ચાર વેદ કી માતુ પૂનિતા, તુમ બ્રહ્માણી ગૌરી સીતા, મહામંત્ર જીતને જગ માહી, કોઉ ગાયત્રી સમ નાહિ

Wednesday 12th June 2024 07:57 EDT
 
 

ગાયત્રી વૈદિક મંત્ર છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી-છંદમાં રચાયેલા ‘ગાયત્રી મંત્ર’ના દષ્ટા મહર્ષિ વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રમાં ભગવાન સવિતા-સૂર્યદેવ અને એમની પ્રકાશશક્તિ દેવી સાવિત્રી કે દેવી ગાયત્રીની સ્તુતિ કરાઇ છે. ગાયત્રી મંત્ર (ૐ ભુર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો નઃ પ્રચોદયાત્) તો ઠેર ઠેર બોલાતો હોય છે, સંભળાતો હોય છે. સ્વામી વિવેકાનંદના મતે ગાયત્રી મંત્ર તો મંત્રોનો મુકુટમણિ છે.

પૌરાણિક પરંપરાગત માન્યતા છે કે બ્રહ્માજીના મુખમાંથી ચાર વેદ નીકળ્યા અને ગાયત્રીદેવી વેદમાતા કહેવાઇ. ‘દેવી ભાગવત’માં ગાયત્રી અને સાવિત્રી (સૂર્યપત્ની) ની એકરૂપતા બતાવી છે. સાવિત્રી એ જ જ્ઞાનનાં દેવી ગાયત્રી છે. જ્ઞાનનાં આ દેવીની જન્મજયંતી જેઠ સુદ એકાદશી (આ વર્ષે 18 જૂન)ના રોજ ઉજવાશે.
ગાયત્રી દેવીની લોકપ્રિયતાને કારણે એમની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ કલ્પાઇ છે, જેવી કે- એકમુખી, ચતુર્મુખી, પંચમુખી, દશભૂજાવાળી તેમજ હંસવાહિની કે મયૂરવાહિની કે પદ્માસન-સ્વરૂપ. ‘શારદાતિલક’ ગ્રંથ પ્રમાણે એમનું મુખ્ય ધ્યાનસ્વરૂપ આ પ્રમાણે છેઃ પંચમુખી, કમળ પર વિરાજમાન, રત્નહાર-આભૂષણથી અલંકૃતા તેમજ દશ હાથમાં શંખ, ચક્ર, કમલ, વરદ, અભય, અંકુશ, કશા, કપાલ, પાશ અને રુદ્રાક્ષમાળા ધારણ કરનાર.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં - ‘ગાયત્રી છંદ સા મહમ્ - ‘છંદોમાં હું ગાયત્રી છું’ એમ કહીને ગાયત્રીની મહત્તા પ્રસ્થાપિત કરી છે. પ્રાચીન કાળમાં સાંદિપની, વશિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ જેવા ઋષિઓનાં આશ્રમમાં છાત્રોને વેદ, ગાયત્રી, યજ્ઞ અને ત્રિકાળ સંધ્યાનું જ્ઞાાન અપાતું હોવાના અનેક ઉલ્લેખો રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભાગવત જેવાં ધાર્મિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે જે ચારેચાર વેદ ઉપરાંત ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, શ્રોતસૂત્ર અને કુર્મપુરાણમાં પણ જોવા મળે છે. આથી આ મંત્ર ‘વેદમાતા’ તરીકે સુપ્રસિદ્ધ છે. આપણા મિસાઈલમેન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ પ્રાચીન મંત્રોની શક્તિમાં અખૂટ વિશ્વાસ હતો! એમની ભગવદ્ ગીતા પરની પ્રીતિ કે ગાયત્રી મંત્ર પરનો દઢ વિશ્વાસ એ છુપાવતા નહોતા. અને આજીવન એવા જ રહ્યા.

ગાયત્રી મંત્રની પ્રભાવક શક્તિને કારણે એના અનુકરણમાં અનેક દેવ-દેવીઓની ઉપાસનાના ગાયત્રીમંત્રો રચાયા છે. પં. શ્રીરામ શર્મા આચાર્ય અને તેમણે સ્થાપેલા ગાયત્રી પરિવાર દ્વારા ઠેર ઠેર ગાયત્રીમંદિરો બંધાયાં છે, ગાયત્રી યજ્ઞ વગેરેની પ્રવૃત્તિઓ થાય છે. ગાયત્રી જયંતીએ ગાયત્રી મંત્રની સાધના, પૂજાપાઠ વગેરે કરાય છે. ગાયત્રી મંત્રના જાપથી આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને પ્રકારની સિદ્ધિપ્રાપ્ત થાય છે.

ત્રણ શક્તિનું સ્વરૂપ
‘દેવી ભાગવત’માં ગાયત્રીની ત્રણ શક્તિઓને બ્રાહ્મી (બ્રાહ્મણી), વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. આ શક્તિ સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે અને પાંચ મુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે, આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે અને ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંધ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે, ત્યારે તેમનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.

24 અક્ષરનો મહામંત્ર
ગાયત્રી મંત્રમાં આવતા ભૂ ર્ભુવઃ સ્વઃ એ ત્રણ લોક - સ્વર્ગ, ધરતી અને પાતાળનો નિર્દેશ કરતી વ્યાહૂતિ છે. ગાયત્રી મંત્ર શરૂ થાય છે તત્સવિતુ...થી અને વિરામ પામે છે પ્રચોદયાત્ પાસે ‘ત્’ સાથે. 9 શબ્દો અને 24 અક્ષરોનો બનેલો આ મહામંત્ર છે, એટલે જ તો ‘ગાયત્રી ચાલીસા’માં યોગ્ય કહેવાયુંઃ ‘મહામંત્ર જીતને જગ માહિ, કોઉ ગાયત્રી સમ નહિ.’
ભારતીય સંસ્કૃતિમાં 24 ઋષિઓ થયા. જેમ કે, મહાતેજસ્વી વિશ્વામિત્ર, તપોનિધિ જમદગ્નિ, વેદ વ્યાસ, તપમાં શ્રેષ્ઠ નારદ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, શુક, કણ્વ, પરાશર, કપિલ, યાજ્ઞવાલ્કય, ભારદ્ધાજ, ગૌતમ, મુદ્ગલ, લોમશ, અગસ્ત્ય, કૌશિક, વત્સ, પુલસ્ત્ય, માંડુક્ય, દુર્વાસા, કશ્યપ અને મહાન શૌનક. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુ કર્યા. ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગામાં રહેલા અશોક ચક્રના આરા 24. જૈન ધર્મમાં થયેલા 24 તીર્થંકરો. વાલ્મિકી રામાયણના શ્લોકોની સંખ્યા 24 હજાર, રાત્રી અને દિવસના 24 કલાક અને માનવશરીરમાં ગ્રંથીઓ 24 - આ 24ની સંખ્યાને અરસપરસનો સંબંધ કહી શકાય.

ઋષિઓએ સ્વાનુભવના આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું કે ગાયત્રી મંત્રના જાપથી કઈ કઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. જેવી કે આત્માનો આનંદ અને મનની શાંતિ, અડગ આત્મબળ, તંદુરસ્ત આરોગ્ય, સમસ્યાનો ઊકેલ, બુદ્ધિનો વિકાસ, અજ્ઞાન અને અંધકારનો નાશ, સદ્બુદ્ધિની પ્રાપ્તિ અને સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગાયત્રી મંત્રના જાપ કરનારને મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter