અનામત બાબતે થોડી મમત છોડીએ તો?

સી. બી. પટેલ Tuesday 08th September 2015 14:36 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતમાં આજકાલ એક જ અવાજ સંભળાઇ રહ્યો છે - અનામત આપો, અમને પણ અનામત આપો... પાટીદાર કોમની સાથે સાથે અન્ય સવર્ણો બ્રાહ્મણ, વણિક, લોહાણા, ક્ષત્રિય, સોની, બ્રહ્મક્ષત્રિય વગેરે સહુ કોઇએ શિક્ષણ ક્ષેત્રથી માંડીને સરકારી નોકરીઓમાં અનામતની માગ બાબત અવાજ ઉઠાવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ૨૫ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી જંગી સભામાં અનામત માટે બુલંદ અવાજ ઉઠ્યો. વિક્રમસર્જક જનમેદની છતાં દિવસભર શાંત રહેલી આ ચળવળ જોકે સાંજ ઢળતાં ઢળતાં તો હિંસાના માર્ગે વળી ગઇ. રાજ્યભરમાં ૧૧ મહામૂલી માનવજિંદગીનો ભોગ લેવાયો. સેંકડોને નાની-મોટી ઇજાઓ થઇ. માલમિલકત-જાહેર સંપતિને કરોડો રૂપિયાનું નુકસાન થયું. વળી, ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ની યાદીમાં સામેલ શિડ્યુલ કાસ્ટ-શિડ્યુલ ટ્રાઇબ તેમજ ઓ.બી.સી. સમુદાયો અને પાટીદાર સમાજના જૂથો વચ્ચે અથડામણના છૂટકમૂટક બનાવો પણ નોંધાયા. જો આ મામલો વધુ વણસી ગયો હોત તો - શાંત અને પ્રગતિશીલ ગુજરાતમાં - મંડલ પંચ કરતાં પણ વધુ હિંસક જ્ઞાતિવિગ્રહ થવાનો ભય સર્જાયો હતો.

અમને મળેલા અહેવાલ અનુસાર, આ રેલીમાં હાર્દિક પટેલના ઉદ્ગારો વિશે પાછળથી જે માહિતી પ્રાપ્ત થઇ છે તે ખૂબ ચિંતાજનક છે. ખાસ કરીને આ પાંચ મુદ્દાઓ વિશે...

૧) આઠ-દસ લાખની મેદની હતી. સભા ગુજરાતમાં જ હતી તો પણ હાર્દિક પટેલે દોઢેક કલાકનું ભાષણ હિન્દીમાં કેમ આપ્યું? કદાચ તેમને ઓલ ઇંડિયા લેવલ પર આ મુદ્દો ઉઠાવી પ્રસિદ્ધિનો મોહ હશે? માગણી તો ગુજરાત સરકાર સાથે હતી.

૨) હાર્દિક પટેલે તેમના સંબોધનમાં એકથી વધુ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સામે રણટંકાર કરવાનો પડકાર ફેંક્યો.

૩) ‘હમ લોગ પૂરે હિન્દુસ્તાન કો હમારી ઔકાત દીખા દેંગે...’ અરે ભાઇ, તમે ક્યાં અલ-કાયદાવાળા છો?! પાટીદાર અને અન્ય સવર્ણો તો ભારતનો એક અભિન્ન હિસ્સો છે. આવું ઉશ્કેરણીજનક, ઉત્તેજનાપૂર્ણ, ગંભીર વિધાન કરવું એ શું દર્શાવે છે?

૪) શ્રીમતી આનંદીબહેન પટેલ અંતે તો મુખ્ય પ્રધાન છે. એક રાજ્યના વડા છે. તમે ઉદ્ધત ભાષામાં કહો કે તેઓ અહીં જ (જાહેર સભાના સ્થળે - જીએમડીસી ગ્રાઉન્ડમાં) મળવા આવે, અમારું આવેદનપત્ર સ્વીકારે... તો શું એ શોભે છે ખરું? માગણી સંપૂર્ણ ન્યાયી હોય તો પણ રજૂઆતમાં વિનય-વિવેક તો જાળવવા પડેને?

૫) હાર્દિક પટેલે એવો પણ લલકાર કર્યો હતો કે ‘અગર હમારી માંગે નહીં સ્વીકારી તો લંકા જલા દેંગે...’

વાચક મિત્રો, જે પાંચ મુદ્દા ટાંક્યા છે તે અંગે તેમ જ અન્ય મુદ્દાઓ અંગે કેટલાય વાચકોએ તેમની લાગણીને લેખિતમાં વાચા આપીને અણગમો વ્યક્ત કર્યો છે. મેં ‘એશિયન વોઇસ’માં વીતેલા બે સપ્તાહ દરમિયાન મારી As I See It કોલમમાં પાટીદાર સમાજના અનામત આંદોલન અંગે રજૂઆત કરી હતી. તેના પ્રતિભાવ રૂપે ૨૯ લેખિત પત્રો મળ્યા છે. તેમાંના ત્રણેકમાં અનામત વિશે વધુ જલદ ભાષાનો ઉપયોગ થયો છે એટલે હાલ પૂરતા તેમના મુદ્દા બાજુએ મૂકીએ. આ ઉપરાંત દસેક વાચકોએ મારી સાથે ફોન પર વાત કરીને તેમના વિચારો રજૂ કર્યા હતા. જોકે આ મુદ્દે ફોન પર ચર્ચા કે વાદવિવાદ કરવાનું સંભવ ન હોવાથી મેં તેમને તેમના વિચારો લખી મોકલવા વિનતી કરી હતી. જોકે હજુ સુધી તેમના તરફથી કોઇ લેખિત પ્રતિભાવ સાંપડ્યા નથી.

‘અનામત’માં ઉમેરો કરવો શક્ય છે?

મેં મારા લેખોમાં પણ કહ્યું છે કે અનામત મુદ્દે ભારતના બંધારણમાં ૬૫ વર્ષ અગાઉ જ જોગવાઇ નક્કી થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દ્વારા અનામતની ટોચમર્યાદા બાંધી દીધી છે. ગુજરાત રાજ્યની કુલ વસ્તીના ૨૨ ટકા લોકો શિડ્યુઅલ ટ્રાઇબ તથા શિડ્યુઅલ કાસ્ટની કેટેગરીમાં આવે છે. જ્યારે ૨૭ ટકા ઓબીસી કેટેગરીમાં આવે છે. આમ તમામ એટલે કે કુલ ૪૯ ટકા લોકો અનામતનો લાભ મેળવે છે. સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે કોઇ પણ રાજ્યમાં ૫૦ ટકાથી વધુ અનામત ફાળવી શકાશે નહીં. આ હકીકત સહુએ યાદ રાખવી રહી.

અનામતની વર્તમાન જોગવાઇઓના કારણે સવર્ણોના સંતાનો શિક્ષણથી માંડીને સરકારી નોકરીઓ મેળવવામાં ભેદભાવનો ભોગ બને છે તેમાં તો શંકાને કોઇ સ્થાન છે જ નહીંને? પરંતુ અહીં પ્રશ્ન એ આવે છે કે આ દર્દની દવા શું? કેટલાક મિત્રોએ લખ્યું છે કે અનામતના કારણે કેટલાય (લાયક) વિદ્યાર્થીઓ કોલેજોના શિક્ષણથી વંચિત રહી જાય છે. અથવા તો સરકારી નોકરીઓમાં તેજસ્વી કારકિર્દી ધરાવનારને પૂરતી તક મળતી નથી અને તેમના સ્થાને ઓછા હોંશિયાર, અપૂરતી ક્ષમતા ધરાવતા ઉમેદવારને નોકરી મળી જાય છે. સ્વાભાવિક છે કે આવા નોકરિયાતની ક્ષમતા ઓછી જ હોવાની. આવા લોકો તેમની ફરજ બજાવવામાં ઊણાં ઉતરવાના.

પત્રોમાં એક મુદ્દે ખૂબ વિગતવાર ચર્ચા કરવામાં આવી છેઃ અભ્યાસમાં ઊંચી ટકાવારી છતાં ઉચ્ચ શિક્ષણ માટેના અભ્યાસક્રમોમાં (અનામતના કારણે) એડમિશન ન મળ્યું તો સેંકડો-હજારો લોકોએ સ્થળાંતર કર્યું. આ લોકો સ્વ-દેશ ભારત છોડીને પર-દેશ જઇ પહોંચ્યા. યુએસ, યુકે સહિતના દેશોમાં ફેલાયા. અહીં તેમને સમાન તક મળી, અને તેમની મહેનત રંગ લાવી. આમાંના કેટલાકે તો પોતપોતાની કારકિર્દીમાં ઝળહળતી સફળતા મેળવી. આમાંના ત્રણ જણાં તો એવા છે કે જેમણે સમય જતાં કરોડો ડોલરની અસ્ક્યામત ધરાવતી કંપનીઓ પણ સ્થાપી છે. આનો એક અર્થ એ પણ થયો કે (સમાન તકના અભાવે) ભારતમાંથી કુશળ, મહેનતકશ, મહત્ત્વાકાંક્ષી બુદ્ધિધન પરદેશમાં વહી જાય છે.

અમુક પત્રલેખકોના મતે, આઇએએસ અને આઇપીએસ જેવા ઉચ્ચ હોદ્દાઓ પર પણ ઉમેદવારોને અનામતનો લાભ મળતું હોવાથી ઘણી વખત સનદી સેવાનું ધોરણ પણ કથળતું જોવા મળે છે. આ શક્ય છે, પણ અત્યારના તબક્કે તેના અભ્યાસપૂર્ણ આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી તેની વધુ ચર્ચા શક્ય નથી. જોકે વાચકોએ સહુથી મોટો પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિએ જે માગ ઉઠાવી છે તે અંગે સહુ કોઇ જાણે છે કે અનામત ક્વોટામાં હવે વધારાની જ્ઞાતિનો ઉમેરો કરવાનું અશક્ય છે. તો પછી જનતાને ભડકાવવાનો અર્થ શું?

શિક્ષણ હોય કે સરકારી નોકરી, સહુને સમાન તક મળવી જોઇએ તેમાં બેમત નથી. એક પત્રમાં Irving Kristolના શબ્દો ટાંકવામાં આવ્યા છે. આ શબ્દો આપ ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનાના પાન પર વાંચી શકો છો. Democracy does not guarantee equality of conditions - it only guarantees equality of opportunity. અર્થાત્ લોકશાહી શાસન પ્રણાલી સંજોગોની સમાનતાની નહીં, માત્ર તકોની સમાનતાની ખાતરી આપે છે. આ પત્રલેખકે લખ્યું છે કે ગુજરાતમાં અત્યારે જે કંઇ થઇ રહ્યું છે તે સંદર્ભમાં આ સુવાક્યનું વિશેષ મહત્ત્વ છે. રિઝર્વેશન કે ક્વોટા પદ્ધતિ એ ભારતમાં પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન પોલીસી છે. ઇક્વાલિટી ઓફ કંડિશન્સ થવા માટેનો એક પ્રયાસ છે. પરંતુ જે તે વ્યક્તિની કેટલીક ‘નબળાઇ કે નિર્બળતા’ના ઉપલક્ષ્યમાં ઇક્વાલિટીની વ્યાખ્યા થઇ હોવાથી ઇરાદા સાચા અર્થમાં ફળદાયી બની શક્યા નથી. કમનસીબે ભારતમાં આ સંદર્ભે લોકશાહી શાસન પ્રણાલી હજુ ખરા અર્થમાં પરિપૂર્ણ નથી. અને પરિણામે આશાવંત અને શક્તિસભર યુવા પેઢીના અરમાનો સાકાર કરવા માટેના આયોજન નિષ્ફળ નીવડે છે.

આ જ પત્રલેખકે બીજો પણ સરસ મુદ્દો ઉઠાવ્યો છે. અત્યારના સંજોગોમાં વધુ જ્ઞાતિઓને અનામત યાદીમાં સામેલ કરવાનું અશક્ય જ છે ત્યારે આ પ્રશ્ને જંગ ખેલવો વાજબી, જરૂરી કે યોગ્ય છે કે કેમ?

બે-ત્રણ પત્રમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે પટેલો કે અન્ય સવર્ણો પછી તે બ્રાહ્મણ હોય, લોહાણા હોય કે બ્રહ્મક્ષત્રિય હોય કે પછી અનામતનો લાભ ઉઠાવવા આતુર અન્ય સમાજ હોય, શું આ લોકો (અનામત અપનાવીને) એ સ્વીકારવા તૈયાર છે ખરા કે પોતે ઉતરતી કે નીચી જ્ઞાતિનાં છે?! હસવું પણ ખરું અને લોટ પણ ફાકવો એ બન્ને સાથે શક્ય ન બને.

બીજા પત્રોમાં આંગળી ચીંધવામાં આવી છે કે આ પાટીદાર અનામત આંદોલન સમિતિને કેટલાક નરેન્દ્ર મોદીવિરોધીઓ કે ભાજપવિરોધી વ્યક્તિઓ કે જૂથોનો ટેકો મળી રહ્યો છે. ખેર, આ બાબત વધુ ચર્ચાની જરૂર જણાતી નથી.

છેલ્લે છેલ્લે હાર્દિક પટેલે ઘોષણા કરી છે કે આંદોલનના બીજા તબક્કામાં તે દાંડીથી અમદાવાદ સુધીની ઊંધી દાંડીકૂચ યોજીને પાટીદાર સમાજને ફરી ચેતનવંતો કરવા માગે છે. છ સપ્ટેમ્બરથી આ કૂચ શરૂ કરવાનો તેનો ઇરાદો હતો, અલબત્ત રેલીને વહીવટી તંત્રે મંજૂરી આપી નથી. યાત્રાના માર્ગમાં આવતા નગરો-શહેરોના લોકોએ આ ઊંધી દાંડી કૂચનો વિરોધ કર્યો છે. એક અહેવાલ એવો પણ છે કે આ ગામોમાં બહુમતી વસ્તી ઓબીસી સમાજની છે. સંભવ છે કે તેમને ફરી એક વખત ૨૬-૨૭ ઓગસ્ટની હિંસાનું પુનરાવર્તન થવાની આશંકા સતાવતી હોય. જનજીવન ખોરવાય, શાંતિએખલાસનો માહોલ ડહોળાય એવું તો કોઇને ન જ ગમેને?

હાર્દિક પટેલ અને લાલજી પટેલ બન્ને પાટીદાર સમાજના જાણીતા ચહેરા છે. બન્ને સમાજમાં ભારે વગ ધરાવે છે તે સાચું, પણ બન્ને વચ્ચે મતભેદ પ્રવર્તે છે તે હકીકત નજરઅંદાજ થઇ શકે તેમ નથી. તેઓ એકબીજાની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં આક્રોશ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. બન્ને વચ્ચે મતભેદ ભલે હોય, પણ પાટીદાર સમાજને અનામત મળવી જોઇએ તે મુદ્દે એક-મત છે. એક અર્થમાં, સૈદ્ધાંતિક રીતે અમુક અંશે સવર્ણને સમાન તક સાંપડતી નથી એ સ્વીકારી લઇએ તો પણ પાયાનો પ્રશ્ન છે કે તેનું મારણ શું? આ કટુ પ્રશ્નનો ઉકેલ શું? આ તબક્કે હું પાટીદાર સમાજના જ નહીં, તમામ સમાજના આંદોલનકારીઓને સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહની યાદ અપાવવા માંગુ છું.

સરદાર સાહેબનો બારડોલી સત્યાગ્રહ સંપૂર્ણ સફળ રહ્યો હતો. કેમ? આંદોલન પૂર્વે તેઓ ગામેગામ ફર્યા હતા. મુંબઇના ગવર્નરની મંજૂરીથી ક્લેક્ટરે ખેડૂતો પર જે અન્યાયી અને કમ્મરતોડ મહેસૂલ વધારો ઝીંક્યો હતો તેની આડઅસરની ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરી હતી. આ માહિતીના આધારે બાહોશ ધારાશાસ્ત્રી એવા સરદાર સાહેબે સરકાર સમક્ષ પોતાની વાજબી માગણી રજૂ કરી હતી. માગણી મંજૂર ન થઇ તો તેમણે સંપૂર્ણ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. આંદોલનકારીઓ પર ભારે સીતમ અને જોરજુલમ ગુજારવામાં આવ્યા છતાં ખેડૂતોએ ક્યાંય શાંતિભંગ કર્યો નહોતો. હિંસા આચરી નહોતી.

અન્યાય સામે અવાજ ઉઠાવનાર સહુ કોઇએ બારડોલી સત્યાગ્રહનો અહેવાલ વાંચવા જેવો છે. પાટીદાર માટે તેની ભેંસ કે જમીનનો ટુકડો એટલે કાળજાનો કટકો કહેવાયને?! પણ જૂઓ, બારડોલીમાં કેવા જુલમ થયા હતા. ભેંસ જેવું મહામૂલું રતન હરાજીમાં બે-પાંચ રૂપિયામાં વેંચાતુ હોય, છતાં તેને કોઇ ખરીદદાર ન મળે! શા માટે? કોઇ અંગ્રેજોને સાથ આપવા તૈયાર નહોતું. અરે, આવી જ ધૃણાસ્પદ હરાજી વેળા એક પટલાણી સાડલાની આડમાં મોં છુપાવીને ડૂસકાં ભરતી હતી. કાળજાના ટુકડા જેવી, પરિવારના સભ્ય જેવી ભેંસની હરાજી થઇ રહી હતી કેમ કે મહેસૂલ ચૂકવી શકાયું નહોતું. પાણીના મૂલે વેંચાતા ‘કાળજાના ટુકડા’ને ખરીદવા પાટીદાર સમાજમાંથી તો કોઇ આગળ ન આવ્યું, પણ અન્ય સમાજની એક વ્યક્તિએ ભેંસ ખરીદી લીધી. આમ છતાં એક પણ ખેડૂત-બચ્ચો ગાંધીચીંધ્યો શાંતિ-અહિંસાનો માર્ગ ચૂક્યો નહીં.

ખરીદનાર ત્યારે તો ભેંસ લઇને જતો રહેલો, પણ પાટીદારોનો અહિંસક-શાંત વિરોધ તેના હૃદયને સ્પર્શી ગયો. થોડાક કલાક પછી હૃદયપરિવર્તન થતાં તે પાછો આવ્યો અને મૂળ માલિકને ભેંસ પાછી આપતાં લાગણી વ્યક્ત કરી કે આનાથી મને બે વાત સમજાઇ છે. એક તો સમયના વહેવા સાથે પશુ એ માત્ર પશુ ન બની રહેતાં પરિવારનું સભ્ય બની જાય છે, અને બીજું, અહિંસાની તાકાત. મેં પાટીદાર સમાજની લાગણીની સદંતર ઉપેક્ષા કરીને હરાજીમાં તમારી ભેંસ ખરીદી લીધી છતાં ન તો મારા પ્રત્યેના તમારા વ્યવહારમાં દ્વેષ છે, ન તો કટુતા. તમારી અહિંસક ચળવળે મારું દિલ જીતી લીધું છે, અંગ્રેજો સામેના તમારા આંદોલનને મારું પણ સમર્થન છે. ટીપે ટીપે સરોવર ભરાય તેમ - અનેક જુલમો છતાં - સમયના વહેવા સાથે સત્યાગ્રહ વધુ મજબૂત બન્યો, અને ક્લેક્ટરે, ગવર્નરને પણ અંતે નમતું જોખવું જ પડ્યું.

વાચક મિત્રો, આંદોલનકારીઓને એટલું જ કહેવું રહ્યું કે હિંસા કરતાં અહિંસામાં વધુ તાકાત રહેલી છે. અન્યાય સામે લડવા માટે આનાથી વધુ કોઇ અસરકારક શસ્ત્ર હોય શકે જ નહીં. આંદોલન કોઇ પણ મુદ્દે હોય, બારડોલી સત્યાગ્રહમાંથી ધડો, બોધપાઠ લેવા જેવો છે. આંદોલન માટે પૂરેપૂરો તલસ્પર્શી અભ્યાસ કરો. સરકાર સમક્ષ અસરકારક વિકલ્પ રજૂ કરો. કાયદામાં ભલેને તેની જોગવાઇ ન હોય, પણ તમારી માંગના સમર્થનમાં તર્કબદ્ધ રજૂઆત કરો. આ બધું કરવું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય તો નથી જ. પરિવર્તનની પ્રક્રિયા આમ પણ હંમેશા મુશ્કેલ જ હોય છે. ‘૪૯ ટકાની હકદાર’ જ્ઞાતિ કે સમાજના અધિકારમાં કાપ મૂકવાની માગણી વાસ્તવમાં અશક્ય છે. ખરું કે નહીં?

સ્થળસંકોચના કારણે અત્રે પાટીદાર સમાજનો ઇતિહાસ, તેમની લાક્ષણિક્તા, તેમની ખૂબીઓ અને ખામીઓ વિશે વધુ વિગતવાર રજૂઆત કરવા તો હું અશક્તિમાન છું, પણ તાજેતરમાં મેં કેટલાક પુસ્તકો ફરીવાર જોઈ લીધાં તેના આધારે કેટલાક અવતરણો વિચારવાયોગ્ય ગણાય. મારા વિચાર સાથે સંમત કે અસંમત થવાનો આપ સહુને અધિકાર છે.

પહેલાં વાત કરીએ બે અંગ્રેજી પુસ્તકોની. આ બન્ને પુસ્તકો મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ લખ્યા છે. સરદાર પટેલનું જીવનચરિત્ર ‘PATEL’ નામે તેમણે પ્રસિદ્ધ કર્યું. તેની હજારો નકલ વેંચાઇ ગઇ છે. મુરબ્બી નગીનદાસ સંઘવીએ તેનો સુંદર ગુજરાતી અનુવાદ કર્યો. જે ‘સરદારઃ એક સમર્પિત જીવન’ નામથી ઉપલબ્ધ છે. ગયા વર્ષે રાજમોહન ગાંધીએ એક અન્ય પુસ્તક પણ અંગ્રેજીમાં લખ્યુંઃ ‘Prince of Gujarat - Gopaldas Desai’. બ્રિટનમાં આ પુસ્તક પ્રાપ્ત કરવાની આપને કોઇ સુવિધા ન હોય તો ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં તેની ૧૫૦ નકલો ઉપલબ્ધ છે. માત્ર પાંચ પાઉન્ડની કિંમતે ૨૮૪ પાનનું હાર્ડ બાઉન્ડ પુસ્તક આપ કાર્યાલયમાંથી મેળવી શકો છો. (પોસ્ટેજ-પેકિંગ સહિત.) રાજમોહન ગાંધીએ બન્ને પુસ્તકોમાં ખૂબ ઝીણવટભરી સૂક્ષ્મ નજરથી પટેલ સમાજની ખૂબીઓ અને ખામીઓ દર્શાવી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજામાં જે આંદોલન થયું તેમાં સૌથી વધારે ધાંધલધમાલ કે હિંસા ઉત્તર ગુજરાતના - એક જમાનાના ગાયકવાડી રાજ્યના - મહેસાણા પ્રાંતમાં થઇ છે. ડો. મફતલાલ પટેલ વરિષ્ઠ શિક્ષણવિદ્ અને પાટીદાર સમાજ વિશે લખવા માટે સુપ્રસિદ્ધ છે. ઉમિયા પરિવાર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૦૦૮માં એક સુંદર મજાનું પુસ્તક ‘૨૧મી સદીમાં પાટીદારો સામેના પડકારો અને ઉકેલો’ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના મુખ્ય સંપાદક ડો. મફતલાલ પટેલ છે જ્યારે સંપાદક સમિતિમાં સર્વશ્રી મણિલાલ પટેલ (મમ્મી), કાંતિભાઇ મો. પટેલ, સીતારામ જો. પટેલ (ઉંઝા), ગણેશભાઇ પટેલ (તંત્રી - ‘ધરતી’) અને પ્રિન્સિપાલ સોમભાઇ પટેલ (સલાહકાર - ‘ધરતી’)નો સમાવેશ થાય છે.

આ વિદ્વાનોએ ૨૦૦ પાનના આ પુસ્તકમાં ખૂબ અભ્યાસપૂર્ણ લેખો સાંકળી લીધા છે. તેમાં વિવિધ પ્રશ્નો વિશે ખૂબ વિચારપ્રેરક રજૂઆત થઇ છે. પાટીદાર રોજગાર સહાયક કેન્દ્રની તાકીદની આવશ્યક્તા વિશે પાન નંબર ૪૪ ઉપર, આજથી સાત વર્ષ પહેલાં, પ્રિન્સિપાલ સોમાભાઇ પટેલે પાટીદાર યુવાનોમાં બેરોજગારી અને તેના ઉપાય વિશે ખૂબ ઉપયોગી માહિતી રજૂ કરી છે. તે જ પ્રમાણે અનામત કે ક્વોટાની જોગવાઇના ઉપલક્ષ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવા માટે તેમ જ ભાવિ કારકિર્દીના અન્ય ઉપાયો વિશે રજૂઆત કરવામાં આવી છે. હાર્દિક પટેલ અને તેમના મિત્રોએ આ પુસ્તક વાંચવું એવી ભલામણ કરું તો તેમાં લગારેય અઘટિત નથી.

‘ગુજરાતના પાટીદારો - એક પરિચય’ નામનું ખૂબ માહિતીપ્રદ પુસ્તક ૨૦૧૩માં લોકસેવા ટ્રસ્ટ (નવરંગપુરા-અમદાવાદ) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના સંપાદક અને લેખક છે ભીમજી નાકરાણી. ‘મહાજાતિ ગુજરાતી’ નામનું પદ્મશ્રી દેવેન્દ્ર પટેલનું પુસ્તક પણ ખૂબ જ માહિતીસભર છે. આ પુસ્તકમાં દેવેન્દ્રભાઇની ‘સંદેશ’ દૈનિકમાં લોકપ્રિયતાને વરેલી કટારમાં પ્રસિદ્ધ થયેલા લેખોનું સંપાદન છે. તેમાં ખાસ નોંધનીય છે પાન નં. ૫ પરનો ઉલ્લેખ. વાંચો - તેના અંશઃ

પટેલ શબ્દ અટક છે - જ્ઞાતિ નથી

પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમ જ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે, જ્ઞાતિ નથી. કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ છે...

ગુજરાતમાં પાટીદાર શબ્દની શરૂઆત - પાટીદાર શબ્દનું મૂળઃ

ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત થયે લગભગ ૩૦૦ વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં પીંપળાવ (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઊઘરાવાનો ઈજારો મેળવ્યો હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહજાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફ્તરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો.

(પાટીદાર = પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું, પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.)

આ અને આવા બધા પુસ્તકો ઉત્તર ગુજરાતના પાટીદારોએ લખેલા છે. ચરોતરમાંથી પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાંથી તાજેતરમાં મેં બે પુસ્તકો વધુ ઝીણી નજરે વાંચ્યા. ‘ચરોતરના પાટીદારો’ વિશે પ્રા. ચંદ્રકાન્ત પટેલે ૨૦૧૦માં એક અભ્યાસપૂર્ણ પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેની પ્રસ્તાવના સ્વામીશ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)એ લખી છે. આવા જ એક પુસ્તકનું ડો. મોહનભાઇ પટેલે સંકલન કર્યું છે. શિર્ષક છે ‘ચારણી સાહિત્યમાં ચરોતરના પાટીદારો’. સંપાદક છે રતુદાન રોહડિયા અને ડો. તિર્થંકર રોહડિયા. તેમાં ચરોતરના સર્વશ્રી વિઠ્ઠલભાઇ પટેલ, સરદાર પટેલ, દરબાર ગોપાળદાસ, મોતીભાઇ અમીન, ભાઇલાલ પટેલ, બાબુભાઇ જશભાઇ પટેલ, દેસાઇભાઇ નાથાભાઇ પટેલ, એચ. એમ. પટેલ, ત્રિભોવનદાસ કે. પટેલ, ઇશ્વરભાઇ જેઠાભાઇ પટેલ, ધર્મસિંહ દેસાઇ, ભીખાભાઇ પટેલ, ડો. આઇ. જી. પટેલ, ઇશ્વરભાઇ પેટલીકર, સુરેન્દ્રભાઇ પટેલ (AUDA વાળા), છોટુભાઇ પટેલ (સી. એલ. પટેલ), દિનશા પટેલ, ધીરુબહેન પટેલ, ડો. મોહનભાઇ પટેલ અને આ પટેલ મહાનુભાવો સાથે જ સચ્ચિદાનંદ સ્વામીજીને ગુજરાતના ‘સંસ્કાર સ્વામી’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

આ અને આવા પુસ્તકોનો સંદેશો સ્પષ્ટ છે. તેમાં પાટીદાર કોમ વિશે ડો. મોહનભાઇ આઇ. પટેલે લખેલા લેખમાંથી બે પેરેગ્રાફ અહીં ટાંકી રહ્યો છું. આપ સહુ વાંચજો, અને વિચારજો.

પાટીદાર

પાટીદાર જ્ઞાતિ જાણે કે ભારતની મહત્ત્વની કોમોની સરેરાશમાંથી તૈયાર થઈ હોય તેવી એક જ્ઞાતિ છે. તેનામાં બ્રાહ્મણની બુદ્ધિમત્તા, ક્ષત્રિયનું શૌર્ય, વૈશ્યની વ્યવહારકુશળતા તેમ જ વ્યાપારી સાહસવૃત્તિ અને શુદ્રની ધોમધખતા તાપમાં પણ કાળી મજૂરી કરવાની શક્તિ છે. ચારે વર્ણોનો એક Mean સર કાઢ્યો હોય તેવી આપણી જ્ઞાતિ છે. બધી કોમોની વિશિષ્ટતાઓ (plus points) અને ઉણપો (Short comings) આપણામાં મૂર્તિમંત થયા હોય તેવું મને લાગે છે...

...જ્ઞાતિઓ લાંબુ રહેવાની નથી. ભારતમાં વર્ણવિહીન, ઔદ્યોગિક સમાજ Casteless Industrial Societyની સ્થાપના થઈ ચૂકી છે. જ્યાં જ્ઞાતિઓ જ નહીં રહે ત્યાં આપણા પાંચ-છ કે સત્તાવીસ ક્યાંથી રહેવાનાં છે? બહુ કરે તો દશ વર્ષ કે પંદર વર્ષ Process of disintegration શરૂ થઈ ગયો છે અને પછી શું રહેશે? રહેશે કેવળ જ્ઞાતિનાં વિશિષ્ટ સમાજને ઉપયોગી નીવડે, તેને સમૃદ્ધિ અપાવે તેવાં મૂલ્યો, જેનાથી આપણે પાટીદારો સભર છીએ...

ગુજરાતના એક પ્રાણપ્રશ્ન વિશે આજે આપ સહુ વાચક મિત્રો સમક્ષ બહુ સંક્ષિપ્તમાં રજૂઆત કરી છે. પરંતુ રવિવારે, ૧૩ સપ્ટેમ્બરના રોજ લંડન રોડ, વેમ્બલી ખાતે પાટીદાર હાઉસમાં બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશને આ સેવાલક્ષી કાર્યક્રમ માટે તેમના ઓડિટોરિયમનો ઉપયોગ કરવા દેવાની મંજૂરી આપી છે તેનો સાભાર સ્વીકાર કરીએ છીએ. આપ સહુને તેમાં પધારવા આમંત્રણ છે. કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે, પરંતુ વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તે માટે આગોતરી નામ-નોંધણી કરાવવી જરૂરી છે. આપ ‘ગુજરાત સમાચાર’ના ન્યૂસ એડિટર શ્રી કમલ રાવ ([email protected]) અથવા તો ફેડરેશનના શ્રીમતી સ્્મીતાબહેન ([email protected])ને ઇ-મેઇલ પાઠવીને નામ નોંધાવી શકો છો. આપણા સમાજને સ્પર્શતા નાજુક પ્રશ્ન અંગે બહુ ટૂંકી સમયમર્યાદામાં ૨૯ ભાઇઓ-બહેનોએ પત્રો પાઠવીને તેમના વિચારોને વ્યક્ત કર્યા છે તે બદલ હું તમામનો આભારી છું. સૈદ્ધાંતિક રીતે કોઇના નામ પ્રસિદ્ધ કરવાનું મેં મુનાસિબ માન્યું નથી.

૧૩ સપ્ટેમ્બરની ચર્ચાસભામાં આપ સહુ પધારશો અને અન્યો સાથે વિચારવિનિમય કરશો તેવી આશા સાથે વિરમું છું. (ક્રમશઃ) 

•••

સર્વશ્રી હાર્દિક પટેલ, લાલજી પટેલ, તેમના મિત્રો અને સમર્થકોને નમ્ર વિનંતી...

૧) તમારી માગણી મહદ્ અંશે વાજબી હોવા છતાં આ આંદોલન તર્કવિહિન, આક્રોશજનક, સામાજિક રીતે વિભાજક અને રાષ્ટ્રની પ્રગતિના માર્ગમાં અવરોધક બની રહ્યું છે.
૨) બંધારણીય જોગવાઇઓમાં પરિવર્તન માટે સરદારશ્રીનો સંપૂર્ણ શાંતિમય અને અહિંસક માર્ગ જ શ્રેષ્ઠ ગણાય.
૩) તમે સહુએ અનામત અંગે પ્રશ્ન ઉઠાવી તમારી એક ફરજ પૂરી કરી એમ ગણાય. હાલ પૂરતા થોભી જાવ, શાંત થાવ અને શાંતિનો જ માર્ગ અપનાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter