અંતિમ પર્વને યથાયોગ્ય વધાવીએ તો!

સી.બી. પટેલ Friday 05th December 2014 08:34 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહના જીવંત પંથમાં આપે ‘અંતિમ પર્વ’ નામથી પ્રકાશિત થયેલા પુસ્તક વિશે વાંચ્યું. ભાઇશ્રી રમેશ સંઘવી દ્વારા સંપાદિત આ જીવન-ઉપયોગી પુસ્તકમાંથી કેટલાંક ટાંચણો રજૂ કર્યા હતા. અંતિમ પર્વની સુયોગ્ય તૈયારી એ આપણા સંસ્કાર-વારસાનું એક અભિન્ન અંગ છે. 

તો અત્રે રજૂ કરેલી ઐચ્છિક મૃત્યુની વાત (બોલચાલની ભાષામાં આસિસ્ટેડ ડાઇંગ તરીકે જાણીતો શબ્દપ્રયોગ) પશ્ચિમના સંસ્કાર-મૂલ્યોની સૂચક છે. આપણે આ ગંભીર અને ખૂબ મહત્ત્વના પ્રશ્નની વધુ ચર્ચા કરીએ તે પૂર્વે, આદત અનુસાર, હું અતીતમાં પણ ડોકિયું કરી લેવા માંગું છું. 

૧૯૫૧-૫૨માં હું ભાદરણની હાઇસ્કૂલમાં વિદ્યાર્થી હતો. મારા માતુશ્રીના આરોગ્યના તેમ જ પરિવારના સંજોગ અનુસાર મારું પ્રાથમિક શિક્ષણ (ત્રણ ધોરણ સુધી) નડિયાદ, ભાદરણ તથા નર્મદા તટે કરનાળીમાં પૂરું થયું. માધ્યમિક શિક્ષણ ચાણોદ, નડિયાદ અને ભાદરણમાં મળ્યું. અંગ્રેજી ચોથા ધોરણમાંથી પાંચમામાં પ્રવેશ્યો એટલે ભાદરણના ઊંડા ફળિયામાં વસતાં અડોશીપડોશીઓને હું જાણે સાક્ષર સ્વરૂપ દેખાતો હોઇશ. કુટુંબી વડીલ ડાહીબા પાકટ વયે અવસાન પામ્યા. દાદા તો પહેલાં જ ગુજરી ગયા હતા. ફળિયામાં ગંગાફોઇ પણ વસે. આમ જૂઓ તો તેઓ બાળમંદિરમાં શિક્ષિકા. ગામનાં દીકરી અને બાળવિધવા - આથી સહુકોઇ તેમના પ્રત્યે વિશેષ લાગણી, આદરભાવ ધરાવે. એક દિવસ તેમણે કહ્યું - નિશાળેથી પાછો આવે ત્યારે મારે ત્યાં આવજે. ગંગાફોઇનો આદેશ હું તો શું, ફળિયાના કોઇ કાકીઓ કે કોઇ બા પણ ઉથાપી શકે નહીં. તેમનું સૂચન એટલે જાણે વણલખ્યું લશ્કરી ફરમાન. હું ત્યાં પહોંચ્યો કે તરત જ તેમણે બે પૈસાનું એક એવા ૨૦ જેટલાં પોસ્ટકાર્ડ હાથમાં પકડાવી દીધાં. મેં તેમની સુચના પ્રમાણે સરનામાની ઉપરના ભાગે કિત્તા જેવી પેન વડે કાળી શાહીથી લખ્યું - અશુભ. પછી બાજુની કોરી જગ્યામાં લખ્યું - ‘કપડાં કાઢીને વાંચજો’. આ શબ્દો વાંચીને હું ચમક્યો. અને માથું ઊંચું કરીને ફોઇ સામે જોઇ રહ્યો. વગર પૂછ્યે મારા પ્રશ્નનો જવાબ આપતાં તેઓ બોલ્યાં - ‘અરે ડોબા, આનો અરથ એવો થાય કે અશુભ સમાચાર આવે ત્યારે કપડાં બદલીને જૂની સાડી કે જૂનું ધોતિયું વીંટાળી દેવાનું.’ એક અર્થમાં ઉપવસ્ત્ર બદલી, વર્તમાન ઘટનાથી વિમુખ બની જાણે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ ધારણ કરવાનું.

જોકે આજના જમાનામાં આ કોલમમાં આવી જ ગંભીર છતાં આવશ્યક બાબતની ચર્ચા કરતી વખતે પોસ્ટકાર્ડ જેવી વોર્નિંગ કે સાવચેતી ઉચ્ચારવી જરૂરી નથી. આમ છતાં સહુ વાચક મિત્રોને ફરી અરજ કરું છું કે આ લેખ કે લેખના વિચારો કોઇ નિષ્ણાંત, કોઇ ડોક્ટર કે કોઇ પંડિતના નથી. ઐચ્છિક મોતની ચર્ચા બ્રિટિશ પાર્લામેન્ટમાં છેલ્લા મે-જૂન માસથી વારંવાર થઇ છે. તે વેળા વર્તમાનપત્રોમાં, મેગેઝિનોમાં, બે’ક પુસ્તકોમાં ઘણું બધું લખાયું છે, આમાંનું ઉપયોગી જણાયું તેવું ઘણુંબધું મેં સાચવી રાખ્યું છે. આ બધા રેફરન્સના આધારે આપની સમક્ષ મારા વિચારો રજૂ કરી રહ્યો છું તેનું એક કારણ એ છે કે હું આપ સહુ વાચકો સાથે એક આત્મીયતા અનુભવું છું. આમાંથી આપને યોગ્ય લાગે તે જ લક્ષમાં લેજો, અયોગ્ય જણાય તેની ઉપેક્ષા કરજો.
હાઉસ ઓફ કોમન્સમાં ૧૬ ઓક્ટોબરના રોજ આ મુદ્દા અંગે ચર્ચા થઇ. તે અગાઉ હાઉસ ઓફ લોર્ડસમાં ૧૮ જુલાઇએ પૂરા નવ કલાક આ ગંભીર પ્રશ્ન વિશે તરફેણમાં અને વિરુદ્ધમાં ખૂબ ચર્ચા ચાલી. આગળ ઉપર આ વિશે કંઇક વધુ રજૂઆત કરીશ, પણ આ સમગ્ર ચર્ચા ખૂબ તલસ્પર્શી અને એક અર્થમાં તેનું ગાંભીર્ય જાળવીને કરવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબરે બ્રિટિશ સરકારના ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશને એક ઘોષણા કરી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોઇ ડોક્ટર કે નર્સ અસાધ્ય રોગથી પીડાતા દર્દી કે અત્યંત નાજુક તબિયત ધરાવતી વ્યક્તિને જીવનના અંતિમ શ્વાસ ટુંકાવી-અટકાવી દેવામાં સહાયરૂપ થશે તો તે કૃત્યને ક્રિમિનલ ચાર્જીસ લાગશે નહીં. મતલબ કે તેની સામે ફોજદારી ગુનો નોંધાશે નહીં.
જોકે આ નિવેદન રજૂ થયું તેનો મતલબ એવો હરગીજ નથી કે વાત અને વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયાં છે. ઐચ્છિક મૃત્યુના મુદ્દે ચર્ચા તો ચાલુ જ છે. ઐચ્છિક મૃત્યુ સારું કે ખરાબ? તે યોગ્ય કે અયોગ્ય? ઇશ્વરની બહુમૂલ્ય દેન સમાન માનવજિંદગીનો અંત આણવાનો વ્યક્તિને અધિકાર મળે કે અપાય ખરો? આ અને આવા અનેક પ્રશ્નો ચર્ચાના કેન્દ્રસ્થાને છે.
બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વીસ (એનએચએસ) અને ખાનગી ક્ષેત્રે જે એકાદ લાખ ડોક્ટર સેવા આપી રહ્યા છે તેમાંના દર પાંચમાંથી ચાર સ્પષ્ટ કહે છે કે અમે તો આ પ્રકારે દર્દીને (મૃત્યુ માટે) પ્રોત્સાહન આપીશું નહીં કે આ માટે કોઇ પણ પ્રકારે મદદ પણ નહીં જ કરીએ. એક અર્થમાં આ વલણ પણ જટિલ સમસ્યા માટે કારણભૂત ગણી શકાય. કેટલીક હકીકતોને આપણે સ્વીકારવી જ રહી. વ્યક્તિનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે. બાળમૃત્યુનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. પરંતુ સાથે સાથે બીજી પણ કરુણતા જાણવા જેવી છે. જુવાનજોધ - કાચી વયે વિદાય લેનારાની સંખ્યા વધી રહી છે. બાપની કાંધે ચઢીને સંતાનની વસમી વિદાયના ઘટનાપ્રસંગો મારા બાળપણ વેળા જવલ્લે જ જોવા મળતા હતા. અત્યારે ખાસ કરીને આપણા એશિયન સમાજમાં જુવાનજોધ - મુખ્યત્વે ૩૫થી ૫૫ વર્ષની વય દરમિયાન - ગંભીર ગણાય તેવા મોટા પ્રમાણમાં આપણી વચ્ચેથી વિદાય લઇ રહ્યા છે. આના કારણોમાં જોઇએ તો, પોતાની કારકિર્દીમાં પ્રગતિની પારાવાર ઝંખના, વ્યાજબી અપેક્ષાના બદલે ક્યાંક અવાસ્તવિક અભરખા, જંકફૂડ, સમતોલ-સાત્વિક આહાર પ્રત્યે બેદરકારી, અતિશય દારૂનું સેવન પૂરતા આરામ કે નીંદ્રાનો અભાવ બિનજરૂરી તેમજ અવાસ્તવિક સ્પર્ધા વગેરે મુખ્ય છે. આ લેખમાળામાં આજે આ વિશે આટલું જ લખવું યોગ્ય માનું છું. પણ સહુને પોતાની તબિયત સાચવવા માટે વધુ જાગ્રત બનવાની વિનતી કરવાનું ટાળી શકતો નથી.
ઉંમર મોટી થઇ હોય, અસાધ્ય બીમારી હોય, અન્ય પ્રકારે શરીરને અકથ્ય પીડા થતી હોય, મોત નજીક જણાતું હોય છતાં દૂરને દૂર ઠેલાતું હોય એવા સમયે ઘણી વખત આપણે પીડિતના મોંએ સાંભળીએ છીએ - ‘હે ભગવાન, હવે તું મને લઇ લે તો સારું...’ આવા પથારીવશ લોકોમાંથી ઘણી વ્યક્તિને અંદરને અંદર એવી ચિંતા કોરી ખાતી હોય છે કે મારી સારસંભાળ માટે મારાં પરિવાર માટે, મારા સ્વજનો માટે હું અસહ્ય બોજ બની રહ્યો છું.
વાચક મિત્રો, આ બધું સાચું, પણ મને લાગે છે કે માર્ક ટ્વેઇનનું એક વાક્ય ટાંકીને હું મારી વાત વધુ સારી રીતે રજૂ કરી શકીશ. માર્ક ટ્વેઇન ભારતીય સંસ્કૃતિના ચાહક હતા - જે આપ સહુએ તેમના લખાણો થકી જાણ્યું પણ હશે, અને અનુભવ્યું પણ હશે. તેમનું એક બહુ જાણીતું વાક્ય છે - The two most important days in your life are the day you were born and the day you find out why. મતલબ કે તમારા જીવનમાં બે દિવસ સૌથી વધુ મહત્ત્વના છે - એક તો તમારો જન્મ થયો તે અને બીજો તમારો જન્મ શા માટે થયો છે તેનું જ્ઞાન પામો તે. ઉત્તર લંડનના વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર મંદિરમાં પ્રવેશતાં જ જમણા ભાગે તમને આ વાક્ય વાંચવા મળશે. આ ધર્મસ્થાનમાં કોલેજ ઓફ વૈદિક સ્ટડીઝ પણ કાર્યરત છે. અહીં સૌથી ઉપર એક બીજું વાક્ય વાંચવા મળશે - Stop dreaming, start living Explore. શેખચલ્લીની જેમ સપનાં જોવાનું બંધ કરીને જીવન જીવવાનો સંદેશ આપતાં આ વાક્યને ઉલટાવી-સૂલટાવી આપણે સહુએ ચિંતન કરવા જેવું છે.
