ગરીબોના બેલીઃ ઠક્કરબાપા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 14th December 2019 04:32 EST
 
 

ગાંધીજી કરતાં ઠક્કરબાપા બે માસ નાના. ગાંધીજી પણ તેમને ‘બાપા’ કહીને સંબોધતા. ઠક્કરબાપાનું નામ અમૃતલાલ. તેઓ ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબના વિઠ્ઠલદાસ ઠક્કરના દીકરા. નાનપણમાં તે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી. તે જમાનામાં શિક્ષકો માને, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. પોતાનો વટ પાડવાય શિક્ષક સોટી વાપરે. એક દિવસ અમૃતલાલને વિના વાંકે સોટી પડી. અમૃતલાલે બીજા દિવસથી મા-બાપના આગ્રહ છતાં શાળાએ જવા નનૈયો ભણતાં તેમને બીજી શાળામાં મૂક્યા અને ત્યાંથી મેટ્રિક થયા. પછી મા-બાપે લગ્ન ગોઠવ્યું. અમૃતલાલે નાની વયે પરણવા ના પાડી તો મા-બાપે તેમને પૂનામાં ઈજનેરીનું ભણવા વિના પરણ્યે મોકલવાની ના પાડી. વધારામાં માએ આપઘાતની ધમકી આપી. અમૃતલાલ પરણીને પૂના પહોંચ્યાં. ૧૮૯૦માં એન્જિનિયર થયા. તે જમાનામાં એન્જિનિયરની તંગી. લાઠી રાજ્યમાં ઈજનેર બન્યા. પછી નવાનગર અને મહારાષ્ટ્રમાં નોકરી કરી. એવામાં આફત આવી. પત્ની જીવીબાઈ મરણ પામ્યાં. દીકરા ચીમનને અમૃતાલાલે લાડકોડમાં ઊછેર્યો. ફરી પરણ્યા પણ પત્નીને રોગ લાગુ પડ્યો. બીજી વારનાં પત્ની મરણ પામ્યાં.
અમૃતલાલને વતન વસમું લાગ્યું. વતન છોડી મુંબઈ આવ્યા. તેમને રોડ નિયાામકની નોકરી મળી. ઊંચો પગાર અને સાહ્યબી. ઠાઠમાઠમાં જીવવાનું. મુંબઈમાં એની બેસન્ટનો પરિચય થયો. થિયોસોફીમાં જોડાયા. દીકરો ચીમન બીમાર પડ્યો. રોગ વધતો ગયો. મરતા દીકરાનો છેલ્લો શબ્દ હતો ‘બાપા’. દીકરાના અવસાને સંસારમાંથી મન ઊઠી ગયું. નોકરી છોડી. વૈભવ છોડ્યો. સાદગી અપનાવી. ૧૯૧૪માં ભારત સેવક સમાજમાં જોડાયા. સેવાની ધૂણી ધખાવી. દલિત, પીડિતના દુઃખ દૂર કરવા મથ્યા. ગરીબોને, દુઃખીઓને મદદ કરવા, એમના પ્રશ્નો સમજવા ઠેર ઠેર એવા વિસ્તારમાં ગયા. તે જમાનામાં રેલવેમાં ત્રીજો વર્ગ. તેઓ ત્રીજા વર્ગમાં પ્રવાસ કરે.
ગુજરાત આવ્યા. પંચમહાલના જંગલ વિસ્તારમાં ત્યારે આદિવાસી ભીલ પ્રજા. પૂરાં વસ્ત્રો ન પહેરે. ગરીબી ભારે. અજ્ઞાનતા ખુબ. ભણતરની વાત નહીં. ભૂત-ભૂવામાં માને. આ પ્રજાના કલ્યાણ માટે ૧૯૨૨માં ભીલ સેવા મંડળની સ્થાપના કરી. આમાં ઈન્દુલાલ યાજ્ઞિકે શરૂથી સાથ આપ્યો. મુંબઈના શ્રીમંત ભાટિયા યુવક લક્ષ્મીદાસ શ્રીકાંત આમાં ભળ્યાં. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણીને તૈયાર થયેલા, ગાંધીરંગે રંગાયેલા યુવક ડાહ્યાભાઈ નાયક ભળ્યા. ભીલ સેવા મંડળે સમગ્ર ભીલ સમાજની કાયાપલટનું પછીના જમાનામાં મોટું કામ કર્યું. આ સેવાથી સેવા પામનારા એમને બાપા કહેતા થયા. ચીમનના બાપા સૌના બાપા બન્યા.
ઠક્કરબાપા એક જગ્યાએ પલાંઠી વાળીને ન બેઠા. એક જગ્યાનું કામ ગોઠવાય, સ્થિર થાય ત્યાં એ બીજા દલિત-પીડિતોને શોધવા નીકળે. કેરળના હરિજનો, તામિલનાડુના અસ્પૃશ્યો, હિમાલયની તળેટીના પછાત ગરીબો, મહારાષ્ટ્રની મહાર જાતિ, બિહારના ચમાર કે જે ભૂતપૂર્વ વડા પ્રધાન જગજીવનરામની કોમ, ઓરિસાના આદિવાસી, બંગાળના સંથાલ, મધ્ય પ્રદેશના ભીલ, આસામ અને નાગાલેન્ડના આદિવાસી, થરપારકરના હરિજન. આ બધા વિસ્તારમાં એ ફરતા રહ્યા. લોકોના પ્રશ્નો સમજતા અને તેનો ઉકેલ કરતા રહ્યા.
ઠક્કરબાપા રાજકારણથી અળગા રહ્યા. માત્ર સેવાને વરેલા રહ્યા. ભારતના ભાગ પડ્યા. સિંધના થરપારકર વિસ્તારમાં ધર્મ બચાવવા ભાગતા, વતન છોડીને આવતા હરિજનોને અનેક રીતે મદદરૂપ થયા. તેમને આવવાની સગવડ ન હતી. બાપાએ ભાડે સ્ટીમરો કરીને મોકલી. તે આવ્યા. તેમને તાલીમ આપી. રોજી-રોટી અપાવી. મહાત્મા ગાંધી આદિવાસીઓના પ્રશ્નો અંગે ઠક્કરબાપા સાથે મંત્રણા કરતા. એમને બોલાવીને એમનો અભિપ્રાય જાણતા.
ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ગાંધીજી અને બંધારણના ઘડવૈયાઓએ હરિજનો અને આદિવાસીઓ માટેની ખાસ જોગવાઈઓ કરી હતી. ૧૯૩૨માં મહાત્મા ગાંધીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી. તેના મંત્રી તરીકે જવાબદારી ઠક્કરબાપાએ સંભાળી. તેમની કૂનેહથી હરિજન સેવક સંઘની પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં વ્યાપક બની. હરિજનો રાષ્ટ્રના પ્રવાહ સાથે એકરૂપ થયા. આદિવાસીઓનું પણ તેમજ!
ઠક્કરબાપા ૧૯૫૧ના જાન્યુઆરીમાં અવસાન પામ્યા. ગાંધીજીની સાથે મરણના મહિનામાં અને જન્મના વર્ષમાં સામ્ય ધરાવતા ઠક્કરબાપાની સેવાએ સમાજની કાયાપલટમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
૧૯૬૯માં ભારત સરકારે ઠક્કરબાપાની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ઠક્કરબાપા કોલોનીએ ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા હરિજન અને અન્ય પછાત વર્ગ અને રાજસ્થાનની મેઘવાળ લોકોની વસાહત બની. આ વસાહતમાં મોટા ભાગના લોકો પગરખાંના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. અમદાવાદમાં ઠક્કરબાપા નગર ઠક્કરબાપાની યાદને જીવંત રાખે છે. મધ્ય પ્રદેશ સરકારે લોકસેવકોના કાર્યને બિરદાવવા ઠક્કર બાપા એવોર્ડની યોજના કરી છે. મહારાષ્ટ્ર સરકારે ૨૦૦૭માં ‘ઠક્કરબાપા આદિવાસી વસતી સુધારણા યોજના’ અમલી બનાવી ને આદિવાસીઓ માટેનાં મકાનો બનાવે છે.
૧૯૪૮માં ભારતમાં ‘આદિમ જાતિ સેવા સંઘ’ના ચાલક, પ્રેરક અને સ્થાપક ઠક્કરબાપા હતા. ગરીબોના બેલી અને લોકસેવકોના બાપા ઠક્કરબાપા હરિજન અને આદિવાસીઓ વિકાસ અને કલ્યાણના સાચા બાપ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter