વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા પરિવારમાં કન્યાના શુભ લગ્ન વેળા વરરાજા પધારે અને માંડવે પહોંચે ત્યારે ગોર મહારાજ મોટા સાદે વદે છેઃ વરરાજા પધારે સાવધાન... પરંતુ સવિશેષ તો આની સાથોસાથ કન્યા પક્ષ પણ સાવધાન થતો હોય છે. એક જમાનો હતો જ્યારે દીકરીને ગાય દોરે ત્યાં જાય તેવું કહેવાતું હતું. જોવા પણ મળતું હતું. હવે સમયના વહેણ સાથે બધું બદલાયું છે. ઊલ્ટું બની રહ્યું છે એમ તો ન કહેવાય, પરંતુ લોકોને હવે દીકરીમાં પણ દૈવત દેખાઇ રહ્યું છે. જો આ દૈવત વહેલું દેખાતું થયું હોત, લોકો નારીશક્તિનો આદર-સન્માન કરતા થયા હોત તો વધુ સારું હોત. પુરુષપ્રધાન સમાજે નારીશક્તિ પર જે જોરજુલ્મો ગુજાર્યા છે તેમાં જરૂર ઘટાડો જોવા મળ્યો હોત તેવું મારું જ નહીં, બહુમતી વર્ગનું માનવું છે.
ખેર, મારે આજે વાત કરવી છે બ્રિટનના ‘માંડવે’ પહોંચેલા ચીનના ‘વરરાજા’ની. ચીનના પ્રમુખ શી જિનપિંગના બ્રિટન-આગમનથી બ્રિટિશ શાસકોની હાલત પણ કંઇક કન્યા પક્ષના લોકો જેવી જ છે. ગોર મહારાજે વરરાજા પધાર્યા હોવાની આલબેલ પોકારી ન હોવા છતાં સહુ કોઇ ‘વરરાજા’ને વધાવવા કામે લાગ્યા છે. વરરાજાની મહેમાનનવાજીમાં રતિભાર પણ કચાશ રહી ન જાય તેવું ટકોરાબંધ આયોજન થયું છે.
ચીનના પ્રમુખ સોમવારે લંડન પધાર્યા ત્યારે ખૂબ ધામધૂમથી તેમનું સ્વાગત થયું હતું. એરપોર્ટથી સીધો જ તેમનો રસાલો મેન્ડેરીન ઓરીએન્ટલ હોટેલ જઇ પહોંચ્યો અને રાતવાસો ત્યાં જ કરીને જિનપિંગ સાહેબે જેટલેગથી ડિસ્ટર્બ થયેલી બોડીક્લોકને એડજસ્ટ કરવા પ્રયાસ કર્યો. વિશ્વના સૌથી શક્તિશાળી દેશના માંધાતા હોય તો શું થઇ ગયું? તેમને પણ સમય, વાતાવરણ, આબોહવા સાથે અનુકૂળ થવા સમય તો જોઇએ જ ને...
જિનપિંગ દંપતીએ મંગળવારે સવારે પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ સાથે ચા-પાણી કર્યાં. અહીંથી રોયલ પેવેલિયન પહોંચ્યા. જ્યાં નામદાર મહારાણી અને પ્રિન્સ ફિલિપે રાજવી ઢબે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું. આ સાથે તેમના ચીનના સત્તાવાર પ્રવાસનો પ્રારંભ થયો. આ પછી પાર્લમેન્ટમાં ૬૦૦ સભ્યોને સંબોધન કર્યું. આ જ દિવસે સાંજે બકિંગહામ પેલેસમાં જિનપિંગ દંપતીના માનમાં શાહીભોજનું આયોજન થયું છે. રાતવાસો પણ પેલેસમાં જ કરશે. મંગળવાર અને બુધવારે તેમનો મુકામ બકિંગહામ પેલેસમાં રહેશે. નામદાર મહારાણી કોઇ દેશના વડાને આવું બહુમાન ભાગ્યે જ આપતા હોય છે. આમ ચીનના પ્રમુખ અલભ્ય બહુમાન મેળવશે.
પ્રમુખ જિનપિંગ બુધવારે ઇમ્પિરિયલ કોલેજની મુલાકાતે જશે. બાદમાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન ડેવિડ કેમરનને મળશે અને દ્વિપક્ષીય મંત્રણા યોજશે. સાંજના લંડનના મેયર બોરીસ જ્હોન્સનની યજમાનગતિ માણશે અને ગીલ્ડ હોલમાં પરંપરાગત મિજબાનીમાં સામેલ થશે.
ગુરુવારે નામદાર મહારાણી પ્રમુખ જિનપિંગને સત્તાવાર વિદાયમાન આપશે અને તેમનો કાફલો બકિંગહામ પેલેસથી સીધો જ કર્મયોગ હાઉસ અને ઓલ્ડ સ્ટ્રીટ સ્ટેશન વચ્ચે આવેલી Inmarsat તરીકે જાણીતી કંપનીએ પહોંચશે. આ કંપની વિશ્વભરના શિપિંગઉદ્યોગને સેટેલાઇટ માધ્યમથી સેવા આપવા માટે વિખ્યાત છે.
શુક્રવારે જિનપિંગ દંપતી માંચેસ્ટર જવા રવાના થશે. આ પ્રવાસમાં તેમને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન સંગાથ આપશે. મહેમાન યુગલ અહીંથી સીધા જ સ્વદેશ જવા રવાના થશે. (બાય ધ વે, દિવાળીના દિવસોમાં બ્રિટનના પ્રવાસે આવી રહેલા આપણા સહુના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પ્રવાસ પણ કંઇક આવો જ ભરચક્ક રહેશે. હા, જિનપિંગ પ્રમુખપદે બીરાજે છે અને નરેન્દ્રભાઇ વડા પ્રધાનપદે, એટલે રાજકીય પ્રોટોકોલ અનુસાર આમાં થોડુંઘણું આઘુપાછું હોય શકે છે.)
પ્રમુખ જિનપિંગને વરરાજા જેવા જ અછોવાના કંઇ અમસ્તા નથી થઇ રહ્યા. આજે ચીન વિશ્વસમસ્તમાં એટલું તગડું છે કે તેના નેતાને વધાવવા બ્રિટિશ નેતાગણ જાણે લાળ પાડી રહ્યો છે.
સમૃદ્ધ ચીનના બોલતા આંકડા
છેલ્લા ૩૫ વર્ષમાં એટલે કે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીમાં ચીનનું વાર્ષિક ઉત્પાદન સરેરાશ ૧૦ ટકાના દરે વધ્યું છે. એક જમાનાનું ગરીબ અને કંગાળ ચીન આજે દુનિયાની નજરે ઇર્ષ્યા, દ્વેષ કે તાજુબીનો દેશ બની રહ્યો છે. ચીનની સરકારી તિજોરીમાં અધધધ ૪૦૦૦ બિલિયન ડોલર પડ્યા છે. વિદેશી હૂંડિયામણના આ તોતિંગ જથ્થાની તાકાતનો અંદાજ આપવો હોય તો કહી શકાય કે આટલી રકમથી વિશ્વના કોઇ પણ દેશના અર્થતંત્રના પાયાને હચમચાવી શકાય. વાચક મિત્રો, આપ સહુને યાદ હશે જ બે’ક મહિના પૂર્વે ચીને તેની કરન્સી યુઆનનું જરાઅમસ્તું અવમૂલ્યન કર્યું (પોતાના ફાયદા માટે જ સ્તો) કે વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો.
આજે દુનિયામાં સૌથી વધુ બિલિયોનેર ધરાવતો દેશ ચીન છે. ૨૦૧૪માં જાહેર થયેલા આંકડા અનુસાર, ચીનની તળભૂમિમાં ૫૯૬ બિલિયોનેર વસે છે જ્યારે યાદીમાં બીજા નંબરે રહેલા અમેરિકામાં ૪૩૭ બિલિયોનેર છે. ચીન જે પ્રદેશને - હોંગ કોંગ, મકાઉ અને તાઇવાનને આવરી લઇ - ગ્રેટર ચાઇના તરીકે ઓળખાવે છે તેમાં વસતાં બિલિયોનેરની કુલ સંખ્યા તો ૭૧૫ સુધી પહોંચે છે. એક રીતે જૂઓ તો અડધા રામના અને બીજા અડધા ગામના જેવો આ મામલો છે. ગ્રેટર ચાઇનાના ૭૧૫ બિલિયોનેરની સરખામણીએ અમેરિકા, યુરોપ, જપાન અને ભારત સહિત અન્ય દેશના બિલિયોનેરના આંકડાનો સરવાળો કરો તો પણ આંકડો ૧૦૦૦થી ઉપર જતો નથી. ચાઇનીઝ પ્રેસિડેન્ટના અત્યારે જે ઓવારણાં લેવાઇ રહ્યાં છે તેના મૂળમાં આ વાત - કહો કે અબજો ડોલરની આ સમૃદ્ધિ રહેલી છે.
એક બીજું પણ કારણ જોઇ લઇએ. બે સપ્તાહ પૂર્વે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન આઠ દિવસની ચીનની ‘યાત્રા’એ ગયા હતા. બ્રિટનમાં અત્યાર સુધી ન્યૂક્લિયર રિએક્ટરને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોમાં સર્વોચ્ચ પ્રાધાન્ય અપાતું રહ્યું છે. અમેરિકા કે ફ્રાન્સ સિવાય વિશ્વનો કોઇ દેશ બ્રિટનમાં અણુક્ષેત્રે મૂડીરોકાણ કરી શકતો ન હતો, હવે આ ક્ષેત્રના દરવાજા ચીન માટે ખૂલ્લા મૂકાઇ રહ્યા છે. આને કહેવાય... નાણા વગરનો નાથ્યો, નાણે નાથાલાલ. ચીન બ્રિટનમાં £૨૪.૫ બિલિયનના ખર્ચે અદ્યતન અણુશક્તિ સંચાલિત પાવર હાઉસનું નિર્માણ કરશે.
આ મૂડીરોકાણ તો પાશેરામાં પહેલી પૂણી છે. ચીન સરકાર કે ચીનની અન્ય કંપનીઓ દ્વારા આ દેશમાં થનારા મૂડીરોકાણનો આંકડો તો અનેકગણો વધુ છે. આગામી દસકામાં ચીન બ્રિટનમાં ૧૫૦ બિલિયન પાઉન્ડ કે વધુનું મૂડીરોકાણ કરવા થનગની રહ્યું છે.
વરરાજા મંડપમાં આવવા થનગની રહ્યા છે તો કન્યા પક્ષ પણ તેમને હરખભેર આવકારવામાં લગારેય કચાશ રાખવા માગતો નથી. આ માટે બ્રિટન તેની ‘ખોડખાંપણ’ સામે પણ આંખ આડા કાન કરવા પણ તૈયાર થઇ ગયું છે. પોતાની આર્થિક તાકાતથી સુજાણ ચીનના લંડન ખાતેના હાઇ કમિશનર ચીનના પ્રમુખ જિનપિંગની મુલાકાત પૂર્વે જ બ્રિટિશ શાસકોને મળ્યા હતા અને સહુ કોઇને સ્પષ્ટ કરી દીધું હતું કે પ્રેસિડેન્ટ સરની બ્રિટન મુલાકાત દરમિયાન કોઇ પણ મુદ્દે મંત્રણા કરો તેનો વાંધો નથી, પણ માનવાધિકારનો મુદ્દો ઉઠાવતા નહીં. આ વિષય ભૂલેચૂકેય છેડતા નહીં... તેમને આ ગમશે નહીં.
માનવાધિકારના જતન-સંવર્ધન માટે સુવિખ્યાત બ્રિટન આ માટે સંમત થઇ ગયું છે, બાકી આ મામલે ચીનનો ભૂતકાળ ખરડાયેલો છે તે કોણ નથી જાણતું?! થોડાક વર્ષ અગાઉ વડા પ્રધાન ડેવિડ કેમરને દલાઇ લામાને પોતાના નિવાસસ્થાને આમંત્રીને ચા-પાણી કરાવ્યા હતા. આ વાતથી ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાયું હતું. આથી જ હવે તેને બાંહેધરી આપવામાં આવી છે કે વડા પ્રધાન કેમરન દલાઇ લામાને તેડાવશે નહીં. જોયું? આને કહેવાય જિસકી લાઠી, ઉસકી ભેંસ.
ચીનની લશ્કરી સજ્જતા
કોઇ પણ દેશ આર્થિક રીતે તગડો હોય એટલે લશ્કરી સજ્જતા પણ હોવાની જ. આર્થિક અને લશ્કરી મોરચે સજ્જ ચીન પ્રાદેશિક મહાસત્તા તરીકે તો ઉભર્યું જ છે, પરંતુ તેની સત્તાની ભૂખ સંતોષાઇ નથી. તે પંજો પ્રસારવા સતત પ્રયત્નશીલ જોવા મળે છે. અાડોશપાડોશના તમામ દેશો - જપાન, તાઇવાન, ફિલિપિન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ તેમ જ દક્ષિણે ભારત સાથે સરહદના મુદ્દે તે છાશવારે બાંયો ચઢાવતું રહે છે.
રેડ આર્મીના નામે જાણીતું અને લગભગ ૩૦ લાખ જવાનોનું સંખ્યાબળ ધરાવતું ચીનનું લશ્કર વિશ્વમાં સૌથી વિશાળ અને અત્યાધુનિક લશ્કરી શસ્ત્ર-સરંજામથી સજ્જ છે. દેશના સીમાડાનું રક્ષણ કરવાની સાથોસાથ વેપાર-વણજનું હિત જાળવવા મજબૂત નૌકાદળ આવશ્યક હોવાની જરૂરત ચીને સમજી લઇને આવશ્યક પગલાં લીધા છે.
અત્યારે દુનિયાભરમાં યુએસ નેવી અત્યાધુનિક તથા સૌથી શક્તિશાળી ગણાય છે, પણ ચીને તેનાથી આગળ નીકળી જવા કમર કસી છે. અને ચીને ભૂતકાળમાં દૃઢ પ્રતિબદ્ધતા થકી જે કંઇ હાંસલ કર્યું છે તે જોતાં આ અશક્ય પણ જણાતું નથી. અમેરિકી નૌકાદળમાં અત્યારે અત્યાધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ ૩૭૦ જેટલા યુદ્ધજહાજ, ન્યૂક્લિયર સબમરીનથી માંડીને ડિસ્ટ્રોયરનો કાફલો છે. ચીન અમેરિકાથી આગળ નીકળી જવા વ્હેલ-ફાળ (ભલા માણસ, દરિયામાં હરણ ફાળ ભરે તો ડૂબી ન જાય!) ભરી રહ્યું છે. ચીને આગામી સાત વર્ષમાં તેના યુદ્ધજહાજ, સબમરીનની સંખ્યા ૩૦૦ને પાર પહોંચાડી દેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેની સામે ઇન્ડોનેશિયા, જપાન, મલેશિયા, ફિલિપિન્સ અને વિયેતનામ પાસે કુલ મળીને માત્ર ૩૦૦ જેટલાં યુદ્ધજહાજો છે, અને તે પણ ચીન જેટલાં તાકાતવાન અને વિધ્વંસક તો નહીં જ.
વિશ્વના દરેક મહત્ત્વના દેશમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીસ નામનું એક સંસ્થાન કાર્યરત હોય છે. જેનું મુખ્ય કામ હોય છે અન્ય દેશો, સવિશેષ તો પ્રતિસ્પર્ધી દેશોની લશ્કરી કે આર્થિક તાકાતનો બારીક અભ્યાસ કરતા રહેવાનું અને તેના આધારે ક્યા ક્ષેત્રે કેવા પગલાં લેવા જોઇએ તે અંગે પોતાના દેશને જરૂરી સલાહસૂચન આપતા રહેવાનું. બ્રિટનના આવા જ એક ઇન્સ્ટિટ્યુટે તૈયાર કરેલા અહેવાલમાં ભારતનો જે પ્રકારે ઉલ્લેખ છે તે એક ભારતીય તરીકે આપણા સહુ કોઇ માટે આનંદ અને ગૌરવનો હોવાથી અહીં રજૂ કરી રહ્યો છું.
અહેવાલમાં જણાવાયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઇંડિયન નેવીને સુસજ્જ બનાવવા માટે આગામી ૨૦૨૭ સુધીમાં અતિઆધુનિક ૨૦૦ જેટલા યુદ્ધજહાજોથી સજ્જ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે એટલું જ નહીં, તેના અમલીકરણની દિશામાં કાર્યરત પણ બની છે. વાચક મિત્રો, તમે કદાચ કહેશો કે ભારત સરકારના આવા નિર્ણયોમાં નવું ક્યાં કંઇ છે? આવી જાહેરાતો તો છાશવારે થતી જ હોય છે, સવાલ તેના અમલનો હોય છે! તમારી શંકા એકસો એક ટકા સાચી, પણ મને આ નિર્ણયમાં આશાનું ઉજળું કિરણ જોવા મળે છે. કઇ રીતે? ગાડી ભલે જરા આડા પાટે જાય, જરા વિગતે...
એક તો, ભૂતકાળમાં ભારતની એક પણ સરકારે આવી પ્રતિબદ્ધતા દાખવી નથી. અરે, પ્રતિબદ્ધતા તો છોડો આવો કોઇ નિર્ણય પણ કર્યો નથી. આથી જરૂરી પગલાં લેવાનો તો સવાલ જ નથી. વર્તમાન સરકારે જરૂરી નિર્ણય કરીને આ દિશામાં આનુષાંગિક પગલાં લેવાનું પણ શરૂ કરી દીધું છે. સંરક્ષણ ક્ષેત્રે કામગીરી કરીને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા વર્ષોથી તત્પર અનેક ભારતીય કંપનીઓના લાયસન્સ મંજૂર કરાયા છે. (આકડે કમાણીનું મધ ભાળીને) અનેક વિદેશી શસ્ત્રઉત્પાદકોએ આ ભારતીય કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે. પરિણામે જંગી મૂડીરોકાણ જ નહીં, ભારતને અદ્યતન સંરક્ષણ ટેક્નોલોજી પણ મળશે. લાયસન્સ મેળવનાર દરેક કંપની માટે ભારતમાં જ ઉત્પાદન કરવાનું ફરજિયાત હોવાથી હજારો લાખો રોજગારીનું સર્જન થશે. અને સૌથી મહત્ત્વની વાત - વર્ષોના વીતવા સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનશે. અત્યારે સંરક્ષણ ક્ષેત્રે ભારત મોટા ભાગે બીજા દેશો પર નિર્ભર છે. મિત્રો, લક્ષ્ય ભલે ગમેતેટલું દૂર દેખાતું હોય, પણ પહેલું ડગલું તો માંડવું પડશે ને? મોદી સરકારે આ કામ કર્યું છે - જ્યાં ચાહ ત્યાં રાહ.
ચીનની મૂળ વાત પર પાછા ફરીએ. ચીન અને અમેરિકા લશ્કરી શસ્ત્રસરંજામ માટે વર્ષેદહાડે કેટલા નાણા ફાળવે છે? ૨૦૧૪માં અમેરિકાએ ૬૧૦ બિલિયન ડોલર ફાળવ્યા હતા જ્યારે ચીને ૨૧૭ બિલિયન ડોલર અને ભારતે ૪૬ બિલિયન ડોલર ફાળવ્યા હતા. અત્યારે અમેરિકાનું લશ્કરી બજેટ ભલે સૌથી વધુ જણાતું હોય, પણ ચીન તેની લગોલગ પહોંચી જવા મક્કમ જણાય છે.
બ્રિટનમાં એક સાવચેતીનો સૂર પણ ઉઠ્યો છે. હિન્દી-ચીની ભાઇ-ભાઇનું સૂત્ર ગાજતું હતું તે ગાળો અને ૧૯ ૬૨ ની ઘટનાને યાદ કરાય છે. હવે બ્રિટન ચીન સાથે મૈત્રી મજબૂત બનાવવા માગે છે, પણ વૈશ્વિક સ્તરે સ્થિતિ સ્ફોટક બનશે ત્યારે શું થશે? મારા - તમારા જેવા આમ આદમીને આ પ્રશ્ન મૂંઝવે તે સ્વાભાવિક છે, પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે બ્રિટિશ શાસકો મહા-મુત્સદ્દી છે.
તોફાની વિદ્યાર્થીને કુશળ શિક્ષક જેમ યોજનાપૂર્વક સારા માર્ગે લઇ જાય તેમ બ્રિટિશ મુત્સદ્દીગીરીએ છેલ્લા દોઢસોએક વર્ષમાં સિદ્ધિ હાંસલ કરી છે. આ વેળાના ‘એશિયન વોઇસ’માં પાન નં. ૮ ઉપર As I See It કોલમમાં આ બાબત એક ઐતિહાસિક તવારીખ રજૂ કરવામાં આવી છે.
એક જમાનામાં અમેરિકાથી એટલા નાણા આ દેશમાં ઠલવાતા હતા કે લોકો કટાક્ષમાં પૂછવા લાગ્યા હતા કે અમેરિકા બ્રિટનને ગિરવે રાખી લેશે કે શું? પરંતુ આવું કંઇ ન થયું. બ્રિટનનું આર્થિક સાર્વભૌમત્વ જળવાય રહ્યું. આ જ પ્રમાણે એક સમયે જપાનથી કોથળાબંધ નાણા આ દેશમાં આવતા હતા. છતાં જપાન આ દેશના અર્થતંત્ર પર વર્ચસ જમાવી શક્યું નથી. હવે બ્રિટનમાં પેટ્રો-ડોલર ઠલવાઇ રહ્યા છે. મલેશિયાથી પણ અઢળક નાણા આવી રહ્યા છે. અને ભારતથી પણ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું મૂડીરોકાણ આવ્યું છે.
વિશ્વના વિવિધ દેશોમાંથી મૂડીરોકાણનો ધોધ વહ્યો હોવા છતાં બ્રિટિશ અર્થતંત્ર જલકમલવત્ રહ્યું છે. આ દેશનું અર્થતંત્ર તેની પૂર્વનિર્ધારિત રૂપરેખા અનુસાર જ પાંગર્યું છે. કોઇ પણ દેશના (આર્થિક) પ્રભાવમાં આવ્યા વગર બ્રિટન સ્વ-હિત જાળવવા સજ્જ અને શક્તિમાન છે તેવું આ દેશની નીતિરીતિના ઘડવૈયાઓનું માનવું છે, અને તે હકીકત પણ છે.
•••
મેનેજમેન્ટ સ્કૂલોનું સંચાલન
ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા-પ્રવાસ દરમિયાન ન્યૂ યોર્કમાં વેપાર-ઉદ્યોગ જગતના દિગ્ગજ અને ફોર્ચ્યુન-૫૦૦માં સ્થાન ધરાવતા ટોચના ૪૭ સીઇઓ સાથે બેઠક યોજી હતી. આમાંથી ત્રણ ભારતવંશી હતા - ઇન્દ્રા નૂયી (પેપ્સીકો), અજય બાંગા (માસ્ટરકાર્ડ) અને સંજય મેહરોત્રા (સાનડિસ્કના સહ-સ્થાપક). આ પછી તેઓ સિલિકોન વેલીમાં ગયા અને આઇટી ક્ષેત્રના દિગ્ગજો સાથે બેઠક યોજી તેમાં પણ ત્રણ ભારતવંશી હતા - સુંદર પિચાઇ (ગુગલ), સત્ય નાદેલા (માઇક્રોસોફ્ટ) અને શાંતનુ નારાયણ (એડોબ ફોટોશોપ).
આ બધા વિશ્વભરમાં ભારતના નામનો ડંકો વગાડે છે, પણ આ બધા તૈયાર ક્યાં થયા? ભણ્યાગણ્યા ક્યાં? અને ક્યાં તાલીમ મેળવી? ભારતમાં જ સ્તો. આ બધા ભારતની આઇઆઇટી (ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) અને આઇઆઇએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ)માં ભણ્યા છે. અને તાલીમ પણ ભારતમાં જ લીધી છે. હા, સમય વીત્યે તેઓ અમેરિકા કે બીજા દેશોમાં જઇ વસ્યા તે સાચું, પણ તેમની સફળતાની બુલંદ ઇમારતનો પાયો તો ભારતમાં જ છે.
જોકે નવાઇની વાત એ છે કે તાજેતરમાં વિશ્વની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલનું જે રેટિંગ જાહેર થયું છે તેના ટોપ-૧૦૦માં પણ ભારતના એક પણ શિક્ષણ સંસ્થાનનું નામ જોવા મળતું નથી. આ સપ્તાહે ‘ફાઈનાન્સિયલ ટાઇમ્સ’ દ્વારા વિશ્વની બેસ્ટ મેનેજમેન્ટ સ્કૂલની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં અમેરિકાનું નામ છે, યુકેના શિક્ષણ સંસ્થાન છે, ચીનની સંસ્થાઓના પણ નામ છે, અરે બીજા બધા દેશો પણ છે, પરંતુ ભારતનું નામ સમ ખાવા પૂરતુંય જોવા મળતું નથી. આ ખરેખર ગંભીર બાબત છે.
વેપાર-ઉદ્યોગની સ્થાપના માટે, તેના વિકાસ માટે, તેના વિસ્તાર માટે મૂડીરોકાણ પણ જોઇએ અને આ બધાનું સંચાલન કરવા માટે મેનેજમેન્ટના માણસો પણ જોઇએ. શેરહોલ્ડર્સ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો નીતિરીતિ નક્કી કરે, પણ તેના અમલની જવાબદારી તો મેનેજમેન્ટના નિષ્ણાતો જ સંભાળે. આવા મેનેજમેન્ટ નિષ્ણાતો તૈયાર કરતી આઇઆઇએમ કે આઇઆઇટીના શૈક્ષણિક પાયા નબળા પડી રહ્યા છે તે નાની વાત નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક ક્ષેત્રે ભારતના ભવ્ય ભવિષ્ય માટે કાર્યરત છે. આ બાબત પણ જરૂર વિચારતા હશે, પણ ખાસ જરૂર છે આ ક્ષેત્રે ત્વરિત અને યોગ્ય નિર્ણયની - યુદ્ધના ધોરણે.
•••
નિરાશ્રિતોનો યુરોપ તરફ ધસારો
મધ્ય પૂર્વ, વિશેષતઃ સિરિયા, ઇરાક, એરિટ્રીયા, સોમાલિયા કે તેના જેવા ઉત્તર આફ્રિકાના કેટલાક દેશો કે પછી અફઘાનિસ્તાનથી હજારો નિરાશ્રિતોનાં ટોળેટોળાં યુરોપના - યુરોપિયન યુનિયન(ઇયુ)ના દેશો ભણી આગેકદમ માંડી રહ્યા છે. યુરોપિયન દેશોમાં આશરો મેળવવા દર સપ્તાહે ૨૪ હજારથી વધુ લોકો આગળ વધી રહ્યા છે. છેલ્લા થોડાંક અરસામાં તો આ ધસારાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ૨૮ દેશોના બનેલા યુરોપિયન યુનિયનના વડાઓ કે ગૃહ પ્રધાનોની બ્રસેલ્સમાં નિયમિત બેઠકો યોજાઇ રહી છે. જેમાં પણ નિરાશ્રિતોની સંખ્યા સતત વધી હોવાના મુદ્દે ચિંતાનો સૂર વ્યક્ત થતો રહ્યો છે.
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે તો જરૂર પડ્યે પાંચ લાખ જેટલા નિરાશ્રિત આગંતુકોને અપનાવવા એક ઉદારનીતિની ઘોષણા પણ કરી છે. પણ સામે શરણાર્થી સમુદાયનો દરિયો ઘુઘવી રહ્યો છે તેનું શું? ઇયુના મોખરાના સભ્ય બ્રિટનમાં પણ આ શરણાર્થીઓની સમસ્યા ચર્ચાસ્પદ બની છે. લોકમુખે ચાલતી ચર્ચામાં આ ત્રણ મુદ્દા સ્પષ્ટ બનીને ઉભર્યા છે.
૧) ઉપરોક્ત તેમ જ અન્ય દેશોમાંથી એક અંદાજ પ્રમાણે ૨૩ કરોડ માનવીઓ સાધનસંપન્ન દેશોમાં આવવા આતુર છે. ૪૫ કરોડની વસ્તી ધરાવતા યુરોપિયન યુનિયન માટે આ સહુને સમાવવા, સ્વીકારવા એ સાવ અશક્ય જણાય છે.
૨) બ્રિટનના ખ્રિસ્તી ધર્મના ટોચના વડાઓએ બ્રિટિશ સરકારને દર્દભરી રજૂઆત કરી છે કે આગામી સાડા ચાર વર્ષમાં સિરિયા, લેબેનોન વગેરે દેશોમાંથી ૨૦ હજાર નિર્વાસિતોને આશરો આપવાની મર્યાદા નક્કી થઇ છે, પણ મર્યાદા વધારીને તેમાં બીજા ૩૦ હજારનો ઉમેરો કરવો જોઇએ. મતલબ કે બ્રિટનમાં કુલ ૫૦ હજાર નિરાશ્રિતોને આશરો આપવો જોઇએ. અને આ માટે સત્વરે કાર્યવાહી કરવી જોઇએ.
ખ્રિસ્તી ધર્મમાં દયા, પ્રેમ અને સંવેદનશીલતા પાયાની બાબત છે. અત્યારે જનમાનસ નવા આગંતુકોને દેશમાં પ્રવેશ બાબત અસુખ અનુભવે છે, ગંભીરતાથી જૂએ છે. આમ છતાં પણ ધર્મગુરુઓ આ પ્રમાણે માનવતા દાખવી રહ્યા હોય તો તેની સહુકોઇએ નોંધ લેવી જ રહી.
૩) યુરોપભરમાંથી હવે બહુમતી વર્ગમાંથી એવો અવાજ ઉઠી રહ્યો છે કે સાઉદી અરેબિયા કે તેની આજુબાજુના દેશોનો વિસ્તાર મોટો છે, વસ્તી નાની છે, તેમની પાસે નાણાં પણ છે તો આ લોકો ઠંડા દેશોમાં આવવાના બદલે સમાન ધર્મ, સમાન વિચારસરણી, અને તેમને માફક આવે તેવી આબોહવા ધરાવતા દેશમાં જવાના બદલે અહીં કેમ આવી રહ્યા છે? સાઉદી અરેબિયાના શાસકોએ જાહેર કર્યું છે કે જર્મનીમાં વિશાળ સંખ્યામાં નિરાશ્રિતો આશરો લેવા પહોંચી રહ્યા છે. આ લોકો તેમની ધાર્મિક વિચારસરણી અનુસાર જીવન જીવી શકે, તેમની ધર્મપરંપરાનું જતન કરી શકે તે માટે ૨૦૦ મસ્જિદનું નિર્માણ કરવા જર્મનીને આર્થિક સહાય આપશે.
યુરોપિયન પ્રજાને આ જ વાત ખટકી રહી છે. સાઉદી અરેબિયા સહિતના અનેક મુસ્લિમ દેશોમાં વિશાળ જમીન છે, સાધનસુવિધાથી સજ્જ છે, અને આ દેશો ખાધેપીધે સુખી પણ છે તો પછી તેઓ નિરાશ્રિતોને (કે જેમાનાં મોટા ભાગના મુસ્લિમ છે તેમને) પોતાના દેશમાં આશરો આપવાની ઓફર કરવાના બદલે ધાર્મિક બાબત આર્થિક સહાય આપીને કેમ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે.
લોકોને સહુ મોટી ચિંતા વિશ્વમાં વધી રહેલા કટ્ટરવાદ અને આતંકવાદની છે. વિશ્વભરમાં ફેલાયેલા ત્રાસવાદમાં ૯૦ ટકાથી વધુ હિસ્સો મુસ્લિમોનો છે એ હકીકત છે ત્યારે યુરોપિયન પ્રજા અને શાસકોની આ ત્રણેય મુદ્દે ચિંતા અસ્થાને તો નથી જ.
•••
ચીનુ મોદીનો આર્તનાદ ‘બદલાતાં સરનામાં’
ચીનુ મોદીનો ૧૯૫૬થી ગુજરાતી સાહિત્ય સાથે નાતો જોડાયો છે. સોનેટ, ગઝલ, બહુઅંકી તથા એકઅંકી નાટક, નવલકથા, લઘુનવલ... ચીનુ મોદીની સાહિત્યસાધના સતત ચાલતી રહી છે તે આવકાર્ય છે. ચીનુભાઇ, તમે બીજા અનેક વર્ષોસુધી ગુજરાતી સાહિત્યની સેવા કરતા રહો તેવી અમારી શુભકામના છે. (ઇશ્વરપ્રાર્થના નથી લખતો હોં... કેમ કે તમે ઇશ્વરને ખાસ કંઇ મહત્ત્વ આપતા નથી.)
તાજેતરમાં ચીનુભાઇ લંડનના ટૂંકા પ્રવાસે આવ્યા હતા ત્યારે આપણે તેમના માટે સંગત સેન્ટરમાં એક કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રસંગે તેમણે મને તેમની હાસ્ય-લઘુનવલ ‘બદલાતાં સરનામા’ સાદર કરી હતી. વાત સીધી અને સરળ છે. વય વધવા સાથે જીવનસાથી વિદાય લે ત્યારે એકલવાયા સાથીની હાલત બહુ કફોડી થતી હોય છે. આ જ કથાવસ્તુ પુસ્તકમાં છે. આ ધરતી પર ઘર તો હજારો હોય છે, પણ આવા એકલવાયા લોકોનું સરનામું ક્યું? તે ક્યાં રહે? આ કંઇ બ્રિટન કે અમેરિકા કે માત્ર પશ્ચિમના દેશોનો જ સવાલ નથી. આપણા ભારત, ગુજરાતમાં પણ આવું બની રહ્યું છે. એકલવાયી વ્યક્તિ પરિવારમાં દીકરા-દીકરી હોય તેમની સાથે રહેવા જાય. બે-ચાર મહિના વીતાવે. અને ફરી નવો મુકામ શોધવો પડે. આમ ‘બા’ કે ‘બાપુજી’ ફરતારામ થઇ જાય છે. દીકરા કે દીકરીને ત્યાં જઇને અઠ્ઠેદ્વારકા કર્યું એટલે પણ વાત પૂરી થઇ ગઇ એવું તો હોતું નથી. આમાં પણ જાતભાતના પ્રશ્નો, પેટા-પ્રશ્નો પેદા થાય છે. મહેમાન માટે ગુજરાતીમાં કહેવત છે - પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પઈ અને ત્રીજા દિવસે રહે તેની અક્કલ ગઇ. આ કંઇ દૂરના સગાંવ્હાલાઓ નથી. છતાં સમયના વહેવા સાથે જોવા મળતું હોય છે કે દાદા-દાદી, સાસુ-સસરા, માતા-પિતા સહુકોઇને પોતપોતાનું સ્વાતંત્ર્ય હોય છે. વ્યક્તિ થોડાક દિવસ કે થોડાક સપ્તાહો ભલે સાથે હળીમળીને હેતભર્યા વીતાવે પણ પછી તો વ્યક્તિને ખુદને જ પોતાના ‘આતિથ્ય’નો બોજ વરતાવા લાગે છે.
યજમાન અને મહેમાન વચ્ચે ભલે ગમેતેટલો પ્રેમ હોય, ઉષ્મા હોય, આદર હોય, પણ સમયના વહેવા સાથે તેમાં ઓટ આવવા લાગે છે. એક જપાનીઝ કહેવત છે - માછલી અને મહેમાન ચાર દિવસ પછી ગંધાવા લાગે. સમયના વહેવા સાથે કંઇક આવું જ બને છે. અને ‘અતિથિ’ને નવા સરનામા તરફ નજર દોડાવવી પડે છે.
આથી જ એકલવાયા જીવે પોતાનું એક ‘કાયમી’ સરનામું રાખવું જોઇએ. ભલે નાનકડું, પણ એક સ્વતંત્ર મકાન કે ફ્લેટ રાખવો જોઇએ. દીકરા કે દીકરી સાથે રહી લીધા બાદ થોડાક દિવસ આ મકાન કે ફ્લેટમાં રહીને પોતાની જાત સાથે પણ દિવસો ગાળી લેવાના. સંતાનોની પણ સ્વતંત્રતા જળવાય રહે અને વ્યક્તિની પોતાની સ્વતંત્રતા પણ. ચીનુભાઇએ તેમની હાસ્ય-લઘુનવલમાં હસતાં હસતાં, હળવાશથી ઘણી વાતો કરી છે. પરંતુ નાટક હોય કે ફિલ્મ, નવલકથા હોય કે નવલિકા લેખકો હંમેશા તેમના સર્જન થકી ગૂઢ સંદેશ આપતા હોય છે - ‘બદલાતાં સરનામાં’માં પણ આ જ વાત છે. હસતાં હસતાં જે કહેવાઇ જતું હોય છે તેના હાર્દમાં પણ અંતે તો સત્ય જ હોય છેને?
મંગળવાર અને નવરાત્રીના આઠમના દિને આ લેખને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મા આદ્યશક્તિની પ્રાર્થનાનો એક નાનો મંત્ર આપણે સહુ જાણીએ છીએ.
યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
જીવનના દરેક તબક્કે, પળે પળે શક્તિની સાધના આવશ્યક છે. ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ કે ક્રિયાશક્તિ એ અર્થમાં આપણે સહુ મા ભગવતીની કૃપાથી વધુ શક્તિસભર બનીએ અને સિદ્ધિના પંથે પ્રયાણ કરીએ તેવી પ્રાર્થના... (ક્રમશઃ)