કોમનવેલ્થ ૫૩ એવા દેશોનું જૂથ છે જે પૈકી મોટા ભાગના દેશ પહેલા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧માં કોમવેલ્થ સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સમૂહમાં સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ સ્વેચ્છાએ સભ્ય બને છે. કોમનવેલ્થ દેશોનો સમૂહ ૨.૪ બિલિયન લોકોનું ઘર છે અને તેમાં વિકસિત તેમજ વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. કોમન્વેલ્થના દેશો છ ભૂમિ ખંડોમાં વિસ્તરેલા છે, લગભગ ૩૦ મિલિયન ચોરસ કિલોમીટર એટલે કે વિશ્વનું ૨૦ ટકા જેટલું ભૂમિક્ષેત્ર ધરાવે છે.
મહારાણી એલિઝાબેથ – ૨ કોમન્વેલ્થનું સર્વોચ્ચ પદ ધરાવે છે અને તેના બાદ પ્રિન્સ ચાર્લ્સ આ પદ સંભાળશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ૫૩ સભ્ય દેશો પૈકી કોમનવેલ્થ રિઅલમ તરીકે ઓળખાતા ૧૬ દેશોના સર્વોચ્ચ પદે પણ મહારાણીને સમ્માન આપવામાં આવ્યું છે, જયારે ૩૨ દેશ પ્રજાસતાક છે અને બાકીના ૫ દેશોમાં રાજાશાહી છે.
આ કોમનવેલ્થ દેશોના સમૂહ દ્વારા ૯ નવેમ્બરે, શનિવારે એક મેળો - કોમનવેલ્થ ફેર યોજવામાં આવ્યો. ત્યાં કોમનવેલ્થના સભ્ય દેશો પોતપોતાના દેશની સંસ્કૃતિનું પ્રદર્શન, પ્રસાર અને પ્રચાર કરવા હસ્તકલા અને કારીગરીના નમૂના લાવીને પ્રદર્શિત કરે છે તેમજ વેચે છે. તેમાંથી આવતી કમાણી ચેરિટીના ઉદેશ્યથી વપરાય છે. આ વર્ષે કોમનવેલ્થ ફેરનું આયોજન કરનાર યજમાન દેશ બાંગ્લાદેશ હતો અને તેના થીમ પર આ ફેર યોજાયેલો. કેન્સીંગટન ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલા આ ફેરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હસ્તકલા અને અન્ય સુંદર કારીગરીવાળી વસ્તુઓ વેચવા અનેક દેશોએ પોતાના સ્ટોલ લગાવેલા જયારે પ્રથમ માળે ઘણા દેશોએ પોતપોતાની ભોજન વાનગીઓના સ્ટોલ લગાવેલા.
આ ફેરમાં ભારતીય ઉચ્ચાયોગે પણ બે સ્ટોલ લગાવેલા. એકમાં કાશ્મીરમાં બનેલા હસ્તકલાના નમૂનાઓ વેચવા મુકાયેલા અને બીજા સ્ટોલમાં કાશ્મીરી વાનગીઓ વેંચવામાં આવી હતી. જે આવક થઇ તે ચેરિટીમાં આપવામાં આવી. કાશ્મીર જેવા સુંદર પ્રદેશમાં તૈયાર થતા સિલ્કના સ્કાર્ફ, પેપરમાશે, હસ્તકલાના નમૂનાઓ લોકોને પસંદ આવ્યા હતા. આ ફેરમાં સ્ટેજ પર ઘણા દેશોએ પોતપોતાની સંગીત અને નૃત્યકલાનું પ્રદર્શન પણ કર્યું. ભારત માટે કુમારી સ્નેહ જૈનના સમૂહે ભારતનાટ્યમ્ રજુ કરીને લોકોના મન મોહી લીધા. ઉપરાંત રાજસ્થાની ઘુમ્મર પણ લોકોને ખુબ ગમ્યું.
આ ફેર દ્વારા કોમન્વેલ્થના અનેક દેશો વચ્ચે એક સેતુબંધ રચાયો. અંગ્રેજી ભાષા, લોકશાહી અને સમાનતાના સિદ્ધાંતથી જોડાયેલા આ દેશો વચ્ચે સાંસ્કૃતિક તાંતણો બંધાયો અને તેમની વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે આ ફેર ખુબ મહત્વની કડી બન્યો. આ ફેર દર વર્ષે થાય છે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)