વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત વર્ષમાં જૈન ધર્મ અને અધ્યાત્મ ઓછામાં ૨૫૦૦ વર્ષથી પ્રચલિત છે. કંઇકેટલીય માન્યતાઓ, રીતરિવાજો અને પરંપરાઓ સનાતન સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ સાથે સમાનતા ધરાવે છે. જોકે સંથારા મુદ્દે ભારતની હાઇ કોર્ટે કોણ જાણે કેમ એક ઉતાવળો નિર્ણય લઇને અનાવશ્યક અને બેજવાબદારપણે એક નવો વિવાદ છેડ્યો છે તેવું મારું માનવું છે. જૈનોમાં જ સંથારા પદ્ધતિ હોવા છતાં બે મત પ્રવર્તે છે, પરંતુ મારા મતે કોર્ટે આમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નહોતી તેવો મારો અંગત મત છે.
મારી જાણકારી પ્રમાણે આપણા ઋષિ-મુનિઓ અને કંઇકેટલાય સંતો-મહાત્માઓથી માંડીને સામાન્યજનો જીવનના અંતિમ તબક્કામાં, યુગોથી, કુટુંબીજનો અને ધર્મગુરુઓ સાથે કંઇક સમન્વય સાધીને - સ્વૈચ્છિક દેહત્યાગનો - આવો નિર્ણય કરતા હોય છે. સામાન્યતઃ આવી વ્યક્તિ ખૂબ પાકટ વયની હોય છે અને કેટલાક કિસ્સામાં સંભવ છે કે અસાધ્ય રોગથી પીડાતી હોય તો દવાદારૂ, ખોરાકપાણી લેવાનું ક્રમે ક્રમે બંધ કરે તેને સામાન્ય અર્થમાં સંથારો કહી શકાય. ગુજરાતી ભાષામાં અતિ પ્રમાણભૂત ગણાતા ભગવદ્ગોમંડળમાં સંથારાનો અર્થ આવો રજૂ થયો છેઃ
સંથારોઃ (જૈન) મરણ પર્યંત ઉપવાસ કરવાનું વ્રત; મરણ પર્યંત અનશન વ્રત; અણસણ; મરણ નજીક આવતાં મમતા છોડી મરણ પથારી પર સૂવું તે. મરવા અગાઉ થોડી મુદતે સંસારની આશા, તૃષ્ણા, અન્ન, પાણી વગેરે તજી દેવું; માયા, મમતા, ખાનપાન તજી મરણ પથારી કરવી.
આ એક સામાન્ય વ્યાખ્યા ગણી શકાય. કોઇ એક ધર્મ કે પરંપરાને અયોગ્ય અર્થમાં રજૂ કરવાનો મારો ઇરાદો નથી, અને હોય શકે પણ નહીં. આ બંદા તો સર્વધર્મ સદભાવમાં માનનારા છે. ખેર, મૂળ વાત સાથે તાર જોડીએ તો... રાજસ્થાન હાઇ કોર્ટના આ જજમેન્ટ દેશ-વિદેશમાં, મુખ્યત્વે જૈન સમાજમાં, ભારે ખળભળાટ અને હલચલ મચાવ્યા છે. ગુજરાતના કેટલાક નગરોમાં તો આ ચુકાદાના વિરોધમાં જૈન સમુદાયે વિરોધ રેલી યોજીને પોતાના નારાજગીને વાચા પણ આપી છે. એક અહેવાલ અનુસાર, હાઇ કોર્ટે હવે ચુકાદામાં ફેરફાર કરીને ઠરાવ્યું છે કે સંથારો એ આત્મહત્યા નથી. જોકે જૈન સમુદાય આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઇ ગયો છે અને પોતાની ધાર્મિક પરંપરાના જતન માટે રજૂઆતનો તખતો તૈયાર કર્યો છે.
આપણે સહુ કોઇ જાણીએ છીએ કે જન્મ અને મૃત્યુનો અતૂટ નાતો છે. જન્મ લેનાર દરેક જીવનું મૃત્યુ અનિવાર્ય છે. જીવનમાં જો કોઇ એક માત્ર બાબત ચોક્કસ હોય તો તે મૃત્યુ છે એવું આપણા શાસ્ત્રો પણ કહે છે. ક્યારે? અને કેવી રીતે? તે ભલે આપણા હાથમાં ન હોય, પરંતુ કુદરતના આ ક્રમને ખૂબ વાસ્તવિક અને ડહાપણભર્યો ગણી શકાય. આ બધી હકીકત છતાં મૃત્યુનો મુદ્દો હંમેશા ચર્ચાસ્પદ કેમ રહે છે?! જો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવનનો અંત આણવાના મુદ્દે ઉહાપોહ શા માટે? મિત્રો, વાદવિવાદ મૃત્યુ અંગે નથી, તે (મૃત્યુ) કઇ રીતે આવે છે તે મુદ્દે છે.
બ્રિટિશ પાર્લામેન્ટમાં આ અંગે છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલાય કલાકો ચર્ચા થઇ છે. કેટલાક ઐચ્છિક મૃત્યુને આવશ્યક અને યોગ્ય ગણાવે છે તો કેટલાક તેના વિરોધમાં છે. વિરોધ કરનારો વર્ગ માને છે કે બદઇરાદો ધરાવતી કોઇ વ્યક્તિ પોતાની સ્વાર્થ-લોલુપતા સંતોષવા ‘ઐચ્છિક મૃત્યુ’ની જોગવાઇનો દુરુપયોગ કરી શકે છે.
એક બીજો પ્રશ્ન તબીબી જગત સાથે સંકળાયેલા વર્તુળોમાંથી અવારનવાર ઉઠે છે. દરેક વ્યક્તિને જીવનની અંતિમ પળ સુધી જીવી લેવાની જીજીવિષા હોય છેઃ વ્યક્તિના મનમાં એક જ અબળખા હોય છે આયુષ્ય હજુ પણ લંબાય તો બહુ સારું. મોત કોને વ્હાલું હોય શકે?! હા, વ્યક્તિનું સ્વાસ્થ્ય ઉપચાર ન થઇ શકે તેટલી હદે કથળી જાય અને શરીર લગભગ મૃતઃપ્રાય બની જાય તો અલગ વાત છે. પણ આનો મતલબ એવો તો નથી જ કે સારવાર કરતા તબીબી નિષ્ણાત કે સ્વજન પોતાની ઇચ્છા પ્રમાણે વ્યકિતની જીવનરેખાની સ્વીચને ઓફ કરી નાંખે.
ઈંગ્લેન્ડની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના ભૂતપૂર્વ વડા સર કેર સ્ટાર્મર (Sir Keir Starmar) હાલ મધ્ય લંડનમાં હોલ્બોર્ન અને સેન્ટ પેન્ક્રાસના લેબર સાંસદ છે. તેમણે માગણી ઉઠાવી છે કે ઐચ્છિક મોત માટે વ્યક્તિને છૂટ મળવી જ જોઇએ. તેમના મંતવ્યમાં કેટલું તથ્યાતથ્ય છે તેની વાત બાજુએ મૂકીએ, પણ એ તો હકીકત છે કે સંખ્યાબંધ કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ વિદેશમાં સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિક કે હોલેન્ડના એમ્સ્ટરડમમાં જઇને ડિગ્નિટાસ (Dignitas) જેવા ક્લિનિકમાં અંતિમ શ્વાસ લે છે. આ દેશોમાં ઐચ્છિક મૃત્યુ ગુનો ન હોવાથી જીવનનો અંત આણવા માગતી વ્યક્તિ આ દેશોમાં જઇ પહોંચે છે અને ઇંન્જેક્શન કે અન્ય પ્રકારે મોતને વધાવી લે છે. અહીં નોંધવા જેવી બાબત તો એ છે કે આ ડિગ્નિટાસ શબ્દ વળી ડિગ્નિટી પરથી આવ્યો છે! અંગ્રેજી શબ્દકોષ અનુસાર ડિગ્નિટી એટલે ગૌરવ કે ગૌરવવંતુ! આને તમે મોર્ડર્ન માર્કેટિંગની અસર ગણી શકો. રૂપકડું નામ હોય તો મોત પણ ‘મીઠું’ બની જાય ને? વ્યક્તિને મૃત્યુની ચિરનિદ્રામાં પોઢાડી દેતા ડિગ્નિટાસમાં કેટલી ડિગ્નિટી છે એ વિચારવાયોગ્ય પ્રશ્ન છે.
સુજ્ઞ વાચકોને એ પણ જાણવામાં રસ પડશે કે સર કેર અગાઉ જ્યારે સરકારી હોદ્દે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે આ બાબતમાં માર્ગદર્શિકા પણ ઘડી હતી. ખેર, લોંગ વીકએન્ડ અને ચાતુર્માસના દિવસોમાં આ ચર્ચા કેમ કરી રહ્યો છું એવો પ્રશ્ન કોઇના મનમાં ઉઠે તે પહેલાં જ કારણ આપું? કારણ આપવા કરતાં પણ પરિચિત અને માનવંત બે વ્યક્તિઓના જીવનની થોડીક વાતો જ કરી લઉં. બે અલગ અલગ વ્યક્તિઓની આ વાત મુખ્ય મુદ્દા સાથે એક યા બીજા પ્રકારે સંકળાયેલી છે. કઇ રીતે? વાંચો આગળ...
કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ એમપી શ્રીમતી ટેરેસા ગોર્મને ૮૩ વર્ષની વયે ૨૮મી ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા. તેઓ અત્યંત તેજસ્વી અને અમુક રીતે ક્રાંતિકારી વલણ ધરાવતા રાજનીતિજ્ઞ હતાં. એક જમાનામાં માર્ગરેટ થેચર અને ત્યારબાદ વડા પ્રધાન જ્હોન મેજરના વખતમાં યુરોપના એકીકરણ માટે થયેલી માસ્ટ્રીસ સંધિનો તેમણે પ્રચંડ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેઓ HRTના ટૂંકાક્ષરી નામે ઓળખાતી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપીના ખુલ્લા સમર્થક હતા. આ થેરપી મુખ્યત્વે વ્યક્તિના જીવનમાં દીર્ઘકાળ સુધી સેક્સ (સંભોગ) ક્ષમતા ટકાવવા માટે બહુ ઉપયોગી ગણાય છે. ટેરેસાના જીવનની બીજી પણ એક ઘટના જાણવાજોગ છે. ૨૦૦૭માં તેમના પતિનું અવસાન થયું. દંપતી નિઃસંતાન હતા. ટેરેસા ગોર્મને ‘પ્રાઇવેટ આઇ’ નામના એક પ્રકાશનમાં જાહેરખબર મૂકીઃ Old trout seeks old goat. No golfers. Must have own balls. (ઓલ્ડ ટ્રાઉટ સીક્સ ઓલ્ડ ગોટ. નો ગોલ્ફર્સ. મસ્ટ હેવ ઓન બોલ્સ) આ જાહેરખબરના પ્રતિસાદમાં તેમને ૨૮ પ્રત્યુત્તર સાંપડ્યા હતા. ૨૦૧૦માં તેમણે પોતાની ૭૮ વર્ષની વયે પીટર ક્લાર્ક નામના, પોતાનાથી ૧૬ વર્ષ નાના પુરુષ સાથે લગ્ન કર્યાં.
આ પછી તેમણે એક પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંઃ I would have gone bonkars living on my own. આટલું કહીને બિન્દાસ ટેરેસાએ ઉમેર્યું હતું, He is Very good at looking after things... It's like having a butler. ટેરેસા ગોર્મન સ્વતંત્ર જીવન જીવ્યાં.
અને છેલ્લી પળ સુધી અત્યંત હકારાત્મક જીવનશૈલી માણી.
હવે વાત કરીએ ક્લાઇવ જેમ્સની. એક ખૂબ જ પ્રતિભાશાળી લેખક, નિબંધકાર, કવિ. તેમની આત્મકથા વિશ્વભરમાં ખૂબ વખણાઇ છે, અને એટલે જ અઢળક સંખ્યામાં વેચાઇ પણ છે. મૂળ ઓસ્ટ્રેલિયન - હાલ કેમ્બ્રિજમાં રહે છે. પાંચેક વર્ષ પૂર્વે તેમને લ્યૂકેમિયાનું નિદાન થયું. તમામ કેન્સરમાં લ્યૂકેમિયા લગભગ અસાધ્ય ગણાય છે. અલબત્ત, આ રોગની સારવાર માટે નિતનવા ઉપચાર શોધાતા રહે છે, પણ તેની સફળતાનો આધાર રોગ કેટલો આગળ વધ્યો છે તેના પર નિર્ભર હોય છે. કેમોથેરપી પણ થાય છે, અને દવાઓ દ્વારા પણ ઉપચાર થાય છે. તંદુરસ્ત વ્યક્તિના બોનમેરો ટ્રાન્સફર (સાદી ભાષામાં કહું તો સમાન બ્લડ ગ્રૂપ ધરાવતી વ્યક્તિના હાડકાની અંદરનો માવો લઇને કેન્સરગ્રસ્ત વ્યક્તિમાં પ્રત્યારોપણ) પણ આવો જ એક ઉપચાર છે. જોકે ડોક્ટરો અને સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે જ્યારે પણ વ્યક્તિને લ્યૂકેમિયાનું નિદાન થાય છે ત્યારે દર્દી અને પરિવારજનો પડી ભાંગે છે. ચિંતાની ખાઇમાં સરી પડે છે. આ માનવસહજ વૃત્તિ છે.
પ...ણ ક્લાઇવ જેમ્સની વાત અલગ છે. આ માણસ નોખી માટીનો હતો અને છે. અને આથી જ તો તેમની વાત અહીં માંડી છે. ૧૦-૧૫ વર્ષ પહેલાં ક્રિસમસ ઇવ કે ન્યૂ યર ઇવ પર ક્લાઇવ જેમ્સના ટીવી કાર્યક્રમો પ્રસારિત થતાં ત્યારે દર્શકો તે નિહાળવા માટે બધા કામ પડતાં મૂકીને આંખ-કાન ટચુકડા પરદે માંડીને બેસી જતા હતા. તેના ટીવી-શોના લાખો-કરોડો ચાહકો હતા. તેજસ્વીતા, બૌદ્ધિક્તા, બારીક નીરિક્ષણ શક્તિ, વાચાળપણું, સંવેદનશીલતા જેવા ગુણો જાણે ક્લાઇવના ટ્રેડમાર્ક હતા. આવા ક્લાઇવે, પાંચ પૂર્વે, લ્યૂકેમિયાનું નિદાન થયું ત્યારે રોગ સામે ઝૂકવાના બદલે ઝઝૂમવાનો નિર્ધાર કર્યો. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘હું જાણું છું કે મારો અંત નજીક છે, પરંતુ પથારીમાં પડ્યાં પડ્યાં મૃત્યુના માર્ગે આગળ વધવાનું મને મંજૂર નથી.’ ક્લાઇવે જે કવિતાઓ લખી છે, તેમણે વિચારોને જે શબ્દદેહ આપ્યો છે તેણે માત્ર પશ્ચિમી જગતમાં જ નહીં, વિશ્વભરમાં તેમને પ્રેરણાસ્રોત બનાવ્યા. મક્કમ મનોબળ અને દૃઢ નિર્ધાર થકી ક્લાઇવે જીવલેણ ગણાતા કેન્સરને પોતાના દિલોદિમાગ પર કબ્જો જમાવતા અટકાવ્યું.
મારા પ્રિય વાચક મિત્રો, આજે આ વિષય ઉપર રજૂઆત કરવાના અન્ય કારણોની વાત કરું. મારે અહીં આપણા જ સમાજના બે એવા ઉમદા વ્યક્તિત્વોની વાત કરવી છે જેઓ સાચા અર્થમાં સો ટચના સજ્જન છે. હું તેમના નામ જાહેર કરવા નથી માગતો તેથી દરગુજર કરશો, પણ નામ હોય કે ન હોય આ વ્યક્તિત્વોનું, તેમના પ્રદાનનું, જીવન પ્રત્યેના તેમના અભિગમનું મહત્ત્વ લેશમાત્ર
ઘટતું નથી. આમેય શેક્સપિયરે કહ્યું જ છેને નામમાં શું રાખ્યું છે?! તો આપણે પણ છોડીએ નામ જાણવાની ઇચ્છા...
હું જે બે વ્યક્તિની વાત કરવા માગું છું તેમાંનાં પહેલા સજ્જન ખૂબ જ જાણીતા વેપાર-ઉદ્યોગ સાહસિક છે. જંગી રકમ સખાવતોમાં આપી છે. કોઇને સાચું કહેવામાં જરા પણ સંકોચ રાખ્યો નથી. પોતાના સમાજના ગેરમાર્ગે દોરવાયેલા લોકોને ખુલ્લેઆમ ડહાપણભરી સલાહ કે ચીમકી આપીને આ સજ્જને સમાજની અફલાતુન સેવા કરી છે. બ્રિટિશ સરકારે અને કંઇકેટલીય યુનિવર્સિટીઓએ તેમને સર્વોચ્ચ માન-અકરામોથી બિરદાવ્યા છે. આ મહાનુભાવ આપણા સમાજના દરેક વર્ગમાં સર્વમાન્ય ઉમદા વ્યક્તિની ઓળખ ધરાવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ અસાધ્ય રોગનો પ્રતિકાર કરી રહ્યા છે. આવા રોગ વેળા પ્રાથમિક તબક્કે નિદાન થઇ જાય અને ઉપચાર કરવામાં આવે તો પણ કેટલીક વખત રોગ ઉથલો મારતો હોય છે. આ મહાનુભાવ સાથે પણ આવું જ બન્યું. આ સજ્જનને હું એટલું જ કહી શકું કેઃ તમે તો તમારા ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવો છો. તમે સાચા અર્થમાં સહિષ્ણુ, સમજદાર છો. તમારા સંતાનોએ જીવનસાથી તરીકે અન્ય ધર્મની વ્યક્તિને પસંદ કરી છે છતાં તમે તેમને - તેમના ધર્મ સાથે - કોઇ પણ જાતના ખચકાટ વગર, ખુલ્લા દિલે આવકાર્યા છે, અપનાવ્યા છે. તમારા જેવા સજ્જનને પામીને ભારતીય સમાજ ગૌરવ અને ધન્યતા અનુભવે છે.
આ સજ્જન અને હું લગભગ સમાન વયના છીએ - કદાચ તેઓ મારાથી એકાદ-બે મહિના મોટા હશે. પરંતુ મેં મારી સમગ્ર જિંદગીમાં આટલા જાગ્રત, પ્રેમાળ અને સમાજલક્ષી વિચારસરણી ધરાવતા સજ્જન જવલ્લે જ જોયા છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. કોઇને કોઇ વાચક આપના સુધી મારી આ અંતઃકરણપૂર્વકની લાગણી પહોંચાડશે જ તેવી મને શ્રદ્ધા છે.
વાચક મિત્રો, હવે મારે આવા જ એક બીજા વ્યક્તિત્વની વાત કરવી છે. અમારી વચ્ચેના વય-તફાવતની વાત કરું તો તેઓ મારાથી ૨૦-૨૫ વર્ષ નાના હશે. તેમના પિતાશ્રી લગભગ મારી વયના - પાડોશી હતા. સરસ મજાના આ યુવકને પાંચેક વર્ષથી કંઇક આવો જ રોગ હેરાન કરે છે. મિત્ર, તમને મિત્રભાવે કે વડીલભાવે નહીં, પણ એક નીરિક્ષક તરીકે, તમારા પ્રશંસક તરીકે એટલું જરૂર કહેવા ઇચ્છું છું કે ઉપરવાળો આપણને ભલે જન્મ આપતો હોય, પણ આયુષ્યની દોર તો તેના હાથમાં જ રાખે છે. આજે તમારા સંતાનો સુશિક્ષિત બન્યા છે. સુંદર વ્યવસાયમાં સક્રિય છે. પ્રેમાળ પરિવારજનોનો સુંદર મઘમઘતો બગીચો ખીલ્યો છે... જોકે આ બધા છતાં આપ સર્વોચ્ચ શક્તિસમાન પરમાત્માની ઇચ્છાને સર્વોચ્ચ ગણી રહ્યા છો, જે પ્રકારે જીવનને માણી રહ્યા છો તે પ્રશંસનીય છે.
આ ચારેય પ્રસંગોને ટાંકીને સહુ વાચક મિત્રોને હું એટલો જ અનુરોધ કરવા માગું છું કે જો આપ પણ આવી કોઇ વ્યક્તિને જાણતા હો, જે જીવનસહજ આવી આકરી સમસ્યાનો સામનો કરતી હોય તો તે પ્રત્યે આવો જ હકારાત્મક અભિગમ કે પ્રેમભાવ અને પૂજ્યભાવ રાખવો યોગ્ય છે. આપણે સહુ આવી વ્યક્તિ પ્રત્યે પ્રેમ પ્રગટ કરીએ. તેમના અભિગમને બિરદાવીએ. એક યા બીજા પ્રકારે અસાધ્ય રોગનો ભોગ બનેલા આવા લોકો પ્રત્યે આપણે સહુ સહજપણે અનુકંપા દાખવીએ, અને તેમણે પરિવાર કે સમાજના વિકાસ માટે જે અનુદાન આપ્યું છે તેને બિરદાવીએ. દુનિયામાં દરેક વ્યક્તિ નાનું-મોટું સારું કામ કરતી જ હોય છે, પણ આપણા સમાજના આ બે પાત્રો ખરેખર અજોડ છે. બન્ને પોતાના પરિવારના જ નહીં, સમાજના તારલા છે.
અંતમાં, જયંતીલાલ આચાર્યની સુપ્રસિદ્ધ રચના ટાંકીને વીરમું છું...
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે
પલ પલ તારા દર્શન થાયે, દેખે દેખણહારા રે
નહિ પૂજારી, નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે
વર્ણન કરતાં શોભા તારી, થાક્યાં કવિગણ ધીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.
•••
‘કુરાન અંકિત પયગંબરો’ઃ માનવહૃદયને જોડતો સેતુ
અમેરિકામાં વસતા ડો. અરવિંદ લાપસીવાલા એમડીની ડિગ્રી ધરાવતા અત્યંત વ્યસ્ત ડોક્ટર હોવા છતાં સાહિત્યસર્જન તેમનો પ્રિય વિષય છે. ડોક્ટર લાપસીવાલા લિખિત ‘કુરાન અંકિત પયગંબરો’ પુસ્તક ગુજરાતી ભાષામાં લખાયેલો ૩૨૦ પાનનો અભ્યાસપૂર્ણ ગ્રંથ છે. લેસ્ટરમાં વસતા અને વર્ષોથી ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’માં ઇસ્લામ ધર્મ તેમ જ સવિશેષ તેના પર્વો વિશે ભાઇ યુસુફ સિદ્દાત લખતા આવ્યા છે. ગયા અઠવાડિયે ‘કુરાન અંકિત પયગંબરો’ પુસ્તક તેમણે મને મોકલાવીને સાચે જ આભારી કર્યો છે.
વર્ષોઅગાઉ વિનોબા ભાવે લિખિત ‘કુરાન-સાર’ વાંચ્યું હતું. વિનોબાજીએ દર્શાવ્યું હતું કે, ‘કુરાન- સાર’ માનવ-જાતિના અધ્યાત્મિક જ્ઞાનભંડોળમાં એક કિંમતી અભિવૃદ્ધિ છે.’ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કુરાન ઉપરાંત પયગંબર સાહેબના જીવનકવન વિશેના બીજા કેટલાક પુસ્તકો પણ મેં વાંચેલા છે. ડો. લાપસીવાલાનું આખું પુસ્તક હું હજુ વાંચી શક્યો નથી, પરંતુ તેમાં રજૂ થયેલી સામગ્રીનો મેં જેટલો અભ્યાસ કર્યો છે તેના આધારે હું એવા તારણ પર પહોંચ્યો છું કે આ પુસ્તક કુરાને માન્ય કરેલા પયગંબરો વિશે અને એ અર્થમાં પવિત્ર કુરાન તથા ઇસ્લામ વિશે વધુ સેતુબંધ સાધવા માટે શક્તિમાન છે.
પયગંબર સાહેબે તેમના અંતિમ વિદાય પ્રવચનમાં દસ મહત્ત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. સુરતથી પ્રકાશિત થતા ગુજરાતી દૈનિક ‘ગુજરાત મિત્ર’ની ‘સત્સંગ’ પૂર્તિમાં આ મુદ્દાઓ રજૂ થયા હતા, જેને ડો. લાપસીવાલાએ પોતાના ગ્રંથમાં શબ્દશઃ પ્રસિદ્ધ કર્યા છે. આમાંથી માત્ર એક જ મુદ્દો અત્રે ટાંક્યો છેઃ ‘એક અલ્લાહ વિશ્વનો સર્જનહાર છે, તે સૌનો પેદા કરનાર અને પાલનહાર માલિક છે. માટે તેની ઇબાદત - બંદગી - પૂજા કરજો. તેના સિવાય કોઇની ઇબાદત - પૂજા કરશો નહીં.’
કુરાનના આ આદેશને કારણે મુસ્લિમોમાં અને બિનમુસ્લિમોમાં ભારે અવઢવ કે અસ્વસ્થતા જણાય છે. હું હિન્દુ હોવાનું ગૌરવ અનુભવું છું. આપણા સંપ્રદાયોના પ્રેરકોએ કે દેવી-દેવતાઓએ પણ આવો જ કંઇક સંદેશ એક યા બીજી રીતે આપેલ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાથી માંડીને શિક્ષાપત્રીમાં આવા ઉદ્ગારો આપણે જોઇ શકીએ છીએ. આવા શબ્દોના અર્થઘટન વેળા સામાન્ય માનવ અક્ષરશઃ પાલન કરવા પ્રેરાય કે અન્ય પ્રકારે ઓછાવત્તે અંશે ગેરસમજ કરે તે અમુક રીતે ક્ષમ્ય છે. સર્વધર્મ સમભાવ કે સર્વધર્મ સદભાવની ચર્ચા અત્યારે માંડવાનું લગભગ (સ્થળસંકોચના કારણે) શક્ય નથી. આ પુસ્તક લખીને એક હિન્દુ વ્યવસાયીએ એક સુંદર કાર્ય કર્યું છે. આપણે સહુએ યાદ રાખવું જોઇએ કે કેટલાય હિન્દુ, જૈન, ખ્રિસ્તી અને સવિશેષ મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના ધર્મ વિશે તેમ જ અન્ય ધર્મ વિશે ખૂબ વિચારપ્રેરક ગ્રંથો લખીને માનવજાતને ઉપકૃત કરી છે.
મુસ્લિમ બિરાદરોએ ગીતા, રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોને પણ ઉર્દુ કે અરેબિક ભાષામાં પ્રસિદ્ધ કર્યા છે. સર્વધર્મ સદભાવની એ શ્રૃંખલામાં ડો. અરવિંદ લાપસીવાલાના આ સ્તુત્ય પ્રયોગને સાચે જ હું નતમસ્તકે આવકારું છું. અંતમાં, આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડોક્ટર સાહેબે લખેલા શબ્દો ટાંકીને વિરમું છુંઃ
‘ધર્મ એક શ્રદ્ધા કે આસ્થાનો વિષય છે. ધર્મ પર થતા લાગણીહીન કટાક્ષોથી ધર્મ-ભાવના દુભાય છે, છંછેડાય છે અને અન્ય ધર્મની વ્યક્તિઓ વચ્ચે દુશ્મનાવટ વહોરી લેવાય છે. હરેક વ્યક્તિને પોતાનો ધર્મ પ્રિય હોય છે, છતાં પણ અન્ય ધર્મ પ્રત્યે સમભાવના કેળવવી, જગતની શાંતિ અને અસ્તિત્વ માટે આવશ્યક છે. ધર્મ એક અંગત પસંદગી છે, પરંતુ અન્ય ધર્મ માટેની સહિષ્ણુતા પસંદગી નથી, આવશ્યક્તા છે. દુનિયાની શાંતિ, પ્રગતિ અને અસ્તિત્વ માટે! વળી એક વધુ વાત પણ જાણી લઈએ. અન્ય ધર્મને સમજીને એને માન-આદર આપવું એ કાયરતા નથી, એ આપણો સદગુણ છે. એ આપણી અને આપણા ધર્મની મહાનતા અને શ્રેષ્ઠતા છે. એ આપણી ઉદારતા છે. મનુષ્યનો સંબંધ મનુષ્ય સાથેનો છે, એમાં ધર્મને સાંકળીને ભાગલા નહીં જ પાડવા જોઈએ.’ (ક્રમશઃ)