રસ્તો શોધવા માટે, ઘર નજીક રેસ્ટોરાં શોધવા માટે લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. ઓનલાઈન ટેક્સી બુકિંગ અને ફૂડ ડિલિવરી એપનો બિઝનેસ તો ગૂગલ મેપ્સ પર જ છે. આઠમી ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ તેની શરૂઆત થઈ હતી. આ લોકભોગ્ય સેવાના ૧૫ વર્ષે ૧૫ રસપ્રદ વાત...
૧) ૧૫ વર્ષ નિમિત્તે ગૂગલ મેપ્સે સિમ્બોલનું નવિનીકરણ કરી નવો લોગો રજૂ કર્યો હતો.
૨) એમેઝોનના આદિવાસીઓ હવે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને જમીન માપણી કરી રહ્યાં છે.
૩) ગૂગલ અર્થને કારણે ઈરાનને ૩૦ વર્ષ પછી ૨૦૧૦માં ખબર પડી હતી કે તહેરાન એરપોર્ટની છત પર ઈઝરાયલનું ધાર્મિક પ્રતીક સ્ટાર ઓફ ડેવિડ અંકિત છે! આ એરપોર્ટ ઈઝરાયલી કારીગરોએ તૈયાર કર્યું હતું.
૪) ઈજિપ્તના કેટલાક પિરામીડોના અવશેષો ગૂગલ અર્થમાં જોયા પછી સંશોધક એન્જેલાએ શોધ્યા હતા.
૫) ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને શોધાયેલા આફ્રિકાના એક જંગલ વિસ્તારનું નામ જ ગૂગલ ફોરેસ્ટ રખાયું છે.
૬) સ્વિત્ઝર્લેન્ડની પોલીસે ગૂગલ મેપ્સ સાથે જોડાયેલી સર્વિસ ગૂગલ અર્થનો ઉપયોગ કરીને ગાંજાના ખેતરો શોધી કાઢ્યા હતા.
૭) ગૂગલ ટ્રાફિકની માહિતી લાઈવ રજૂ કરવા આપણા જેવા વપરાશકારોના ફોનનું સતત ટ્રેકિંગ રાખીને ડેટા એકઠો કરે છે.
૮) કોસોવો નામના એક સમયના યુદ્ધગ્રસ્ત દેશની જમીનના આજે પણ અનેક સુરંગો ધરબાયેલી છે. અહીંના લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી સુરંગનું લોકેશન જાણી શકે છે.
૯) ગૂગલ મેપ દ્વારા ગેરમાર્ગે દોરાતા હોવાના અનેક કિસ્સા પણ નોંધાયા છે. નિકારાગુઆની લશ્કરી ટુકડી ગૂગલ મેપના સહારે એક વિસ્તારમાં ગઈ. ત્યાં રહેલા જંગલ વિસ્તારનો નાશ કર્યો જેથી ઘૂસણખોરો તેમાં છૂપાઈ ન શકે કેમ કે ત્યાંથી લશ્કરી બળવો થવાની બાતમી હતી. બાદમાં ખબર પડી કે નિકારાગુઆ સેનાએ તોડફોડ મચાવી એ પાડોશી દેશ કોસ્ટારિકાની ભૂમિ હતી. કમાન્ડરે લશ્કરી ચાર્ટને બદલે ગૂગલ મેપનો ઉપયોગ કરતાં આમ બન્યું હતું.
૧૦) ઘણી સર્વીસની માફક મેપ્સ પણ ગૂગલની પેદાશ નથી, ગૂગલે ખરીદેલી ર્વીસ છે. મેપ્સનો પ્રારંભ તો ડેન્માર્કના બે ભાઈઓ લાર્સ અને એન્સે કર્યો હતો. ઓક્ટોબર ૨૦૦૪માં ગૂગલે એ ખરીદી લીધી હતી.
૧૧) મેપ્સના લોકલ ગાઈડ વિભાગ હેઠળ કોઈ પણ વ્યક્તિ તેના વિસ્તારની માહિતી, ફોટો મૂકી શકે છે.
૧૨) શેરીમાં ચાલતાં જતાં હોઈએ અને આસપાસના મકાનો દેખાય એ પ્રકારે દૃશ્ય રજૂ કરતી ગૂગલની સ્ટ્રીટ વ્યુ સર્વિસ ૨૦૦૭માં શરૂ થઈ છે.
૧૩) ચીના સરકારની કાયદા પ્રમાણે ગૂગલ મેપ્સની સર્વિસ માટે સરકાર પૂરાં પાડે એ નક્શાનો જ ઉપયોગ થઈ શકે છે.
૧૪) ગૂગલ મેપ્સમાં ન દેખાવાની સામગ્રી પણ દેખાય છે. આથી લશ્કરીમથકો, યુદ્ધજહાજો વગેરેની હાજરી પારખવાનું કામ ઘણી વખત સહેલું થાય છે. ૨૦૦૫માં શરૂઆત થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ મેપ્સની ફરિયાદ કરી હતી કે તેમનો સંવેદનશીલ પરમાણુ સંસ્થાન વિસ્તાર મેપમાં દેખાય છે.
૧૫) સ્ટ્રીટ વ્યુ સતત અપડેટ થાય છે, જ્યારે મેપ વધુમાં વધુ બે અઠવાડિયે એક વાર અપડેટ થાય છે.