વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પર વિશ્વ સમસ્તની નજર મંડાયેલી હતી. અમેરિકાને વિસ્તારની દૃષ્ટિએ મૂલવવામાં આવે તો તે વિશ્વનો ત્રીજા કે ચોથા નંબરનો મોટો દેશ ગણાય, પણ વસ્તીની દૃષ્ટિએ જૂઓ તો તેની જનસંખ્યા માંડ ૩૨ કરોડ છે. આમ છતાં, વિવિધ પ્રકારના ઉત્પાદનો અને તેના વપરાશની વાત આવે છે ત્યારે અડધમાં રામ અને અડધમાં ગામ જેવો ઘાટ જોઇ શકાય છે. એક અંદાજ પ્રમાણે અત્યારે વિશ્વની વસ્તીનો આંકડો ૭૧૦ કરોડ છે, તેમાં અમેરિકાની વસ્તીના આંકડાને મૂલવો તો પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું ગણાય. આમ છતાં આ દેશ વિશ્વની એકમાત્ર મહાસત્તા હોવાનો દબદબો ધરાવે છે. તેની વગ છે, પ્રભાવ છે. દુનિયાના કુલ ઉત્પાદનના ૨૫ ટકાનો ઉપભોગ અમેરિકા કરે છે. આ તેની આર્થિક સજ્જતા, ક્ષમતા દર્શાવે છે. તદુપરાંત, દુનિયામાં જે કંઇ પણ મૂડીરોકાણ થાય છે, વિશ્વમાં જે કંઇ આર્થિક આદાનપ્રદાન થાય છે તેમાં પણ અમેરિકાનું પ્રભુત્વ જોવા મળે છે. અને તે પણ આજકાલનું નહીં, છેલ્લા ૧૦૦ વર્ષથી દેશનું અર્થતંત્ર તગડું રહ્યું છે.
આ મૂડીવાદી દેશમાં એક્સચેન્જ કન્ટ્રોલ નથી. ડોલર એક વૈશ્વિક ચલણ છે. તેના પર કોઇ પણ પ્રકારનું નિયંત્રણ ન હોવાથી વિશ્વના કોઇ પણ દેશમાંથી આ દેશમાં મૂડીરોકાણ થઇ શકે છે, અને જે કંઇ નફો કે ફાયદો થાય છે તે પરત પણ લઇ જઇ શકાય છે. આ જ પ્રમાણે દુનિયાના દરેક દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને, સવિશેષ તો, ટેક્નોલોજી તેમજ ફાઇનાન્સિયલ સર્વીસીસના ક્ષેત્રે અમેરિકાનું ધરખમ મૂડીરોકાણ જોવા મળે છે. કેટલાક દેશોમાં અમેરિકી મૂડીરોકાણનું પ્રમાણ ૧૫થી ૩૫ % જેટલું ઊંચું જોવા મળે છે. કોઇ દેશમાં જ્યારે પણ મૂડીરોકાણનો પ્રશ્ન ઉદભવે છે ત્યારે સહુકોઇ અમેરિકા ભણી આશાભરી નજર માંડે છે, અને તેમાં પણ ખાસ કરીને ન્યૂ યોર્ક તરફ. અને અમેરિકી કંપનીઓ પણ તેમને નિરાશ કરતી નથી - અલબત્ત, જો તેમને નફો રળવાની યોગ્ય અને પૂરતી તક જણાતી હોય તો.
ધનાઢયોથી માંડીને ટોચની કંપનીઓ એટલા વિશાળ રોકડ ભંડોળથી તરબતર છે કે જેની કલ્પના પણ થઇ શકે નહીં. આઇફોન, આઇપોડ, આઇપેડ જેવા આધુનિક યુગની ઓળખસમાન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એપલ કંપનીની જ વાત કરીએ, પણ એક આડ વાત સાથે.
આ ઉત્પાદનોના સ્વપ્નદૃષ્ટા સ્ટીવ જોબ્સે કેલિફોર્નિયાના પાલો અલ્ટો નજીક સિલિકોન વેલીમાં કેટલાક મિત્રો સાથે મળીને એપલ કંપની સ્થાપી ત્યારની વાત છે. નાણાંભીડ એવી કે ક્યારેક તો ખિસ્સામાં કાણી પેની પણ મળે નહીં. આ દિવસોમાં સ્ટીવ જોબ્સ પેટપૂજા કરવા માટે કંપનીથી સાતેક માઇલ દૂર સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ઇસ્કોન સંચાલિત હરેકૃષ્ણ મંદિરે પહોંચી જતો હતો. મંદિરમાં દરેક મુલાકાતીને લંચ વિનામૂલ્યે અપાય છે તે વાતની સ્ટીવ જોબ્સને ખબર હતી. સ્ટીવ જોબ્સે ખુદે કહ્યું છે તેમ મને જ્યારે પણ પૌષ્ટિક ભોજનની ઇચ્છા થતી ત્યારે હું હરેકૃષ્ણ મંદિરે પહોંચી જતો હતો. જોકે ભાઇ જોબ્સે અબજો ડોલર કમાયા પછી મંદિર માટે શું કર્યું તેનો કોઇ ફોડ પાડ્યો નથી, પરંતુ તે આપત્તિમાં હતો ત્યારે મંદિરે તેનું પાલનપોષણ કર્યું હતું તે હકીકત છે. આજે એપલ કંપની પાસે ૧૪૦ બિલિયન ડોલરની અધધધ રોકડ છે. આ આંકડો કેટલાક દેશોની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. તમને એક બીજું ઉદાહરણ આપીને સમજાવું તો, સવાસો કરોડની વસ્તી ધરાવતા ભારત દેશનું વિદેશી હૂંડિયામણ ૩૭૦ બિલિયન ડોલર છે. હવે તમે ગણતરી માંડી લેજો કે એપલનું ભંડોળ કેટલું વિશાળ કહેવાય.
આ તો એક એપલની વાત થઇ, આવી તો ઘણી કંપનીઓ છે. બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ, માર્ક ઝૂકરબર્ગની ફેસબુક, વોરન બફેટની બર્કશાયર હેથવે, બહુરાષ્ટ્રીય ઓઇલ કંપનીઓ... યાદી બહુ લાંબી થાય તેમ છે. અમેરિકી કંપનીઓ પાસે નગદ નાણાંના ડુંગરા ખડકાયેલા છે. આમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાછળ નથી.
આજે ૭૦ વર્ષના ટ્રમ્પનો જન્મ ભલે ન્યૂ યોર્કમાં (ક્વીન્સ વિસ્તારમાં) થયો હોય, પણ મૂળે તેઓ જર્મનીના. ૧૪ જૂન ૧૯૪૬ના રોજ જન્મેલા ટ્રમ્પના દાદા જર્મનીથી અમેરિકા આવીને વસ્યા હતા. પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકા-બ્રિટન-ફ્રાન્સે સાથે મળીને જર્મની સામે મોરચો માંડ્યો હતો. યુદ્ધગ્રસ્ત જર્મનીથી અમેરિકા આવીને વસેલા આ પરિવારે તેની અસલ અટક પણ બદલીને અમેરિકન જેવી એટલે કે ટ્રમ્પ કરી નાખી હતી. અટક પરથી જ અંદાજ મળે છે તેમ આ પરિવાર પહેલેથી જ વિજેતા બનવાના દૃઢ નિર્ધાર સાથેનો લડાયક જુસ્સો ધરાવે છે. ટ્રમ્પ પરિવારે બ. ક. ઠાકોરને વાંચ્યા હશે કે કેમ એ તો ઉપરવાળો જાણે, પરંતુ તેઓ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન સૂત્રમાં ભરપૂર ભરોસો ધરાવે છે એટલું તો નક્કી.
ડોનાલ્ડના પિતા જ્હોન ટ્રમ્પ ન્યૂ યોર્કમાં મધ્યમ કક્ષાના પ્રોપર્ટી ડેવલપર હતા. ન્યૂ યોર્ક જેવા મહાનગરમાં મધ્યમ કક્ષાના ડેવલપર હોવું એટલે આર્થિક સદ્ધરતા તો હોય જ. ટ્રમ્પે પિતાના આ જ વ્યવસાય પર સફળતાની બુલંદ ઇમારતનું નિર્માણ કર્યું. ટૂંકમાં વાત કરીએ તો, સમય વીત્યે ડોનાલ્ડે રિઅલ એસ્ટેટનું ખરા અર્થમાં એક સામ્રાજ્ય રચ્યું. જેમાં રેસિડેન્સિયલથી માંડીને કોમર્શિયલ પ્રોપર્ટી, હોટેલ્સ, રિસોર્ટ્સ... ગોલ્ફ કોર્સ લગભગ તમામ ક્ષેત્રોને આવરી લીધા. પોતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે અમેરિકા નાનું પડ્યું તો યુરોપમાં વ્યવસાય વિસ્તાર્યો. અરે, તેમની કંપની છેક ભારત પણ પહોંચી. મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણેમાં જંગી મૂડીરોકાણ કરીને ટ્રમ્પ ટાવરનું નિર્માણ કર્યું છે. તેમને જ્યાં પણ વ્યવસાયના વિકાસની તક દેખાઇ છે ત્યાં તેઓ પહોંચ્યા છે. વિકસી રહેલા બજારોને તેમણે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. એક બિઝનેસમેન તરીકે તેઓ જાણે છે કે આવા ઉભરતા બજારમાં જ મૂડીરોકાણ સામે ઊંચા વળતરની ભરપૂર તકો રહેલી હોય છે.
જોકે વ્યવસાય વિસ્તરણમાં આ આક્રમક અભિગમ જ તેમને એક વખત ભારે પણ પડી ગયો છે. ઝપાટાભેર આગળ નીકળી જવાની લ્હાયમાં તેમનું જૂથ એક વખત ભારે નાણાભીડમાં મૂકાઇ ગયું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જેમનું નામ. તેઓ રાખમાંથી ફરી બેઠા થતાં ફિનિક્સ પંખીની જેમ ફરી બેઠા થયા, અને રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરી વિજયપતાકા લહેરાવ્યા.
ટ્રમ્પમાં મહત્ત્વાકાંક્ષા છે, દૂરંદેશી છે એમ યેનકેન પ્રકારેણ મનોવાંછિત લક્ષ્ય હાંસલ કરવાની પ્રબળ જીજીવિષા પણ છે. તેઓ ઇચ્છાઓને સાકાર કરવા માટે ઝઝૂમી જાણે છે. ગની દહીંવાલાના બહુ લોકપ્રિય શેર જેવી જ આ વાત છેઃ અડગ રહેવાના ઇરાદા માડીના જાયા કરે... આવા લોકોને ક્યારેય વાંધો આવતો નથી. પ્રમુખપદની ચૂંટણીમાં પણ તેમને આ બુલંદ ઇરાદાએ જ જીત અપાવી છે.
તેમણે ચાર દસકામાં વિરાટ એમ્પાયર ઊભું કર્યું છે. તેમની સ્થાવર અને જંગમ મિલકતનો સરવાળો માંડવામાં આવે તો આંકડો સાતેક બિલિયન ડોલર સુધી સ્હેજેય પહોંચે છે. ટ્રમ્પ જૂથની મોટા ભાગની કંપનીઓ ખાનગી માલિકીની છે. મતલબ કે શેરબજારમાં લિસ્ટેડ નથી. જેથી આર્થિક બાબતો અંગે વધુ ચોકસાઇપૂર્વક તો કહી શકાય તેમ નથી, પરંતુ ઉપલબ્ધ માહિતીના આધારે આ રજૂઆત કરી છે. આપણે સહુ જાણીએ છીએ કે આર્થિક બાબતોના તથ્યાતથ્ય અંગે તો નિષ્ણાતો દ્વારા ઊંડા અભ્યાસ બાદ જ કંઇક અભિપ્રાય આપી શકાય.
વાચક મિત્રો, ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના અંક સાથે તાજેતરમાં આપને ‘ગ્લોબલ રિચ લિસ્ટ’ વિશેષાંક સાદર કર્યો છે. તેમાં ૧૫૦ ભારતીય બિલિયોનેર્સની વાત રજૂ કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોએ ફિલીપ બેરેસફોર્ડના નેતૃત્વમાં જુદી જુદી કંપનીઓ, જૂથોના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરીને આ યાદી તૈયાર કરી છે. આ માટે તેમણે જે તે કંપનીના રેકોર્ડની શેરબજારમાં પણ ચકાસણી કરી છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઇ પણ નક્કર નિષ્કર્ષ માટે આધારભૂત માહિતીનો અભ્યાસ જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ દ્વારા પ્રકાશિત ગ્લોબલ રિચ લિસ્ટ આગવી વિશ્વસનિયતા ધરાવે છે તેનું કારણ જ આ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક બાબતો અંગે આપણે આટલી ચોકસાઇથી વાતો કરી શકીએ તેમ નથી. આ સાહેબની આવક અઢળક છે. આવક વધવાની સાથે મોજશોખની પ્રવૃત્તિમાં વધારો થવો માનવસહજ પ્રકૃત્તિ છે, પરંતુ ટ્રમ્પસાહેબની વાત નિરાળી છે. આખાબોલા ટ્રમ્પ ખુદ કબૂલે છે તેમ સુંદર અને યુવાન સ્ત્રીને જોતાં જ તેમનું મન બેકાબૂ થઇ જાય છે. આવી સ્ત્રીને ચુંબન કરવાનું તેમને મન થઇ જાય છે, તે સ્ત્રીને સ્પર્શ કરવા તેમના હાથ સળવળવા લાગે છે.
•••
છેલછોગાળા ડોનાલ્ડ અને તેમના ત્રણ લગ્ન
રંગીન મિજાજના ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. ત્રીજી પત્ની પત્ની મેલેનિયા થકી તેમને ૧૦ વર્ષનો એક દીકરો છે. છૂટાછેડા ભલે લીધા હોય, પરંતુ બન્ને ભૂતપૂર્વ પત્નીઓ - ઇવાના ટ્રમ્પ અને માર્લા મેપલ્સ સાથે આજે પણ તેમના સારા સંબંધ છે. સવિશેષ તો બધા જ સંતાનો સાથે સારું બોન્ડીંગ છે. ટ્રમ્પ માટે એટલું અવશ્ય કહી શકાય કે તેમને બધા જ સંતાનો માટે અપાર પ્રેમ છે. આ તમામ સંતાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતાં. આમાંથી ઇવાન્કા નામની દીકરી સમાચારોમાં બહુ ચમકી હતી. જોકે ઇવાન્કાની વાત માંડીએ તે પહેલાં ટ્રમ્પના ભૂતપૂર્વ અને વર્તમાન જીવનસાથીની થોડીક અંતરંગ વાતો કરી લઇએ.
શરૂઆત કરીએ મેલેનિયાથી. ટ્રમ્પના હાલના પત્ની મેલેનિયાનો જન્મ ૨૬ એપ્રિલ ૧૯૭૦ના રોજ સ્લોવેનિયામાં થયો છે. ટ્રમ્પ સાથે લગ્ન બાદ તેમને ગ્રીન કાર્ડ મળ્યું અને યુએસ સિટીઝનશીપ મેળવી. ૧૬-૧૭ વર્ષની ઉંમરથી મોડેલિંગ કરતાં મેલેનિયા અને ટ્રમ્પની પહેલી મુલાકાત ૧૯૯૮માં ન્યૂ યોર્ક ફેશન વીક દરમિયાન થઈ હતી. તે સમયે ટ્રમ્પ અને માર્લાનું લગ્નજીવન ખોરંભે પડ્યું હતું. બન્ને અલગ રહેતા હતા.
રંગીન મિજાજના ડોનાલ્ડ ટ્રમ્પ મેલેનિયા પર ઓળઘોળ થઇ ગયા હતા, પણ મેલેનિયાએ ટ્રમ્પને પોતાનો કોન્ટેક્ટ નંબર આપવાનો પણ ઘસીને ઇન્કાર કરી દીધો હતો. જોકે હાર માની જાય તો ટ્રમ્પ શાના? થોડોક સમય તેની આગળપાછળ ફર્યા, અને માહિતી મેળવીને જ જંપ્યા. સંપર્ક વધ્યો, પણ મેલેનિયા ટ્રમ્પથી અંતર જાળવતી હતી. એકાદ વર્ષ બાદ ૧૯૯૯માં મેલેનિયાએ ટ્રમ્પ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો. તે સમયે મેલેનિયા ટ્રમ્પની સાથે રિફોર્મ પાર્ટી પ્રેસિડેન્શિયલ નોમિનેશનમાં તેમનો પ્રચાર કરતી જોવા મળી હતી.
દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે તેની પાછળ મેલેનિયાનો હાથ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન ખુદ મેલેનિયાએ જણાવ્યું હતું તે પ્રમાણે તેણે જ ડોનાલ્ડને પ્રમુખપદની ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યા હતા. મેલેનિયાનું કહેવું હતું કે હું જાણું છું કે તેઓ અમેરિકા અને અમેરિકન્સને કેટલો પ્રેમ કરે છે, તેઓ તેમના માટે ઘણું કરી શકે છે.
વાચક મિત્રો, અમેરિકાના ફર્સ્ટ લેડી બનનારા મેલેનિયા વિશે થોડુંક આ પણ જાણી જ લો. (જેના લગન હોય તેના ગીત તો ગાવા પડે ને...) મેલેનિયાનું લગ્ન પૂર્વેનું નામ હતું મેલેનિયા નોસ. ૨૦૦૫માં ડોનાલ્ડ સાથે લગ્ન બાદ તેઓ મેલેનિયા ટ્રમ્પ બન્યાં. ડોનાલ્ડ ટ્રમ્પનાં પહેલાં પત્ની ઈવાનાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરથી તેઓ ૮ વર્ષ નાનાં છે. મેલેનિયા અને ડોનાલ્ડના લગ્નમાં બિલ અને હિલેરી ક્લિન્ટન પણ ઉપસ્થિત રહ્યા હતા. મેલેનિયાએ લગ્નપ્રસંગે એક લાખ ડોલરનો ડ્રેસ પહેર્યો હતો, જેને બનાવવા માટે ૫૫૦ કલાક લાગ્યા હતા. સ્લોવેનિયામાં જન્મેલાં, પણ યુગોસ્લાવિયામાં ઉછરેલાં મેલેનિયા સ્લોવેનિયન, અંગ્રેજી, ફ્રેન્ચ, સર્બિયન અને જર્મન એમ પાંચ ભાષા બોલી જાણે છે. અને હા, મેલેનિયા અમેરિકાના ઈતિહાસનાં એવાં પહેલાં ફર્સ્ટ લેડી હશે, જેઓ એક વખત ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂક્યાં છે. ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થતાં પુરુષોના એક મેગેઝિન માટે તેમણે આ ફોટોશૂટ કરાવ્યું હતું.
હવે વાત પ્રથમ જીવનસાથી ઈવાના ટ્રમ્પની. ઈવાના અને ડોનાલ્ડ ૭ એપ્રિલ ૧૯૭૭ના રોજ લગ્નબંધને બંધાયા. ૧૯૯૧ સુધી ટકેલા આ લગ્નજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો થયા. બન્નેએ સાથે મળીને ઘણા બિઝનેસ પ્રોજેક્ટ પણ સફળતાપૂર્વક સાકાર કર્યા.
બધું સુખરૂપ ચાલતું હતું તે દરમિયાન ડોનાલ્ડના માર્લા મેપલ્સ સાથેના અફેરના સમાચાર બહાર આવ્યા. નારાજ ઈવાનાએ ૧૯૯૧માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોનો છેડો ફાડ્યો. આ છૂટા-છેડા સાથે ઇવાનાએ ટ્રમ્પની સંપત્તિમાં અડધોઅડધ હિસ્સો પણ મેળવ્યો.
ઇવાના સાથેના લગ્નજીવનનો અંત આવ્યા બાદ ડોનાલ્ડની માર્લા મેપલ્સ સાથેની નજદિકીયાં વધી. સંબંધ ગાઢ બન્યાં અને બન્ને ૧૯૯૩માં લગ્નબંધને બંધાયા. આમ તો બન્નેનો સંપર્ક છેક ૧૯૮૫થી હતો. જોકે તે સમયે ડોનાલ્ડ અને ઈવાનાનો ઘરસંસાર સુખરૂપ ચાલતો હતો. ડોનાલ્ડ-ઈવાના છૂટા પડ્યા બાદ બન્ને વચ્ચેના સંબંધ ગાઢ બન્યાં અને લગ્ન કરી લીધા. લગ્નના બે જ મહિના બાદ પુત્રી ટેફનીનો જન્મ થયો હતો. આ લગ્ન ૬ વર્ષ ટક્યા હતા. ૧૯૯૯માં ડોનાલ્ડ-માર્લા છૂટાં પડ્યાં. આ વખતે લગ્નજીવનમાં ભંગાણ માટે ડોનાલ્ડના મેલેનિયા સાથેના સંબંધો કારણભૂત બન્યા હતા.
•••
ડોનાલ્ડ માટે ઈવાન્કા નથી પારકી થાપણ
દીકરી ભલે પારકી થાપણ કહેવાતી હોય, પણ ઈવાન્કાની વાત અલગ છે. તેણે લગ્ન કરીને ઘરસંસાર વસાવ્યો છે, પણ ડોનાલ્ડે પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી ત્યારથી માંડીને વિજેતા બન્યા ત્યાં સુધી ઈવાન્કાએ સતત પિતાની સાથે રહીને કામ કર્યું છે. જોકે તેનું પ્રેમપ્રકરણ કંઇક અંશે હિન્દી ફિલ્મની સ્ટોરી જેવું છે.
અત્યંત દેખાવડી અને મહત્ત્વાકાંક્ષી ઈવાન્કાએ ન્યૂ યોર્કમાં જ વસતાં યહુદી યુવાન જેરાર્ડ કુશ્ચનર સાથે સંસાર માંડ્યો છે. જેરાર્ડના પિતા ચાર્લ્સ કુશ્ચનર પણ પ્રોપર્ટી ડેવલપર હતા, અને આગવી નામના ધરાવતા હતા. જોકે તેમણે વ્યવસાયમાં કંઇક કાળાંધોળાં કર્યા હશે તે ૨૦૦૫માં કોર્ટે તેમને જેલની સજા ફરમાવી હતી.
કસોટીના આ કપરા કાળમાં ચાર્લ્સ અને જેરાર્ડના પિતા-પુત્ર તરીકેના સંબંધમાં વધુ મજબૂત બન્યા હતા. આમ પણ કુશ્ચનર પરિવાર ઓર્થોડ્ક્સ જ્યુ પરિવાર છે. પરિવારજનોમાં એકમેક પ્રત્યે અઢળક પ્રેમ નવાઇની વાત નહોતી. પિતાને જેલમાં મોકલાયા તો જેરાર્ડ છ - છ કલાકની હાલાકી વેઠીને પણ પિતાને મળવા દર સપ્તાહે પ્લેનથી જતો. પિતાને મળે, તેમના ખબરઅંતર જાણે. જેલમુક્તિના થોડાક સમય બાદ પિતાને જેરાર્ડ અને ઈવાન્કાના પ્રેમસંબંધની જાણ થઇ. આ સમયે પિતાએ જેરાર્ડને સમજાવ્યું કે આપણો પરિવાર પરંપરાગત જૂનવાણી માન્યતા ધરાવતો યહુદી પરિવાર છે, જ્યારે ઈવાન્કાનો પરિવાર ખ્રિસ્તી છે. આમાં તમારા બન્નેનો ઘરસંસાર ચાલશે કેમ? આમ છતાં પણ જો તમે લગ્ન કરવા ઇચ્છતા જ હો તો ઈવાન્કાને સમજાવ કે તે યહુદી ધર્મ અંગીકાર કરી લે.
પશ્ચિમી દેશની મુક્ત વિચારસરણી ધરાવતા માહોલમાં ઉછેર છતાં જેરાર્ડ તેના પરિવારજનોને નારાજ કરવા માગતો નહોતો. અને ઈવાન્કા સાથેના લગ્નનો વિચાર માંડી વાળ્યો. પ્રેમપ્રકરણ પર તે સમયે તો પૂર્ણવિરામ મૂકાઇ ગયું. જોકે ન જાણ્યું જાનકી નાથે... જેરાર્ડ કે ઈવાન્કામાંથી કોઇ જાણતું નહોતું કે આ પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હતું.
મીડિયા મોગલ રુપર્ટ મર્ડોકના ચાઇનીઝ પત્ની વેન્ડી ડેન્ગ ઈવાન્કા અને જેરાર્ડના પ્રેમસંબંધથી વાકેફ હતા. તેમને આ સારસ-બેલડી છૂટી પડ્યાની ખબર પડી. (તે સમયે રુપર્ટ મર્ડોક અને વેન્ડી સાથે જ હતા, છૂટા પડ્યા નહોતા.)
ન્યૂ યોર્કમાં રહેતા કોઇ પણ ધનાઢય પરિવાર માટે ટ્રમ્પ કે કુશ્ચનર પરિવારનું નામ અજાણ્યું નહોતું. મર્ડોક દંપતી પણ આ પરિવારથી પરિચિત હતા. વેન્ડીએ જેરાર્ડ અને ઈવાન્કાને ફરી પ્રેમબંધને બાંધવાનું બીડું ઝડપ્યું. તેમણે ઈવાન્કા અને જેરાર્ડને પોતાની લક્ઝુરિયસ યાટ પર પાર્ટી માટે નિમંત્ર્યા. જોકે બન્નેમાંથી કોઇને આ વાતની જાણ કરી નહોતી કે મહેમાનોમાં કોણ કોણ સામેલ છે. સામાજિક બંધનોના કારણે લાંબા સમયથી અલગ પડેલા જેરાર્ડ અને ઈવાન્કા આમનેસામને આવ્યા, અને ફરી પ્રેમનું પુષ્પ પાંગર્યું. બન્નેએ ઘણી વાતો કરી. સંપર્ક ફરી સ્થપાયો. અને આજે તેઓ એક છે. સુખી સંસાર છે. હા, ઈવાન્કાએ આ પૂર્વે યહુદી ધર્મ અપનાવી લીધો છે તે અલગ વાત છે. આજે જેરાર્ડ અને ઈવાન્કાએ એકબીજાના પરિવારોના દિલ જીતી લીધા છે. બન્ને એકમેકના પરિવારમાં અદકું સ્થાન ધરાવે છે. આ જ કારણ છે કે ટ્રમ્પ તેમની સરકારમાં જેરાર્ડને મહત્ત્વનું સ્થાન આપવા આતુર છે. તેમની ઇચ્છા છે કે સરકાર બને તેમાં જમાઇને સારો હોદ્દો આપવો.
વાચક મિત્રો, અંગત જીવનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અનેક ઝંઝાવાતોનો સામનો કર્યો હોય, પરંતુ દરેક વખતે તેઓ વિજેતા બનીને ઉભર્યા છે. આ જૂઓને વધુ એક ઉદાહરણ આપું. ડોનાલ્ડ ટ્રમ્પ યેનકેન પ્રકારેણ નાણાં કમાવાની જાતભાતની યોજનાઓ જાહેર કરતા રહ્યા છે, અને તેમાંથી કમાણી પણ કરતા રહ્યા છે. ન્યૂ યોર્કમાં રહેતા સહુ કોઇ જાણે છે કે ટ્રમ્પ પાસે પારસમણિ છે. તેઓ જે કોઇ ચીજવસ્તુને સ્પર્શે છે તે સોનાની થઇ જાય છે. તેણે ૨૦૦૫માં એક યોજના બહાર પાડી હતી. જે અંતર્ગત એવી જાહેરાત થઇ હતી કે ૩૫ હજાર ડોલરની ફી ભરીને ટ્રમ્પ યુનિવર્સિટીમાં એડમિશન લેનાર વ્યક્તિને પ્રોપર્ટી ક્ષેત્રની વ્યાવસાયિક આંટીઘૂંટીઓનો સામનો કરીને કઇ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તેના પાઠ ભણાવાશે. રિઅલ એસ્ટેટની વાત હોય અને તેની સાથે ટ્રમ્પનું નામ જોડાયેલું હોય એટલે પછી કંઇ બાકી રહે?!
આશરે ૫૦૦૦ લોકોએ ફી ભરીને યુનિવર્સિટીમાં એડમિશન લીધું. યુનિવર્સિટી સંચાલકોએ મસમોટી રકમ એકત્ર કરી લીધી. વાતો બહુ મોટી મોટી કરી, પણ અભ્યાસક્રમમાં કંઇ બરકત નહોતી. ધકેલ પંચા દોઢસો જેવી વાત હતી. આખરે ૭૫ જણાએ કંટાળીને ડોનાલ્ડ ટ્રમ્પ પર કેસ ઠોકી દીધો. કેસની સુનાવણી ચાલતી હતી તે દરમિયાન જ પ્રમુખ પદનો ચૂંટણી જંગ યોજાયો. અને ટ્રમ્પ વિજેતા તરીકે ઉભર્યા.
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ જાહેર થતાં ત્રણ જ દિવસમાં સેટલમેન્ટ કરી નાખ્યું હોવાના અહેવાલ છે. કેસની માંડવાળી પેટે ૨૫ મિલિયન ચૂકવાયા હોવાનું કહેવાય છે. આ કેસ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ તે પહેલાં નોંધાયેલા હતા. હવે તો ચૂંટણી પૂરી થઇ ગઇ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થયા હોવાથી તેમને આવા કેસોમાં ઇમ્યુનિટીનો લાભ મળે તેમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એવા માણસ છે જેઓ અંગત કે વ્યાવસાયિક જીવનમાં હંમેશા વાદવિવાદમાં રહ્યા હોવા છતાં અમેરિકી પ્રજાએ પ્રમુખપદની વરમાળા તેમના ગળામાં પહેરાવી છે. પોપ્યુલર વોટમાં ભલે નજીકના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન એક ડગલું આગળ રહ્યા હોય, પરંતુ કોલેજિયમમાં ધરખમ બહુમતી હાંસલ કરીને ટ્રમ્પે પ્રમુખપદ સુનિશ્ચિત કર્યું છે. જો જીતા વોહી સિકંદર...
વાચક મિત્રો, જૂની વાતો બાજુએ મૂકીએ, અને આજકાલ વરાયેલા પ્રમુખ ટ્રમ્પસાહેબ શું કરી રહ્યા છે તેના પર નજર ફેરવીએ. અત્યારે તેઓ નવી સરકાર રચવાના કામે વળગ્યા છે. અમેરિકા, બ્રિટન અને ભારતમાં લોકતંત્ર શાસનપ્રણાલિ ભલે હોય, પરંતુ તેના બંધારણમાં આસમાન-જમીનનો ફરક છે. અમેરિકા કરતાં બ્રિટનનું અને બ્રિટન કરતાં ભારતનું બંધારણ અલગ છે. ભારતનું બંધારણ લેખિત છે. બ્રિટનના બંધારણ પર પરંપરાનો પ્રભાવ છે, અને તે બધું લેખિતમાં નથી. જ્યારે અમેરિકામાં ભારતની જેમ બધેબધી બંધારણીય જોગવાઇઓ લેખિત છે. કોણ ચૂંટણી લડી શકે તેવા પ્રશ્નથી માંડીને ચૂંટણી પદ્ધતિ, પરિણામો, કોઇ મડાગાંઠ પડે તો ક્યા પ્રકારે ઉકેલ શોધવો વગેરે બધી જ બાબતો બંધારણના ચોપડે ચઢેલી છે. લખાણ તો વંચાણ - તે ન્યાયે આ બધી જોગવાઇ થયેલી છે.
અમેરિકામાં વ્યક્તિની ઉમેદવારી વધારે મહત્ત્વની છે. જેમ કે, પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનું પ્રતિનિધિત્વ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ પક્ષના કંઇ પીઢ નેતા નહોતા. અરે, તેમને રાજકારણનો બહોળો અનુભવ પણ નથી. અને પક્ષના બહુમતી વરિષ્ઠ નેતાઓનું પણ તેમને સમર્થન નહોતું. જોકે ટ્રમ્પની ઇચ્છા હતી પ્રમુખપદના ચૂંટણી જંગમાં ઝૂકાવવાની. આથી દોઢેક વર્ષ પૂર્વે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે તેમણે ચક્રો ગતિમાન કર્યા. પરિણામ આપણી નજર સમક્ષ છે. પોતીકા ૨૦૦-૩૦૦ મિલિયન ડોલર ચૂંટણી પ્રચાર - પ્રસારમાં ખર્ચી નાખ્યા. આક્રમક અભિગમ તો તેમના લોહીમાં જ હતો. ક્યારેક અવિચારી તો ક્યારેક બહુ આયોજનપૂર્વક બેફામ નિવેદનો કર્યા, અને સમાચારોમાં છવાઇ ગયા. પ્રતિસ્પર્ધીઓ તો ઠીક, પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાઓએ તેમના નિવેદનો સાથે છેડો ફાડ્યો. જાહેરમાં જ વિરોધનો સૂર વ્યક્ત કર્યો. અરે, તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ તો માગણી કરી કે રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પની ઉમેદવારી રદ કરવી જોઇએ. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સ્હેજ પણ ડગ્યા વગર બધા સામે ઝઝૂમ્યા, ચૂંટણી લડ્યા અને વિજેતા બનીને ઉભર્યા. બધાએ વાંધાવચકા કાઢ્યા, પણ મતદારોએ પસંદગીનો કળશ તેમના પર જ ઢોળ્યો. રાજાને ગમી તે રાણી ને પ્રજાને ગમ્યા તે પ્રમુખ.
અમેરિકાની આગવી ચૂંટણી પરંપરા
વાચક મિત્રો, આપને જાણીને નવાઇ લાગશે કે અમેરિકામાં છેલ્લા ૨૦૦ વર્ષથી દર ચાર વર્ષે યોજાતી પ્રમુખપદની ચૂંટણી માટે નવેમ્બર મહિનાના બીજા મંગળવારે જ મતદાન થાય છે. આથી આ વખતે આઠમી નવેમ્બરે મતદાન થયું. બીજા મંગળવારે જ મતદાનના આ ‘મૂહુર્ત’નું કનેક્શન ધર્મ સાથે છે. તે વેળા અમેરિકામાં, અત્યારની જેમ જ, ખ્રિસ્તી ધર્મનો ભારે પ્રભાવ હતો. ખ્રિસ્તી સમુદાયમાં રવિવાર એટલે સન્ડે પ્રેયરનો દિવસ. લોકો ચર્ચમાં જાય, ઇસુપ્રાર્થના કરે. તે વેળા આજની જેમ વાહનવ્યવહારની સગવડ તો હતી નહીં. આથી રવિવારે લોકોને પ્રેયર માટે ચર્ચમાં જઇને ઘરે પરત ફરતાં લાંબો સમય લાગી જતો હતો. આમ જો રવિવારે મતદાન યોજાય તો નહીંવત્ મતદાન થાય. સોમવારનો દિવસ એટલે પસંદ ન થયો કે લોકો રવિવારની અવરજવરથી થાક્યાપાક્યા હોય. ઉપરાંત સપ્તાહના કામકાજનો પહેલો દિવસ પણ ખરો. કેટલા લોકો આ દિવસે મતદાન કરવા આવશે તેવી આશંકા હતી. આથી છેવટે મતદાન માટે મંગળવારની પસંદગી થઇ. બસ, તે દી’ની ઘડી ને આજનો દિવસ. તે પરંપરા આજે બે સદી પછી પણ જળવાઇ રહી છે. દેશ કોઇ પણ હોય, દરેક પરંપરા ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિને અનુરૂપ હોય છે.
મતદાન થયાના બે સપ્તાહ બાદ સોમવારે આ લખાઇ રહ્યું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને સલાહકારો પ્રધાનમંડળના સાથીદારોથી માંડીને વિશ્વના જુદા જુદા દેશોમાં અમેરિકી એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવી તે પસંદગીના કામે લાગ્યા છે. કેટલાક ટોચના હોદ્દા પરના નામોની પસંદગી થઇ પણ ગઇ છે.
માનનીય નરેન્દ્રભાઇનું વડું મથક પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ) તરીકે ઓળખાય છે તો યુએસ પ્રમુખનું હેડ ક્વાર્ટર પ્રેસિડેન્ટ્સ ઓફિસ તરીકે જાણીતું છે. અત્યારે અહીં મંત્રણાઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે માઇકલ ફિલનનું નામ નક્કી થઇ ગયું છે. આ ઉપરાંત લુઝીયાનાના ગવર્નર પદે રહી ચૂકેલા બોબી જિંદાલ અને નોર્થ કેરોલિનાના ગવર્નર પદે રહી ચૂકેલા શ્રીમતી હેલી (બંને પંજાબી) પ્રધાનમંડળમાં સમાવેશ થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. નોંધનીય છે કે બ્રિટન હોય કે અમેરિકા, જ્યાં પણ ભારતવંશીઓ સરકારમાં મહત્ત્વનું ધરાવી રહ્યા છે અથવા તો નજીકના ભવિષ્યમાં આવું સ્થાન મેળવે તેવી શક્યતા છે તેમના જીવનસાથી બિનભારતીય જોવા મળે છે.
આઠમી નવેમ્બરે મતદાન સંપન્ન થયું, અને બીજા જ દિવસે મતગણતરી પૂરી કરીને વિજેતા તરીકે ટ્રમ્પના નામની જાહેરાત પણ થઇ ગઇ છે, પરંતુ વરાયેલા પ્રમુખનો શપથગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ યોજાશે. ચૂંટણી પરિણામોથી માંડીને પ્રમુખના શપથગ્રહણ વચ્ચેના આટલા લાંબા સમયગાળાનું કારણ એ છે કે આ દિવસોમાં મહત્ત્વના હોદ્દાઓ પર જે કોઇ નામોની પસંદગી થશે તે તમામના બેકગ્રાઉન્ડની અમેરિકી સંસદ - કોંગ્રેસ દ્વારા ઊંડાણભરી તપાસ થશે. કોઇ ઉમેદવારની પસંદગી અયોગ્ય જણાશે તો ત્યાં નામની ફેરવિચારણા પણ થશે. પરિણામ જાહેર થવાથી માંડીને શપથગ્રહણ સુધીનો સમયગાળો વેટીંગ પ્રોસેસ તરીકે ઓળખાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમેતેવા આખાબોલા હોય કે વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતા હોય, પરંતુ હવે તેઓ પ્રેસિડેન્ટ ઇલેક્ટ છે. તેમણે તેમના હોદ્દાને છાજે તેમ સહુ કોઇ સાથે સારા સંબંધ કેળવવા અને જાળવવા પ્રયાસ કરવા પડશે. જાહેરજીવન હોય કે અંગતજીવન, ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી જે પ્રમાણે કૂદકા મારતા રહ્યા છે તેવું થઇ શકશે નહીં. આખરે તો તેઓ એક મહાસત્તાનું નેતૃત્વ કરવાના છે.
ગઇ સદીની શરૂઆતમાં અમેરિકાની સિવિલ સર્વીસનો ઢાંચો ઘડાયો. જે અનુસાર શાસકે અમુક પ્રકારની આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. ટ્રમ્પ પણ આમાંથી બાકાત નહીં રહે. શાસનપ્રણાલિ સાથે તેમને તાલમેળ સાધવો જ પડશે.
વાચક મિત્રો, એક બીજો પણ પ્રશ્ન ચર્ચામાં છે. ૫૦ના દસકામાં ડ્વાઇટ આઇઝનહોવર રિપબ્લિકન ઉમેદવાર તરીકે અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા ત્યારથી એક પરંપરા ઉભી થઇ છે. પ્રમુખપદે બેસનાર વ્યક્તિ તેના કાર્યકાળ દરમિયાન પોતીકા ધંધા-ઉદ્યોગ કે મૂડીરોકાણ સહિત જે કંઇ પણ વ્યાવસાયિક હિતો હોય છે તેને બ્લાઇન્ડ ટ્રસ્ટમાં મૂકી દે છે. મતલબ કે તેઓ ખુદ તેના નિર્ણયોમાં સામેલ થતા નથી. રાષ્ટ્રીય હિત અને અંગત આર્થિક હિતોની ભેળસેળ અટકાવવા માટે આ પરંપરા ઉભી થઇ છે તે સમજાય તેવું છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરંપરા આગળ વધારવાના મૂડમાં નથી. તેઓ આવું કંઇ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે. જોકે વાળ્યા ન વળે તે હાર્યા વળશે. રાષ્ટ્રીય હિત સામે ટ્રમ્પને શરણાગતિ ન સ્વીકારવી પડે તો જ નવાઇ.
વિદાય લઇ રહેલા વર્તમાન પ્રમુખ બરાક ઓબામાએ તાજેતરમાં જ બર્લિનમાં યોજાયેલા એક સમારોહને સંબોધતાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અત્યાર સુધી ગમેતેમ બોલ્યા હશે, પરંતુ સત્તાના સૂત્રો હસ્તગત કરશે ત્યારે તેમના વાણીવર્તનમાં પણ અવશ્ય ફેરફાર આવશે જ. આશા રાખીએ કે ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યકાળમાં અમેરિકા જ નહીં, સમસ્ત વિશ્વ પ્રગતિના પંથે આગેકૂચ કરે, વિશ્વમાં શાંતિનો માહોલ સર્જાય. (ક્રમશઃ)