ગુજરાતી સમાજનાં સ્થાપકઃ મૃદુલા મહેતા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત મહેતા Thursday 29th November 2018 03:41 EST
 

મોમ્બાસા હાઈસ્કૂલમાં ભણેલી યુવતીનું ૨૦ વર્ષની વયે ૨૫ વર્ષના યુવક મુકુંદ મહેતા સાથે લગ્ન થયું. પતિને યુનેસ્કોની વધુ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતાં પતિ સાથે લગ્ન પછી લંડન જવાનું થયું. ત્રણ વર્ષ લંડનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણીને જ્ઞાન, હિંમત, સૂઝ સાથે એ યુવતી આધુનિકા બની. આ યુવતી તે મૃદુલાબહેન મહેતા.

લંડનથી પતિ સાથે કંપાલા પાછાં ફર્યાં. કંપાલામાં તે જ વર્ષે ઈદી અમીને એશિયનોની હકાલપટ્ટી કરતાં નિરાશ્રિત તરીકે કેનેડાના વિનિપેગમાં આવવાનું થયું. થોડા વખત પછી એડમન્ટનમાં આવીને સ્થાયી થયાં.
આલ્બર્ટા ગવર્ન્મેન્ટમાં તેમને પબ્લિક અફેર્સ બ્યુરોમાં નોકરી મળતાં તે ૨૦૦૪ સુધી કરી. જોકે, મૃદુલાબહેને અહીં આવીને એકાઉન્ટન્સીના કોર્સ કર્યાં હતાં.
નોકરી કરતાં કરતાં મૃદુલાબહેનને અહીંના જીવનનો વિચાર આવે. આફ્રિકામાં ગુજરાતીઓ જે રીતે હળતામળતા, આનંદ કરતાં એની યાદ આવે અને ખોટ વર્તાય. ઠંડા પ્રદેશમાં જીવવાનું, નોકરી કરવાની અને યંત્રવત્ જીવવાનું. એકબીજાને જાણે-પિછાણે નહીં તેથી હળવામળવાનું ના થાય. એકબીજાનો સાથ ન મળે. અજાણી ભૂમિમાં ખોવાયેલું જીવવાનું. બધા ભેગા મળે એવું કરવા મંડળ સ્થાપવાનો ૧૯૭૫માં વિચાર આવ્યો. વિચારનો અમલ સરળ ન હતો. પતિ, બાળકો અને નોકરી બધાં સાથે જીવવાનું. ઘરની જવાબદારી સંભાળવાની.
મૃદુલાબહેનનું મન મક્કમ હતું. એક વાર વિચાર આવ્યો એટલે એનો અમલ કરીને જ ઝંપે. દસ વર્ષની દીકરી મીનાને ટેલિફોન ડિરેક્ટરી લઈને બેસાડી. એમાંથી ગુજરાતી લાગતાં હોય એવાં નામ શોધીને, તેના ફોન પર મંડળ સ્થાપવાની વાત કરે. આવા ૨૦ પરિવાર મળ્યાં. ૧૯૭૬માં નવરાત્રિ નિમિત્તે ભેગા ગરબા કરવા નક્કી કર્યું. ગરબા વખતે જ કમિટી નક્કી કરી. જે કમિટી બીજા વર્ષે ૧૯૭૭માં ગરબાનું આયોજન કરે. આમ કામ આગળ ચાલતું ગયું.
મૃદુલાબહેન પડદા પાછળ રહીને કામ કરે, બીજાને આગળ કરે. કોઈ તૈયાર ના થાય ત્યારે પોતે અવારનવાર પ્રમુખ બને કે પતિ મુકુંદભાઈને પ્રમુખ બનવા આગ્રહ કરે.
આજે ગુજરાતી સમાજમાં ૭૦૦ પરિવારો સભ્ય છે. વાર્ષિક ફી ૪૦ ડોલર છે. વધારામાં તે દિવસે લોટરીની ટિકીટ બનાવીને વેચવામાં આવક આવે. હવે હોટેલમાં બધાને જમાડે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવે છે. શરૂમાં બધાં ભેગાં થઈને હાથોહાથ રસોઈ બનાવતા, જમતા. મૃદુલાબહેન જેવી પાયાનાં પથ્થર બનીને કામ કરનારી મહિલાઓની હજીય સમાજમાં ખેંચ છે.
મૃદુલાબહેન હવે સિનિયર સિટીઝનને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. હોસ્પિટલમાં સેવાભાવે અઠવાડિયે એક વાર જાય છે. મૃદુલાબહેન અને મુકુંદભાઈને બે દીકરી. મોટી દીકરી મીના અને નાની શીતલ. શીતલ શાંતિ લાઈફ સંસ્થા મારફતે ગરીબો રોટલો રળીને પગભર થાય તેવી પ્રવૃત્તિ કરે છે. મૃદુલાબહેનનું ગુજરાતી સમાજમાં એના આરંભક તરીકે હજી માનભર્યું સ્થાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter