વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે પોતાના આરોગ્યની યોગ્ય સારસંભાળ લેવાની, દેખભાળ રાખવાની દરેક વ્યક્તિની પોતિકી જવાબદારી છે. બીજા બધા - સાથી-સ્વજનો-પરિવારજનો તમને આ કામમાં સહાયક થઇ શકે, પરંતુ આરોગ્યની સારસંભાળ તો તમારે જાતે જ નિભાવવી પડે. આથી જ આ વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલું - અને ઉપરના મથાળામાં ટાંકેલું - પુસ્તક મારા હાથમાં આવ્યું ત્યારે એક બેઠકે વાંચી ગયો હતો.
‘આપણું આરોગ્ય આપણા હાથમાં’ નામનું આ પુસ્તક વીસેક વર્ષ પૂર્વે મુંબઇના ભૂતપૂર્વ શેરિફ મોહનભાઇ આઇ. પટેલે લખીને પ્રસિદ્ધ કર્યું હતું, અને તેમણે જ મને ભેટ આપ્યું હતું. કોઇ પણ વ્યક્તિ કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખીને કઇ રીતે નિરામય આરોગ્ય જાળવીને તંદુરસ્ત જીવન શકે તે સંદર્ભે એકદમ સરળ સલાહસુચન આપતું આ પુસ્તક સ્વાસ્થ્યના જતન-સંવર્ધન સંદર્ભે ખરા અર્થમાં સો ટચના સોના જેવું છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. પુસ્તકના આધારે તો આપણે આગળ વાત કરશું જ, પરંતુ પહેલાં જરા મોહનભાઇ પટેલ સાહેબનો પરિચય મેળવી લઇએ.
મોહનભાઇ મૂળે નડિયાદ નજીકના ઉત્તરસંડાના વતની. તેમના જન્મવેળા - આજથી નવેક દસકા પૂર્વે - ગાંધીયુગનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હતો. ઈશ્વરભાઇ નામના આદર્શવાદી સજ્જનને ત્યાં પુત્રજન્મ થયો, અને તેમણે નામ રાખ્યું મોહન. મોહન નામ માટે કંઇ કરમચંદ ગાંધીનો જ થોડો ઇજારો હતો?! ભારતમાં વીસીથી ચાળીસીના દસકા દરમિયાન પુત્રના નામકરણ માટે ‘મોહન’ નામ લોકપ્રિયતામાં સર્વોચ્ચ સ્થાને હતું એમ કહી શકાય. માન્યામાં નથી આવતું? આ અરસામાં જન્મેલાં સગાવ્હાલાંઓના નામ પર નજર ફેરવી લેજો. ખેર, બીજા વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો જીત્યા છતાં બ્રિટન માટે હિન્દુસ્તાનનો કબજો હાથમાંથી સરી રહ્યો હતો. તે ગાળામાં મોહનભાઇ લંડન આવ્યા અને ઇમ્પિરિયલ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. અભ્યાસ બાદ તેઓ ભારત પરત ફર્યા અને ટાટા જેવી ટોચની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી.
જોકે સ્વભાવ મૂળે સાહસિક. સૂઝબૂઝ અને દૂરંદેશી પણ ખરા. આથી સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યું. એલ્યુમિનિયમ એક્સટ્રુઝન લિમિટેડની સ્થાપના કરી. ટુથપેસ્ટ માટે ઉપયોગી એલ્યુમિનિયમ ટ્યુબ બનાવવાનો ભારતમાં આ પહેલો પ્લાન્ટ હતો. સાહસે વરે સિદ્ધિ એ ન્યાયે અઢળક કમાયા. તેઓ માત્ર નામથી જ મોહન નહોતા, મોહનદાસ કરમચંદ ગાંધીના મૂલ્યોને પણ તેમણે જીવનમાં આત્મસાત કર્યા હતા. ગાંધીજીના ટ્રસ્ટીશીપના મૂલ્યોને આજીવન અનુસર્યા. વ્યક્તિગત સંપત્તિ તેમણે સમાજ કલ્યાણ કાજે વાપરી જાણી.
ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે જાણીતા બન્યા. તેમના સામાજિક પ્રદાનને નજરમાં રાખીને મહાનગર મુંબઇના ગવર્નરે શેરિફ તરીકે તેમની નિમણૂક કરી. વર્ષોના વહેવા સાથે મોહનભાઇએ વેપાર-વણજનું સુકાન સંતાનોને સોંપ્યું. સામાજિક પ્રવૃત્તિમાં વધુ જીવ પરોવ્યો. સમય તેનું કામ કરી રહ્યો હતો. દસકાઓના જીવનસંગાથી આદરણીય ચંદ્રાબહેને સાથ છોડ્યો. આ કારી ઘા છતાં તેઓ વધુને વધુ સમય અને સંપત્તિ સમાજ કાજે ફાળવતા રહ્યા. તેઓ શિક્ષણનું મૂલ્ય સમજતા હતા. આથી શૈક્ષણિક કાર્યો અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે ઉદાર હાથે અનુદાન આપ્યું. મારા મતે તેમણે વિવિધ ક્ષેત્રે આપેલા અનુદાનનો આંકડો ૨૫ કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. આમાં માદરે વતન અને આ વિસ્તાર સાથે સંકળાયેલા ચાંગા સ્થિત શિક્ષણ સંસ્થાન ચારુસેટ માટે ફાળવેલી ૧૪ કરોડ રૂપિયા જેવી માતબર રકમનો સવિશેષ ઉલ્લેખ કરવો રહ્યો.
માત્ર ઉદાર આર્થિક સહયોગની જ વાત નથી, આજે પણ તેઓ સંસ્થાઓને પોતાના વહીવટી અને સંચાલકીય કૌશલ્યના અનુભવ થકી મદદરૂપ થવા હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. હાલ તેઓ મુંબઇમાં વસે છે, પરંતુ કોઇ સંસ્થાનું તેડું આવે કે તરત જ તેઓ ચરોતર કે ગુજરાતના પ્રવાસે જઇ પહોંચે છે. સમાજસેવા પરમો ધર્મઃ જાણે તેમનું જીવનસૂત્ર બની ગયું છે.
આવા સમાજરત્ન મોહનભાઇએ આયુષ્ય, આરોગ્ય, આયુર્વેદ જ્ઞાન, અંગત અનુભવ, અંતરેચ્છા, મનોબળ, સ્વમાન અને સન્માન જેવા પોતીકા મૂલ્યોના આધારે આપણું આરોગ્ય આપણા હાથમાં પુસ્તક લખ્યું છે. અને તેમાં થયેલા સુચનોના અમલીકરણથી મને પણ ઘણો લાભ થયો છે તે મારે સ્વીકારવું જ રહ્યું.
આ તો બે’ક દસકા જૂની વાત થઇ. આનો અત્યારે શું સંદર્ભ છે? દસમી સપ્ટેમ્બરથી ઈંગ્લેન્ડ સમસ્તમાં મૂવીંગ મેડિસિન અભિયાનનો આરંભ થઇ રહ્યો છે. તેનો સૂર પણ કંઇક એવો જ છે જે ‘આપણું આરોગ્ય આપણા હાથમાં’ પુસ્તકમાં વાંચવા મળે છે. આપણા આખા દેશના આરોગ્યની સારસંભાળ રાખતી NHS (નેશનલ હેલ્થ સર્વીસ) દ્વારા આરોગ્યની સારસંભાળ મુદ્દે જીપીથી માંડીને તમામ નર્સીસ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓના ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોને આ મુદ્દે આદેશ અપાયો છે. ૧૦ બીમારીના નામ આપીને તમામ જીપીને જણાવાયું છે કે જો આમાંથી કોઇ પણ બીમારીથી પીડાતા પેશન્ટ તમારી પાસે આવે તો તેમની સારવાર-સુશુશ્રા દરમિયાન તમારે તેમને ચોક્કસ પ્રકારના સલાહસુચન અવશ્ય આપવાના રહેશે. આ બીમારીઓ કઇ છે?
• ડાયાબિટીસ • સ્ટ્રોક • વેસ્ક્યુલર હાર્ટ ડિસીઝ • ડિપ્રેશન • ડિમેન્શિયા • આર્થરાઇટિસ • મસ્ક્યુલર સ્કેલેટન પેઇન વગેરે.
અત્યાર સુધી જીપી આ બીમારીઓથી પીડાતા દર્દીઓને - પોતે ઇચ્છે તો પણ - જીવનશૈલી કે આહારવિહાર સંદર્ભે સલાહ-સૂચન આપી શક્તા નહોતા. NHSની અગાઉની માર્ગદર્શિકાએ તેમના હાથ બાંધી રાખ્યા હતા. હવે NHS દ્વારા જ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને જણાવાયું છે કે આમાંથી કોઇ પણ બીમારીથી પીડાતા દર્દીને ભારપૂર્વક જણાવવું કે તેમણે બીમારીના કારણવશ ખાટલો પકડીને સૂઇ રહેવાની જરૂર નથી. તેમણે ખાટલો છોડવાનો છે એટલું જ નહીં, કોઇને કોઇક પ્રકારે શારીરિક રીતે સક્રિય રહેવાનું છે. પૂરતું હલનચલન કરતા રહેવાનું છે. આ નવી લાગુ થનારી માર્ગદર્શિકામાં દવાના ઉપયોગ જેટલું જ મહત્ત્વ પેશન્ટની ભોજનશૈલી અને જીવનશૈલીને પણ આપવામાં આવ્યું છે. ન કરે નારાયણ અને આમાંથી કોઇ બીમારી સંદર્ભે આપને જીપીનો સંપર્ક કરવો પડ્યો તો સંભવ છે કે હવેથી તેઓ તમને ખાણીપીણી અને જીવનશૈલી અંગે પણ સલાહસૂચન આપશે.
