असफलानि दूरन्तानि समव्यय फलानि च ।
अशक्यानि च वस्तूनि नारमेत विचक्षणः ।।
(ભાવાર્થઃ જેનું (કર્મનું ફળ) ફળ ન મળવાનું હોય, જેનું ફળ મુશ્કેલીથી મળવાનું હોય, જેમાંથી મળતો લાભ એ માટે ખર્ચ કરવા જેટલો જ હોય, જે વાત અશક્ય હોય તેનો ચતુર માણસે આરંભ કરવો જ નહીં.)
સુભાષિતો શા માટે યુગોયુગોથી માનવ સમાજને પ્રિય રહ્યાં છે? આ પ્રશ્નનો જવાબ આ સુભાષિતમાં છે. લાગે છે કે શાસ્ત્રોનો સાર આ સુભાષિતમાં સમાયો છે!
માનવમાત્ર કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત શા માટે થાય છે? સ્વાનંદ માટે. જો તે ન મળવાનો હોય તો! લાખે એકાદ વિરલ હશે, જે કશું ન મળે તો પણ કામ કરે. સર્જક, સંશોધક, સમાજસેવક, રાષ્ટ્રવાદી આ સર્વના રસ્તાઓ સહેલા નથી હોતા. છતાં પણ તેઓ હંમેશા કાર્યરત હોય છે, કારણ કે આમાં તેમને સ્વાનંદ મળે છે.
હજુ આજે પણ નોકરી પરથી થાકીપાકી આવીને ગૃહિણી રસોઈ બનાવે છે, કેમ! તેના અજાગૃત મન સુધી આ વાત પાકી હોય છે કે મારે મારા સ્વજનો માટે સારો ખોરાક તૈયાર કરવાનો છે. પણ પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે સ્વાનંદ, આર્થિક ઉપાર્જન, સન્માન, પ્રેમ કશું જ પ્રાપ્ત ન થાય. સુભાષિતકાર જાણે કે હળવી બ્રેક મારે છે કે જે વિચક્ષણ માણસ છે તેણે એવા કાર્યો જ ન કરવા જેનું ફળ ન મળવાનું હોય, જેનું ફળ મુશ્કેલીથી મળવાનું હોય, જેમાંથી મળતો લાભ ખર્ચ કરવા જેવો નગણ્ય જ મળતો હોય.
સુભાષિતકારનું સૂક્ષ્મ ચિંતન પણ પરિસ્થિતિ તરફ આંગળી ચીંધે છે. કામ શરૂ કરતાં પહેલાં જ આ ત્રણે બાબતનો વિચાર કરીને પછી જ વિચક્ષણે જે તે કામ કરવું જોઈએ. પણ શા માટે? એટલાં માટે કે માનવ આખરે સુખદુઃખાદિ ભાવોનો ગુલામ હોય છે. કોઈ પણ કર્મ કર્યા પછીનું ફળ તો તેને આનંદ આપનારું હોય એ જાણે કે તેને માટે સહજસ્થિતિ છે! આથી જ જ્યારે કર્મનું ફળ શૂન્ય હોય, પછી એ ફળ ભલે ને આર્થિક, સામાજિક, ધાર્મિક ગમે તે હોય! પણ જો એ શૂન્ય હોય તો માનવને દુઃખ, નિરાશા અને અંધકાર આપે છે. વારંવારની આવી પરિસ્થિતિ તેને એક જગ્યા ઉપર, એક ભાવ ઉપર જકડી લે છે અને આથી જ એવા કામ ન કરવા જ્યાં કશું જ ફળ ન હોય.
સમાજમાં ગુપ્તદાતાઓ દાન કર્યા કરે છે પણ તેમનાં મનમાં એક સમજ છે કે આમ કરવાથી પુણ્ય થાય ને ભગવાન ફળ આપે છે. જો તેની આગળ સાબિત કરવામાં આવે કે આવું કંઈ નથી તો?
ભારતીય પૂત્રવધુ ઘરમાં આખો દિવસ જાતજાતના કામ કરતી રહે છે. પરંતુ તેની સાથે તેને સ્નેહ અને સન્માન ન મળે તો તે કેટલાં વર્ષ કરશે?
બાળક ભણ્યા જ કરે, પણ છેવટે ભણતર પૂરું થાય અને તેને કહેવામાં આવે કે આ ભણતરનું કોઈ ફળ નથી તો પછીના કેટલાં બાળકો ભણશે? શું વેતનપ્રથા આ બધા સાથે જ સંકળાયેલી હોય તેવું નથી લાગતું?
સુભાષિતકાર સાચું જ કહે છે કે જે કાર્ય કશું જ ન આપે, દરિયામાં વિસર્જિત કરેલી વસ્તુની જેમ અલોપ થઈ જાય તો કાર્ય ન કરવું. કારણ કે તે મોટા ભાગે માનવને દુઃખ આપનારું હોય છે. મનોવિજ્ઞાનની સાવ સાદી વાતો ને લેખક એથી પણ સહજ રીતે અહીં રજૂ કરવામાં પૂર્ણ પણે સફળ રહ્યાં છે.