ઇતિહાસ સાચવીને બેઠું છે નમક સત્યાગ્રહ સ્મારક

Tuesday 12th March 2019 05:58 EDT
 
 

અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દેનાર મીઠા સત્યાગ્રહ ઇતિહાસમાં સોનેરી અક્ષરે કંડારાયેલો છે. ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડી કૂચના સંસ્મરણોને સાચવી રાખવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારક તૈયાર કરાયું છે. આ સ્મારકને ગત ૩૦ જાન્યુઆરી એટલે કે ગાંધીનિર્વાણ દિનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકો માટે ખુલ્લું મૂકાયું છે. ભાવિ પેઢી પોતાના આ સુવર્ણ ઇતિહાસથી વંચિત ન રહી જાય તે માટે જ્યાં ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને આ કાયદાનો ભંગ કર્યો હતો તે દાંડીને નવારંગ રૂપ સાથે તૈયાર કરાયું છે. ઇતિહાસને નજર સમક્ષ તાદૃશ કરતા આ મેમોરિયલ સાથે બીજા પણ અનેક આકર્ષણો છે. તો ચાલો જઇએ, દાંડીના આ નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાતે...

૮૧ લડવૈયાની કૂચ કરતી પ્રતિમા

અંગ્રેજી સલ્તનતની રાક્ષસી ચુંગાલમાંથી ભારત માતાને આઝાદ કરાવવાની નેમ સાથે આ યાત્રા યોજાઇ હતી. અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પ્રતિજ્ઞા લઇને ૮૧ સાથીઓ સાથે મહાત્મા ગાંધીજીએ મીઠાના કાળા કાયદાને લુણો લગાવવા દાંડીકૂચનો પ્રારંભ કર્યો તે દિવસ હતો ૧૨ માર્ચ ૧૯૩૦. મહાત્માના નેજામાં યોજાયેલી આ કૂચ ભારતની આઝાદીનું પ્રવેશદ્વાર બની હતી. ભારત સરકારે આ નમક સત્યાગ્રહના આખરી મુકામમાં નમૂનેદાર સ્મારક સાકાર કરીને દાંડીને વૈશ્વિક ફલક પર મૂકયું છે. નવસારી જિલ્લામાં આવેલા દાંડીમાં આ કૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા ૮૧ લડવૈયાઓની પ્રતિમા પણ મુકવામાં આવી છે, જે આ દાંડીયાત્રાને જીવંત બનાવે છે. મુલાકાત માટે આવતા પ્રવાસીઓ પણ આ પ્રતિમાઓ સાથે ઉભા રહીને ગૌરવ અનુભવે છે.

ગાંધીજીની પંચધાતુની પ્રતિમા

‘કાગડા કુતરાની મોતે મરીશ પણ આઝાદી લીધા વિના પાછો નહીં ફરું’ આવી કઠોર પ્રતિજ્ઞા સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતી આશ્રમથી નીકળેલા ગાંધીજીને દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે યોગ્ય સન્માન અપાયું છે. અહીં વિશાળ ક્રિસ્ટલ ટાવરની નીચે ગાંધીજીની આશરે ૧૫ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા મૂકાઇ છે. આ વિશાળ પ્રતિમા પંચધાતુમાંથી બનાવાઈ છે.

‘મૈને નમકા કા કાનૂન તોડા હૈ...’

દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહને આઝાદીની લડતનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. અંગ્રેજોએ મીઠા પર કર લગાવતા વર્ષ ૧૯૩૦માં ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ કર્યો હતો. ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને મીઠા પર કર લાદવાનું પગલું અન્યાયી લાગ્યું, જેના વિરોધમાં બાપુએ આ સત્યાગ્રહ કર્યો હતો. અમદાવાદથી ૮૦ જેટલા સાથીદારો સાથે બાપુએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રાની શરૂઆત કરી જે ૬ એપ્રિલ ૧૯૩૦ના દિવસે નવસારીના દાંડી પહોંચી હતી. જ્યાં કર ભર્યા વગર બાપુએ ચપટી મીઠું ઉપાડ્‌યું અને બોલ્યા કે, ‘મૈને નમક કા કાનુન તોડા હૈ...’ આ ઘટના બાદ દેશના અનેક ભાગોમાં આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો અને અંગ્રેજ સરકાર સામે વિરોધ તીવ્ર બનતો ગયો. ગાંધીજીની આ પદયાત્રા દાંડી કૂચ તરીકે ઇતિહાસમાં અંકિત થઇ ગઇ.

પાંચ એકરમાં વિશાળ સરોવર

નમક સત્યાગ્રહ સ્મારકનો સમગ્ર પ્રોજેક્ટ એક વિશાળકાય સરોવરની આસપાસ તૈયાર કરાયો છે. પાંચ એકરમાં આ વિશાળ સરોવર ફેલાયેલું છે. સરોવરને માણવા માટે તેની આજુબાજુ પાથ-વે પણ બનાવાયા છે. આ તળાવમાં મીઠું પકવવામાં આવશે. પ્રવાસીઓ અહીં મીઠા ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયાને માણી શકશે. ઉપરાંત આ સરોવરનું નિર્માણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરાયું છે.

સોલર પાર્કનું નજરાણું

સત્યાગ્રહના સ્મારકની એક વિશેષતા અહીંનો સોલર પાર્ક છે. અહીં સરોવરની એક તરફ વિશાળ સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે. સોલર પાર્કમાં ૪૧ સોલાર ટ્રી લગાવાયા છે. આ સોલર ટ્રી દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો સ્મારકમાં ઉપયોગ થાય છે.

ક્રિસ્ટલ ટાવર

નમક સત્યાગ્રહ ખાતે એક વિશાળ ક્રિસ્ટલ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ભૂરા કલરનો એક વિશાળ ક્રિસ્ટલ મૂકવામાં આવ્યો છે. ક્રિસ્ટલ ટાવરની ઉંચાઇ અંદાજે ૪૦ મીટર જેટલી છે. આ ક્રિસ્ટલ ટાવર પ્રવાસીઓમાં આકર્ષણ જગાવવાની સાથે દીવાદાંડીનું પણ કામ કરે છે. રાત્રે તો તેની શોભા ખરેખર જોવા જેવી હોય છે.

૨૪ ગામની ઝાંખી

સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરતા ગાંધીજી અને સાથી સત્યાગ્રહીઓ માર્ગમાં ૨૪ ગામોમાં રાત રોકાયા હતા. આ તમામ ગામના લોકોએ સત્યાગ્રહીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ ગામોમાં ગાંધીજીએ સભાઓ પણ કરી હતી. આ તમામ ૨૪ ગામોની ઝાંખી સ્મારક સ્વરૂપે અહીં ઊભી કરાઇ છે. આ ગામોમાં થયેલી સભાઓના દશ્યોને પથ્થરમાં કંડારીને ૨૪ મ્યુરલ તૈયાર કરાયા છે. સ્મારકમાં એક તરફ સોલર પાર્ક છે જ્યારે બીજી તરફ આ ૨૪ મ્યુરલ છે. દરેક મ્યુરલમાં ગ્રેનાઈટના પથ્થરનું વજન ૨૦ ટન જેટલું છે.

પ્રવાસીઓ માટેની સુવિધા

દાંડી સત્યાગ્રહ સ્મારકને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પુરો પ્રયાસ કરાયો છે. તેથી અહીં પ્રવાસીઓ માટેની નાની મોટી સુવિધાઓનો પણ બખુબી ખ્યાલ રખાયો છે. મુલાકાતીઓની સુવિધા માટે અહીં કાફેટેરિયા, પાર્કિંગ, લાઈબ્રેરી, હોલ વગેરે સુવિધાઓ મૂકાઈ છે. સ્મારકમાં એક ગેસ્ટ હાઉસ પણ બનાવાયું છે. જેમાં ગાંધી સાહિત્યની લાઇબ્રેરી છે. આ ગેસ્ટ હાઉસ ગાંધીજી તેમજ તેમની વિચારધારા પર સંશોધન કરનાર સ્કોલરો માટે બનાવાયું છે.

કઇ રીતે પહોંચી શકશો?

સુરતથી દાંડીનું અંતર અંદાજે ૬૦ કિલોમીટર, વડોદરાથી લગભગ ૧૯૦ કિલોમીટર અને નવસારી શહેરથી આશરે ૨૯ કિલોમીટર જેટલું થાય છે. આ ઉપરાત તમે રેલવે સુવિધાનો લાભ પણ લઇ શકો છો. અહીં નજીકનું રેલ્વે સ્ટેશન નવસારી છે. નવસારી રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સડક માર્ગે આગળ વધવાનું રહે છે. નવસારી બસ સ્ટેશનથી બસ અથવા તો રિક્ષામાં પણ દાંડી પહોંચી શકાય છે. સુરતથી વાયા સચીન-લાજપુર-કપલેઠા થઈને દાંડી પહોંચી શકાય છે. આમાં લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter