મારા વહાલા વાચકો,
આપણે ઉત્સવોની મૌસમ તરફ આગેકદમ માંડી રહ્યા છીએ ત્યારે સમગ્ર બ્રિટનમાં હિન્દુ, શીખ અને જૈનો સહિતની સનાતનધર્મી કોમ્યુનિટીઓ દિવાળીના આનંદોત્સવમાં પરિણમનારી વિવિધ ઊજવણીઓની તૈયારીમાં લાગી ગઈ છે. ભગવાન રામ અસુરરાજ રાવણ પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પરત થયા તેની યાદમાં દિવાળીનો ઉત્સવ યોજાતો આવ્યો છે. અમારા ન્યૂઝ કવરેજ, કોમ્યુનિટી રિપોર્ટિંગ અને જો હું કહી શકું તો મારી કોલમ ‘મારી નજરે’ સંદર્ભે વાચકો દ્વારા જે અભૂતપૂર્વ પ્રતિભાવ સાંપડ્યો છે તેનાથી હું ખરેખર આનંદિત થયો છું. તમારા તરફથી પ્રતિભાવ-ફીડબેક મેળવવાનું આશ્ચર્યજનક રીતે રોમાંચક અને ઉત્સાહવર્ધક છે.
અમેરિકા સહિતના ઘણા સમાજોમાં ઘણી વખત લોકો તેમના પેરન્ટ્સ અને પૂર્વજો નવી ભૂમિઓમાં કેવી રીતે સ્થળાંતર કરીને આવ્યા અને રહેતા હતા તે વિશે ચિંતન કરતા હોય છે. આ જ રીતે ‘મારી નજરે’ કોલમ મીડિયાક્ષેત્રમાં મારી દીર્ઘ યાત્રા અને આ દેશમાં મારા જીવનકાળમાં મળેલાં મોતી સમાન પસંદગીના કિસ્સાઓનું હકીકતદર્શી પ્રતિબિંબ પાડે છે. હું મારા સર્વ સમર્થકો અને શુભેચ્છકોનો હૃદયથી ઋણી છું. ઘણા વાચકોએ કેટલાક સૂચનો પણ કર્યા છે અને હું મારી કોલમમાં દરેક મુદ્દાઓ આવરી લઈ શકું નહિ ત્યારે મારા ભવિષ્યના પુસ્તકમાં આ ચિંતનાત્મક સૂચનોને આવરી લેવાની આશા ધરાવું છું.
મારે આપણા સાપ્તાહિક ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ને સાંપડેલી અભૂતપૂર્વ સફળતાનો પણ ઉલ્લેખ કરવો જ રહ્યો જે આ વર્ષના આરંભથી આ સહુનો પ્રેમ મેળવી રહ્યો છે. હું પ્રત્યેક ઈવેન્ટની સંપૂર્ણ યાદી પ્રકાશિત કરવા ઈચ્છું છું જેમાં, વિષયો, ઈન્ટરવ્યૂઝ અને આપણા પેપરમાં મૂકાયેલી યૂટ્બૂબ લિન્ક્સને વિસ્તૃતપણે આવરી લેવાય. સોનેરી સંગતને સાંપડેલો આવકાર આહ્લાદક અને અભૂતપૂર્વ રહ્યો છે તેમજ ઘણા દર્શકો માત્ર ભૂતકાળ જ નહિ પરંતુ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણવા અને શીખવા ઉત્સુક હોય છે. તમારા સહુના વિશ્વસનીય સ્રોત તરીકે મારી એ જવાબદારી બની રહે છે કે હું તમને હકીકતદર્શી સમાચાર, સૂક્ષ્મ દૃષ્ટિપૂર્ણ મંતવ્યો અને અન્ય સહાયકારી વાચનસામગ્રી પૂરાં પાડું.
