કરવા જાય કંસાર, થઈ જાય થૂલી...

જીવંત પંથ-2 (ક્રમાંક 48)

- સી.બી. પટેલ Tuesday 28th January 2025 09:50 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે કરેલા વાયદા અનુસાર જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની નીતિરીતિના લેખાંજોખાં લઇને આપની સેવામાં હાજર થયો છું. લેખાંજોખાં કરતાં પણ હું આને (વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં) મારો દૃષ્ટિકોણ ગણાવવાનું વધુ પસંદ કરીશ.
અમેરિકાના આ બડબોલા પ્રમુખે શાસનધૂરા સંભાળતાંની સાથે જ તેમના વાક્બાણો થકી વૈશ્વિક માહોલમાં વિવાદના વમળો સર્જવાનું શરૂ કર્યું છે... અને આ ક્યારે અટકશે એ તો કદાચ ઇશ્વર પણ જાણતા નહીં હોય. જીભ ટ્રમ્પ ખુદ કચરી રહ્યા છે ને જીવ લોકોનો કોચવાઇ રહ્યો છે. રાજકારણ - અર્થકારણ - સંરક્ષણ એમ બધા મોરચે તેમના શબ્દો તહેલકો મચાવી રહ્યા છે. એક પછી એક જાહેરાત, નિર્ણય, ઇરાદા જાહેર કરવાનો સિલસિલો અવિરત ચાલુ જ છે. તેમના વાણી-વર્તન-વ્યવહારમાં જાણે સત્તાનો મદ છલકતો નજરે પડે છે.
પ્રમુખ ટ્રમ્પે ગયા શુક્રવારે ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટ ફ્રેડરિક્સનને ટેલિફોન કરીને 45 મિનિટ વાત કરી હતી. ટ્રમ્પ અગાઉ જ - એક કરતાં વધુ વખત તેમનો - ઇરાદો જણાવી ચૂક્યા હોવાથી સ્વાભાવિક છે કે ચર્ચાના કેન્દ્રમાં ગ્રીનલેન્ડનો મુદ્દો હતો. આ વાર્તાલાપ વેળા ટ્રમ્પે મેટ્ટને બરાબર ધમકાવ્યા હોવાના અહેવાલ છે. ટ્રમ્પ પનામા કેનાલ પાછી મેળવવા માગે છે, મેક્સિકોના અખાતનું નામ બદલવા દૃઢ નિશ્ચયી છે અને કોઇ પણ ભોગે ગ્રીનલેન્ડ પણ કબ્જે કરવું છે.
પ્રમુખ ટ્રમ્પે ઇરાદાઓની હારમાળા રજૂ કરવા સાથે સલાહ-સુચનોનો પણ ધોધ વહાવ્યો છે. ઓઇલ ઉત્પાદક દેશોએ ભાવઘટાડો કરવો જોઇએ, અમેરિકાની બેન્કોએ વ્યાજદર ઘટાડવા જોઇએ વગેરે વગેરે. ધનવાન વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે તેવા આજના માહોલમાં આવા સુચનો આવકાર્ય પણ ખરા. ઓઇલના ભાવ ઘટે, વ્યાજ ઘટે તો તેના પગલે મોંઘવારી પણ ઘટે ને સરવાળે આમ આદમીનું જીવન થોડું સરળ જરૂર બને. આ બધું સાચું, પરંતુ શું આ બધું રાતોરાત શક્ય છે ખરું..?
બ્રિટનનાં ચાન્સેલર રેચલ રિવ્સે પણ પ્રમુખ ટ્રમ્પના ઇરાદાઓ-ઇચ્છાઓ અંગે ગયા શુક્રવારે કંઇક આવા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો હતોઃ ટ્રમ્પ સાહેબની હકારાત્મક્તામાંથી બ્રિટન ઘણું બધું પામી શકે એમ છે... રેચલબહેનના શબ્દો વાંચતા સમજાશે કે કાણાને ક્યારેય કાણો ના કહે તેનું નામ રાજકારણી.
વાચક મિત્રો, રેચલ રિવ્સ તો આપણા દેશનાં વરિષ્ઠ મહિલા નેતા છે... કે તેઓ બોલવા ખાતર જ કદાચ આવી બધી વાતો બોલી રહ્યા છે.
ગ્રીનલેન્ડ મામલે પણ ટ્રમ્પ ફાવશે કે કેમ તે વિવાદાસ્પદ છે. ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે અમારે ગ્રીનલેન્ડની જરૂર છે. અને અમને આશા છે કે ડેન્માર્ક આ મામલે પહેલ કરશે’, એમ ટ્રમ્પ કહે છે. ‘ધ આર્ટ ઓફ ધ ડીલ’ પુસ્તકના લેખક એવા ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે દરેક વસ્તુની એક કિંમત હોય છે, અને આમાં 56 હજાર ગ્રીનલેન્ડર્સ પણ આવી ગયા!!!
ટ્રમ્પની વાત અમુક અંશે વિચારવા જેવી છે. અમેરિકા ભૂતકાળમાં રશિયન શાસકો પાસેથી અલાસ્કા ખરીદી ચૂક્યું છે, અને ખનિજ સમૃદ્ધિથી હર્યોભર્યો ગ્રીનલેન્ડ ખરીદવા માટે ભૂતકાળમાં ડેન્માર્કના શાસકો સામે ઊંચી રકમની ઓફર મૂકી જ હતી. હા, ડીલ ફાઇનલ નહોતું થયું તે વાત અલગ છે. તે વખતે પણ ડેન્માર્ક ગ્રીનલેન્ડની સોદાબાજી માટે તૈયાર નહોતું થયું, અને આ વખતે પણ તે તૈયાર નથી.
અમેરિકા નાણાંની કોથળા ખુલ્લા મૂકીને જુદા જુદા પ્રદેશો હસ્તગત કરવા માટે જાણીતું છે. બ્રિટને શસ્ત્રોના જોરે સામ્રાજ્યવાદ વિસ્તાર્યો હતો તો અમેરિકાએ નાણાંનાં જોરે દેશની સરહદ વધારી છે. અમેરિકાનો લગભગ 40 ટકા હિસ્સો જમીન ખરીદીને વિસ્તારાયો છે એમ કહી શકાય.
લુઝિયાના 1803માં ફ્રાન્સ પાસેથી ખરીદાયું હતું તો સ્પેન પાસેથી 1821માં ફ્લોરિડા અને અલાસ્કા 1867માં રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. 7.2 મિલિયન ડોલરમાં અલાસ્કા પ્રદેશ હસ્તગત કર્યા બાદ પ્રમુખ એન્ડ્ર્યુ જ્હોનસને આઇસલેન્ડ સહિત ગ્રીનલેન્ડ ખરીદવા તખતો તૈયાર કર્યો હતો. 5.5 મિલિયન ડોલરમાં સોદો ‘લગભગ નક્કી’ હતો અને વાત પડી ભાંગી. 1910માં ફરી એક વખત અમેરિકાએ ટ્રાય કરી, પણ મેળ ના પડ્યો. આ દરમિયાન બ્રિટને પણ ગ્રીનલેન્ડને અમેરિકાના હાથમાં જતું અટકાવવા શક્ય તેટલાં રોડાં નાંખ્યા હતાં.
ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોં ખોલે છે ને અમેરિકામાં વસતાં વિદેશવાસીઓના પેટમાં ફાળ પડે છે. (અમેરિકાના ખાસ સહયોગી દેશોના ઇમિગ્રન્ટ્સમાં જ ટ્રમ્પ શાસનના પુનરાગમનથી ચિંતાનું કેવું મોજું ફરી વળ્યું છે તેનો તાગ મેળવવા માટે જૂઓ ચાર્ટ) ભવિષ્ય સંદર્ભે પોતાની અને પરિવારજનોની ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ ટ્રમ્પ સાહેબ જ્યારે ઇમિગ્રન્ટ્સ મામલે બોલે છેને ત્યારે તેમણે અમેરિકાના ઇતિહાસ પર એક નજર ફેરવી લેવા જેવી છે.
