વડીલો સહિત સહુ વાચક મિત્રો, સ્વામી કૃપાલાનંદજીના બહુ જ જાણીતા ભજનની એક પંક્તિ મને બસ યાદ રહી ગઇ છે. (જીવન પંથ ખૂટે ના મારો...) કહોને, મારા દિલોદિમાગ પર અંકિત થઇ ગઇ છે. છેક ૧૯૬૦થી આ ભજનને સાંભળતો - ગણગણતો આવ્યો છું, પરંતુ આખું ભજન તો યાદ રહ્યું જ નથી. આ આખું ભજન ધરાવતો સંગ્રહ મારા વેરવિખેર પુસ્તકાલયમાં છે તો ખરો, પરંતુ હાથવગો ન હોવાથી ઘણી જ ઇચ્છા હોવા છતાં આખું ભજન આપની સમક્ષ રજૂ કરી શકતો નથી. વાચક મિત્રો, આપનામાંથી કોઇ પાસે આ ભજન - અખંડ - હોય તો મને લખી જણાવવા આગ્રહભર્યો અનુરોધ છે. સ્વામી કૃપાલાનંદજીના આ અતિ લોકપ્રિય ભજનની ‘સંવર્ધિત આવૃત્તિ’ (શબ્દોમાં થોડુંક આઘાપાછું કરીને) પણ સમયાંતરે ગવાતી રહી છે, પરંતુ મૂળ ભજનમાં જે મીઠાશ છે, જીવનસંદેશ છે તેનો અંશ પણ બીજી કોઇ કૃતિમાં ભાગ્યે જ જોવા મળે છે. અસલી - નકલી વચ્ચેનો આ જ તો ફરક છે ને?!
થોડાક વર્ષો પૂર્વે હું ગુજરાતના પ્રવાસે ગયો હતો ત્યારે ભક્તિસંગીતના એક કાર્યક્રમમાં હાજરી આપવાનો મને અવસર સાંપડ્યો હતો. ભક્તિસંગીતની રમઝટ બોલાવી રહેલા ભજનિક આંખો બંધ કરીને, કાને હાથ દઇને લાંબા સૂરે લલકારતાં હતાઃ ‘જીવન પંથ ખૂટેલા મારા...’ તે ભજનિક ભાઇથી અજાણપણે જ શબ્દો ઇધર-ઉધર થઇ ગયા હતા કે પછી તેમણે ભજનનું ‘નવસર્જન’ કર્યું હતું એ તો ઉપરવાળો જાણે, પણ મને શબ્દોની આ હેરાફેરી ગમી નહોતી. અર્થનો અનર્થ કરી નાખ્યો હતો. ભલા માણસ, જે સારું જ છે તેને વધુ સારું ન કરી શકો તો કંઇ નહીં, પણ જે સારું હોય તેને તો બગાડો નહીં... ખેર, ક્યારેક ક્ષતિ કે વિસ્મૃતિના કારણે સર્જાતા દોષ કે પ્રસંગ માનસપટ પર અમીટ છાપ છોડી જતા હોય છે. આ ભજન કાર્યક્રમને આવી શ્રેણીમાં મૂકી શકાય.
બીજી તરફ, આપણા જીવનમાં કેટલાક પાત્રો પણ એવા હોય છે જેમની યાદ આપણા માટે જીવનભરનું ભાથું બની રહેતી હોય છે. જેમ કે, ૧૯૫૪માં વડોદરાની સાયન્સ કોલેજમાં (ફેકલ્ટી ઓફ સાયન્સમાં) અમને ગુજરાતી ભાષા શીખવતા હતા કવિ સુરેશ જોષી. પુસ્તક હતુંઃ ‘અમે બધાં’. ખ્યાત હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવે અને ધીરુભાઇ મહેતાનું આ પુસ્તક સુરેશભાઇએ એટલું સરળ અને સરસ રીતે સમજાવ્યું હતું કે મિત્રો, આજે ૬૦ વર્ષ પછી પણ તે યાદથી મન મહેંકે છે. પુસ્તકના પ્રસંગો, પાત્રો આજે પણ નજર સમક્ષ તરવરે છે. પુસ્તકમાં એક પરિવારની મહિલા તેમજ અન્ય વડીલનું શબ્દચિત્ર હતું. એ પાત્રો સદાસર્વદા વ્યથિત જ રહેતા હતા. પર્વ ભલે દિવાળીનું હોય પણ હૈયે હોળી હોય. ઉમંગ-ઉલ્લાસ, આનંદપ્રમોદ, ઉજવણીને મહિલાના જીવનમાં જાણે સ્થાન જ નહોતું. આવી વ્યક્તિને - પછી તે સ્ત્રી હોય કે પુરુષને - ઉદ્દેશીને જ ગયા સપ્તાહના ‘જીવંત પંથ’માં મથાળું બાંધ્યું હતુંઃ ‘દુઃખ દુઃખ મનમાં ન આણીએ રે...’
વીતેલા સપ્તાહે ચાર-પાંચ કાર્યક્રમમાં હાજરી આપવાનો મને અવસર સાંપડ્યો હતો. સ્વાભાવિકપણે જ કેટલાક વાચક મિત્રો પણ મળ્યા. પાંચ-સાત મિત્રોએ ‘ટકોર’ પણ કરી કે ‘સી.બી., ગયા સપ્તાહે તમારી કોલમ વાંચવાની મજા આવી...’ સેકન્ડમાં તો આ બંદાને બ’શેર લોહી ચઢી ગયું હોં...! લખાણના વખાણ થાય તો લેખકના કોલર ઊંચા થાય જ ને! પરંતુ પછી હળવેકથી મારા શુભચિંતકોએ ઉમેર્યું, ‘જરાક હેડિંગમાં શબ્દો આઘાપાછા થઇ ગયા છે, પ...ણ એ તો ચાલ્યા કરે. દુઃખ દુઃખ મનમાં ન આણીએ રે... એમ શબ્દો નથી, પણ સુખ દુઃખ મનમાં ન આણીએ રે... તેવા શબ્દો છે.’ તેમની વાત તો સાચી હતી, પરંતુ મારી વાત પણ ખોટી તો નહોતી જ. મેં મથાળું સાચું જ લખ્યું હતું.
મારો કહેવાનો મતલબ કંઇક એવો હતો કે કેટલાક લોકો કાયમ સોગિયા અભિગમ સાથે જ જીવતા હોય છે. પુત્ર-પુત્રી, પૌત્રો-પૌત્રીઓ સહિત સગાંસ્વજનોથી હર્યોભર્યો સંસાર હોય, આરોગ્ય એકંદરે સારું હોય, તનની સાથોસાથ ધનના પણ સુખીયા હોય... ટૂંકમાં કહું તો પરમ કૃપાળુ પરમાત્માની ભરપૂર કૃપા હોય છતાં આવા લોકો હૈયે ભાર લઇને જીવતા હોય છે. એક નાની અમસ્તી સમસ્યા કે કટોકટીને એવી રીતે મૂલવે કે જાણે ચોમેરથી ઘેરાઇ ગયા હોય. ચોમેરથી આફતના કાળાડિબાંગ વાદળો ઉમટી પડ્યા હોય એવું માની લે. આવા લોકો માટે જ મેં લખ્યું હતુંઃ દુઃખ દુઃખ મનમાં ન આણીએ રે...
આપણામાંના ઘણા લોકો ‘જીવન પંથ ખૂટે ના મારો...’ના અભિગમના બદલે ‘જીવન પંથ ખૂટેલા મારા...’ ગીતને સાચું માની લઇને નિરાશાની ગર્તામાં સરી પડે છે. આ લોકોને સવિનય એટલો જ અનુરોધ કરવાનો કે જ્યારે જ્યારે સમય અને સંજોગોની મૂલવણી કરો ત્યારે ત્યારે એટલો નિરાશાવાદી અભિગમ પણ ન અપનાવો કે ઘોર અંધકારની ગર્તામાં ડૂબી જાવ અને એટલી હદે આશાવાદી વલણ પણ ન અપનાવો કે ઝાંઝવાના જળ સાચા માનવા લાગો. નાના-મોટા પ્રશ્નો, સમસ્યા માટે હંમેશા વાસ્તવવાદી અભિગમ અપનાવો. જીવનરથ પૂરપાટ વેગે દોડતો હોવાની તમે લાગણી અનુભવશો.
