द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।
यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।
(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)
જીવનનું આ સનાતન ગીત વૈવિધ્યપૂર્ણતાયુક્ત છે તેમ ચિંતકોનું માનવું છે. જીવનમાં કેટલાક સ્પષ્ટ અને કેટલાક અસ્પષ્ટ રહસ્યો છે. જે આ સત્યનું દર્શન કરી શકે તેને માટે જીવન આનંદનું સ્વરૂપ છે અને જે જીવન સત્યને પામી શકતો નથી, સમજી શકતો નથી તેવા માનવ માટે જીવન સંઘર્ષ, વિપદા, પરીક્ષા બનીને આવે છે.
માનવમાત્રની આ આખાય જગતના લોકોની ગતિનો હેતુ શો? તો તેનો જવાબ છે સુખપ્રાપ્તિ. કયું સુખ? જે તે માનવ વડે જોવાયેલું, કશુંક પામવા માટેનું સુખસ્વપ્ન અને તેને પ્રાપ્ત કરવાની મથામણ અર્થાત્ માનવની ગતિ. પણ જો તમે આભાસને સત્ય માનીને પકડવા જાવ તો એ પકડાય ખરું કે? ઇચ્છાઓ પણ આવી જ છે અને જે માનવ અયોગ્ય ઇચ્છાઓ, આભાસને પકડવા મથે તને ક્યારેય સુખ મળે ખરું?
આવા લોકોમાં બે પ્રકારના લોકોને આપણે સર્વપ્રથમ મૂકવા પડે. એક તો એ વર્ગ જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા જ કરે છે. ઇચ્છાપૂર્તિ માટેનું મુખ્ય સાધન આ જગતમાં ધન પણ મનાયું છે. જો ધન ન હોય તો ભૌતિક ઇચ્છાઓ પૂર્ણ ન થાય! અને મળે કેવળ દુઃખ જ!
આવું જ દુઃખ એવી વ્યક્તિઓને પણ મળે છે જે સાર્મ્થ્યવિહોણો હોય, પણ કોપાયમાન થઈ જતો હોય. આવી વ્યક્તિનો ગુસ્સો વાંઝિયો હોય છે, જે કશું જ પ્રાપ્ત કરાવતો નથી અને નિષ્ફળતા તથા તેની સાથે દુઃખ જ આપે છે. આમ, જગતમાં આ બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી. ભારતીય સંસ્કૃતિ એટલે જ ફળપ્રાપ્તિ માટે યોગ્યતા, સમય, સંજોગ, બધાને અનિવાર્ય માને છે ને! અહીં જીવન ચિંતનપૂર્ણ આયોજન છે, કેવળ ભોગ નહીં.