પ્રિય વાચકમિત્રો,
ક્ષિતિજ પર રાષ્ટ્રીય ચૂંટણીઓ ડોકાઈ રહી હોવાથી કેનેડામાં હવા બદલાઈ રહી છે. કેનેડાની ચૂંટણીઓ ભારતની ચૂંટણીઓ જેવી વિવિધરંગી કે ઘટનાપૂર્ણ હોતી નથી અને તેમાં તો ચોક્કસ પ્રકારની કૃત્રિમતા જોવા મળે છે જેનાથી હું જરા પણ ટેવાયેલી નથી. ફેડરલ ઈલેક્શન માટે ૨૧ ઓક્ટોબરની તારીખ નિર્ધારિત થઈ છે અને દિવસો નજીક આવતા જાય છે તેમ ન્યૂઝ ચેનલ્સ પર ૨૦૧૯ માટે ફેડરલ લીડર્સની ચર્ચાઓની જોરદાર તૈયારી ચાલી રહી છે. આ ચર્ચાઓમાં ભાગ લેવા કે બોલવા માટે મુખ્ય પાર્ટીઓના નેતાઓને આમંત્રણો પાઠવી દેવાયાં છે, જેમાં લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, કન્ઝર્વેટિવ નેતા એન્ડ્રયુ શીઅર, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ, બ્લોક ક્યુબેકોઈસના નેતા યીવ્સ-ફ્રાન્કોઈસ બ્લાન્ચેટ અને ગ્રીન પાર્ટીના નેતા એલિઝાબેથ મેનો સમાવેશ થાય છે.
કેનેડામાં અનેક કોમ્યુનિટીઓની સાથે વિશ્વમાં દસમા સૌથી મોટા ભારતીય ડાયસ્પોરાનો પણ વસવાટ છે. ભારતીય-કેનેડિયન્સમાં સૌથી મોટું જૂથ પંજાબી મૂળનું છે, જેમનો હિસ્સો ડાયસ્પોરાના આશરે ૫૦ ટકાનો છે. દેશની કુલ વસ્તીમાં ભારતીય કોમ્યુનિટીનો હિસ્સો ચાર ટકા જેટલો છે. આ મારે એટલા માટે જણાવવાનું કે ગ્રેટ નોર્થની આગામી સરકારમાં ભારતીય-કેનેડિયન્સ કેટલી અસર ઉભી કરી શકે તેમ છે.
રાજકીય હિસ્સેદારી કોઈ પણ લોકશાહીમાં આધાર સમાન છે અને આવી હિસ્સેદારીને માપવાનું સૌથી મહત્ત્વપૂર્ણ સાધન એટલે મતદાન છે. કેનેડામાં ૨૦૧૫ની ચૂંટણીમાં મતદારોએ ૬૮.૩ ટકા મતદાન કર્યું હતું. મતદાન ખરેખર હોવું જોઈએ તેવું પ્રભાવી ન હતું. તમે જનરેશનલ ઈફેક્ટ કહી શકો તેમ જાગરુકતાનું પ્રમાણ નબળું હતું. પ્રૌઢ કે વૃદ્ધ નાગરિકોની માફક મતદાન કરવામાં યુવા પેઢી આગળ આવી ભાગ લેતી નથી. બીજી તરફ, ઉપલા સ્તરે ઈમિગ્રન્ટ્સ અને લઘુમતીઓએ ઉમેદવારો અને સાંસદોમાં પોતાની હાજરી ઉપસાવી છે.
અહીં મને એ દર્શાવવું અગત્યનું જણાય છે કે કેનેડિયન સરકારે ૧૯૪૭માં જ ભારતીય-કેનેડિયન કોમ્યુનિટીને ફરીથી મતાધિકાર આપ્યો હતો. આ વર્ષે અગાઉ લેવાયેલા પોલ અનુસાર જો આ વખતે લિબરલ પાર્ટી વિજયી બનશે તો તે વિજયમાં ઈમિગ્રન્ટ્સની ભૂમિકા સૌથી મહત્ત્વનું પરિબળ હશે. કેનેડામાં જન્મેલા મતદારોમાં કન્ઝર્વેટિવ્ઝ માત્ર બે પોઈન્ટ્સથી લિબરલ પાર્ટી પર સરસાઈ ધરાવે છે પરંતુ, દેશની બહાર જન્મેલા મતદારોની વાત કરીએ તો લિબરલ પાર્ટી ૧૬ પોઈન્ટની સરસાઈ ધરાવે છે.
આ પોલના તારણો એમ પણ જણાવે છે કે આ બંને પ્રકારની વસ્તીનો ઈમિગ્રેશન પ્રત્યેના નજરિયામાં બહુ મોટો તફાવત નથી. પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે કેનેડામાં પગ મૂકતા ભારતીયોની સંખ્યા ૨૦૧૮ની ગણતરીએ વાર્ષિક ૬૯,૦૦૦થી વધુની થાય છે. આમાંથી બધા તો નહિ પરંતુ, મોટા ભાગના લોકો પાંચ વર્ષમાં નાગરિકતા માટે અરજી કરશે તે હકીકતને નિહાળો તો આ આંકડો ખરેખર ચોંકાવી દેનારો છે. આમ, ઈમિગ્રેશન અને કેનેડાની ચૂંટણીઓનું વર્તુળ ચાલતું જ રહેશે.
જગમીત સિંહ પરિબળ અપસેટ સર્જશે?
કેનેડાની ચૂંટણીમાં માત્ર ભારતીય મતદારો જ નહિ, એક ફેડરલ ચૂંટણી ઉમેદવાર પણ છે જેઓ પોતાની તરફેણમાં જુવાળ ઉભો કરી રહ્યા છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ નિશ્ચિતપણે આગવો કરિશ્મા ધરાવે છે. મોટા ભાગે લિબરલ્સ અને કન્ઝર્વેટિવ્ઝ વચ્ચે જ લડાતાં ચૂંટણીજંગમાં તેઓ જ મોટી ઉલટપુલટ- અપસેટ સર્જી શકવાની ભારે ક્ષમતા અને શક્યતા ધરાવે છે. અહીંના મતદારક્ષેત્ર ‘ રાઈડિંગ્સ’ તરીકે ઓળખાય છે અને ૨૦૧૫ની ચૂંટણીઓમાં ભારતીય-કેનેડિયન કોમ્યુનિટી નોંધપાત્ર સંખ્યામાં લિબરલ્સની તરફેણમાં ગઈ હતી. હવે જો આ મતદારક્ષેત્રોમાં મતદાતાઓને એમ જણાય કે પવન કન્ઝર્વેટિવ્ઝની તરફ વહી રહ્યો છે તો તેઓ ફરીથી તેને ઊલટો ફેરવી શકે તેમ છે.
જોકે, મુખ્ય નેશનલ પાર્ટીના પ્રથમ ભારતીય-કેનેડિયન નેતાએ ચૂંટણીના ચિત્રમાં અચોક્કસતાનું નવું પરિમાણ સર્જ્યું છે તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.