હું જ્યાં પણ જઉં છું ત્યાં ઘણી વખત મારી વય વિશે બોલતો હોઉં છું. આનું પણ એક કારણ છે. સનાતની હિન્દુ તરીકે હું માનું છું કે મને ચોક્કસ હેતુસર અહીં મોકલવામાં આવ્યો છે અને હું શક્ય બને તેમ વધુ જીવવા અને જેટલું વધુ સારૂં કરી શકાય તેમ કરવા ઈચ્છું છું. થોડાં વર્ષો પહેલા મેં ગુજરાત સમાચારમાં રમૂજમાં લખ્યું હતું કે મારી ચિરવિદાય લેવાની પસંદગીની તારીખ 09 એપ્રિલ 2048ની હશે. આ તો કદાચ અવાસ્તવિક જ લાગે પરંતુ, આ લાગણી અર્થસભર, ઊર્જાવાન અને ઉત્સાહપૂર્ણ જીવન જીવવાની મારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આજે 88 વર્ષની વયે મને મારી શારીરિક શક્તિ કે ઊર્જામાં થોડા ઘટાડાનો અનુભવ થાય પરંતુ, મારૂં મન હજુ સાબૂત છે તેમજ મારા સ્વપ્ના, મહત્ત્વાકાંક્ષાઓ અને પ્રતિબદ્ધતાઓ હંમેશની માફક મજબૂત જ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અને અન્ય પ્રકાશન સાહસોમાં કાર્યરત મારી ટીમ માટે હું ઘણો ગર્વ અનુભવું છું.
તમને આ સપ્તાહના પેપરમાં સ્ટાફ ક્રેડિટ્સ જોવા મળશે. તમારું સંપૂર્ણ સમર્થન અને સહકાર તેમને મળતો રહે તેમ હું ઈચ્છું છું. ગત થોડાં વર્ષો દરમિયાન, અમે કેટલાક ગંભીર બોધપાઠ શીખ્યા છીએ. અમે નાણાકીય નુકસાન પણ સહન કર્યું છે અને કેટલાક કિસ્સામાં સારા મિત્રો પણ ગુમાવ્યા છે. પરંતુ, હવે આ ભૂતકાળની વાત છે. ગુજરાત સમાચાર, એશિયન વોઈસ તથા સોનેરી સંગત સહિતની અમારી અન્ય પહેલો સતત વિકાસ પામતી રહી છે તે માટે હું મારા વાચકો, લવાજમી ગ્રાહકો અને મારી નિષ્ઠાવાન ટીમનો અહેસાનમંદ છું. અમારી આગેકૂચ અવિરત ચાલતી રહે તે માટે અમારા પર શારીરિક, માનસિક અને અન્ય યોગ્યતાઓનો આશીર્વાદ વરસતો રહ્યો છે.
આમ છતાં, આ પ્રકાશનો તમારા પોતાના પેપર્સ પણ છે. અખબારોને વાંચવાની, તેમના લવાજમી ગ્રાહક બનવાની તેમજ તમે કરી શકો તે રીતે તેમને સપોર્ટ કરવાની તમારી ફરજ બને છે. જો તમને એમ લગતું હોય કે અમે કશું ખોટું કરી રહ્યા છીએ તો તેના વિશે બોલતા અથવા તો અમને લખી જણાવતા જરા પણ ખચકાટ અનુભવશો નહિ. અમે તમારા પ્રતિભાવોને આવકાર આપીએ છીએ અને તમારા સૂચનો કે લાગણીઓ અમે અવશ્ય પ્રકાશિત કરીશું.
આપણે દિવાળીના આગમનની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે દશેરાનું મહત્ત્વ પણ આપણે ભૂલીએ નહિ. આ પળ ન્યાયપરાણયતા, હિંમત, સચ્ચાઈની તાકાત, આપણા જીવનમાં સતત માર્ગદર્શક બનતા સિદ્ધાંતો જેવા મૂલ્યો વિશે ચિંતન કરવાની છે. આપણે દિવાળીના ઉત્સવ તરફની યાત્રામાં આગળ વધી રહ્યા છીએ તે સમયે હું તમને સહુને આનંદપૂર્ણ અને આશીર્વાદરૂપ દશેરાની શુભકામના પાઠવું છું.
આપ સહુને સીબી પટેલના ઓમ નમઃ શિવાય