધવો પડે, નવા સ્થળને સમજવું પડે, ત્યાંની આબોહવામાં અનુકૂલન સાધવું પડે, વગેરે વગેરે. જયારે બીજા મિત્રએ એવું કહીને વધાવ્યા કે તમને તો ત્રણ ત્રણ વર્ષે દુનિયાના અલગ અલગ દેશોમાં રહેવાની તક મળે, ત્યાંના લોકોને જાણવાની, તેમની સંસ્કૃતિને સમજવાની તક મળે તે કેટલી સારી વાત કહેવાય.

વાસ્તવમાં આ બંને વાતો સાચી છે. દરેક પરિવર્તન સાથે તેના સારાનરસા પાસાં સામેલ હોય છે જેને સ્વીકારવા જ રહ્યા. પરંતુ આપણે જો આ સ્થળ પરિવર્તનની વાતને મારી કે તમારી વાત સાથે, આપણા સ્વભાવ સાથે ન જોડીને તેની તાત્વિક સમજ મેળવવાની કોશિશ કરીએ તો વધારે જ રસપ્રદ બને. દર્શનશાસ્ત્રીય રીતે જોઈએ તો પ્રથમ પ્રશ્ન એ થાય કે શું આપણે સ્થળ પરિવર્તન માટે ઘડાયા છીએ કે સ્થાયી થઈને રહેવા માટે? આ પ્રશ્નનો જવાબ તો સીધો છેઃ કુદરતે આપણને ચાલવા માટે પગ આપ્યા છે એટલે આપણે સ્થળ પરિવર્તન કરવા સક્ષમ છીએ. વનસ્પતિની માફક આપણને મૂળ આપીને એક જગ્યાએ ખોડયા નથી, પરંતુ અન્ય પ્રાણીઓની માફક પ્રચલન કરવા માટે પગ આપ્યા છે. જોકે આ તો તદ્દન પાયાની વાત થઇ, પરંતુ ત્યારબાદનો સાંસ્કૃતિક વિકાસ જોઈએ તો એ પણ સમજાય કે પ્રાચીનકાળમાં આપણે ખોરાકની શોધમાં એકસ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હોઈશું, પરંતુ પછીથી કૃષિની શોધ થતાં આપણે એક જગ્યાએ સ્થાયી થવાનું શરૂ કર્યું હશે. ઘર બાંધ્યા હશે, ગામડાં વસાવ્યાં હશે. ત્યારબાદ જ આપણે એક જગ્યાએ સ્થાયી થયા હોઈશું.

તો શું કોઈ સ્થળે સ્થાયી થવું, તેને પોતાનું ગામ કહેવું એ વધારે સાંસ્કૃતિક વાત કહેવાય અને સ્થળાંતરને પ્રાચીનકાળની આદિમાનવીય જીવનપદ્ધતિ કહી શકાય? શું આધુનિક યુગમાં સ્થળાંતર આવશ્યક કે લાભદાયક નથી? પરંતુ ઇતિહાસથી લઈને આજ સુધી વૈવિધ્ય વધારવા, સમૃદ્ધિ વધારવા, સાંસ્કૃતિક સમન્વય કરવા માટે આપણે પ્રવાસ કર્યો છે, સ્થળાંતર કર્યા છે. મધ્યકાળમાં મુઘલ અને ત્યારબાદ યુરોપીય પ્રજા ભારત આવી અને શાસન સ્થાપ્યું, વસવાટ કર્યો. ભારતીય લોકોએ પણ પ્રાચીનકાળમાં ઘણું આદાનપ્રદાન પ્રવાસ દ્વારા કર્યું. ભારતીય રાજાઓએ પોતાના સામ્રાજ્ય વિસ્તાર્યા. હિન્દુ અને બૌદ્ધ ધર્મગુરુઓએ વિદેશમાં જઈને સાંસ્કૃતિક પ્રચાર કર્યો. તેને કારણે જ આજે પણ એશિયાના ઘણા દેશોમાં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આજે પણ ભારતીય મૂળનાં લોકો વિશ્વના લગભગ બધા જ દેશોમાં પહોંચ્યા છે અને ત્યાંની ધરતીને પોતાની માતૃભૂમિ બનાવી છે. નવા લોકો સાથે રહીને તેઓએ વેપારધંધા કર્યા છે, એકબીજા સાથે રોટી-બેટીના નાતા બાંધ્યા છે. આર્થિક વિકાસ કર્યો છે, ઔદ્યોગિક પ્રગતિ કરી છે. આ બધું જ આધુનિક સમયમાં સ્થળપરિવર્તન કરવાને લીધે થયું છે અને થઇ રહ્યું છે.

કુદરતે જે ક્ષમતા આપી છે, પ્રચલન કરવા માટે પગ આપ્યા છે તેનો ઉપયોગ માનવી હંમેશા કરતો આવ્યો છે અને તેના કારણે આખરે તો તેને નવા સ્થળથી ઘણો લાભ થયો છે એટલું જ નહિ, પરંતુ તેને કારણે નવા સ્થળને પણ ઘણો ફાયદો મળ્યો છે. વળી, જે લોકો એક સ્થળે સ્થાયી થઈને જીવન જીવે છે તેમને પણ પ્રવાસની ઈચ્છા થાય છે. વરસમાં એકાદ વખત તો તેઓ પણ અલગ સ્થળ જોવા માટે પરિવાર માટે જાય છે. આવી આપણી પ્રવાસ, પર્યટન કરવાની ઈચ્છા પણ એ વાતની પૂર્તિ કરે છે કે આપણને ફરવું ગમે છે. હા, સ્થળાંતરમાં થોડીઘણી અગવડ તો પડે છે, પરંતુ તેની સાથે જે નવું શીખવાની તક મળે છે, નવું જાણવાનો લાભ પ્રાપ્ત થાય છે તે ભોગવવી પડતી તકલીફ કરતાં ઘણો વધારે હોય છે તેવું મારું અંગત માનવું છે. જોકે ઘણા લોકો આ વાતથી અસહમત હોઈ શકે.

મિત્રોની વાતો ચાલતી રહી, પરંતુ સ્થળાંતરના લાભાલાભ અંગે કોઈ આખરી નિર્ણય આવી શક્યો નહિ. તમારે પણ જીવનમાં ક્યારેય સ્થળાંતર કરવાનું થયું હોય તો તમે જાતે જ એ વાતનું તારણ કાઢી શકો કે તે તમારા માટે લાભદાયક રહ્યું છે કે કેમ?(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus