(ગતાંકથી ચાલુ)
સમગ્ર ઓમાનમાં કનકશી શેઠ ખજૂર અને ખારેકના મોટા વેપારી છે. જેમ ભગવાન વ્યાસ વિશે કહેવાયું છે કે, તેમણે કોઈ વિષય બાકી રાખ્યો નથી એમ તેમની ખીમજી રામદાસની પેઢીએ ઓમાનના વેપારમાં કંઈ બાકી રાખ્યું નથી. મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ફર્નિચરનો વેપાર, વાસણનો વેપાર, ખાધાખોરાકીનો વેપાર વગેરેમાં એ મોખરે છે. તેમના કુલ કર્મચારીઓની સંખ્યા ૫૦૦૦થી વધુ છે. ઓમાનના ભારતીય વેપારી મહામંડળના તે પ્રમુખ છે. ઓમાનની સાંસ્કૃતિક, સામાજિક કે આર્થિક પ્રવૃત્તિમાં તે પાયાના પથ્થર અને મુખ્ય દાતા છે. કંપની પાસે ૧૦૦૦ જેટલાં વાહનો છે. કંપનીના કર્મચારીઓ માટેનું અદ્યતન ક્લિનિક અને હોસ્પિટલ તેઓ ધરાવે છે.
ઓમાનમાં મસ્કત ફાર્મસીના માલિક બકુલભાઈ પરીખ જૈન છે. તેમની ફાર્મસીની ૭૦થી વધુ શાખાઓ છે અને તે ઓમાનમાં પથરાયેલી છે. તેમની પાસે ૨૦૦૦ જેટલા કર્મચારીઓ છે. મસ્કતના કિરણ આશર વેપાર-ઉદ્યોગ અને કોન્ટ્રાક્ટનો મોટો પથારો ધરાવે છે. ઓમાનમાં ગુજરાતીઓની પ્રવૃત્તિઓમાં તે આગેવાન છે. ઓમાનમાં ભારતીયો મારફતે સંચાલિત શાળાઓના સ્કૂલ બોર્ડના તેઓ વર્ષો સુધી પ્રમુખ હતા. શાળાઓની વિદ્યાર્થી સંખ્યા ૧૬,૦૦૦ની છે. તેના વિકાસમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. અબુધાબી, દુબઈ, ઓમાન અને અન્યત્ર તેમના ધંધાનો પથારો છે.
આવા જ એક બીજા ગુજરાતી અજીત હમલાઈએ ૮૦ રૂપિયાના પગારે નોકરીની શરૂઆત કરેલી. કોઠાસૂઝે આગળ વધીને ૪૦ કંપની અને ૧૦ ફેક્ટરીના માલિક બન્યા. દશેક વર્ષ પર મરણ પામ્યા ત્યારે તેઓ રોજના એક કરોડ રૂપિયા ખર્ચતા. ઉદારતા અને પરગજુપણાનું એ મૂર્તિમંત સ્વરૂપ શા હતા. તેમની પાસે ૫૦૦૦ કર્મચારી કામ કરતા. માત્ર ૧૦ ધોરણ ભણેલા તે ઉર્દૂ, અરબી, ગુજરાતી અને અંગ્રેજી છટાદાર બોલતા.
મસ્કતથી દુબઈ જવાના રસ્તામાં - મસ્કતથી ૧૫૦ કિ.મી. દૂર - સુવેકનગરમાં નવીનભાઈ ઈબજી આશરનો પરિવાર. પરિવાર અતિથિવત્સલ. તે જમાનામાં ઊંટ પર જતાં દિવસો લાગે. સાથે ખાવા-પીવાનું લઈને નીકળવું પડે. હોટેલ કે ધર્મશાળા નહોતાં. નવીનભાઈ ત્યારે રસ્તા ઉપર ઊભા રહે. અજાણ્યા કે જાણીતા આરબ કે ગુજરાતીને આગ્રહ કરીને ઘેર લઈ જાય. સગવડો વધી ત્યારે પણ પરિવારે આતિથ્યની પરંપરા જાળવી રાખી છે.
