વજુભાઇ આફ્રિકાથી આવીને યુકેમાં સ્થિત થયાને ત્રીસેક વર્ષ થયા. કમાઈ-ધમાઈને સમૃદ્ધિ વધારી પણ વતનની યાદ ન જાય. એટલે ભારત અને આફ્રિકા બંને સાથે બરાબર સંબંધ જાળવી રાખ્યો. વરસમાં એકાદ બે વાર ગુજરાત આંટો મારી આવે. હવે નિવૃત થયા બાદ તો ત્રણેક વાર ગુજરાતની ચક્કર લાગી જાય. આ વર્ષે પણ ડિસેમ્બર-જાન્યુઆરી ગુજરાતમાં વિતાવવાના આશયથી મુસાફરીનું આયોજન કરેલું. એરપોર્ટ પહોંચ્યા અને સમાન લઈને કાઉન્ટર પર ગયા તો એરલાઇન સ્ટાફે તેમને કહ્યું કે તેમને પ્લેનમાં બેસવા નહિ દેવાય.
વજુભાઈ તો ડઘાઈ ગયા. ટિકિટમાં કઈ ગોટો વાળ્યો કે શું? પણ એરલાઇન્સના સ્ટાફે જણાવ્યું કે તેમનું ઓસીઆઈ (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ ૫૦ વર્ષ બાદ પાસપોર્ટ બદલે ત્યારે રી-ઇસ્યુ કરાવવું જોઈએ તે થયું ન હોવાથી નિયમાનુસાર તેમને ભારત જવા નહિ દેવાય. તેમને આ નિયમની ખબર નહોતી. આજીજી કરી જોઈ પણ તેમનું કોઈ સાંભળવા તૈયાર થયું નહિ. એરલાઇન્સે વાંધો ઉઠાવ્યો અને તેમને ઘરે પાછા આવવું પડ્યું અને ટિકિટનું નુકશાન થયું. આવું તમારી જાણકારી વાળા લોકો સાથે પણ બન્યું હોઈ શકે.
છેલ્લા થોડા સમયથી ભારત પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓ પૈકી કેટલાક ઓસીઆઈ કાર્ડધારકોને અમુક સમસ્યાનો સામનો કરવો પડ્યો જણાય છે. ઓસીઆઈ - ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડધારકોને ભારત જવા વિઝાની જરૂર હોતી નથી. તેઓ બેરોકટોક ઇન્ડિયા જઈ શકે છે, પરંતુ જે ઓસીઆઈ ધારક ૨૦ વર્ષથી ઓછી ઉંમરના હોય કે ૫૦ વર્ષથી વધારે ઉંમરના હોય તેમને ફરજિયાતપણે જયારે પાસપોર્ટ બદલે ત્યારે ઓસીઆઈ કાર્ડને નવા પાસપોર્ટ સાથે લિંક કરાવવું જરૂરી છે. આ નિયમ ઘણા સમયથી એટલે કે લગભગ ૨૦૦૫થી લાગુ છે, પરંતુ તેનો અમલ હમણાં હમણાં અમુક એરલાઇન્સે ખુબ સખ્તીથી કરવાનું શરૂ કરીને કેટલાક પ્રવાસીઓને ફ્લાઈટમાં બેસવા ન દીધાના દાખલા સામે આવ્યા.
કેટલાક લોકોને નવેસરથી ટિકિટ કરાવવી પડી અને કેટલાક જરૂરી પ્રસંગોએ હાજરી ન આપી શક્યા. આવી સમસ્યાઓ ધ્યાનમાં આવતા ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ઓસીઆઈ ધારકોને કામચલાઉ રાહત આપવાનો નિર્ણય લેવાયો અને ૩૦મી જૂન ૨૦૨૦ સુધી આ નિયમથી છૂટછાટ આપવામાં આવી છે. તેના અંગે ભારતીય હાઇ કમિશને નોટિસ પણ રજુ કરી દીધી છે અને પરિણામે એરલાઇન્સ હવે ૩૦ જૂન સુધી પ્રવાસીઓને ઓસીઆઈ નવા પાસપોર્ટ સાથે લિંક હોય તેવો આગ્રહ નહિ રાખે.
નિયમ તો એવો છે કે જે લોકો ઓસીઆઈ ધરાવતા હોય તેમને ૨૦ વર્ષથી પહેલા જેટલી વાર પણ પાસપોર્ટ બદલે તેટલી વાર ઓસીઆઈ રી-ઇસ્યુ કરાવવું પડે. તેવી જ રીતે ૫૦ વર્ષ થઇ જાય પછી જયારે પાસપોર્ટ બદલે ત્યારે એકવાર ઓસીઆઈ રી-ઇસ્યુ કરાવવું. ત્યારબાદ ફરીથી એવી આવશ્યકતા નથી. તેમજ ૨૦થી ૫૦ વર્ષની વયના લોકોએ જયારે પાસપોર્ટ બદલે ત્યારે ઓસીઆઈ રી-ઇસ્યુ કરાવવું ફરજીયાત નથી. જોકે જે પાસપોર્ટ સાથે ઓસીઆઈ લિંક હોય તે પાસપોર્ટ હંમેશા ઓસીઆઈ સાથે બતાવવો તથા તત્કાલીન નવો પાસપોર્ટ પણ સાથે રાખવો તેવો નિયમ છે.
ઘણા લોકોને આ નિયમ અંગે જાણકારીઓ અભાવ હોવાથી તેઓએ જરૂરિયાત મુજબ ઓસીઆઈ રી-ઇસ્યુ કરાવેલું ન હોવાથી એરલાઇન્સે તેમને ફ્લાઈટમાં બેસવા ન દેતા તેઓને વિઝા લેવા પડેલા. તેમને હવે ઓસીઆઈ કાર્ડ નિયમાનુસાર રી-ઇસ્યુ કરાવવા માટે ૩૦ જૂન ૨૦૨૦ સુધીનો સમય વધારી આપ્યો છે. તે પછી એરલાઇન્સ ફરીથી આ નિયમનો સખ્તાઈથી અમલ કરી શકે છે. માટે ઓસીઆઈ ધારકોએ જરૂરી કાર્યવાહી પહેલા જ કરી લેવી હિતાવહ છે.
તમને ઓળખાતા લોકોને પણ આ સલાહ આપી દેવી જેથી કરીને તેમને વજુભાઇ જેવું ટિકિટનું નુકસાન ન વેઠવું પડે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)