જોહાનિસબર્ગમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને જાણીતા કાયદાવિદ્દ કૃષ્ણકાંત વખારિયાની સભા હતી. તેમણે સભામાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું. તે જ સભામાં મૂળ ધર્મજના વતની અને પાંચ-પાંચ મોટી ફાર્મસીના માલિક મુકેશભાઈ પટેલે ઊભા થઈને કહ્યું, ‘તમે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખો છો અને તેના જ પ્રચાર માટે આવ્યા છો ત્યારે ગુજરાતીમાં બોલવાને બદલે અંગ્રેજીમાં બોલો એ સારું ના ગણાય.’
મુકેશભાઈ જોહાનિસબર્ગમાં અગ્રગણ્ય ગુજરાતી છે અને દક્ષિણ આફ્રિકામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ છે. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ, લંડન, લેનેશિયા, પ્રિટોરિયામાં સ્વામીનારાયણ મંદિરો છે. બીજે તેના સત્સંગ મંડળો છે. આ પ્રવૃત્તિના અગ્રણી સૂત્રધાર મુકેશભાઈ લેનેશિયા, જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં બીએપીએસ તરફથી શાયોના રેસ્ટોરન્ટ ચાલે છે. તેમાં ત્યાં બેસીને જમવાની અથવા તો ટિફીન લઈ જવાની વ્યવસ્થા છે. શાકાહારીઓ માટે ભાતભાતની શુદ્ધ ગુજરાતી રસોઈ, મીઠાઈ અને ફરસાણ અહીં ઉપલબ્ધ છે. નોકરી કરતા કે એકલા રહેનાર માટે શાકાહારી રસોઈ પામવાનું આ સ્થળ છે. શાયોનામાં ૮૦ જેટલી ભારતીય વ્યક્તિઓને રોજગારી મળે છે. કરોડો રૂપિયાની ગ્રોસરી ભારતમાંથી મંગાવવી પડે, આ બધાથી ભારતને ફાયદો થાય છે.
મુકેશભાઈ ધંધા માટે ગ્રાહકો સાથે અંગ્રેજીમાં વાત કરવી પડે તો કરે, બાકી ઘરમાં અને બહાર ગુજરાતી બોલવાનું પસંદ કરે છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલો અને હવે તો પચ્ચીસી વટાવી ચુકેલો પુત્ર અક્ષર પણ પરિવારના સંસ્કારે ગુજરાતી બોલવા, લખવા અને વાંચવામાં રસ લે છે. મેં અક્ષરને પૂછ્યું, ‘ગુજરાતી ક્યાંથી શીખ્યો?’
અક્ષર કહે, ‘જાતે શીખ્યો.’
સ્વામીનારાયણી સંતોનું સતત આગમન, સંતોના ગુજરાતીમાં પ્રવચન, સંપ્રદાયના ભજનો અને સાહિત્ય ગુજરાતીમાં હોવાથી અક્ષર જાતે જ ગુજરાતી શીખ્યો. મુકેશભાઈના વડદાદા મૂળજીભાઈ ૧૯૭૪માં દક્ષિણ આફ્રિકામાં આવીને સ્થિર થઈને કાપડનો વેપાર કરતા. પૌત્ર નરેન્દ્રભાઈએ વેપાર વધાર્યો. નરેન્દ્રભાઈનું ઘર દેશથી આવતા જાણ્યા અને અજાણ્યા ગુજરાતીઓ માટે રોટલો-ઓટલો પામવાનું આશ્રયગૃહ બન્યું. નરેન્દ્રભાઈ વધારામાં જરૂરતમંદને નોકરી-ધંધામાં મદદરૂપ થતા. નરેન્દ્રભાઈનાં પત્ની તે સોજિત્રાના ડોક્ટર કિશોરભાઈના પુત્રી અને રાજકીય કાર્યકર સત્યમ્ પટેલનાં બહેન મધુબહેન. મધુબહેને નર્સિંગ કર્યું હતું પણ ખાનદાનીના ખ્યાલે નર્સનું કામ ના કરી શક્યા. મધુબહેનને ચાર દીકરી અને એક માત્ર દીકરો મુકેશ.
પાંચ સંતાનો પછી મધુબહેને વિચાર્યું, ‘નર્સનું કામ ના કરી શકી તો શિક્ષક બનીને પતિને મદદ કરું.’ ભારત આવીને ભણ્યા અને બીજા નંબરની દીકરી વંદનાની સાથે સાથે તેમણે ય મેટ્રિકની પરીક્ષા ૭૦ ટકા માર્ક્સ સાથે પાસ કરી. પછી ટીચર્સ ડિપ્લોમા કરીને જોહાનિસબર્ગમાં શિક્ષિકા બન્યાં.
તે જમાનામાં જોહાનિસબર્ગમાં દરજી નહીં. પુરુષોનાં કપડાં તૈયાર મળે, પણ ભારતીય સ્ત્રીઓને કપડાં સીવડાવવાની મુશ્કેલી. મધુબહેને સિવણના વર્ગ શરૂ કર્યાં. તેમના સિવણવર્ગમાં શીખીને પતિને ઘરખર્ચમાં મદદરૂપ થઈ, શાળામાંથી તેમના વિદ્યાર્થી ભણીને વકીલ, ડોક્ટર, વેપારી કે સરકારી કર્મચારી બન્યા. તે આજેય મધુબહેનને યાદ કરે છે.
પુત્ર મુકેશભાઈ ૧૯૬૨થી ૧૯૭૮ સુધી ભારતમાં રહ્યા. બેંગ્લોરમાં ભણીને બી.ફાર્મ. થઈને દક્ષિણ આફ્રિકા આવીને, નોકરીની જાહેરાતો આવે ત્યાં અરજી કરીને ઈન્ટરવ્યુમાં બોલાવે ત્યારે જાય. જવાના ભાડાની મુશ્કેલી તેથી ચાલી નાંખે. રંગભેદના જમાનામાં નોકરીની મુશ્કેલી. એક વખત ૪૦ કિલોમીટર ચાલતા, રસ્તો પૂછીને ઈન્ટરવ્યુ સ્થળે પહોંચ્યા. ગયા તો ઈન્ટરવ્યુ પતી ગયેલા. ગોરી મહિલા કહે, ‘હિંદીઓને સમયનું ભાન નહીં અને દોડ્યા આવે છે. ઈન્ટરવ્યુ પતી ગયા છે.’ મુકેશભાઈએ પોતે પાછા જવાનો રસ્તો પૂછ્યો. પેલી કહે, ‘જેમ આવ્યા તેમ જાવ.’ મુકેશભાઈ કહે, ‘પૂછી પૂછીને ખૂબ ચાલ્યો છું. સીધો રસ્તો બતાવો તો સારું.’ બાઈને વાત સમજાઈ. તેણે સહાનુભૂતિથી ઈન્ટરવ્યુ ગોઠવ્યો. ઊંચા પગારની નોકરી મળી. ઉપરી ખુશ અને પ્રમોશન મળતાં ગયાં. કંપનીના સીઈઓ થવાની આશા બંધાઈ.
આ અરસામાં પ્રમુખસ્વામી મહારાજ જોહાનિસબર્ગ આવ્યા. સાથે ભગવદ્ચરણ સ્વામી આવેલા. તે પણ પૂર્વ જીવનમાં ધર્મજના. તેઓએ વાતવાતમાં મુકેશભાઈની બધી વાત જાણી લીધી. ભગવદ્ચરણ સ્વામી તેમને બાપાને મળવા લઈ ગયા. તે પ્રમુખસ્વામીને કહે, ‘બાપા, જુઓને મુકેશભાઈ પાટીદાર હોવા છતાંય અહીં નોકરી કરે છે.’
મુકેશભાઈ કહે, ‘હું મોટી કંપનીમાં સીઈઓ થનાર છું.’
જોકે, સીઈઓ તરીકે પસંદ ના થતાં, પછી બાપાને વાત કરી. બાપા કહે, ‘ફાર્મસી લો. ફાવશે. આશીર્વાદ છે.’
મુકેશભાઈએ ફાર્મસી લીધી અને આગળ વધ્યા. ધર્મશ્રદ્ધા અને ધર્મપ્રવૃત્તિમાં ય આગળ વધ્યા. તેમણે ૧૦૦ જેટલા પરિવારને સ્થાયી થવામાં મદદ કરી.