મસ્કતમાં બીજા છે ડો. ચંદ્રકાંત ચોથાણી. છે તો ખીમજી રામદાસની પેઢીના કર્મચારી. કંપનીના આરોગ્ય કેન્દ્રના એ સંચાલક. ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓના એ કર્તાહર્તા છે. સૂઝ, સેવા અને ઉત્સાહથી ભરેલા છે. એમના સ્વભાવે એ સૌના માનીતા છે. ગુજરાતી સમાજના કાર્યક્રમોમાં ૧૨૦૦થી ૧૫૦૦ વ્યક્તિઓ ભાગ લેતી હોય છે. બહારથી સુંદર વક્તાઓ બોલાવે, સંગીત-નાટક વગેરેના કાર્યક્રમ યોજે. કથાકાર બોલાવીને કથા યોજે. તાજેતરમાં જાણીતા નેત્રહીન સંગીતકારોનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ચંદ્રકાંતભાઈ ઓમાનમાં બીએપીએસના અગ્રણી છે. સતત સત્સંગ સભા અને ભજનોના કાર્યક્રમ યોજે છે. તેમાં ૨૦૦થી ૩૦૦ વ્યક્તિ હાજર રહે છે.
મસ્કતમાં ગોવિંદરાયજીની પુષ્ટિમાર્ગી હવેલી છે. તેમાં ગણપતિ અને કાળકા માતાનાં મંદિર છે. ગોવિંદરાયજીનું મંદિર તો ખરું જ! અહીં હોળી, નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી ઊજવાય છે. ઊજવણીમાં ૧૨થી ૧૫ હજાર માણસો ભાગ લે છે. મંદિર સૌ ભક્તોને પ્રસાદ આપે છે. મંદિરમાં નારિયેળ કે પ્રસાદ ધરાવનારને તેમાંથી કંઈ જ કાપ્યા વિના પરત આપે છે. મંદિરમાં કોઈ પણ ચીજ વેચાતી નથી. ધંધાદારી પ્રવૃત્તિ મંદિર કરતું નથી. મંદિરને વિશાળ સભાખંડ, ભોજનખંડ વગેરે છે. સભાખંડમાં વિદેશીને પ્રવચન માટે બોલાવવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. મુસ્લિમો મૂર્તિપૂજામાં માનતા નથી. ઓમાનમાં રાજાશાહી છે. છતાં સુલતાને પોતે જ પોતાનાં હિંદુ પ્રજાજનોને - (ત્યારે મુખ્યત્વે ભાટિયા જ) ખુશ રાખવા હવેલી માટેની જમીન ભેટ આપી હતી.
મસ્કતમાં પીવાના પાણીની તંગી હતી ત્યારે ગુજરાતીઓ મોતીસર મહાદેવના કૂવા પર આવીને ન્હાવા-ધોવાનું પતાવતા. પોતાના કપડાં પુરુષો કૂવા પર ધોઈ નાંખતાં. પીવાનું પાણી અહીંથી લઈ જતાં. કૂવાના કારણે રોજ ગુજરાતીઓ મોતીસર મહાદેવ આવતા. વતનના સમાચારની આપ-લે કરતા. એકબીજાને મદદરૂપ થતા અને એકતા જળવાતી. કૂવો મેળ અને મહોબ્બત વધારવામાં નિમિત્ત બનતો.
વીજળી ન હતી ત્યારે ગરમીમાંથી બચવા કેટલાક રાત્રે ભીની ચાદર ઓઢીને સૂતા. કેરોસીનથી ચાલતા પંખા વાપરતા. કપડાંના મોટી દોરીવાળાં પંખાની દોરી નોકર બહાર બેસીને ખેંચે. ત્યારે ભારતમાંથી દર ત્રણ માસે સ્ટિમર આવે ત્યારે લીલાં શાકભાજી અને ખાવા-પીવાની ચીજો આવતી અને લોકોને જાણ થાય માટે કિલ્લા પર ધજા ફરકાવાતી. તેથી લોકો ખરીદવા આવતા. તે જમાનામાં ગુજરાતીઓ એક જ વિસ્તારમાં રહેતા તેથી આત્મીયતા વિક્સી હતી. એકનો મહેમાન સૌનો મહેમાન ગણાતો અને દિવસો સુધી જમાવાનાં નોંતરાં ચાલતાં. ત્યારે તહેવાર ઊજવવાની છૂટ હતી, પણ તેમાં ઢોલ વગાડવો હોય તો સરકારી પરવાનગી લેવી પડતી.
આજે ઓમાન બદલાયું છે. મસ્કત બદલાયું છે. સલામતીની ચિંતા નથી. કમાવવાની તક છે. આથી અહીંના ગુજરાતીઓની નજર ઈંગ્લેન્ડ, કેનેડા કે અમેરિકા તરફ વસવા જવાની નથી. સૌને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે જેથી મંદિરમાં જનારને અહીં ગુજરાતની અનુભૂતિ થાય છે. આ રીતે ઓમાનમાં ગુજરાત ધબકે છે. (સમાપ્ત)