સાબરમતી કિનારે કોંગ્રેસનાં અધિવેશનની ચર્ચા હજુ ચાલે છે. રાહુલ ગાંધીએ કમાન સંભાળી લીધી તે પણ રસપ્રદ ઘટના છે. પક્ષના આંતરિક માળખામાં કેવો ફેરફાર લાવવો તેની મૂંઝવણ બેવડી છે. એક તો ‘લગ્નના ઘોડા’ને દૂર કરવા છે, અર્થાત કોંગ્રેસ-નિષ્ઠામાં સફળ ના રહેલા, એટલે કે ભાજપાને છૂપી મદદ કરનારાઓને કાઢી મૂકવા છે, બીજું બાકીના નેતા-કાર્યકર્તા આંતરિક ખેંચતાણથી દૂર રહે તેવું આયોજન કરવું છે. આજના સંજોગોમાં તો આ બંને બાબતો ભારે મુશ્કેલ છે. એક તો હવે કોઈ પણ પક્ષનો કાર્યકર્તા પોતાનું વ્યક્તિગત અને રાજકીય હિત જોવામાં સક્રિય છે. સ્વતંત્રતા જંગ દરમિયાન તો માત્ર બ્રિટિશરોની સામે લડવાનો એકમાત્ર મુદ્દો હતો, છતાં આંતરિક વિગ્રહ તો રહેતો જ. સુરત અધિવેશનમાં જહાલ અને મવાળ જેવા ભાગલા ખુલ્લી રીતે પડી ગયા હતા. કોંગ્રેસ માત્ર નિવેદનો કરે, વિનંતી-પત્રો લખે, બ્રિટિશ સરકારની સાથેના સંબંધો સુધરે એવી આશા સેવે, તેમાંના જ કેટલાકને બ્રિટિશ સરકાર દિવાન બહાદુર, રાજરત્ન વગેરે માનદ પદવીઓ આપે એવું ચિત્ર હતું તે સમયે - 1907માં - હતું તેની સામે લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ, સરદાર અજીતસિંહ (સરદાર ભગતસિંહના કાકા, પછીથી સરકારે તેમને દેશમાથી હદપાર કર્યા હતા), લાલા લાજપતરાય (પંજાબના નેતા, તેઓ પણ હદપાર થયા હતા), સુબ્રહમણ્યમ ભારતી, બારીન્દ્ર ઘોષ, છોટુભાઈ પુરાણી, મોહનનાથ કેદારનાથ દીક્ષિત (જેમણે સરદાર પટેલના બારડોલી આંદોલનમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો અને 1952માં ભારતીય જનસંઘના પ્રથમ પ્રદેશ પ્રમુખ બન્યા) વગેરે ઉગ્ર સંઘર્ષ માટે તત્પર હતા. આજે તો સુરતવાસીઓ આ સ્થાનોનું મહત્વ ભૂલી ગયા હશે પણ ફ્રેંચ ગાર્ડન, બાલાજીનો ટેકરો, ઘી કાંટા વાડી, હરિપરા, દાંડિયા બજાર, વાંકાનેર થિયેટર, માણેકરાવનો અખાડો વગેરે જગ્યાએ રાષ્ટ્રવાદનો પ્રચંડ ઘોષ થયો, ખુલ્લા અધિવેશનમાં પ્રસ્તાવો અને પ્રમુખ મુદ્દે ગરમ ચર્ચા થઈ. તિલક મંચ પર ચડી ગયા, સામસામે બોલાચાલી અને એક ચપ્પલ પણ ફેંકાયું. વિનીતવાદી મંચ છોડીને ચાલ્યા ગયા. અરવિંદ ઘોષે ભાષણ કર્યું. કોંગ્રેસનાં આ સ્પષ્ટ વિભાજનનો પ્રારંભ સુરતથી થયો હતો.
ખડગે, રાહુલ વગેરેએ ગાંધીજી અને સરદારને તો પોતાના ગણાવ્યા અને સ્વરાજ પ્રાપ્તિનો યશ કોંગ્રેસનો ગણાવ્યો. ગુજરાતે સ્વાતંત્ર્યયજ્ઞમાં ઇંદુલાલ યાજ્ઞિક, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, ભગતસિંહના સાથીદાર શહીદ ભગવતી ચરણ વોહરા, કચ્છના યુસુફ મહેરઅલી, ઢેબરભાઇ, ડો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા (જે પાકિસ્તાની આક્રમણ દરમિયાન કચ્છમાં વિમાની દુર્ઘટનામાં શહીદ થયા). મણિબહેન પટેલ... આ બધા સ્વાતંત્ર્ય જંગમાં સામેલ મોટા નેતા હતા. કેટલાકે ગાંધીજીની નીતિની સામે સશસ્ત્ર સ્વાતંત્ર્ય માટે સક્રિય રહ્યા હતા, તો કેટલાક તો સંપૂર્ણ કોંગ્રેસી હતા, અને દાંડી તેમજ અસહકાર લડતમાં ભાગ લીધો હતો. અરે, જ્યાં અધિવેશન થયું તેના ત્રણ કિલોમીટર દૂર ગુજરાત કોલેજની ઇમારત છે, તેની ટોચ પર રાષ્ટ્રધ્વજ ચડાવવા જતાં વીનોદ કિનારીવાળાને બ્રિટિશ ગોળીથી વીંધી નંખાયો હતો. ત્યાં તો એકાદ ભાષણ રદ કરીને સ્મારક પર પુષ્પાંજલિ કરવા જવું જોઈતું હતું.