તાજેતરમાં સુપ્રસિદ્ધ ડોક્ટર, સર્જન, લેખક અને વક્તા જેવું બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ડો. અતુલ ગવંડેનું પુસ્તક Being Mortal પ્રકાશિત થયું છે. આ પુસ્તકની બહુ ટૂંકા ગાળામાં વિશ્વભરમાં લાખો નકલો વેચાઇ ચૂકી છે. અને હવે ૨૫ નવેમ્બર, મંગળવારથી બીબીસી રેડિયો ૪ ઉપર સવારના નવ વાગ્યે તેનું સંભાષણ પ્રસારિત થશે. મેં તો પુસ્તક વાંચ્યું નથી, પણ મારા જીપી પાસે છે. મારા વાંચનશોખને ધ્યાનમાં રાખીને તેમણે આ પુસ્તક માટે મને આંગળી ચીંધામણ કર્યું છે. પુસ્તક વાંચી લીધા પછી તેઓ મને વાંચવા આપવાના છે. જોકે આ પુસ્તકના બે રિવ્યુ મેં વાંચી લીધા છે. સાચું કહું તો જ્યારે પુસ્તક હાથવગું નથી હોતું ત્યારે પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય પ્રકાશનમાં તેનો રિવ્યુ વાંચીને સંતોષ માની લેતો હોઉં છું. આ પુસ્તકના મેં વાંચેલા એક રિવ્યુનું ટાઇટલ હતું - We lose sight what people might want to be alive for. દરેક વ્યક્તિને પોતાના જીવન ઉદ્દેશની જાણકારી હોવી જોઇએ, પણ આપણે આ જ વાતની તો ઉપેક્ષા કરીએ છીએ. ૪૯ વર્ષના અતુલ ગવંડેએ તેમના પુસ્તકમાં આ જ વાત લખી છે. તેઓ અમેરિકામાં વસે છે. નિષ્ણાત તબીબ છે. સારા આરોગ્ય માટે વ્યક્તિ શું કરી શકે તે દિશામાં તેમણે (તબીબી ક્ષેત્રે અને તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે) પાયાનું કામ કર્યું છે.
આ તો ગવંડેસાહેબની વાત થઇ, પણ હવે જરાક મારી પણ વાત કરું. મને લાગે છે કે આ કદાચ વધુ સારું રહેશે. હું અગાઉ એક યા બીજા સમયે આ પ્રસંગ ટાંકી ચૂક્યો છું, પણ આજે ફરી એક વાર... હું સાતેક વર્ષનો હતો ત્યારે ઘરે જ્યોતિષી પધાર્યા હતા. મારા પિતાએ મારી કુંડળી દેખાડી. મહારાજે વેઢાં ગણ્યા, ગ્રહદશાના સરવાળા-બાદબાકી કર્યા ને પછી કહ્યું - ભાઇનું આયુષ્ય ૬૯ વર્ષ છે. હું હાજર હતો. તે વેળા તો આપણને શું ભાન પડે? પણ મનમાં ૬૯નો આંકડો ઠસી ગયો. વય વધતાં મનમાં મક્કમ નિર્ધાર થતો ગયો - આપણે આ આંકડો તો વટાવવો જ છે - ઓછામાં આછા સીત્તેરે તો પહોંચવું જ છે, અને જૂઓ... બંદાએ વટાવ્યો પણ ખરો. આ ગાળામાં ત્રણ વખત ડૂબતો બચ્યો! (પહેલાં નર્મદા નદીમાં, બીજી વખત દારે-સલામના દરિયામાં અને ત્રીજી વખત બાર્બાડોસના દરિયામાં...). ૧૯૬૮-૯૫ના વર્ષોમાં અલ્સરની બીમારીએ ભારે પરેશાન કર્યો. ૧૯૭૯થી ડાયાબિટીસ સાથે જાની દોસ્તી શરૂ કરી. ૧૯૯૫-૯૬ આસપાસ મને બે ટ્રાન્ઝીયન સ્ટ્રોક પણ આવી ગયા અને એક વાર - છાતીની આસપાસ તીવ્ર દુખાવો પણ સહન કરી લીધો. આ બધા છતાં આજેય કડેધડે છું. પરમકૃપાળુ પરમાત્માની કૃપા, પરિવારજનોની ખેવના અને વડીલોના આશીર્વાદથી હું સરસ તંદુરસ્તી માણી રહ્યો છું.
મારા જીવનને સ્વસ્થ, સુંદર, તંદુરસ્ત બનાવવામાં અત્યાર સુધી તેમાં કંઇ કેટલાય ઉદ્દાત ઉદાહરણો, પુસ્તકો, અસંખ્ય વ્યક્તિઓ એક યા બીજા પ્રકારે ઉપકારક બની છે. જોકે આ બધા ઉપરાંત મૂળ પ્રશ્ન એ છે કે તમારું પોતાનું અંતર શું ઇચ્છે છે?
આજથી દસ-બાર વર્ષ પૂર્વે અમદાવાદની મુલાકાતે ગયો હતો ત્યારે કે.કા. શાસ્ત્રી તરીકે જાણીતા પ્રકાંડ પંડિત કેશવરામ શાસ્ત્રીને મળવાનો સોનેરી અવસર સાંપડ્યો હતો. (આ માટે આજેય હું ટીનાબહેન દોશી અને હરીભાઇ દેસાઇનો આભારી છું.) શાસ્ત્રીજીનું કદકાઠી વામન, પણ ઇતિહાસ, સંસ્કૃત, હિન્દુ ધર્મ, શાસ્ત્રોના જ્ઞાનનો વિપુલ ભંડાર. અમે તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો તેઓ સામે પરસાળમાં જ મેજ ઢાળીને એક ગાદી પર બેઠા હતા. કપાળે વૈષ્ણવ તિલક અને માથે ટોપી. પાછળની દિવાલ પર દેવી-દેવતાના ચિત્રની બાજુમાં એક ધ્યાનાકર્ષક ચિત્ર હતું - બન્ને તરફ વૃક્ષોની હારમાળા વચ્ચેથી આગળ વધતા માર્ગનું. આવું ચિત્ર તમારામાંથી ઘણા બધાએ જોયું હશે, પણ આ ચિત્રની વિશેષતા એ હતી કે આમાં દરેક વૃક્ષના થડ પર એક સાલ (જેમ કે, ૨૦૦૧) અને કૌંસમાં ઉંમરનો આંકડો (જેમ કે, ૯૦) લખ્યા હતા. એટલું જ નહીં, દરેક વૃક્ષની ઘટામાં એક પુસ્તકનું નામ લખ્યું હતું. મતલબ કે ક્યા વર્ષમાં કઇ ઉંમરે ક્યું પુસ્તક લખવાનું છે. હું તો આ ચિત્રમાં શાસ્ત્રીજીનું વિઝન, તેમના જીવનનું લક્ષ્ય, જિંદગી પ્રત્યેનો હકારાત્મક અભિગમ નિહાળીને દંગ થઇ ગયો. મારા મનમાં ઉમટેલો પૂજ્યભાવ તેમની અનુભવી આંખોએ પળભરમાં ઝીલી લીધો.
મને કહે કે જીવન પ્રત્યેના મારા આ અભિગમ વિશે જાણીને તમને આનંદ થયો હોય તેવું લાગે છે. ભાઇ, હું તો હકારાત્મક અભિગમમાં માનું છું, પણ બધા આવું નથી માનતા હોં... એક વાર એક બટકબોલો પત્રકાર મને મળવા આવ્યો હતો. આ ચિત્ર જોઇને મને હસતાં હસતાં પૂછ્યું કે શાસ્ત્રીજી, તમે ચિત્રમાં જીવનનું લક્ષ્ય આલેખ્યું છે, અને અમુક વર્ષમાં અમુક પુસ્તક લખવાનું નક્કી પણ કર્યું છે, પણ ત્યાં સુધી તમે હયાત હશો ખરાં? તે પત્રકારમિત્રને મેં હસતાં હસતાં કહ્યું હતું કે ભઇલા, તારી તો મને ખબર નથી, પણ હું તો જીવતો હોઇશ જ! અને પેલા પત્રકારમિત્રનું મોં બંધ...
મિત્રો, જીવન પ્રત્યેનો અભિગમ આ શાસ્ત્રીજી જેવો હોવો જોઇએ. આજે તો તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પણ તેમનો જીવન-અભિગમ સદાકાળ પ્રેરણાદાયી બની રહે તેવો છે. શતાયુના ઉંબરે પહોંચીને આ દુનિયામાંથી વિદાય લેનારા શાસ્ત્રીજી ૯૫ વર્ષની વયે પણ સાયકલ ચલાવતા હતા (અને તે પણ અમદાવાદના રીલીફ રોડ પર) તે વાત તમે માનશો નહીં, પણ આ હકીકત છે. સુંદર-સ્વસ્થ જીવન માટેની ઇચ્છા, પ્રેરણાનું ઝરણું અંદરથી ફૂટવું જોઇએ. મારે તંદુરસ્ત જીવન જીવવું છે, જીવનમાં ઘણાં શુભકાર્યો કરવા છે, સમાજનું ઋણ ચૂકવવું છે આવા જીવન-અભિગમ સાથેની જીવનશૈલી અપનાવો. ઇશ્વર તો દયાળુ જ છે. આરોગ્ય પણ આપશે અને આયુષ્ય પણ આપશે.
આ શાસ્ત્રીજીની વાત ટાંકી કે અગાઉ ડો. ગવંડેની વાત રજૂ કરી, તેનો હેતુ જીવન પ્રત્યેના અભિગમમાં હકારાત્મક બદલાવ લાવવાનો છે. મિત્રો, હું પણ જાણું છું કે આ બધું કહેવું, લખવું સહેલું છે, તેનો અમલ મુશ્કેલ છે. પરંતુ આપણા શરીરની યંત્રરચના ખરેખર અદભૂત છે. આપણે તેને જેટલી જાણીએ છીએ, સમજી શક્યા છીએ, તબીબી વિજ્ઞાન તેનો જેટલો તાગ પામી શક્યું છે તેના સિવાય પણ અનેક બાબતો એવી છે જેને સમજવાનું, જાણવાનું બાકી છે. તાજેતરમાં એક અતિ નિકટના સ્વજનના ૪૭ વર્ષના યુવાન પુત્રે અકાળે વિદાય લીધી. આ ઘટનાએ મને હચમચાવી નાખ્યો કેમ કે યુવકને બાળપણથી હું જાણું. તેને મેં મારા ખોળામાં બેસાડીને રમાડ્યો છે. હજુ બે મહિના પૂર્વે તો તેણે કંપલીટ બોડી ચેકઅપ કરાવ્યું હતું. નખમાં પણ રોગ ન હોવાનું નિદાન થયું હતું. પરંતુ એક દુઃખદ પળે ત્રાટકેલો તીવ્ર હાર્ટ એટેક તેનું જીવન ભરખી ગયો. આવું જાણીએ, સાંભળીએ ત્યારે દુઃખ થાય. ખેર, આખરે તો જગતનિયંતાએ કોઇ એક વિશેષ હેતુસર જ દરેક જીવને પેદા કર્યો છે તેમ વિજ્ઞાન પણ કહે છે. તો પછી ઐચ્છિક મૃત્યુ કેટલા અંશે યોગ્ય કે કેટલા અંશે અયોગ્ય? આ મુદ્દો પણ ચોક્કસ ચર્ચાની એરણે ચડાવશું, પરંતુ આવતા સપ્તાહે... (ક્રમશઃ)


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter