વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપણે સહુ જાણીએ છીએ તેમ આજના જમાનામાં સોશિયલ મીડિયા અનેકવિધ પ્રકારે આપણા જીવન સાથે વણાઇ ગયું છે. વ્હોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ... આવા માર્ગે સતત સાચા - ખોટા અસંખ્ય સંદેશાઓનો મારો ચાલી રહ્યો છે. અને કંઇ કેટલાય લોકો પોતાની જાતને મોટા ગજાના ચિંતક, લેખક, વિચારક, વિશ્લેષક માનીને આત્મસંતોષમાં રાચી રહ્યા છે. આવા લોકોને - પોતાની જાત માટેનો - સેલ્ફ સર્ટિફાઇડ અભિપ્રાય મુબારક.
પરંતુ આવા લોકો પોતાના વિચારો - મંતવ્યો - અભિપ્રાયો વિચારો થકી મારા - તમારા અને આપણા માનસતંત્રમાં પ્રદૂષણ ઉમેરવા સતત પ્રયાસરત રહે છે એ તો ખરેખર એક પ્રકારનો જુલમ જ છે. અલબત્ત, આવા લોકોના વૈચારિક આક્રમણનો ભોગ બનવું કે નહીં તે ટચલી આંગળીનું કામ છે. મેસેજ મળે, અને તેને જોવા કે ન જોવા - વાંચવા કે ન વાંચવા એનો નિર્ણય તો આખરે આપણા હાથમાં છેને...
ઘણા લોકો સોશિયલ મીડિયાને ‘ન્યૂસન્સ’ ગણાવે છે, સમયનો બગાડ ગણાવે છે, પરંતુ હકીકત એ છે કે આજે આ માધ્યમ આપણા સહુના જીવનનો એક હિસ્સો બની ગયું છે. આથી તેનો સંપૂર્ણ બોયકોટ તો વાજબી ન ગણાય. મેસેજ આવે, અને તે યોગ્ય ન જણાય તો ડિલીટ કરો કે વાંચવાનું જ ટાળો. મારી જ વાત કરું તો, હું સોશિયલ મીડિયા ભાગ્યે જ જોઉં છું. પણ બાવા બન્યા હે તો હિન્દી બોલના પડેગા... એ ન્યાયે સમાજમાં રહીએ છીએ તો સહુ સાથે સંપર્ક જાળવવા સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવું પડે છે. છૂટકો જ નથી. હા, એટલું નક્કી છે કે ‘સોશિયલ મીડિયાનો ઉપયોગ હું કરું છું’, તેને મારો કે મારા સમયનો ઉપયોગ કરવા દેતો નથી.
તાજેતરમાં સમાજના એક મોટા દરજ્જાના મોભીએ તેમને મળેલ ત્રણ પાનનો પત્ર ઈ-મેઈલથી મને પાઠવ્યો છે. નિયમ પ્રમાણે આ લેખક અનામી છે, પણ શિર્ષક મારકણું છેઃ ‘હું શા માટે (સરદાર) પટેલ અથવા કોંગ્રેસના ’47 પહેલાંનાં નેતાઓ તેમજ આંબેડકર કે ભગતસિંહનો સમર્થક નથી.’
આ લેખક મહાશયે પોતાના મૂલ્યાંકનમાં ‘નેતા’ના ચાર માપદંડ દર્શાવ્યા છે. જેમ કે, યુરોપિયન સામ્રાજ્યવાદને તેઓ સમજી શક્યા કે નહીં, તેમને ઇસ્લામની સાચી સમજ હતી કે નહીં, સામ્યવાદના અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના ખતરાને તેઓ સમજી શક્યા છે કે નહીં અને ચોથું, બહુસાંસ્કૃતિક સનાતન હિન્દુ ધર્મના માળખા હેઠળ પરિવર્તન વિશેની તેમની સૂઝ.
વાચક મિત્રો, જોકે આ ‘લેખક મહાશય’ને એક વાતે બિરદાવવા રહ્યા કે તેઓ સ્વીકારે છે કે તેમના મંતવ્યો - તારણો ઊંડા અભ્યાસ આધારિત નથી, અને તે વ્યક્તિગત અભિપ્રાય છે. ચાલો, કમસે કમ તેમણે લક્ષ્મણ રેખા તો આંકી.
મિત્રો, આપણે આગળ વધીએ. આ ‘અભ્યાસુ લેખક’ તેમના લેખમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને બાળગંગાધર ટિળકને સાવ નિષ્ફળ ગણાવે છે. કારણ?! તેમણે હિન્દુઓની કત્લેઆમ વિશે કોઇ જાગ્રતતા દાખવી નથી. તેઓ આગળ લખે છે કે સુભાષચંદ્ર બોઝ યુરોપિયન સામ્રાજ્યવાદના ખતરાને સાવ બાજુએ મૂકીને, તેની અવજ્ઞા કરીને સશસ્ત્ર બળવાની મુફલિસ વાત કરે છે અને ઇસ્લામના ખતરા વિશે સાવ અજાણ જણાય છે.
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબ વિશે તો લેખકના વિચારો એકદમ ચિંતાજનક છે. ‘વિદ્વાન લેખક’ ટાંકે છે કે ડો. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામના ખતરા બાબત એકદમ જાગ્રત હતા, પણ તેમનું માનસતંત્ર એટલું હિન્દુવિરોધી હતું કે યુરોપિયન સામ્રાજ્યવાદને સાવ વિસરી ગયા. એકદમ નિષ્ફળ.
શહીદવીર ભગતસિંહ અને આવા તરવરિયા યુવાનોએ દેશકાજે આપેલા બલિદાન પ્રત્યે તેઓ એકદમ ધિક્કાર દર્શાવે છે. તેઓ નાની ઉંમરમાં ફાંસીએ ચઢી ગયા, પણ તેમને વ્યૂહરચના કે વહીવટનો બિલકુલ અનુભવ જ નહોતો.
સરદાર વલ્લભભાઇ પટેલે સાડા પાંચસોથી વધુ રજવાડાંઓને એકતાંતણે બાંધીને મજબૂત ભારતનું નિર્માણ કર્યું હોવાની વાત ભલે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી હોય, પરંતુ આ ‘વિશ્લેષક’નો મત નોખો-અનોખો છે. તેઓ લખે છે કે સરદાર વલ્લભભાઇ પટેલ યુરોપિયન સામ્રાજ્યવાદના જાણકાર હતા. ઇસ્લામ વિશે પણ તેઓ સમજદાર હતા, પણ તેમનું માનસતંત્ર કોંગ્રેસી માળખામાં જ ગૂંથાઇ ગયું હતું. અલબત્ત, તેમણે ભારતના ભાગલાની ભલામણ અંગે દૂરંદેશીપૂર્વક વિચારીને તુરંત તેનો સ્વીકાર કર્યો હતો. આરએસએસ પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને પણ સમજી શકાય તેમ છે. પરંતુ સરદાર પટેલ સાવ ગાંધીજીના દોર્યા જ દોરવાતા હતા. ગાંધીજીની સરમુખત્યારશાહી (!) સામે તેમનું મસ્તક ઝૂકી ગયું હતું. તેઓ જાણે મહાભારતના કર્ણ હતા. ગાંધીજીની ચમચાગીરીને તાબે થઇને તેઓ વડા પ્રધાનપદ જતું કરવા તૈયાર થઇ ગયા એ તેમની સૌથી મોટી નબળાઇ ગણાય.
આ અનામી ‘લેખક મહાશય’ - અગાઉ ઉલ્લેખિત ચાર માપદંડના આધારે - ભારતના પાંચ મહાનુભાવોને પોતાની પસંદગીના નેતા ગણાવે છે. આમાં પહેલા સ્થાને છે વીર સાવરકર, બીજા સ્થાને છે કે શ્રી અરવિંદ, ત્રીજા સ્થાને છે નરેન્દ્ર મોદી, ચોથા સ્થાને સ્વામી વિવેકાનંદ અને પાંચમા સ્થાને છે સ્વામી દયાનંદ સરસ્વતી.
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી માટે તેઓ જણાવે છે કે ‘પછાત જાતિના હોવા છતાં તેમના વિચારો અને વર્તનમાં ડો. બાબાસાહેબ આંબેડકર જેવું હિન્દુવિરોધી વલણ જોવામાં આવતું નથી.’ રામનાથ કોવિંદ અને દ્રોપદી મૂર્મુની રાષ્ટ્રપતિપદ માટે પસંદગી ‘લેખક’ના મતે વડા પ્રધાન મોદીનું સામ્રાજ્યવાદ વિરોધી માનસ છતું કરે છે. નરેન્દ્ર મોદી દલિત - આદિવાસી - વંચિત સમુદાયો માટે કંઇક સાત્વિક વલણ ધરાવે છે. આથી હું (‘વિદ્વત લેખકશ્રી’) તેમને શ્રેષ્ઠ નેતા તરીકે સ્વીકારું છે.
વાચક મિત્રો, ભારતના મહાન નેતાગણના મામલે આવું ‘ઊંડુ અને વિદ્વતાભર્યું વિશ્લેષણ’ કરનાર અનામી લેખક મહાશય જો મને રૂબરૂ મળી ગયા તો તેમને પ્રેમથી કહીશ કે બધા જ નેતાઓમાં - પછી તે ભૂતકાળના હોય, ગઇ સદીના હોય કે આજકાલના હોય - કોઇને કોઇ, એકાદ નબળાઇ હોઈ શકે (આપણી દ્રષ્ટીએ). આપ સાહેબ, રાષ્ટ્રીય નેતૃત્વમાં કંઇને કંઇ ભૂલ - ખોડખાંપણ નિહાળી રહ્યા છો અને નરેન્દ્ર મોદીને સર્વશ્રેષ્ઠ ગણાવી રહ્યા છો. આપના મંતવ્યમાં, અભિપ્રાયમાં કાં તો પૂર્વગ્રહ ભળેલો છે અથવા તો મોદી પ્રત્યેનો તીવ્ર લગાવ સમાયેલો છે. અન્યથા તમે આવું લખાણ ના લખ્યું હોત. સાચી વાત તો એ છે કે નરેન્દ્ર મોદી ખુદ તમે ઉલ્લેખેલા તમામ નેતાઓ પ્રત્યે ઊંડો આદર, લગાવ ધરાવે છે. તેમણે આ જ વાત એક યા બીજા પ્રસંગે પોતાના લખાણમાં - પ્રવચનોમાં ટાંકવાનો વિવેક પણ દાખવ્યો છે. આપ નરેન્દ્રભાઈ મોદીને અન્યાય અને નુકશાન કરી રહ્યા છો.
વાચક મિત્રો, હું જાણું છું - સમજું છું ત્યાં સુધી શ્રી નરેન્દ્રભાઇ આપણા પ્રાચીન ગ્રંથ ઋગ્વેદની બહુ જ જાણીતી ઋચા - આનો ભદ્રાઃ ક્રત્વો યન્તુ વિશ્વતઃને અનુસરનારા છે. દરેક દિશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.
લોકતંત્રમાં સહુ કોઇ પોતાના મંતવ્ય - વિચાર - અભિપ્રાય રજૂ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે એ સાચું, પણ વિચારોની અભિવ્યક્તિના નામે આવો બકવાસ?! વાચક મિત્રો, ખરેખર આવા લોકો માટે, તેમની માંદલી માનસિક્તા માટે શું કહેવું તે સમજાતું નથી. ખેર, આપણે તો તેમને બીજું શું કહી કે કરી શકીએ? હા, પરમ કૃપાળુ પરમાત્માને એટલી પ્રાર્થના અવશ્ય કરી શકીએ હે પ્રભુ, સહુ કોઇને અજ્ઞાનના ઊંડા અંધારેથી સત્યના, જ્ઞાનના જીવનપંથ પર લઇ જા.
સબકો સન્મતિ દે ભગવાન... અસ્તુ. (ક્રમશઃ)