વાચક મિત્રો, બીમારી કોઇ પણ હોય તેના ઉપચારમાં આહાર-વિહાર પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે તે વાત NHSને ભલે હવે સમજાઇ હોય, પરંતુ આપણા શાસ્ત્રો સૈકાઓથી અને મોહનભાઇ પટેલ જેવા વિદ્વાનો દસકાઓથી આ વાત કહેતા રહ્યા છે. અરે, શાસ્ત્રો-વિદ્વાનોની વાત છોડો... મારા જેવો આમ આદમી પણ આપણા આવા ગ્રંથો અને વિદ્વાનોના સલાહસુચનોને અનુરૂપ જીવનશૈલી અપનાવીને ટનાટન જીવન જીવી જ રહ્યો છેને? આવા ગ્રંથો, પુસ્તકો કે લેખો વાંચ્યા બાદ, તેના પર ચિંતન કર્યા બાદ તેનો સુચારુ અમલ કરવાથી શું લાભ થાય છે તે આપ સહુની નજર સમક્ષ છે.
આપ સહુ સમક્ષ આરોગ્ય સંબંધિત વાતચીત કરતાં એક વાતે ફરી સ્પષ્ટતા કરી જ દઉં કે હું કોઇ ડોક્ટર નથી કે આવી કોઇ મારી હેસિયત પણ નથી કે પછી આપ સહુને આરોગ્ય સંબંધિત મુદ્દે સલાહસૂચન આપવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. મેં આરોગ્ય સંદર્ભે કરેલી રજૂઆતોમાંથી અમલમાં મૂકો તો પણ ઠીક છે, અને ના મૂકો તો પણ કોઇ અફસોસ કે ફરિયાદ નથી. પસંદ અપની અપની ખ્યાલ અપના અપના. મેં મને માફક આવ્યું તે અમલમાં મૂક્યું છે, તન-મનને લાભ થયો છે એટલે આપ સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. જો આમાંથી તમે કંઇ પણ અમલમાં મૂકવા માગતા હો તો બાપલ્યા, જરા બે વાર વિચારજો. પોતપોતાની શારીરિક અને માનસિક તાસીરને ધ્યાનમાં રાખીને, માફક આવે તેવું અને તેટલું જ અમલમાં મૂકજો, નહીં તો ક્યાંક બકરું કાઢતાં ઊંટ પેસવા જેવો તાલ થઇ શકે છે.
સુજ્ઞ વાચક મિત્રો, આટલી સ્પષ્ટતા પછી મારી અને મારા આરોગ્યની વાત કરું તો, પરમાત્માની કૃપા, પરિવારજનોના સહયોગ અને અઢળક લોકોના ઉપકાર થકી આપનો આ બંદો ટનાટન છે. મારું સ્પષ્ટ માનવું છે કે મારા ટકોરાબંધ સ્વાસ્થ્ય માટે આહારશૈલી ઘણી નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. મારી આહારશૈલીનું સ્વરૂપ-સ્વાદ કંઇક આવા હોય છેઃ
મારા રોજિંદા આહારમાં ૩૦થી ૩૫ ટકા હિસ્સો કાર્બોહાઇડ્રેટનો હોય છે. કાર્બોહાઇડ્રેટ એટલે ચોખા કે ઘઉંની બનાવટ જ નહીં. દરેક શાકભાજીમાં પણ ઓછાવતા અંશે કાર્બોહાઇડ્રેટ હોય જ છે તે હંમેશા યાદ રાખવું. મારી પસંદગીના શાકભાજીની વાત કરું તો તે આ પ્રમાણે છેઃ પરવળ, દૂધી, ભીંડા, ગુવારસીંગ, સરગવાની સીંગ, બટાટા, શક્કરિયા, ડુંગળી... ઉપરાંત ભાજીપાલો વગેરે મને વધુ ભાવે અને ફાવે પણ ખરો. આમાં રેસા પણ હોય એટલે તેનાથી પાચનક્રિયા પણ ટનાટન રહે. આ ઉપરાંત બ્રોકોલી અને આર્ટીચોક્સ પણ ખરા. બ્રોકોલી તો વીકમાં ૩-૪ દિવસ ભોજનમાં હોય જ.
ભોજનમાં ઉપયોગમાં લેવાતા મરીમસાલાની વાત કરું તો... હળદર, તજ, લસણ, આદુ વગેરે તો લેવાનાં જ, પરંતુ તેનું પ્રમાણ વધુ હોય. આ ચારેય મસાલા એવા છે જે શરીર તંત્ર માટે ખૂબ ઉપકારક છે. તે એક યા બીજા પ્રકારે તમારું મેટાબોલિઝમ સુધારીને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે, પાચનશક્તિ મજબૂત બનાવે છે. તમે જે કંઇ ખાઓ-પીઓ છો તેનું યોગ્ય રીતે પાચન થવું જરૂરી છે, જો પાચન જ નહીં થાય તો તેના લાભ ક્યાંથી મળવાના? આથી શરીરનું મેટાબોલિઝમ સારું હોવું જરૂરી છે. સફેદ ઝેર જેવાં નમક, ખાંડ વગેરે પ્રમાણસર કે સાવ ઓછાં.
હવે વાત કરીએ ફળાહારની. લગભગ એકાતરા દિવસે બે-ચાર ઓરેન્જ પેટમાં પધરાવી જ દઉં છું. અને તે પણ જ્યુસ સ્વરૂપે નહીં હોં... તેની એક-એક ચીરી ચાવી-ચાવીને ખાવાની, રેસા અને છોતરાં (છાલ નહીં...) સાથે. કારણ? સંતરું હોય મોસંબી હોય કે બીજું કોઇ પણ રેસાદાર ફળ, જો તમે ચાવી ચાવીને ખાવ તો જ તેના મહત્તમ લાભ મળે છે. રેસાદાર ફળોમાં રહેલું ફાઇબર પાચનતંત્ર માટે બહુ જ ઉપકારક છે. વળી, સંતરું વિટામીન-સીનો બેસ્ટ સોર્સ છે. શરીરમાં જો વિટામીન-સી પૂરતા પ્રમાણમાં હશે તો શરદી-જુકામ જેવી સામાન્યથી માંડીને બીજી અનેક બીમારીઓથી જોજનો દૂર રહેશે.
સંતરા ઉપરાંત પપૈયા, એવોકેડોસ અને સ્ટ્રોબેરી સહિતના અન્ય બેરી ફળ પણ મને ભાવે પણ ખરા, અને તબિયતને ફાવે પણ ખરાં. આ ખટમીઠા ફળો એક યા બીજા પ્રકારે શરીરની આંતરિક સાફસફાઇ કરીને ડિટોક્સિફિકેશન (મતબલ કે શરીરમાંથી વિષૈલ તત્વો બહાર કાઢવાનું) કામ તો કરે જ છે સાથોસાથ આ ફળોમાં સારા પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ રહેલા છે. જે શરીરની એજિંગ પ્રોસેસ (વૃદ્ધત્વની પ્રક્રિયા)ને ધીમી પાડે છે. કઇ રીતે? વયના વધવા સાથે વ્યક્તિના શરીરમાં જૂના કોષો મૃતઃપ્રાય થતા જાય છે અને નવા કોષનું સર્જન ધીમે ધીમે મંદ કે બંધ પડતું જાય છે. આ પ્રકારના ફળો શરીરના આંતરિક કોષોની નિર્જીવ થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. ઋતુ પ્રમાણે દરરોજ ચાર-પાંચ વિવિધ ફળ પ્રમાણસર લેવાં.
વાચક મિત્રો, જો જો હોં... આ બધું પિષ્ટપેષણ વાંચીને એવું નહીં વિચારતા કે સી.બી. ઘરની ધોરાજી હાંકી રહ્યા છે... આવું બિલ્કુલ નથી, તબીબી વિજ્ઞાનમાં એક યા બીજા સમયે આ પુરવાર થયેલી હકીકત છે.
આ ઉપરાંત રોજિંદા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ જળવાય રહે તેની પૂરતી કાળજી રાખવી જરૂરી છે. આ માટે કઠોળને વિશેષ મહત્ત્વ આપું છું. મગ, મઠ, વટાણા, તુવેરદાળ, અડદદાળ, મગની દાળ, ચણા, બ્લેક કિડની બિન્સ વગેરે... નિયમિત ભોજનમાં લેવાના. શરીરતંત્ર સુચારુ કાર્યરત રાખવા માટે પ્રોટીન જરૂરી છે. કાર્બોહાઇડ્રેટ આવ્યું, ફાઇબર આવ્યું, પ્રોટીન આવ્યું, પણ કેલ્શિયમ ક્યાં ગયું?
કેલ્શિયમનો બેસ્ટ સોર્સ છે દહીં. હું ભોજનમાં તાજું દહીં અવશ્ય લઉં છું. તાજું એટલે કેવું? સવારે મેળવેલું દહીં બપોરે ઉપયોગમાં લઇ લેવાનું. ભોજનમાં મધ્યમ કદની એક વાડકી દહીં લેવાનું જ. દહીંને તમે કેલ્શિયમ અને પ્રો-બાયોટિકનો ખજાનો ગણાવી શકો. દૂધ કરતાં પણ દહીંમાં કેલ્શિયમ વધુ હોય છે એ તો આપ સહુ જાણતા જ હશો, પરંતુ દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરના પાચનતંત્ર માટે બહુ ઉપકારક છે. આપણે સહુ જાણીએ છે કે શરીરમાં સારા અને ખરાબ - એમ બન્ને પ્રકારના બેક્ટેરિયા હોય છે. દહીંમાં સારા બેક્ટેરિયા ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે બહુ લાભકારક છે. માનવશરીર ૪૦ વર્ષ પછી કેલ્શિયમનું ઉત્પાદન બંધ કરી દેતું હોય છે. આથી શરીરને બહારથી - ભોજન સ્વરૂપે - કેલ્શિયમ પૂરું પાડવું જરૂરી છે. કેલ્શિયમનું પૂરતું પ્રમાણ હાડકાં મજબૂત બનાવશે અને તમને ઓસ્ટિઓપોરોસિસ (હાડકાં બરડ બનવાની)ની બીમારીથી બચાવશે. શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવવા કે વધારવા માટે દવાના ટીકડા ગળવા કરતાં કે કેલ્શિયમનો પાઉડર ખાવા કરતાં દહીંને રોજિંદા ભોજનમાં ગોઠવી દેશો તો તે બહુ લાભકારક બની શકે છે. બપોરના ભોજનમાં દહીંને અવશ્ય સામેલ કરું છું તો અઠવાડિયે એકાદ વખત સાંજના ભોજનમાં દૂધ પણ લઉં છું.
આ બધી કાળજી રોજિંદા ભોજનમાં રાખું જ છું, પરંતુ ઘરની બહાર નીકળીએ ત્યારે શું? આ સમયે મારા કોટ કે જેકેટના પોકેટમાં ડ્રાયફ્રૂટનું એક પેકેટ અવશ્ય હોય. સંકટ સમયની સાંકળ તરીકે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય અને ભૂખ લાગે ત્યારે ખાવાનું શોધવા ન બેસાય. ડાયાબિટીસના દર્દીઓએ તો ખાસ આ વાતની કાળજી રાખવી રહી. સુગર લેવલ મેઇટેઇન થવું જ જોઇએ. અને આમ પણ ડાયાબિટીસ હોય કે ન હોય, હું તો હમઉમ્ર વયસ્કોને સૂચન કરીશ જ કે સાથે એક ફૂડ પેક અવશ્ય સાથે રાખો. આમાં તમારે ખાસ કંઇ વિશેષ કરવાની જરૂર નથી. હું શું કરું છું..?
એક નાના પેકેટમાં થોડીક બદામ, થોડાક અખરોટના ટુકડા, પિસ્તા, થોડાક જ કાજુ, થોડીક કાળી અને લાલ સૂકી દ્રાક્ષ વગેરે બધું રાખી મૂકું. ક્યારેક ક્યાંક પ્રવાસમાં હોઇએ કે ક્યાંક કોઇક પ્રસંગે પહોંચ્યા હોઇએ અને સમયસર જમવાનો મેળ પડે તેમ ન હોય ત્યારે આ ફૂડ પેકેટ બહુ ઉપયોગી થઇ પડે છે. મોઢાની ચક્કીમાં થોડું થોડું ઓરતું રહેવાનું, શરીરને ઉર્જા મળ્યા કરે. ભૂખના કારણે થાક કે અશક્તિ પણ ન વર્તાય, અને શરીરને કષ્ટ આપ્યા વગર આપણો સમય પણ સચવાય જાય.
આ ઘરની બહાર નીકળ્યા હોઇએ ત્યારની વાત થઇ, આ સિવાય ઘરે હોઉં ત્યારે પણ દિવસ દરમિયાન ટુકડે ટુકડે દોઢ-બે મુઠ્ઠી ડ્રાયફ્રૂટ તો આ ડોસાના મોઢામાં ઓરાઇ જ ગયા હોય. ભલા માણસ, દાંતને કસરત તો આપવી પડેને?! ખેર, આ તો મજાક થઇ, પરંતુ સાચી વાત એ છે કે ડ્રાયફ્રુટ ઇન્સ્ટન્ટ એનર્જી અને પ્રોટીનનો સારામાં સારો સ્રોત છે.
આમ મારા રોજિંદા ભોજનમાં કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર વગેરેની સમતુલા જાળવવા પ્રયાસ કરું છું. એક સમય હતો જ્યારે મને ડુંગળી-બટાટાના ભજીયા, સમોસા, બટાકાવડા, કચોરી જેવી તળેલી ચીજવસ્તુઓ ખાવાનો ભરપૂર શોખ હતો. હવે જીભના ચટાકા ઉપર સંયમ રાખ્યો છે. પુરી, પરોઠા, ભજીયા બધેબધું લગભગ સાવ જ છોડી દીધું છે. ક્યારેક એકાદ બાઇટ લઇ લઇએ તે વાત અલગ છે બાકી તેને થાળીમાં સ્થાન નથી. મીઠાઇનો સ્વાદ માણવાનો, પણ માપમાં - શરીર અને સુગરનું લેવલ નજરમાં રાખીને.
આપ સહુ એ વાતી તો માહિતગાર છો જ કે હું શુદ્ધ શાકાહારી છું. દારૂ-ધુમ્રપાનનું સેવન કરું છું એમ કહી શકાય, પણ નામનું જ. હલનચલન અને સક્રિયતામાં તો બંદાને આપ સહુ જાણો જ છો. ઘણી વખત મિત્રો-સ્વજનોએ મને ટોકવો પડે છે કે સી.બી., આ અઠવાડિયે બહુ દોડધામ કરી, હવે થોડોક પોરો ખાઇ લો તો સારું. જોકે મિત્રો, સાચું કહું તો આ બધી દોડાદોડથી મને તનથી કે મનથી જરા પણ થાક લાગતો નથી. આનું એક અને એકમાત્ર કારણ એ છે આવી ‘દોડાદોડ’ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક નિસ્બત જોડાયેલી હોય છે. વ્યાવસાયિક, સામાજિક, પારિવારિક કામકાજમાં રોજના આઠ-દસ કલાક વીતી જાય છે, પણ મજા આવે છે. રોજબરોજની પ્રવૃત્તિમાં ૧ાા કલાક મારા પગ ચાલતા રહે છે. ઇશ્વરે બક્ષેલું અમૂલ્ય યંત્ર ટનાટન કામ કરતું હોય તો તેનો પૂરતો લાભ લેવો જ જોઇએને? પરંતુ હા, એ પણ કહું કે આ ‘યંત્ર’ની પૂરતી કાળજી પણ લઉં છું.
એક બીજી પણ અગત્યની વાત કરી જ લઇએ. કેટલાક ડોક્ટરોના મતે અમુક દર્દીઓ હોજરીને જાણે કે દવાઓ ઠાલવવાનું ડસ્ટબિન હોય તેમ જાતભાતની દવાઓ આરોગતા રહે છે. એક ડોક્ટરે જણાવ્યું હતું કે એક પ્રૌઢ વયની વ્યક્તિને પગમાં અવારનવાર ખેંચાણ થાય, ચામડી તતડી જાય કે કોઇને કોઇ પ્રકારની પીડા થતી રહેતી હતી. ડોક્ટરે તેમને કહ્યું કે આવી તકલીફ થાય ત્યારે પેરાસિટામોલ જેવી પેઇનકિલર લઇ શકાય. રોજની વધુમાં વધુ આઠ...
દર્દીએ દવા ખાવાનું શરૂ કર્યું! જરાક સાધારણ પગમાં દુઃખાવો થાય કે માથું દુઃખે કે તરત પેરાસિટામોલ ઠપકારે. મુફ્ત કા ચંદન ઘસ બે લાલિયા જેવો તાલ થયો હતો. દર્દીને એ વાતની સામાન્ય સમજણ પણ નહોતી કે આ પ્રકારની દવા હોજરમાં વધુ પડતી જાય તો તેના અવનવા વિચિત્ર પરિણામ આવે છે. હોજરીમાં વધુ એસિડ ઝરે, પેટમાં વધુ બળતરા થાય વગેરે વગેરે.
દર્દી ફરી ફરિયાદ લઇને ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે તેમને એન્ટી-એસિડિટી લિક્વિડ અને ગોળી આપ્યા. આ પછી હોજરી પર તે દવાનો મારો શરૂ થયો. સરવાળે બન્યું એવું કે (દવાની આડઅસરથી) દર્દીના હાડકાં નબળાં પડવા લાગ્યા. શરીરના સૌથી મહત્ત્વના ભાગ એવા ની અને હિપ બોન (ઘૂંટણ અને થાપાના હાડકા)માં પોલાણ વધ્યું. ડોક્ટરે આ માટે અલગથી ત્રીજી દવા શરૂ કરી. અને ભાઇની ‘તકલીફો’નો હજુ અંત જણાતો નથી.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણું આરોગ્ય આપણા હાથમાં છે. NHS અને તેના ડોક્ટરો આપણી તકલીફનું નિદાન કરી શકે. દવા પણ સૂચવે, પરંતુ વિવેકબુદ્ધિ તો દર્દીએ જ વાપરવાની હોય. આ લ્યોને હું મારી જ વાત કરું...
દસેક વર્ષ પૂર્વે મને ઉભા થવામાં તકલીફ પડવાનું શરૂ થયું. ચાલવામાં પણ દર્દ થાય. કોઇકે કહ્યું કે સાયેટિકા લાગે છે. જાતે કંઇ નુસખા અજમાવવાના બદલે જીપી પાસે ગયો. તકલીફ જણાવી. તેમણે કહ્યું કે બની શકે કે સાયેટિકા હોય. તકલીફનું નિવારણ શું? જવાબમાં ૪ મોટા ટીકડા આપ્યા. દિવસમાં ચાર વખત ખાવાના હતા. સાથોસાથ ડોક્ટરે મને ચેતવ્યો હતો કે દવા હાઇ ડોઝ છે, અમુક રિએક્શન આવી શકે છે. સ્કીનમાં ઇરિટેશન થશે, પેટમાં અસ્વસ્થતા જણાશે વગેરે વગેરે. મેં દવા લેવાનું શરૂ કર્યું. બીજા જ દિવસે દવાએ આડઅસર દેખાડવાનું શરૂ કર્યું. પેટ, છાતી અને બરડા પર ચાંઠા ઉપસી આવ્યા. ગભરાયો. ફરી જીપી પાસે જઇ પહોંચ્યો. કહે કે હા, આવું રિએક્શન પણ આવી શકે છે, પણ દવા તો ચાલુ જ રાખજો. તમને આની સાથે બીજી એક દવા આપું છું તે લેજો એટલે રિએક્શન આવતું બંધ થશે. તેમણે દિવસના બીજા છ ટીકડા આપ્યા. સવાર-બપોર-સાંજ બે-બે લેવાના હતા. મને ચિંતા પેઠી. આથી આ અંગે થોડુંક સાહિત્ય શોધ્યું વાંચ્યું. ઉલમાંથી ચૂલમાં પડવા માગતો નહોતો. બકરું કાઢતાં ઊંટ પેસે અને ઊંટ કાઢતાં હાથી પેસે એ ના પોસાય. દીકરાએ ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરીને સાયેટિકાના ઉપચાર જેવી એક્સરસાઇઝ શોધી આપી.
જીપીને ફોન કર્યો. કહ્યું કે એક ટ્રાય કરવા માગું છું, તમારી દવા બંધ કરીને આ એક્સરસાઇઝ શરૂ કરી રહ્યો છું. તેમને પણ મારો અભિગમ જોઇને આનંદ થયો. તરત જ તેમણે મને ફિઝિયોથેરપી વિભાગમાં રિફર કર્યો. તેમણે પણ અભિપ્રાય આપ્યો કે આ એક્સરસાઇઝ કરાય, કંઇ નુકસાન નથી. મેં દવા મૂકીને એક્સરસાઇઝ અપનાવી. બે દિવસમાં તો સાયેટિકા ગયું ગાજતું. તે દિવસની ઘડીને આજનો દિ’ આજ સુધી આ દર્દ પાછું આવ્યું નથી.
આપણા શરીર માટે શું લાભકારક છે અને શરીરને શું સદે છે તેની આપણને જાણકારી હોવી જોઇએ. ડોક્ટરને દવાના વિકલ્પરૂપે તમારું સૂચન જણાવશો તો ઉલ્ટાનો તેમને આનંદ થશે.
દર્દીએ જાતે જ ધ્યાન આપવું રહ્યું. શરીર અંદરથી સંકેત આપે જ છે, તેને વિવેકબુદ્ધિ વાપરીને સમજશો તો અનેક બીમારીને આવતાં પૂર્વે જ ટાળી શકશો.
વાચક મિત્રો, આની સાથોસાથ એક બીજી પણ વાત જણાવવાની રજા લઉં છું. હું શાકાહારી છું. આહારમાં હંમેશા આવશ્યક સમતોલ ખોરાક લેવાનો મારો વણલખ્યો નિયમ છે. કોઇ પણ જાતના વિટામિનની ગોળીઓ કે ફૂડ એડિટિવ્સ લેતો જ નથી. માથું દુઃખવું, પગ દુઃખવા કે બંધકોશ જેવી તકલીફો તો મને ક્યારેય થતી નથી. આથી ગોળી ગળવાની જરૂર પડતી જ નથી. Thanks to balanced and healthy diet. નાનીમોટી તકલીફ હોય તો શું ખાવું-પીવું? કેટલું ખાવું? તે બધું વિચારીને તે પ્રમાણે અમલ શરૂ કરી દઉં છું. ખરેખર આહાર-વિહારનો તાલમેલ કરવા જેવો છે.
આપણે સહુ જેને PHE નામે ઓળખીએ છીએ તે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે આજે જ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે કંઇકેટલાય લોકો અકાળે અવસાન પામે છે, પણ મિડલ એજના - મધ્ય વયના - લોકો જો ખાવાપીવામાં યોગ્ય કાળજી રાખે, પૂરતું હલનચલન કરે, દરરોજ ૧૫-૨૦ મિનિટ ખુલ્લામાં હરેફરે તો અકાળે અવસાનના ૨૦ ટકા જેટલા કિસ્સાઓ નિવારી શકાય એમ છે.
ખેર, ભોજનશૈલી અને જીવનશૈલીની પૂરતી સારસંભાળ લેવાની સાથોસાથ મેડિકલ ચેક-અપ પણ નિયમિત થતા રહે છે. બ્લડ સુગર તો દરરોજ નિયમિત ચેક કરવાનું જ હોય છે, તેથી તેમાં વધઘટ પર બરાબર નજર રહે છે. સાથોસાથ આંખ-કાન, હાર્ટ, કિડની, લિવર, બ્લડ પ્રેશર, ફેફસાં વગેરેની પણ સમયાંતરે તબીબી તપાસ થતી રહે છે. NHS ઝીંદાબાદ. બધું ટનાટન છે, હા, જરા કાન ‘કાચા’ પડી રહ્યા છે. આપણા આરોગ્યની સારસંભાળ લેવા માટે NHS જેવી સેવા હોય તો તેનો લાભ શા માટે ન લેવો? જીપી પણ મારી નિયમિતતા અને નિરામય સ્વાસ્થ્ય માટેની પ્રતિબદ્ધતા જોઇને મારો વાંસો થાબડતા રહે છે.
વાચક મિત્રો, આજે સ્વાસ્થ્ય પુરાણ જરા લાંબુ થઇ ગયું હોય તેવું નથી લાગતું? મને ખબર છે બહુમતી વર્ગ હકારમાં જ માથું હલાવવાનો છે, પણ તાજેતરમાં મને બે’ક કિસ્સા એવા જાણવા મળ્યા કે જેમાં સ્વાસ્થ્ય સંબંધિત કારણસર અમુક લોકો બહુ હેરાન થયા. આ લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર કે લાપરવાહ હતા તેવું નહોતું, પરંતુ તેઓ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પાયાની બાબતોથી અજાણ હતા. આથી મને થયું કે મારા અનુભવોને આપની સાથે શેર કરવા જ રહ્યા. કારણમાત્ર એટલું જ આપણે કોઇને કંઇ ઉપયોગી બની શકીએ તો ભયો ભયો... દરેક વ્યક્તિનું તન-મનનું આરોગ્ય એકમેકથી અલગ હોવાનું આથી સ્વાભાવિક છે કે તેની સારવાર-સુશુશ્રા કે સારસંભાળના માપદંડ પણ અલગ જ હોવાના, પરંતુ અનુભવના આધારે એટલું તો કહી શકું કે થોડીક કાળજી થકી હું મારું સ્વાસ્થ્ય ટકોરાબંધ જાળવી શક્યો છું. આપ પણ આમાંથી આપના તન-મનની તાસીરને માફક આવે તેવો અને તેટલો અમલ કરી શકો છો. આપ સહુ જાણો જ છો કે આ બંદો તો પૂરા ૧૧૧ વર્ષનું આયુષ્ય ઝંખે છે. માત્ર જીવવા જ નહીં, ટકોરાબંધ જીવવા માંગે છે. આપની સાથેનો મારો નાતો ૯ એપ્રિલ ૨૦૪૮ સુધી પાક્કો છે જ, આગળ હરિચ્છા બલિયસી...
મંદિર તારું વિશ્વ રૂપાળું
- જયંતીલાલ આચાર્ય
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પલપલ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે
નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે
વર્ણન કરતાં શોભા તારી થાક્યાં કવિગણ ધીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે
(ક્રમશઃ)