પણ... તેવું થયું નહીં. માત્ર સાબરમતી પ્રાર્થના અને સરદાર-ગાંધી પોતાના છે (એટલું સારું થયું કે દાદાભાઈ નવરોજીનું નામ ખડગેએ ઉમેર્યું.) ખરેખર તો દાંડી કે બારડોલી જેવા સ્થાનો પર અધિવેશન યોજવું જોઈતું હતું. પણ ત્યાં ફાઇવ સ્ટાર કે બીજી સગવડયુક્ત હોટેલોનો નિવાસ શક્ય નહોતો. જોકે સરદાર પટેલની વિશાળ અને ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક કેવડિયામાં છે, ત્યાં પૂરતી સગવડો પણ છે, પણ ત્યાં તો સત્તા-શત્રુ નરેંદ્ર મોદીનું આ પ્રદાન છે તે યાદ ના કરે તો પણ દિમાગમાં આવે જ.
હા, એક સ્થાન એટલું જ ઐતિહાસિક છે જ્યાં ગાંધીજી. સરદાર વલ્લભભાઇ અને સુભાષચંદ્ર બોઝનું યશસ્વી નેતૃત્વ શોભી ઉઠ્યું હતું તે બારડોલીની નજીકનું હરિપુરા. નાનકડું ગામ, ભવ્ય તવારીખ. 19 ફેબ્રુઆરી, 1938ના દિવસે અહીં કોંગ્રેસ - રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું. હરિપુરામાં અધિવેશન યોજાય તેવું સુચન ખુદ સરદાર વલ્લભભાઈએ કર્યું હતું. નામ રાખવામા આવ્યું વિઠ્ઠલનગર. વિયેનામાં આ અધિવેશન પૂર્વે વિઠ્ઠલભાઈ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. કોંગ્રેસમાં સ્વરાજ્ય દલના સેનાપતિ, બાહોશ ધારાશાસ્ત્રી, કેન્દ્રીય એસેમ્બલીના અધ્યક્ષ, ગાંધીજીની નીતિ અને કાર્યક્રમોના તાર્કિક વિરોધી. અંતિમ દિવસોમાં તેમની સુશ્રુષા સુભાષબાબુએ કરી હતી, અને વીર વિઠ્ઠલભાઈએ પોતાની તમામ મિલકતનું વસિયતનામું સુભાષને દેશ સેવાના કાર્ય માટે અર્પિત કર્યું હતું.
ઐતિહાસિક હતું આ વિઠ્ઠલનગર. હરિપુરામાં 500 એકર જમીન ગ્રામજનોએ ફાળવી હતી. 75,000 શ્રોતાઓની વ્યવસ્થા હતી. કામચલાઉ પુલ બાંધવામાં આવ્યો. ટ્રેક્ટરોથી જમીન સમથળ કરવામાં આવી. પાણીની ટાંકી, પોસ્ટ ઓફિસ, ઉદ્યાન, હોસ્પિટલ, બેન્ક, બસ સ્ટેશન, તારઘર બધી કામચલાઉ વ્યવસ્થા થઈ. શાંતિનિકેતનથી ચિત્રકાર નંદલાલ બોઝ આવ્યા અને પંડાલ માટે 500 ચિત્રો બનાવ્યા. આપણા રવિશંકર રાવળ અને કનુ દેસાઇ પણ સાથે રહ્યા. નદીના ઢોળાવ પર યુવા અધ્યક્ષ સુભાષબાબુની પર્ણકુટી. બાકી નેતાઓનો પણ અલગ પર્ણકુટીમાં જ નિવાસ. અધિવેશનમાં ભાગ લેનારા દરેક ગ્રામજનોને છ પૈસામાં ભરપેટ ભોજન અપાયું. રસોડાની વ્યવસ્થા રવિશંકર મહારાજે સંભાળી હતી.
આ કોંગ્રેસને સાબરમતી કોંગ્રેસ યાદ ના આવી તેનું એક કારણ છે. સુરત પછી અહી હરિપુરા અધિવેશનમાં પ્રજાને અંતિમ સ્વાતંત્ર્ય સંઘર્ષ માટે સજ્જ કરવાનો સંકલ્પ 39 વર્ષના યુવા અધ્યક્ષ સુભાષ બોઝ ઘોષિત કરવાના હતા. 2008માં હું હરિપુરા, વાંસદા અને બારડોલી ગયો હતો. વાંસદામાં રાજવી ઇંદ્રવિજયસિંહજીનો રાજમહેલ હજુ ગૌરવની ઝાંખી આપતો ઊભો છે.
ઇંદ્રવિજયસિંહજીએ અધ્યક્ષ સુભાષબાબુની શોભાયાત્રા માટે એક રથ અર્પણ કર્યો હતો. આ રથના સારથી છીતાભાઈએ તો બારડોલી સત્યાગ્રહમાં પોતાની તમામ સંપત્તિ નિછાવર કરી દીધી હતી, અને દિગવીરેન્દ્રસિંહજીએ એ દસ્તાવેજ મને બતાવ્યો જે ભારત સાથે આ રાજ્યને વિલીન કરવાની પહેલ રાજવી પિતાએ કરી હતી. ત્રણ કલાકનું સુભાષચંદ્રનું અધ્યક્ષીય ભાષણ સ્વાધીન ભારતની આકાંક્ષાનો એહસાસ હતો. જોકે હરિપુરા પછી ત્રિપુરીમાં સુભાષ બીજી વાર અધ્યક્ષ બન્યા તો પણ તેમની સામે અવરોધનો મોરચો માંડયો. ગાંધીજીએ ચૂટણીમાં પોતાના ઉમેદવાર તરીકે પટ્ટાભિ સીતારામૈયાને ઊભા કર્યા, તે હાર્યા. સુભાષને કોંગ્રેસમાંથી બરતરફ કરાયા તે ઇતિહાસ અલગ છે. કોંગ્રેસના હાલના વરિષ્ઠ નેતાઓને આ ભૂતકાળની ખબર હશે?