આ બધી વાતો કરતાં કરતાં એક બીજા ભજનની પંક્તિ પણ યાદ આવી ગઇ. લ્યોને તમને પણ લખી સંભળાવુંઃ આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે... આપ સહુએ આ ભજન સાંભળ્યું હશે અને જો કોલમના નિયમિત વાચક હશો તો આ જ પાન પર વાંચ્યું પણ હશે. ખાધું, પીધું ને તારાજ કર્યું એ અર્થમાં આ ભજન-સંદેશ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં જે કંઇ મળ્યું છે તે ભોગવી જાણો. સુખના દિવસો ચાલતા હોય ત્યારે ‘દુઃખ આવી પડશે તો?’ એવી ચિંતામાં રાચવાની જરૂર નથી ને સુખના સો દા’ડા પછી સંજોગવશાત્ એકાદ-બે દા’ડા દુઃખના આવી જાય તો ભગવાનને કોસવાની પણ જરૂર નથી. દુઃખના દિવસ પણ જશે જ.
વાચક મિત્રો, આપ સહુને યાદ હશે જ કે હું આ જ કોલમમાં ‘ઊઘાડી રાખજે બારી...’ નામની નાનકડી પંક્તિ પણ એકથી વધુ વખત ટાંકી ચૂક્યો છું. નાનો પણ રાઇનો દાણો જેવી આ પંક્તિ છે. શબ્દોના શિલ્પીએ કેટલી સરસ વાત આ પંક્તિમાં કંડારી છે. ખરુંને? આ અને આવી બધી પંક્તિઓની, કવિતાઓની, ગઝલોની, શેરો-શાયરીની વાતો કરું છું ત્યારે મારી નજર સમક્ષ અમૃત ઘાયલ, રમેશ પારેખ, જવાહર બક્ષી, અદમ ટંકારવી, આદિલ મન્સૂરી, રઇશ મણિયાર, ગની દહીંવાલા જેવા સર્જકો તરવરી ઉઠે છે. ક્યારેક આંખો મીંચીને બેઠો હોઉં છું ત્યારે તેમને સાક્ષાત ‘મળી’ પણ શકું છું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
મહાનગર લંડનના મેયરની ચૂ્ંટણી રંગેચંગે સંપન્ન થઇ ગઇ. શનિવારે પરિણામો જાહેર થયા અને જે પ્રકારે સાદિક ખાને જ્વલંત વિજય મેળવ્યો તે જોઇને મનમાં ગની દહીંવાલાની બે પંક્તિ ગુંજી ઉઠી હતી.
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
સાદિક ખાન પડ્યા તો નથી, પણ તેમને પછાડવાનો (હરાવવાનો) ભરપૂર પ્રયાસ કરનાર પ્રતિદ્વંદીઓને તેમણે પ્રચંડ સરસાઇ સાથે પરાજય જરૂર આપ્યો છે. સાથી પ્રકાશન ‘એશિયન વોઇસ’માં ભાઇ મનોજ લાડવાએ મેયર સાદિક ખાનને અભિનંદન આપતો એક ટૂંકો લેખ લખ્યો છે. શક્ય હોય તો વાંચી લેજો. ભાઇ મનોજે, ટૂંકમાં પણ બહુ માહિતીસભર રજૂઆત કરી છે. કેટલાક હિન્દુઓ એ વાતે નારાજ છે કે હું કે ભાઇ મનોજ લાડવા કે અન્યો સાદિક ખાનના સમર્થનમાં હતા.
ગયા ગુરુવારે મેયર પદની ચૂંટણી માટે મતદાન થયું તે દિવસે નમતી બપોરે અમે પાંચ-સાત મિત્રો સાથે બેઠા હતા. તેમાં આ મુદ્દો ચર્ચાયો. લાગલું જ પૂછાયુંઃ તમે કોને મત આપ્યો? બે મિત્રોએ કહ્યું કે અમે તો કન્ઝર્વેટિવ્સની તરફેણમાં મતદાન કર્યું છે. બીજાએ લેબરના સમર્થનમાં મતદાન કર્યાની વાત કરી. મારું વલણ તો ચૂંટણી પૂર્વેથી જ સ્પષ્ટ હોવાથી કંઇ બોલવાપણું નહોતું.
સાદિક ખાન સામે પ્રતિસ્પર્ધીઓએ લગભગ એકસંપ થઇને મોરચો માંડ્યો હતો, પણ તેઓ નાસીપાસ ન થયા. અંગ્રેજોની બહુમતી ધરાવતા લંડનમાં એક ‘પાકિસ્તાની મુસ્લિમ’ કેટલું કાઠું કાઢી શકશે એ વાતે શરૂ શરૂમાં ઘણાને શંકા હતી, પણ દિવસો વીતવા સાથે તેમની મહેનતે માહોલ બદલ્યો. તેમણે કઠીન પડકાર ઝીલ્યો હતો અને પરિણામ આપણી નજર સમક્ષ છે. આ ‘ઉઘાડી રાખજે બારી...’ પંક્તિનો અર્થ પણ કંઇક આવો જ છે. કોઇ પણ વ્યક્તિએ, ગમેતેવી વિપદાની વેળાએ, આશાનો તંતુ ન છોડવો જોઇએ. મુશ્કેલીનો સામનો કરવાના સમયે આપણે આંખો પર નિરાશાના પાટા બાંધીને બેસી જઇશું તો ચોમેર અંધકાર જ ઘેરી વળશે. અંગ્રેજીમાં બહુ જાણીતી કહેવત છેઃ Every cloud has a silver lining. દરેક કાળાડિબાંગ વાદળની કોરે આશાનું રૂપેરી કિરણ ચમકતું હોય છે.
ગયા સપ્તાહે મને કંઇ કેટલાય સુજ્ઞ વાચકોને મળવાનો અવસર સાંપડ્યો. રવિવારે રમણભાઇસાહેબ (પટેલ)ને અંતિમ વિદાય આપવા પહોંચ્યો. ઉંમર વર્ષ ૯૬. માણસની વય તો આંકડાઓના આટાપાટા માત્ર છે એવું તમે સાંભળ્યું હશે, પરંતુ રમણભાઇસાહેબને મળ્યા હો તો આ વાતની પ્રતીતિ થયા વગર રહે નહીં. ૯૫ પ્લસ આ વડીલ છેક હમણાં સુધી લેખનપ્રવૃત્તિમાં સક્રિય હતા. ગુજરાતી ભાષા પર તેમનું ભારે પ્રભુત્વ. પુત્ર મહેશભાઇ અને પૂત્રવધએ જે પ્રેમ અને કાળજીપૂર્વક તેમની સેવાચાકરી કરી છે એ જાણીને તેમને સલામ કરવાનું મન થઇ જાય. કોઇ પણ માતા-પિતાને ગૌરવ થાય તેવા આદર્શ પુત્ર-પૂત્રવધૂ. ગયા મહિને મહેશભાઇ દંપતી મિત્રો સાથે વિયેતનામના પ્રવાસે ગયા હતા. ફોન પર સંદેશ મળ્યો કે પિતાની તબિયત કથળી છે અને બન્ને પ્રવાસ અધવચ્ચે મૂકીને તાબડતોબ પાછા ફર્યા.
ગયા બુધવારે (ચોથી મેના રોજ) મહેશભાઈએ ખબર આપ્યા. ઘરે આવવા આમંત્રણ આપ્યું. ‘સી.બી. તમે કહેતા હતા કે પપ્પાને મળવા ઘરે આવવા માગો છો. આજે બપોરે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જવાની છે. તમે આ વીકેન્ડમાં ઘરે આવવાનું પ્લાન કરો.’ લગભગ બધું નક્કી થઇ ગયું હતું. પણ બીજા દિવસે સવારે ઇ-મેઇલથી ખબર મળ્યા કે રમણભાઇસાહેબ પરમાત્માના સાંનિધ્યમાં જઇ પહોંચ્યા છે.
સોમવારે, બીજી મેના રોજ, NCGO દ્વારા ખૂબ ભવ્ય રીતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી થઇ. ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવા ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં આપણા સમાજના અનેક મહાનુભાવોને મળવાનું અને વિચારોની આપ-લે મોકો મળ્યો.
બુધવારે, ચોથી મેના રોજ, હાઉસ ઓફ લોર્ડસમાં એક બેઠકમાં હાજરી આપવાની હતી. એક એવોર્ડ સમારંભની જજીસ પેનલના દસેક સભ્યો નોમિનેશન્સનું મૂલ્યાંકન કરવા મળ્યા હતા. વિવિધ ક્ષેત્રના આ દિગ્ગજો સાથે બે કલાક ચર્ચાનો દોર ચાલ્યો. પછી મહાનુભાવો સાથે લોર્ડસમાં જ ડીનર લીધું. બાજુમાં જ આપણા સમાજના મોભી અને લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સુભાષ ઠકરાર બેઠા હતા.
અલકમલકની વાતો ચાલતી હતી ત્યાં લાગલું જ તેમણે પૂછ્યુંઃ સી.બી. તમને વાચનનો શોખ છે એ તો ખબર છે, પણ આ માટે રોજ કેટલા કલાક સમય ફાળવો છો?
‘અખબાર, મેગેઝિન, પુસ્તકો, અલગ અલગ રિપોર્ટસ વાંચવાના... સરવાળો માંડો તો દરરોજના છએક કલાક તો થઇ જાય...’
‘ઓહ, આટલું બધું વાંચીને આંખો થાકી ન જાય? કંટાળો ન આવે?’ તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું.
મેં તેમને મારી વાચન-આદત વિશે જરા ફોડ પાડીને સમજાવ્યુંઃ કોઇ પુસ્તક કે મેગેઝિન કે રિપોર્ટ પોણો કલાકથી વધુ વાંચતો નથી. બેઠા બેઠાં વાંચતો હોઉં કે સૂતા સૂતા, ૪૫ મિનિટ થાય એટલે હાથમાં જે કંઇ હોય તેને (પેટના) બુકસ્ટેન્ડ પર ઉંધું કરીને મૂકી દઉં. જે કંઇ વાંચ્યું હોય તેને પાંચ-દસ મિનિટ માટે વાગોળું. આ કામ પૂરું થાય એટલે પુસ્તક હોય કે મેગેઝિન, તે પણ બદલાઇ જાય ને વિષય પણ. વાંચવામાં ઇતિહાસ, આરોગ્ય, ધર્મ, સાંપ્રત વિષય, રાજકારણ, હાસ્ય બધેબધા વિષયો હોય. વર્ષોથી આ રુટિન જાળવું છું એટલે વાચનનો થાક પણ નથી લાગતો ને કંટાળો તો જરા પણ નથી આવતો.’
શનિવારે, સાતમી મેના રોજ સેન્ટ્રલ લંડનમાં પાર્લામેન્ટથી થોડેક દૂર - આશરે ૯૦૦ વર્ષ પૂર્વ દક્ષિણ ભારતમાં થઇ ગયેલા - પ્રખર વિચારક, સમાજસુધારક અને ચિંતક બસવેશ્વરાની પ્રતિમાની ૮૮૨મી જન્મજયંતીએ યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી.
રવિવારે, આઠમી મેના રોજ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સેન્ટ્રલ લંડનમાં ઇઝલિંગ્ટન વિસ્તારમાં સર્વધર્મ સમન્વયનો સુંદર અને સંગીતમય કાર્યક્રમ મેં પૂરેપૂરો માણ્યો.
સોમવારે, ૯ મેના રોજ નેહરુ સેન્ટરમાં ટોચના પત્રકાર શ્યામ ભાટિયા લિખિત એક પુસ્તક વિમોચન સમારંભમાં હાજરી આપવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. શ્યામ ભાટિયા વિશે થોડામાં ઝાઝું કહું તો તેઓ અખબારી આલમમાં વિશ્વ વિખ્યાત ‘ઓબ્ઝર્વર’ જેવા માનવંતા પ્રકાશનોના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
આપણા સમાજમાં એટલી અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે કે માંહે પડે તે મહાસુખ માણે એમ કહેવામાં મને લગારેય અતિશ્યોક્તિ લાગતી નથી. આ નિવેદન હું જાત અનુભવના આધારે કહું છું. લોકો એટલો બધો પ્રેમ, આદર આપતા હોય છે કે ન પૂછો વાત. પરંતુ ગુરુવારે અન્ય સામાજિક આયોજનોમાં - ઇચ્છા હોવા છતાં - સામેલ ન થઇ શક્યો. ગુરુવારે ‘ગુજરાત સમાચાર’નો ૪૫મો સ્થાપના દિન હતો. શક્ય તેટલો સમય સહયોગીઓ સાથે વીતાવ્યો. એક પુસ્તક વાંચ્યું.
મારી પાસે વર્ષોથી આ પુસ્તક છે. વિષ્ણુ પંડ્યાના લેખોના આ પુસ્તકનું સંપાદન કર્યું છે તેમના જીવનસંગિની ડો. આરતી પંડ્યાએ. ‘આપણું પત્રકારત્વ’ શ્રેણીના છઠ્ઠા ક્રમના આ પુસ્તકનું ટાઇટલ છે ‘કલમના સિપાહી’. હું પણ નસીબવંતો તો ખરો જ કે વર્ષોથી પત્રકારત્વમાં સક્રિય છું અને તેના દ્વારા મને સમાજસેવાનો ઉત્તમ માર્ગ સાંપડ્યો છે.
વિષ્ણુભાઇ અને તેમની કલમથી તો આપ સહુ વાચક મિત્રો વર્ષોથી પરિચિત છો જ. તેમણે માત્ર ગુજરાતને કેન્દ્રમાં રાખીને જ ૨૪ પુસ્તકો લખ્યા છે. આ સિવાયના પુસ્તકો તો અલગ. હાલ તો તેમની ડોક્યુ-નોવેલ (દસ્તાવેજો આધારિત કથાનક ધરાવતી નવલકથા) ‘સુભાષકથાઃ અંતિમ અધ્યાય’ પણ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ થઇ રહી છે. વિષ્ણુભાઇ અને આરતીબહેનની લેખક બેલડીએ આ વર્ષે ‘સમગ્ર ગુજરાત’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. જેમાં તેમણે ગુજરાત સંબંધિત વિવિધ વિષયોના લેખોને સંગ્રહ સ્વરૂપે રજૂ કર્યા છે. જાહેરજીવનના રંગમંચ પર હું પત્રકાર તરીકેની જે ભૂમિકા ભજવી રહ્યો છું તેની સજ્જતા વધારવામાં ‘કલમના સિપાહી’ પુસ્તકે મહત્ત્વનું યોગદાન આપ્યું છે તે સ્વીકારવું જ રહ્યું.
વર્ષોપૂર્વે હું રાણપુર ગયો હતો. રાજકોટથી રાણપુર જવા ટેક્સીમાં રવાના થયો ત્યારે ડ્રાઇવરે થોડાક કુતૂહલ સાથે પૂછ્યું હતુંઃ ‘સાહેબ, આ ખોબા જેવડા ગામે કેમ જવું છે?’ મારી કારના સારથિને મેં શું જવાબ આપ્યો છે એ તો હું ‘જીવંત પંથ’માં અગાઉ લખી જ ચૂક્યો છું એટલે પુનરોક્તિ ટાળું છું, પરંતુ ચરોતરી પટેલ હોવા છતાં કોણ જાણે કેમ મારા વાંચન-લેખનમાં કાઠિયાવાડી છાંટની અસર સ્પષ્ટ વર્તાય છે.
શાળાકીય અભ્યાસ દરમિયાન ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’ જેવી કૃતિઓ, સંતચરિત્રો, દુહા-છંદો એટલા વાંચ્યા છે કે ઘણુંબધું અંતરપટ પર અંકિત થઇ ગયું છે. સુરતની તાપી નદીએ ગુજરાતી પત્રકારત્વને ખમીરવંતા વીર નર્મદ આપ્યા છે તો કાઠિયાવાડી ભોમકાએ - ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ ગણાવ્યા છે તેવા - ઝવેરચંદ મેઘાણી આપ્યા છે.
કાઠિયાવાડની કૂખે મેઘાણીસાહેબ ઉપરાંત પણ મોટા ગજાના અનેક પત્રકારોને જન્મ આપ્યો છે. આમાં અમૃતલાલ શેઠનું નામ મોખરે ગણી શકાય.
આ મહાનુભાવોના જીવનકવન પર નજર ફેરવશો તો જણાશે કે પત્રકારત્વ માત્ર વ્યવસાય નથી, પણ એક સામાજિક જવાબદારી છે. સમાજને અંધશ્રદ્ધાની ચુંગાલમાંથી મુક્તિ અપાવવાનું, ધર્મના ઓઠા તળે ધતિંગ આચરતા તત્વોને ખુલ્લા પાડવાનું, અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ પત્રકારત્વનું છે. ‘ગુજરાત સમાચાર’નો ૪૫મો જન્મદિન ઉજવ્યો ત્યારે દિલમાં પ્રગટેલો દિવો અંતરમનમાં પ્રકાશ ફેલાવતો હતો કે એબીપીએલ ગ્રૂપે પણ અખબારી માધ્યમથી સમાજની શક્ય તેટલી સેવા કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ક્યાંક કોઇ કામે કાચા પડ્યા હોઇશું, પણ સામાજિક જવાબદારી તો નહીં જ ચૂક્યા હોઇએ. ધર્મના ધતિંગ કરનારાઓને છાવરવાનું કે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું પાપ નહીં જ આચર્યું હોય.
છેલ્લા બે સપ્તાહથી ‘એશિયન વોઇસ’માં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ સાપ્તાહિકમાં પત્રકારત્વ ક્ષેત્રે કરેલા ખેડાણ વિશે અંગ્રેજીમાં લેખમાળા શરૂ થઇ છે. આપ જો તે વાંચી શકો, સવિશેષ તો યુવા પેઢીના કે અન્ય પરિચિતોને તે વાંચવા ભલામણ કરો તેવો અનુરોધ છે. આ શ્રેણી માત્ર એબીપીએલ ગ્રૂપનો ઇતિહાસ નથી, એમાં તમને છેલ્લા ૪૫ વર્ષ દરમિયાન બ્રિટિશ-ભારતીય સમુદાયની સામાજિક પરિવર્તનની ઝાંખી પણ જોવા મળશે.
•••
ભ્રષ્ટાચારઃ પહેલાં આપણે નાથવો પડશે
આજકાલ ભારતભરમાં ભ્રષ્ટાચાર વિશે બહુ હોબાળો જામ્યો છે. આ બધું સાંભળી - જાણીને એક ભારતીય તરીકે કોઇને પણ દુઃખ થાય તેવું છે. આવાં સ્વાર્થલોલુપ અને કાળાધોળાં કરનારાઓ, પછી તે રાજકારણી હોય, પત્રકાર હોય, વેપાર-ધંધાના શાહસોદાગર હોય કે સરકારી અધિકારી હોય - સહુ કોઇ નજીવા હિત ખાતર રાષ્ટ્રદ્રોહ કરીને ભારત માતાની છાતીમાં ખંજર ભોંકી રહ્યા છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ભારતભરમાં ભ્રષ્ટાચારની બદી આટલા મોટા સ્તરે વ્યાપેલી હોવા છતાં હું માનું છું કે દેશમાં ભ્રષ્ટાચારીઓની સંખ્યા અલ્પ છે. કોર્પોરેટ ક્ષેત્રે મસમોટી ગેરરીતિઓ આચરાતી હશે, સરકારી કોન્ટ્રેક્ટોમાં આપવામાં અવશ્ય આઘાપાછું થતું હશે અને થઇ રહ્યું છે, પરંતુ ૮૦ ટકા ભારતવાસીઓ ભ્રષ્ટાચારના નાણાં સ્વીકારવામાં આતુર હોય તેવું જણાતું નથી. હા, તેમને ક્યાંકને ક્યાંક કોઇને કોઇ કામ કરાવવા માટે ‘ચા-પાણી’ના ખર્ચા પેટે અમુક રકમ આપવી પડે છે તે અલગ વાત છે.
૧૯૬૩માં હું દારે-સલામથી આઠેક સપ્તાહ માટે શિપ દ્વારા ભારત ગયો હતો. મુંબઇ પહોંચીને મારે પહેલું કામ પછીના સપ્તાહે ભારતપ્રવાસે પહોંચી રહેલા એક પરિચિત પરિવારના પાંચ સભ્યો માટે લોજિંગ-બોર્ડીંગની વ્યવસ્થા કરવાની હતી. આ લોકોના ચાર-પાંચ દિવસના મુકામની વ્યવસ્થા કરવા ગ્રાન્ટ રોડ પર આવેલા બૃહદ ભારતીય સમાજની હોસ્ટેલમાં પહોંચ્યો. રિસેપ્શન કાઉન્ટર પર કન્નડી સદગૃહસ્થ હતા. સફેદ લુંગી-શર્ટ અને કપાળે પરંપરાગત દક્ષિણ ભારતીય તિલક. પૂર્વ આફ્રિકાથી જ આવેલા મારી આગળના પ્રવાસીએ આઇડેન્ટીટી પ્રુફ તરીકે પાસપોર્ટ આપ્યો, જેની વચ્ચે સો-સો રૂપિયાની પાંચ નોટ હતી. કન્નડ સદગૃહસ્થે જરૂરી વિગતો નોંધવા પાસપોર્ટ રાખીને પ્રવાસીને તેના પાંચસો રૂપિયા પરત કર્યા. તરત પેલા પ્રવાસીએ કહ્યું, ‘અરે સાહેબ તમારે જ રાખવાના છે... ચા-પાણીના છે.’ કન્નડ સજ્જને થોડીક નારાજગી, થોડીક કડકાઇ અને અવાજમાં શક્ય તેટલી નમ્રતા જાળવીને કહ્યું, ‘હું આવા કોઇ પૈસા લેતો નથી. અને તમારે પણ આવી કોઇ ઓફર કરવાની જરૂર નહોતી. ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરતા...’ સજ્જન તો આટલું કહીને કામે લાગી ગયા, પણ પૂર્વ આફ્રિકાથી આવેલા પ્રવાસી ભાઇનો ચહેરો ઝંખવાઇ ગયો. ભારતમાં કોઇ ‘ઉપરના’ પૈસા લેવાની ના પાડે એ વાત જ તેમના માન્યામાં આવતી નહોતી.
આ પ્રસંગ મારા માનસપટ આજીવન અંકિત થઇ ગયો છે. ભારત તો ભ્રષ્ટાચારથી ખદબદતો દેશ છે એવું છાશવારે બોલતા લોકોને મારે એટલું જ કહેવાનું કે ભારતમાં ભલે લાખો ભ્રષ્ટાચારીઓ હશે, પણ કરોડો લોકો એવા પણ છે કે જેઓ પ્રમાણિક છે, શુદ્ધ આચારવિચારને અનુસરે છે અને આવા મહામૂલા માનવધનના કારણે જ - અનેકવિધ આપત્તિઓ અને અવરોધો છતાં - ભારત દેશ અવિરત આગેકૂચ કરતો રહ્યો છે.
વાત ભ્રષ્ટાચારની જ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ મને મળેલા એક પત્રનો ઉલ્લેખ કરવો મને આવશ્યક જણાય છે. પત્રમાં બ્રિટનમાં વસતાં બ્રાહ્મણ સમાજની એક સંસ્થાના અગ્રણીએ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે આ દેશમાં કેટલાય ખાનગી મંદિરો છે, કેટલાય બની બેઠેલા ગુરુઓ, પૂજારીઓ, સાધુસંતો છે. આ લોકો માટે કપાળે ટીલાંટપકાં કે ખભે ખેસ એક બહુરૂપીના વેશથી વિશેષ કશું જ નથી. ધર્મનો અંચળો ઓઢીને ફરતા આ લોકોના વાણી અને વર્તનમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. સાચું કહું તો આ લોકો શઠ છે.
આ અગ્રણી આગળ લખે છેઃ એક હિન્દુ હોવાનું મને બહુ ગૌરવ છે, પણ ધર્મના આવા બનીબેઠેલા ઠેકેદારો સમાજને અંદરથી ખોખલો કરી રહ્યા છે. માત્ર હિન્દુ ધર્મની જ આ વાત નથી, દરેક ધર્મમાં આવા બહુરૂપી હોય છે જેઓ ખરેખર તો સાધુના સ્વાંગમાં શેતાન જેવા હોય છે. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ, પણ આવા ઢોંગી લોકોથી સમાજ સાબદો રહે તેમાં સર્વજન હિતાય, સર્વજન સુખાય છે. નર હોય કે નારી, ચેતતા રહે તે હંમેશા સુખી રહેતા હોય છે.
પરંતુ આ દિવસો પણ અવશ્ય વહી જ જશે તેવી આશા અસ્થાને નથી. અલબત્ત, આ માટે દરેક ભારતીયે અમુક કામ કરાય અને અમુક કામ તો ન જ કરાય તેવી વિવેકબુદ્ધિ સાથે સારાનરસાનો ભેદ પારખતાં શીખવું પડશે, તેનો વ્યક્તિગત જીવનમાં અમલ કરવો પડશે. આમ થશે ત્યારે દેશમાં સુખનો સૂરજ ઉગવામાં ઘડીનો પણ વિલંબ નહીં થાય.
(ક્રમશઃ)
•••