 અમેરિકા આખો દેશ જ ઇમિગ્રન્ટ્સનો બનેલો છે એમ કહીએ તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. પ્રારંભે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને પશ્ચિમી યુરોપથી યુરોપિયન વસાહતીઓ અહીં આવીને વસ્યા, અને મૂળે અહીં વસતી રેડ ઇંડિયન્સ પ્રજાનો લગભગ કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો એમ કહી શકાય. આજે અમેરિકામાં ગણ્યાંગાંઠ્યા રેડ ઇંડિયન્સ બચ્યા છે, અને તે પણ લગભગ નજરકેદ જેવી સ્થિતિમાં (ખાસ વિસ્તારોમાં) જીવન વીતાવી રહ્યા છે.
સમયાંતરે આફ્રિકાથી લાખો ગુલામોને અમેરિકા લાવવામાં આવ્યા, અને તેમની પાસે લોહીચૂસ કાળી મજૂરી કરાવાઇ. આજના આધુનિક અમેરિકાનો આર્થિક વિકાસ આ અશ્વેત ગુલામોના પરસેવાથી સિંચાયો છે તે સહુએ યાદ રાખવું રહ્યું.
આ વિશાળ દેશના પેટાળમાં ધરબાયેલા કુદરતી ખાણીપીણી તેમજ ખનિજનો ભંડાર બહાર લાવવામાં ઇમિગ્રન્ટસના શ્રમ-ઉત્સાહ-ઉમંગનું મૂલ્યવાન યોગદાન છે. ‘બહારના લોકોના’ આ યોગદાનથી જ 20મી સદીની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વિશ્વમાં સૌથી મોટા ઔદ્યોગિક અને આર્થિક દેશ તરીકે ઉભરી આવ્યું.
અમેરિકાના બંધારણ અને ભારતના બંધારણમાં ઘણી સામ્યતા જોવા મળે છે તેનું કારણ એ છે કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ બંધારણની રચના વેળા અમેરિકી બંધારણની પાયાની જોગવાઇઓને નજરમાં રાખી હતી. અમેરિકા જેમ ફેડરલ સ્ટેટ છે તેમ ભારતમાં પણ સમવાય તંત્ર છે. અમેરિકાની જેમ જ ભારત પણ અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ છે. અલબત્ત, ભારતની સરખામણીએ અમેરિકામાં કેન્દ્ર અને રાજ્યના સંબંધો મામલે વધુ વિગતવાર જોગવાઇ / સ્પષ્ટતા કરાઇ છે.
ખેર, મૂળ વાત પર પાછા ફરીએ તો... ટ્રમ્પ ભલે (મત મેળવવાની લાયમાં) દેશના વિકાસમાં ઇમિગ્રન્ટ્સના યોગદાનને વિસરી ગયા હોય, પરંતુ આ દેશના વિકાસ કાજે પોતાના લોહી-પાણી એક કરનાર ઇમિગ્રન્ટ્સ આ વાત કોઇ રીતે ભૂલી શકે તેમ નથી. આથી જ તેઓ નગુણા ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સવિરોધી અભિગમથી આઘાત અને આંચકાની લાગણી અનુભવી રહ્યા છે.
ટ્રમ્પે પ્રમુખપદે સોગંદ લેતાં જ ઇમિગ્રન્ટ્સ સમુદાય પર કાયદાનો કોરડો વીંઝતા બર્થરાઇટ સિટીઝનશિપ એક્ટને રદ કરવાની જાહેરાત કરી દીધી છે. મતલબ કે અમેરિકામાં વસતાં ઇમિગ્રન્ટના પરિવારમાં સંતાનનો જન્મ થશે તો અમેરિકાનું નાગરિકત્વ નહીં મળે. આ તો ભલું થજો અમેરિકી સર્વોચ્ચ અદાલતના સિનિયર જસ્ટિસનું કે જેમણે ટ્રમ્પના આ નિર્ણયના અમલ સામે 14 દિવસનો સ્ટે ફરમાવી દીધો છે. પ્રમુખ રોનાલ્ડ રેગનના કાર્યકાળમાં નિમાયેલા આ જસ્ટિસે સ્પષ્ટ કર્યું છે કે બર્થરાઇટ સિટીઝનશિપ એકટને રદ કરતો નિર્ણય સંપૂર્ણ ગેરબંધારણીય છે અને તે તત્કાળ અસરથી અમલી બની શકે નહીં.
સુપ્રીમ કોર્ટનો આ અભિગમ દર્શાવે છે કે પ્રમુખ ટ્રમ્પ ગમેતેટલા ધમપછાડા કરે પણ વહીવટી તંત્ર સારું-નરસું પારખવાની સૂઝબૂઝ ધરાવે છે, અને દરેક બાબતમાં ટ્રમ્પનું ધાર્યું જ થશે તે જરૂરી નથી.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ આપેલા પ્રવચનમાં 1897માં ચૂંટાયેલા પ્રમુખ વિલિયમ મેકેન્લેનો સવિશેષ ઉલ્લેખ કરતાં તેમને ‘ગ્રેટ પ્રેસિડેન્ટ’ ગણાવ્યા હતા. પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન કે રુઝવેલ્ટ સહિતના કોઇ પ્રમુખનો ઉલ્લેખ નહોતો. ટ્રમ્પે શા માટે મેકેન્લેને મહાન પ્રમુખ ગણાવે છે?
અમેરિકા ભલે ચીનની વિસ્તારવાદી નીતિને બદનામ કરતું રહ્યું હોય, પણ ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે અમેરિકા પણ આ જ નીતિરીતિને અનુસરતું રહ્યું છે - ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ! અમેરિકા પણ યેનકેન પ્રકારેણ બીજાના પ્રદેશો પોતાનામાં ભેળવતું રહ્યું છે. મેકેન્લેએ તેમના શાસનકાળ દરમિયાન હવાઇ આઈલેન્ડ ફિલિપાઇન્સ અને પોર્ટો રીકોને અમેરિકાના કબજામાં લઇ લીધા હતા.
તે વેળા અમેરિકી પ્રેસિડેન્ટને જે.પી. મોર્ગન અને રોકફેલર જેવા અબજોપતિઓનો ટેકો હતો, તો આજે ટ્રમ્પની પડખે પણ આવા જ ધનપતિઓ જઇ બેઠા છે. લાલો ક્યારેય લાભ વગર લોટે નહીં. ટ્રમ્પને ગાઇવગાડીને સાથ આપી રહેલા ધનપતિઓને પણ આ જ નિયમ લાગુ પડે છે. પરંતુ ટ્રમ્પ સાહેબે યાદ કરવું પડે કે મેકેન્લે પ્રમુખપદ સંભાળતા હતા ત્યારે અમેરિકી વહીવટી તંત્રમાં દોઢ લાખ કર્મચારીઓ હતા. આજે તે આંકડો વધીને 43 લાખ પાર થઇ ગયો છે. સરકાર તો કોઇ પણ કાયદા ઘડે ને મંજૂર કરે, પણ તેનો અમલ તો આ વહીવટી તંત્રના હાથમાં જ હોય છે. સરકારનો ઇરાદો ભલે ગમેતે હોય, આ તંત્રને તેના અમલમાં રોડાં નાંખતા આવડતું હોય છે. વિવાદાસ્પદ નિર્ણયોના અમલમાં આવડા મોટા તંત્રનો સાથ મેળવવો ટ્રમ્પ માટે આસાન નહીં હોય.
ટ્રમ્પ સાહેબે શપથગ્રહણ કરતાંની સાથે જ ગર્ભપાતવિરોધી કાયદો, ક્લાયમેન્ટ ચેન્જ, ફાઇનાન્સ વગેરે સહિત અનેક બાબતે મોટા ઉપાડે જાહેરાતો ઘણી કરી છે, પરંતુ તેના વાસ્તવિક અમલ આડે સુપ્રીમ કોર્ટના અમુક ધારાધોરણોનું બંધન પણ રહેલું છે તે સહુએ યાદ રાખવું રહી. આ બધું જોતાં કેનેડા અને ગ્રીનલેન્ડ જેવા મુલક પર કબજો કરવો કે પનામા કેનાલનું સંચાલન અમેરિકા હસ્તક લઇ લેવું કે અન્ય દેશો પર ઊંચી ટેરિફ લાદવા જેવા ઇરાદાઓ ઘોંચમાં પડી શકે છે.
પ્રમુખ ટ્રમ્પ જાહેરમાં ભલે હાકલા-પડકારા કરતાં હોય ને છાતી ફુલાવીને ફરતાં હોય, પરંતુ તેમનો માંહ્યલો કડવી સચ્ચાઇથી વાકેફ છે. તેમના નિવેદનો પર એક નજર ફેરવતાં જ આ સમજાઇ જશે. ચૂંટણીપ્રચાર વેળા તેઓ જોરશોરથી કહેતા હતા કે સત્તાના સૂત્રો સંભાળતા જ તેઓ કેનેડા અને મેક્સિકોના માલસામાન પર 50 ટકા ટેરિફ ઝીંકી દેવાના છે. હવે પ્રમુખપદ સંભાળતા જ તેઓ 10 ટકાની વાત કરવા લાગ્યા છે. ચૂંટણી ટાણે તો કોઇ પણ કંઇ પણ ફેકંફેકી કરી શકે છે, પણ વાસ્તવિક અમલ વેળા જ કેટલા વીસે સો થાય તે સમજાતું હોય છે.
ટ્રમ્પ ભલે દાવો કરતાં હોય કે તેમનો ઇરાદો વૈશ્વિક શાંતિનો છે, પણ તેમના વગરવિચાર્યા શબ્દો નરી અશાંતિ ઉપજાવે છે. આશાના બદલે નિરાશા ફેલાવે છે, અને સલામતીના બદલે લોકોમાં ભયનો માહોલ સર્જે છે. તો આ સંજોગોમાં કરવું શું?
મારા મતે - પ્રમુખ ટ્રમ્પના આવા ઉડઝૂડિયા અભિગમ સંદર્ભે - કેટલાક વિચારો સહુ કોઇએ લક્ષ્યમાં રાખવા જેવા છે. એક તો, બોલનાર તો બોલે વાસ્તવમાં તેમાંથી કેટલું તથ્ય નીપજે છે તે જોવું રહ્યું. સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. અમેરિકાની સુદૃઢ બંધારણીય જોગવાઇઓ જોતાં લાગે છે કે ટ્રમ્પના કેટલાય ઇરાદાઓ ફાઇલમાં જ રહી જશે. અમેરિકી પ્રજાનો વિશાળ વર્ગ બાઇડેન સરકારની ચીલાચાલુ નીતિથી ત્રસ્ત હતા અને તેથી જ તેમણે ખોબલા મોઢે મત આપીને ટ્રમ્પને દેશની શાસનધુરા સોંપી છે. પણ હવે શું? તે સવાલ તેમને પણ સતાવવા લાગ્યો છે.
બીજો મુદ્દો એ છે કે ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) જેવા સૂત્રો જોરશોરથી પોકારીને ટ્રમ્પે સત્તા તો હાંસલ કરી લીધી છે, પરંતુ તેમણે યાદ રાખવું રહ્યું કે જનતાનો સપોર્ટ ક્યારેય કાયમી હોતો નથી. પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયેલા પ્રમુખ અત્યારે લોકપ્રિયતાના શીખરે બિરાજે છે. લોકપ્રિયતા મેળવવાનું કદાચ આસાન હશે, પણ તેને ટકાવવી એટલી જ મુશ્કેલ છે.
ડોનાલ્ડભાઇએ ગુજરાતી ઉક્તિ યાદ રાખવી રહી કે જે પોષતું તે મારતું...
ત્રીજું, ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યાને હજુ તો આંગળીને વેઢે ગણાય તેટલા દિવસો થયા છે, પણ તેમના સમર્થકોમાં હુંસાતુંસી - ખેચંતાણી શરૂ થઇ ગયાનું છે. વ્યક્તિ જેટલો વિદ્વાન - અનુભવી હોવાનો એટલો જ તેનો વિચારભેદ તીવ્ર હોવાનો. જેમ કે, ટ્રમ્પે એઆઇના સામ ઓલ્ટમેન સાથે ચર્ચા કરીને 500 બિલિયન ડોલરનો સ્ટારગેટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો કે તે સાથે જ તેમના ખાસંખાસ એલન મસ્કના પેટમાં તેલ રેડાયું. મસ્કે તરત જ મમરો મૂક્યો કે 500 બિલિયન ડોલરનું ભંડોળ જ ક્યાં છે? આ જ રીતે પ્રમુખ ટ્રમ્પે તેમના વહીવટી તંત્રને વધુ સુદૃઢ-સક્રિય બનાવવા માટે આવશ્યક પગલાં લેવા મસ્ક અને (આપણા ભારતવંશી) વિવેક રામસ્વામીના નેતૃત્વમાં વિશેષાધિકારો સાથે કમિટી રચી હતી. હવે રામસ્વામીને લાગે છે કે તેમને સાઇડલાઇન કરાઇ રહ્યા છે. આથી તેમણે કમિટીમાંથી રાજીનામું ધરી દઇને ગવર્નરપદની ચૂંટણી લડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પૃથ્વીનો ગોળો ધરતી પર ફરે છે તે સાથે જ દિવસ-રાતનું સમયચક્ર બદલાતું હોય છે. ટ્રમ્પ સાથે પણ કંઇક આવું જ બની રહ્યું છે.
ચોથું, અમેરિકા દેશ સુશિક્ષિત છે અને જનતા સંવેદનશીલ. જાહેરજીવનને સ્પર્શતો મુદ્દો હોય કે રાષ્ટ્રહિત સાથે સંકળાયેલો તેમના આઘાત-પ્રત્યાઘાત તીવ્ર હોય છે. આવી પ્રજા તેના નેતાને - કોઇ પણ મામલે - અંતિમવાદી અભિગમ અપનાવતાં રોકવા માટે સક્ષમ હોય છે.
પાંચમું, નવેમ્બરમાં જે પ્રકારે મતદાન થયું છે તેનું વિશ્લેષણ કરતાં એવું લાગે છે કે સોશિયલ મીડિયાએ (લગભગ દરેક બાબતની જેમ આ મામલે પણ) વાતનું વતેસર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બાઇડેન સરકાર કંઇક વધુ પડતી જ વિલન ચીતરાઇ ગઇ, અને ટ્રમ્પ ‘અમેરિકાના એકમાત્ર તારણહાર’ તરીકે ઉભરી આવ્યા. કમલા હેરિસ હાર્યા તેના બદલે સંજોગો એવા થઇ ગયા કે ટ્રમ્પ જીતી ગયા.
વાચકમિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે પ્રેમ અને રાજકારણમાં ક્યારેય કશું કાયમી હોતું નથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ આ જાણતાં જ હશે તેવું માનવું અસ્થાને નથી. વૈશ્વિક સ્તરે ભલે અસ્થિરતાનો માહોલ અને સ્ફોટક સંજોગો પ્રવર્તમાન હોય, પણ આશાવાદને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આશા અમર છે, અને સહુ સારા વાનાં થઇ જ રહેશે તે વાતનો મને પૂરો વિશ્વાસ છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter