વડીલો સહિત સહુ વાચક મિત્રો, જાજરમાન ઇતિહાસ ધરાવતા બ્રિટનના બીજાં મહિલા વડા પ્રધાન તરીકેનું બહુમાન મેળવનાર શ્રીમતી થેરેસા મેની સરખામણી અવારનવાર તેમના પુરોગામી માર્ગરેટ થેચર સાથે કરવામાં આવે છે. કોઇ બે નેતાઓની સરખામણી થાય તેમાં કશું અજૂગતું તો નથી, પરંતુ આવી સરખામણી કરનારાઓએ એ ન ભૂલવું જોઇએ કે દરેક વ્યક્તિની કાર્યપદ્ધતિ તેમજ સંજોગો અલગ હોય છે. આમ આ મહિલા નેતાઓ પણ પોતપોતાની જવાબદારી અદા કરવા માટે આગવો અભિગમ ધરાવે છે. હા, બન્ને વચ્ચે એક બાબતે અવશ્ય સામ્યતા છે, અને આ સમાનતા છે પારિવારિક બેકગ્રાઉન્ડ મુદ્દે. માર્ગરેટ થેચરની જેમ થેરેસા મે પણ અતિ સામાન્ય પરિવારમાંથી દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે.
પહેલાં માર્ગરેટની વાત કરીએ... તેમના પિતા રોબર્ટ લિન્કનશાયરના ગ્રંથામ નામના નગરમાં નાનકડી શોપ ધરાવતા હતા. આપણા હજારો ભાઇભાંડુઓ આવી શોપનું કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે અને કંઇકેટલાયે આ પ્રકારે નાના પાયે વેપારનો પ્રારંભ કરીને છેલ્લા ચાર દસકામાં પ્રગતિના પંથે હરણફાળ પણ ભરી છે. ગળથૂંથીમાં વેપાર-વણજની સૂઝબૂઝ ધરાવતા ગુજરાતી પરિવારો આ ધંધા-વ્યવસાયની ખૂબી-ખામીઓથી સુપેરે વાકેફ છે એ ક્યાં હવે અજાણ્યું છે?
માર્ગરેટ રોબર્ટ જન્મથી જ મહત્ત્વાકાંક્ષી. દૃઢ નિશ્ચયી. અને પોતાના વિચારો તથા નીતિરીતિમાં મક્કમ વલણ ધરાવતા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવીને તેમણે બેરિસ્ટર તરીકે કામ કર્યું, અને વૈજ્ઞાનિક તરીકે પણ. એક સમયે તેઓ સિવિલ સર્વન્ટ તરીકે પણ ફરજ બજાવતા હતા. યુવા વયે જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયાં. પક્ષમાં લાંબા સમયથી સક્રિય ડેનિસ થેચર સાથે પરિચય થયો. માર્ગરેટમાં આવડત અને કુનેહ હતાં, તો ડેનિસમાં કાચા હીરાને પારખવાનું કૌશલ્ય. રાજકારણમાં નવાસવાં પ્રવેશેલાં માર્ગરેટની કારકિર્દીને તેમણે પાસાં પાડ્યાં. તો માર્ગરેટને પણ નવા જ માર્ગે આગળ વધવા માટે એક અનુભવીની આંગળીની જરૂર હતી.
એ વેળા ડેનિસ થેચર જંગી ઓઇલ કંપનીમાં ટોચના હોદ્દે બિરાજતા હતા. ખૂબ જ સાધનસંપન્ન પણ ખરા. ડેનિસે માર્ગરેટને સતત પીઠબળ, પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. મિત્રતા વધી. સંબંધ ઘનિષ્ટ બન્યો. પરિચય પ્રેમમાં પરિણમ્યો. રાજકારણમાં આવા સંબંધો ક્યારેક આડા માર્ગે ફંટાઇ જતા હોય છે, પરંતુ ડેનિસ અને માર્ગરેટ સમજદાર હતા. તેમનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો. એટલું જ નહીં, રાજકારણમાં સક્રિય કોઇ પણ વ્યક્તિ માટે આદર્શ બની રહે એવા તેમના સંબંધો રહ્યા. ડેનિસે જિંદગીના દરેક તબક્કે માર્ગરેટને સમર્થન તો આપ્યું, પરંતુ પોતે હંમેશા બે ડગલાં પાછળ રહ્યા. જીવનસાથીનું નામ કે હોદ્દો વટાવી ખાવાની લાલસા ડેનિસે ટાળી. કોઇ પણ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોવાનું હંમેશા કહેવાતું રહ્યું છે, પરંતુ અહીં ઉલ્ટી થેમ્સ વહેતી હતી.
માર્ગરેટ થેચર ૧૯૭૯માં વડા પ્રધાન બન્યા. તે વેળા બ્રિટનની આર્થિક હાલત બહુ કફોડી હતી. પરિણામે વિશ્વમાં તો શું, યુરોપમાં પણ બ્રિટનનું ખાસ વર્ચસ નહોતું. આર્થિક ક્ષેત્રથી માંડીને દરેક મોરચે દેશનો વિકાસ ખોડંગાઇ રહ્યો હતો. આવા પડકારો સામે માર્ગરેટ થેચરે બાથ ભીડી. દેશને વિકાસના પંથે દોરી ગયા. વિરોધને ગણકાર્યા વગર મુક્ત બજારની નીતિને મહત્ત્વ આપ્યું, વિકાસ આડે અડચણ બની રહેલા કામદાર યુનિયનો પર નિયંત્રણ લાદયા, એન્ટ્રપ્રેન્યોર (ઉદ્યોગસાહસિકો)ને ભરપૂર પ્રોત્સાહન આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કર્યું.
માર્ગરેટે દેશની પ્રગતિને અવરોધી રહેલી સમસ્યાઓને ઓળખી, અને તેના નિવારણ માટે દૂરંદેશીભર્યા નિર્ણયો કર્યા. દૃઢ નિર્ધાર અને પ્રતિબદ્ધતાનો સમન્વય આખરે રંગ લાવ્યો. બ્રિટનની શિકલ બદલાઇ ગઇ. જોકે માર્ગરેટ થેચરના દુર્ભાગ્યે તેમને પોલ ટેક્સ નીતિ સંદર્ભે ભારે નાલેશી મળી. એક સમયે જેમની સાથે ઘનિષ્ઠ સંબંધો હતા તેવા કેબિનેટના કેટલાક સાથીઓ માઇકલ હેઝલનાઇટ, જેફ્રી હાઉ જેવા મિત્રો સાથે મતભેદ વધ્યા. કેબિનેટમાં વૈચારિક ટકરાવ શરૂ થયો. અને ૧૯૯૦માં તેમને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વિદાય લેવી પડી. આ સમયે તેમની આંખોના ખૂણેથી છલકાઇ ગયેલું એક આંસુ પ્રેસ ફોટોગ્રાફર્સના કેમેરામાં આબાદ ઝડપાઇ ગયું હતું.
એક સમયે ‘આયર્ન લેડી’ના નામે બ્રિટનવાસીઓના હૃદયમાં રાજ કરતા માર્ગરેટ થેચરની વડા પ્રધાન પદેથી આ પ્રકારે વિદાય છતાં એટલું તો અવશ્ય કહેવું પડે કે બ્રિટનના શ્રેષ્ઠ, કાર્યકુશળ અને સફળ વડા પ્રધાનોની યાદીમાં તેમનું નામ ચિરંજીવ રહેશે.
ચાલો, અતીતમાંથી ફરી પાછા આજમાં આવીએ... થેરેસા મે પણ માર્ગરેટ થેચરની જેમ એક સામાન્ય પરિવારનું સંતાન છે. પિતા ઓક્સફર્ડશાયરમાં વ્હીટલી (Wheatly) નામના ગામમાં પાદરી હતા. રેવરન્ડ બ્રેઝિયરનો જન્મ સાઉથ લંડનમાં થયો હતો. (તેમના પિતા લશ્કરમાં રેજિમેન્ટલ સાર્જન્ટ હતા. જ્યારે તેમના પત્ની એક સમયે બ્યુટી પાર્લરમાં મેઇડ તરીકે કામ કરતા હતા). થેરેસા મેને ગયા શનિવારે - પહેલી ઓક્ટોબરે - ૬૦ વર્ષ પૂરા થયા. પાદરી પિતાના એકમાત્ર સંતાન એવા થેરેસા ચર્ચના સંકુલમાં જ ઉછર્યા. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીને રહેવાની સગવડ મોટા ભાગે ચર્ચની લગોલગ મળે છે. પગાર કહો કે દરમાયો, લગભગ સામાન્ય ગણી શકાય તેવો. આથી જીવન ખૂબ સાદગીભર્યું વીતતું હોય છે. વળી, વસવાટ મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાં હોય, જેથી આસપાસમાં વસતાં લોકો સાથે જીવંત સંપર્ક જળવાય રહે. તેમના દુઃખદર્દ જાણી શકાય. તેમને હૈયાધારણ આપી શકાય, મુશ્કેલ સમયમાં માર્ગ ચીંધી શકાય.
વાચક મિત્રો, ખ્રિસ્તી સમુદાયની એક વિશેષતા તરફ હું આપ સહુનું ધ્યાન માગું છું. પાદરીની ફરજ માત્ર ચર્ચની દેખભાળ કે પ્રેયર પૂરતી સીમિત નથી હોતી. તેઓ પોતાના ચર્ચના તાબા હેઠળના દરેક (ખ્રિસ્તી સહિત સૌ કોઈની) ક્ષેમકુશળતાની જાણકારી રાખે છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ જ નહીં, તમામ ફાંટાના પાદરીઓને આ વાતની ખાસ તાલીમ અપાય છે.
થેરેસા સમજણાં થયાં ત્યારથી એટલે કે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી પાદરી પિતાને સેવાકાર્યો કરતાં નિહાળતાં હતા. વય વધવાની સાથે માસુમ થેરેસા ચર્ચમાં નાનીમોટી સેવા કરતાં થયાં. થોડુંક વધુ ભણ્યાં બાદ થેરેસાએ વીકએન્ડ દરમિયાન ચર્ચમાં ચાલતાં ક્લાસમાં નાની વયના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ચર્ચની પ્રેયરમાં તો હંમેશા હાજરી હોય જ. કુમળો વેલો હોય કે માસુમ સંતાન, વાળો તેમ વળે. બાળપણના આ સંસ્કારોને કારણે જ તો થેરેસા મે આજે પણ જ્યારે જ્યારે મેળ પડી જાય છે ત્યારે ત્યારે પ્રેયર માટે સજોડે ચર્ચ પહોંચી જાય છે.
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ તેની હાઇ એંગ્લીકન બિલિફ માટે જાણીતું છે. મતલબ કે જિસસ ક્રાઇસ્ટમાં પૂર્ણતયા વિશ્વાસ, તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ, અન્ય સમાજ-સમુદાયના લોકો પ્રત્યે મિત્રતાપૂર્ણ વર્તન તથા પ્રેમભાવ દાખવવા અને સદાસર્વદા સેવાપરાયણ રહેવું. પાદરીના પરિવારના સંતાનો વાણીવર્તનમાં
છીછરાં કે ઉછાંછળા નથી હોતાં તેનું એક કારણ એ છે કે આ પરિવારો રૂઢિચુસ્ત અને પરંપરાને અનુસરનારા હોય છે.
વાચક મિત્રો, થેરેસાના જીવન પર એક નજર ફેરવજો. તેમના આચારવિચાર, વાણીવર્તનમાં તમને આ પાસાનું પ્રતિબિંબ જોવા મળશે. તેઓ નેતાગીરી કરે છે, પણ તેમના નેતૃત્વમાં ક્યાંય અવિચારીપણું નહીં જોવા મળે. દરેક કાર્ય બહુજન હિતાય, બહુજન સુખાયના ઉમદા ઉદ્દેશ સાથે હાથ ધરવાનું, અને પછી તેને શ્રેષ્ઠતમ રીતે સાકાર કરવા માટે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મહેનત કરવાની. તેઓ પોતાની વિચારધારાને વળગી રહે છે. તેમના ભૂતપૂર્વ સહાધ્યાયીઓ કહે છે કે એમ તેઓ ઓક્સફર્ડમાં ભણતા હતા ત્યારથી જ સ્વતંત્ર નિર્ણય લેવા માટે જાણીતા છે.
મે દંપતીને ત્યાં પારણું બંધાયું ન હોય, પણ તેમના સંબંધો ઘનિષ્ઠ છે. ડેવિડ કેમરનથી માંડીને બીજા વડા પ્રધાનો કે પ્રધાનો માટે સાંજ ઢળ્યે મિત્રો સાથે મિલન-મુલાકાત યોજવાનું કે જામ ટકરાવતાં હળવાશની પળો માણવાનો શિરસ્તો સામાન્ય રહ્યો છે, પરંતુ થેરેસા મે નોખી માટીના (કહો કે નોખી વિચારસરણીના) છે. તે ભલાં, તેમનું દફતર ભલું અને ઘર ભલું. તેમની દુનિયા પોતાની જાત, પતિ, ઘર અને દફતર પૂરતી સીમિત રહી છે. ઘરે પણ કામકાજની ફાઇલો લઇ જાય અને મોડી રાત સુધી કામ કરે.
કેમરન સરકાર વેળા તેમની પાસે હોમ સેક્રેટરી તરીકે અતિ મહત્ત્વના ખાતાનો કાર્યભાર હતો. ગૃહ ખાતું એટલે કહો કે આખા દેશની જવાબદારીનું પોટલું જ કહોને. ઇમિગ્રેશન, કાયદો અને વ્યવસ્થા, ઇન્ટેલિજન્સ, આંતરિક સુરક્ષા... બધાં વિભાગો હોમ ડિપાર્ટમેન્ટના નેજામાં આવે. થેરેસા મેએ આવા જવાબદારીભર્યા, જટિલ વિભાગનો કાર્યભાર સતત છ વર્ષ સુધી સંભાળ્યો છે, જે એક વિક્રમ છે. તેઓ આ બધા જટિલ વિભાગોને લગતી નાનીમોટી તમામ નીતિવિષયક બાબતોની સંપૂર્ણ જાણકારી અને પ્રાવીણ્ય ધરાવતા હોવાથી જ આ શક્ય બન્યું હતું.
મિસિસ થેચર સવારે છ વાગ્યે ઉઠી જતાં અને રાત્રે ૧૧ વાગ્યા સુધી સતત કાર્યરત રહેતા હતા. સાંજ પડ્યે જીન એન્ડ ટોનિક પીવાની આદત હતી. જ્યારે થેરેસા મે - જાણકારો કહે છે તેમ - રાત્રે બે-બે વાગ્યા સુધી ફાઇલોમાં ખૂંપ્યા રહે છે. જોકે સતત કાર્યરત રહેતા થેરેસા મેનું ફેવરિટ ડ્રીન્ક ક્યું છે? સોડા અને લેમોનેડ! હા, વાચક મિત્રો, તમને જાણીને નવાઇ લાગશે, પણ આ તેમનું મનપસંદ પીણું છે. થેરેસા મેનો બાંધો ભલે એકવડો લાગે, પણ ઊર્જાથી હર્યાભર્યા છે. વીકએન્ડમાં કે હોલીડેમાં લોંગ વોક પર નીકળી પડે. આ તેમની મનપસંદ પ્રવૃત્તિ. ડાયાબિટીક છે.
એબીપીએલ ગ્રૂપના બે-ત્રણ કાર્યક્રમોમાં હાજરી પણ આપી ચૂક્યાં છે. બે વર્ષ પૂર્વે જ પાર્લામેન્ટમાં યોજોયેલા સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે વેળા તેઓ હોમ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળતા હતા. મારા કરતાં ઉંમરમાં વીસેક વર્ષ નાના કહેવાય, પરંતુ માથે હોદ્દાનો જરાક પણ ભાર નહીં. આપણી સાથે બહુ સરળતાથી વાત કરે.
હું આપ સહુની સાથે અવારનવાર મારા ‘કાયમી મિત્ર’ની વાત કરતો રહું છું. થેરેસા મે સાથેની વાતચીત દરમિયાન પણ મેં ડાયાબિટીક હોવાની વાત કરી. તેમનો પ્રતિભાવ હતોઃ સીબી, તમને આટલા લાંબા સમયથી ડાયાબિટિસ છે એ તમારી ઉંમર જોતાં તો કોઇને માન્યામાં જ ન આવે.
જોકે તેમની સાથેની વાતચીત દરમિયાન મારાથી જીભ કચરાઇ ગઇ હતી તે મારે કબૂલવું રહ્યું. મેં તેમની સાથેની વાતચીત દરમિયાન હોમવર્ક નહોતું કર્યું તેનું આ પરિણામ હતું. મારાથી તેમનું પૂછાઇ ગયું હતુંઃ થેરેસા, આપને સંતાનો કેટલા છે?
તેઓ પળભર મારી સામે તાકી રહ્યા, અને પછી હળવેકથી કહ્યું, ‘અમારે સંતાન નથી.’ મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. જીભમાં હાડકું નથી હોતું એવું સાંભળ્યું તો હતું, તે દિવસે અનુભવ પણ થઇ ગયો. હું થોડોક છોભીલો પડી ગયો. જે વિચક્ષણ નારી આખા દેશનું ગૃહ મંત્રાલય સંભાળતી હોય તેને મારા જેવાનો ચહેરો વાંચતા કેટલી ક્ષણ લાગે?! મારા મોંમાંથી ‘ઓ...હ, સોરી...’ શબ્દો નીકળ્યા અને આગળ કંઇક બોલું તે પહેલાં તો તેઓ બોલી ઉઠ્યા, ‘Don't worry, CB, I'm relaxed...’ તેમના આ ઉદ્ગારો સાથે મારું માથું નમી ગયું. મને સમજાઇ ગયું કે એક મહિલાને આવો પ્રશ્ન પૂછવો જોઇતો નહોતો. દરેક મનુષ્યને સંતાનની ઝંખના હોય છે, દરેક સ્ત્રી માતૃત્વ ઝંખતી હોય છે કે મારે પણ એક સંતાન હોય. માતૃત્વ એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. એબીપીએલ ગ્રૂપના સમારોહ સિવાય પણ થેરેસા મેને મળવાનો એકથી વધુ વખત અવસર મળ્યો છે તેને મારું સદભાગ્ય સમજું છું.
થેરેસા મેની વડા પ્રધાન તરીકેની સજ્જતા-ક્ષમતા વિશે કોઇને શંકા હોય શકે નહીં, પરંતુ મને લાગે છે કે બ્રેક્ઝિટ આગામી દિવસોમાં તેમના માટે પડકારજનક બની શકે તેમ છે. ૨૩ જૂને બ્રિટિશ પ્રજાએ બ્રેક્ઝિટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, અને હવે થેરેસા મેએ જાહેર કર્યું છે છૂટા-છેડાની કાર્યવાહી માર્ચ ૨૦૧૭ સુધીમાં શરૂ કરી દેવાની ગણતરી છે.
ચાર-ચાર દસકાના સંબંધ પછી યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે છેડો ફાડવાનું કામ આસાન તો નથી જ. આ સમયગાળો બહુ કઠિન પુરવાર થઇ શકે છે - ખાસ કરીને અર્થતંત્ર માટે. બ્રિટને યુરોપના ૨૮ સાથેના સંબંધોને નવા જ માળખામાં ઢાળવા પડશે. આ સંબંધો બ્રિટન અને ઇયુ વચ્ચેના નહીં હોય, પણ બ્રિટન અને જે તે યુરોપિયન દેશ વચ્ચેના હશે. છૂટા-છેડા પછી બે વ્યક્તિ માટે પણ નવો સંસાર માંડવાનું મુશ્કેલ થઇ પડતું હોય છે ત્યારે આ તો બે દેશ વચ્ચે છેડા-છેડી જોડવાની વાત છે. આજે બ્રિટન યુરોપિયન દેશોમાં આર્થિક ક્ષમતાથી માંડીને સંરક્ષણ ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવે છે. ખેર, બ્રેક્ઝિટ પછી બ્રિટનના પ્રભાવ પર કેવી અસર થાય છે એ તો સમય જ કહેશે.
બ્રિટનની - બ્રેક્ઝિટ સિવાયની - બીજી વિવિધતા કે આડઅસર વિશે પણ જાણવા જેવું છે. થેરેસા મેના પુરોગામી ડેવિડ કેમરનનો જન્મ સાધનસંપન્ન પરિવારમાં થયો હતો. આપણે કહી શકીએ કે તેઓ મોઢામાં ચાંદીની ચમચી સાથે જન્મ્યા હતા. તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ અલગ હતું, જીવનશૈલી અલગ હતી. જ્યારે થેરેસા મેનો જન્મ અને ઉછેર એકદમ સામાન્ય પરિવારમાં થયો છે. તેમના આ પારિવારિક માહોલની અસર સરકારના નિર્ણયોમાં જોવા મળે છે. પરિણામે થેરેસા મે સરકારના ઘણા નિર્ણયો કે નીતિરીતિ સંબંધિત જાહેરાતો પૂરોગામી સરકાર કરતાં અલગ પડે છે. આવા નિર્ણયો કે જાહેરાતોથી જૂની સરકારના કેટલાક પ્રધાનો ‘અસુખ’ અનુભવે છે. આ જ કારણસર કંઇક અંશે ટોરી જૂથમાં અસહકારનો માહોલ પણ ઉદ્ભવ્યો છે. આ માહોલની પ્રત્યક્ષ-પરોક્ષ અસરોને ધ્યાનમાં રાખીને થેરેસા મે ચાણક્ય નીતિ અપનાવે તે જરૂરી છે.
વાચક મિત્રો, મારું અંગત મંતવ્ય છે કે પુરુષ કરતાં સ્ત્રી મલ્ટી ટાસ્કીંગમાં મહારત હોય છે. હાથ ભલે બે હોય, પણ તેઓ આંતરિક કોઠાસૂઝ અને તીવ્ર બૌદ્ધિક ક્ષમતાના કારણે આઠ હાથ જેવું કામ કરી જાણે છે. આપણા ઘરમાં હાજર માતાઓ-બહેનોનો જ દાખલો લોને... તેઓ એકસાથે પતિ, સંતાન, માતા-પિતાની સારસંભાળ, રસોઇ, સાફસફાઇ, હિસાબકિતાબ રાખવા ઉપરાંત લટકામાં જોબ પણ કરી જ જાણે છે ને?! આખા ઘર-પરિવારનો બોજ તેના માથે હોય, પણ કેવી કુશળતાથી તે બધા કામો નિપટાવે જ છેને? હું તો દૃઢપણે માનું છું કે થેરેસા મેનો - જનસામાન્યને સીધો જ સ્પર્શતો - વહીવટ દેશના અન્ય વડા પ્રધાનોની સરખામણીએ રતિભાર પણ ઉતરતો નથી.
•••
આત્મગૌરવ - સેલ્ફ એસ્ટીમ
વાચક મિત્રો, ‘જીવંત પંથ’ કોલમમાં મારો હંમેશા ગમતાંનો ગુલાલ કરવાનો પ્રયાસ રહ્યો છે. કંઇક નોખું, કંઇક અનોખું, આપણા સહુના જીવનને વધુ સમૃદ્ધ બનાવે તેવું, આપણી જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન આણે તેવી વાતો-પ્રસંગો-ઘટનાક્રમો રજૂ કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. જેના ભાગરૂપે આજે આ કોલમમાં ‘અચલા’ સામયિકના સૌજન્યથી એક લેખ પ્રકાશિત કરી રહ્યો છું.
જોકે લેખ રજૂ કરતાં પહેલાં થોડીક વાત ‘અચલા’ની કરી લઉં. શિક્ષણને સમર્પિત આ સામયિકના તંત્રી અને પ્રકાશક છે ડો. મફતભાઇ પટેલ. છેલ્લા પાંચ દસકાથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડો. મફતભાઇના બહોળા અનુભવ અને સૂઝબૂઝનો નિચોડ એટલે ‘અચલા’ સામયિક એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ સામયિક
તેના કવરપેજ પર પ્રકાશિત સૂત્ર અનુસાર ખરા અર્થમાં શિક્ષણ જગતનું માર્ગદર્શક અને પ્રેરણાદાયી સામયિક બની રહ્યું છે.
સામયિકના ૧૫ સપ્ટેમ્બરના અંકમાં ડો. જિતેન્દ્ર અઢિયા અને દિક્ષીતા મહેતાનો બહુ જ પ્રેરણાદાયી લેખ ‘આત્મગૌરવ - સેલ્ફ એસ્ટીમ’ પ્રકાશિત થયો છે. લેખકોએ બહુ સરળ ભાષામાં સુંદર રજૂઆત કરી છે કે જો કોઇ અકારણ-સકારણ આત્મગૌરવનો અભાવ અનુભવતા હોય તો તેઓ ચોક્કસ દિશામાં સભાનતાપૂર્વક પ્રયાસો થકી સમસ્યાનું નિવારણ કરી શકે છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે આત્મગૌરવ અનિવાર્ય છે. સહેજ ટૂંકાવીને સાથે આપની સેવામાં રજૂ કર્યો છે.
•
આત્મગૌરવ - સેલ્ફ એસ્ટીમ
- ડો. જિતેન્દ્ર અઢિયા અને દિક્ષીતા મહેતા
આત્મગૌરવ એ આપણો આપણા વિશેનો અભિપ્રાય છે. જ્યારે આપણને એવું લાગે છે કે મારામાં ખૂબ આવડત અને સદગુણ છે, ત્યારે આપણું આત્મગૌરવ (સેલ્ફ એસ્ટીમ) ઊંચે હોય છે. આનાથી ઊંધું, જ્યારે આપણને એવું લાગે કે મારામાં કોઈ ગુણ નથી કે કોઈ સારી આવડત નથી ત્યારે આપણું આત્મગૌરવ ઓછું હોય છે.
આત્મવિશ્વાસની જેમ આત્મગૌરવ પણ આપણા ઉછેરનું જ પરિણામ છે. આપણે બધા પ્રશંસાની ભૂખ સાથે આ દુનિયામાં આવતા હોઈએ છીએ. જ્યારે આપણે ઘણુંબધું કરતા હોઈએ છીએ. પણ આપણી એ પ્રવૃત્તિઓ જ્યારે આપણા વડીલો ધ્યાનમાં લેતા નથી અને તેઓ તેની અવગણના કરે છે, ત્યારે આપણી આ ભૂખ સંતોષાતી નથી અને વધતી જાય છે. ઘણી વખત
આપણી પ્રશંસા કરવાને બદલે આપણા વડીલો આપણી ટીકા કરે છે.
દા.ત. ‘તું બહુ કાળી છે.’ ‘તારા તો અઢારેય અંગ વાંકા છે’, ‘તારા અક્ષરો તો ડોક્ટર જેવા છે’, ‘તું મૂર્ખા જેવી દલીલો કર્યા કરે છે’, ‘તું દરેક કામમાં લોચા મારે છે.’
આવું તો આપણે નાનપણમાં કેટલું સાંભળી ચૂક્યા છીએ, ખરું ને?
નાનપણમાં જો આવી ટીકાઓનો મારો સતત ચાલુ રહે તો મોટા થતા આપણામાં એવી માન્યતા ઘર કરી જાય છે કે મારામાં કોઈ સારા ગુણ કે આવડત નથી, હું સાવ નકામો છું. એને કારણે આપણું આત્મગૌરવ ઓછું થઈ જાય છે અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ.
ક્યારેક અમુક બાળકોને તેના વાલીઓ હંમેશા તેનામાં રહેલા ગુણોને ધ્યાન પર લાવે છે અને તેની સતત પ્રશંસા કરતા હોય છે, જેને કારણે એ બાળક ઊંચા આત્મગૌરવ સાથે મોટા થાય છે અને તેનો આત્મવિશ્વાસ પણ ઊંચો હોય છે.
જો આપણું આત્મગૌરવ અને આત્મવિશ્વાસ ઊંચા હોય તો આપણે ઊંચા લક્ષ્ય રાખી, તેને મેળવવા માટે ઝનૂનપૂર્વક લાગી પડીએ છીએ. એનો મતલબ એ થયો કે આત્મગૌરવ અને આત્મવિશ્વાસ વધારવાથી આપણું જીવન બદલી શકાય છે.
આ એક દૂષચક્ર છે જે ફક્ત ખાસ પ્રયાસોથી તૂટી શકે છે.
• ઓછા આત્મગૌરવની નિશાનીઓ
નીચે જણાવેલ ચિહનો ઓછા આત્મગૌરવને કારણે હોય છે.
૧. તેઓ ભાવુક હોય છે. ૨. તેઓ ગરમ મિજાજના અને ડરપોક હોય છે. ૩. તેઓ બીજા લોકોની હંમેશા સારા રહેવા માંગતા હોય છે. ૪. તેઓને સત્તાધિકારી પસંદ નથી અને હંમેશા બળવાખોર સ્વભાવના હોય છે. ૪. તેઓ પોતાની ભૂલનો સ્વીકાર નથી કરી શકતા અને શોરબકોર કરનાર વ્યક્તિઓ હોય છે. ૬. શરીરથી તેઓ ઢંગધડા વિનાના હોય છે, હાથ મિલાવવાની પદ્ધતિ ઢીલી હોય છે. આંખમાં તેજ નથી હોતું, વધારે વજનવાળા હોય છે અને તેઓનું મોઢું નીચેની તરફ વળેલું હોય છે. ૭. તેઓ બીજા લોકોની આંખમાં આંખ નથી મિલાવી શકતા. ૮. તેઓ માનસિક રીતે પરેશાન અને ચિંતાતૂર હોય છે. ૯. તેઓને હંમેશા બીજાની સંમતિની જરૂર હોય છે. ૧૦. તેઓ શરમ, અપરાધ ભાવના અને નફરતથી તરબોળ રહે છે. ૧૧. તેઓને પૈસા, પાવર અને પ્રતિષ્ઠાની ભૂખ સદા રહે છે, જે તેની ઓછા આત્મગૌરવની ભાવનાને સંતોષે છે. ૧૨. તેઓ જીવનના કોઈ ક્ષેત્રમાં ચોક્સાઈ નથી લાવી શકતા. ૧૩. તેઓ ટીકાથી વધુ પડતું ખોટું લાગે છે. ૧૪. તેઓ સમાજથી વિખૂટા હોય છે. ૧૫. તેઓ પોતાનામાં રચ્યા-પચ્યા રહે છે. ૧૬. તેઓને માથું દુઃખવું, ચક્કર આવતા, ગભરામણ થવી વગેરે તકલીફો વારંવાર થયા કરે છે.
ઉર્જિત પટેલ બાબતે ઉમેરવાનું કે...
વાચક મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નરપદે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા અર્થશાસ્ત્રી ડો. ઉર્જિત પટેલની વરણી થયાનો વિગતવાર અહેવાલ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૧૬ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલમાં તેમના જીવન વિશે રજૂ થયેલી કેટલીક બાબતોમાં શરતચૂક થઇ હોવાના મુદ્દે દિપીકાબહેન દેસાઇએ અમારું ધ્યાન દોર્યું છે.
દિપીકાબહેને ઉર્જિતભાઇ અંગેનો આ માહિતીસભર અહેવાલ વાંચ્યા બાદ અમેરિકામાં વસતાં તેમના મિત્રને ઇ-મેઇલ કર્યો હતો. દિપીકાબહેનના મિત્રને પણ આ અહેવાલ બહુ રસપ્રદ લાગતાં તેમણે અહેવાલને ઉર્જિતભાઇના મુંબઇમાં વસતાં માતા મંજુલાબહેનને ઇ-મેઇલ કર્યો હતો. તેમણે આ અહેવાલ વાંચીને તેમાં રજૂ થયેલી માહિતી અંગે આનંદ વ્યક્ત કરવાની સાથોસાથ કેટલાક માહિતીદોષ તરફ પણ ધ્યાન દોર્યું છે.
મંજુલાબહેનના જણાવ્યા પ્રમાણે ઉર્જિતભાઇના પિતાનું નામ રવિન્દ્રભાઇ છે (રાજેન્દ્રભાઇ નહીં), અને થોડાંક વર્ષપૂર્વે તેમનું નિધન થયું છે. રવિન્દ્રભાઇના મંજુલાબહેન સાથેના લગ્ન એરેન્જ્ડ હતા, પરંતુ મંજુલાબહેન (લેખમાં ઉલ્લેખ થયો છે તેમ) અભિનેત્રી નહોતાં.
દિપીકાબહેન માતા-પિતા રવિન્દ્રભાઇ અને મંજુલાબહેનનો ઉલ્લેખ કરતાં લખે છે કે બન્ને એકદમ નમ્ર અને સાલસ સ્વભાવ ધરાવે છે. ઉર્જિતભાઇએ તેમની કારકિર્દીમાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે તે બદલ પણ દિપીકાબહેને હરખ વ્યક્ત કર્યો છે. (ક્રમશઃ)